પાકિસ્તાનના કરાચીના રસ્તાઓ પરથી કેવી રીતે ગાયબ થયાં હિંદુ નામો?

ઇમેજ સ્રોત, Farzan Rasheed
- લેેખક, રશીદ શકૂર
- પદ, બીબીસી હિંદી માટે
- દ્વારા રિપોર્ટિંગ, કરાંચીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 11 મિનિટ
સમજણો થયા પછી મેં કરાચીને હંમેશાં જિંદગીથી ભરપૂર શહેર તરીકે જોયું છે. તેના ઘોંઘાટમાં પણ એક વ્યવસ્થા રહેતી હતી અને સુકૂનની અનુભૂતિ થતી હતી.
જુદા જુદા સમુદાયો, ધાર્મિક માન્યતાઓ અને ધર્મો સાથે જોડાયેલા હોવા છતાં લોકોમાં ઇન્સાનિયત અને એકબીજાનાં દુઃખ-દર્દને સમજવાની ભાવના મિસાલરૂપ હતી.
અફસોસ, આજે મારી જિંદગીના 65મા વર્ષમાં જ્યારે હું આ શહેરને જોઉં છું, તો ચારેય તરફ અફરાતફરી અને નિરાશા દેખાય છે. લોકોમાં સહનશીલતા ઓછી થઈ ગઈ છે.
એને સંયોગ કહો કે મારું બાળપણ અને યુવાની કરાચીના બે જૂના વિસ્તારો, રણછોડ લાઇન અને રામ સ્વામીમાં વીત્યાં. આજે પણ આ વિસ્તારોને આ જ નામોથી ઓળખવામાં આવે છે.
એટલું જ નહીં, શહેરના અનેક બીજા રસ્તાઓ, શેરીઓ અને વિસ્તારો પણ જૂની પેઢીના લોકોની યાદોમાં પોતાનાં જૂનાં નામોથી જીવંત છે. પાકિસ્તાન બન્યાં પહેલાં આમાંની ઘણી જગ્યાઓનાં નામ હિંદુઓનાં નામ પરથી રાખવામાં આવ્યાં હતાં.
જોકે, પાકિસ્તાન બન્યા પછી અનેક રસ્તાઓ અને જગ્યાઓનાં હિંદુ નામો સત્તાવાર રીતે બદલીને મુસ્લિમ નામો રાખી દેવામાં આવ્યાં.
હિંદુ શેઠ રણછોડ દાસના નામ પરથી જગ્યા બની રણછોડ લાઇન
કરાચીના ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ પર ઇકબાલ એ. રહેમાન માંડવિયા, ગુલ હસન કલમતી, ઉસ્માન દમોહવી અને અખ્તર બલોચે અદ્ભુત સંશોધન કર્યું છે.
ઇકબાલ એ. રહેમાન માંડવિયાએ કરાચીના જૂના રસ્તાઓ અને વિસ્તારોના ઇતિહાસની સાથે ત્યાંના લોકોના રોજિંદા જીવનને પણ એટલી સુંદરતાથી આલેખ્યું છે કે, તેમને વાંચતાં એવું લાગે જાણે આપણે એ જ યુગમાં ફરી રહ્યા હોઇએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ લેખ તૈયાર કરતી વખતે આખરે મને રણછોડ લાઇન અને રામ સ્વામી જવાની તક મળી. આ જ વિસ્તારોમાં મારું બાળપણ અને યુવાની વીત્યાં હતાં. ત્યાં પહોંચતાં જ હું મારી જૂની યાદોમાં ખોવાઈ ગયો.
ઇકબાલ એ. રહેમાન માંડવિયાના જણાવ્યા મુજબ, "આ વિસ્તાર રણછોડ દાસ નામના એક કચ્છી હિંદુ શેઠના નામથી પ્રખ્યાત છે. તેમણે આ વિસ્તારમાં બે જગ્યાઓએ એક-એક ઓરડાવાળાં ઘરો બનાવડાવ્યાં હતાં. આ ઘરો તેમના નામથી જાણીતાં થયાં અને પછી આ વિસ્તાર રણછોડ લાઇન તરીકે વિખ્યાત થયો."
સમય વિત્યા પછી પણ આ બંને વિસ્તારોની રોનક ઓછી થઈ નથી. બજારોમાં આજે પણ એવી જ ચહલપહલ છે.
પરંતુ સરકારી સંસ્થાઓની ઉપેક્ષાના કારણે અહીંનાં રસ્તાઓ અને શેરીઓ તૂટી ચૂક્યાં છે. સાફ-સફાઈની પણ અછત દેખાઈ આવે છે.
આ વિસ્તારમાં પહેલાં પણ જુદા જુદા સમુદાયો અને ધર્મોના લોકો રહેતા હતા અને આજે પણ રહે છે.
જિંદગીથી ભરપૂર રણછોડ લાઇન પોતાના આસપાસની એ વસાહતોના કારણે પણ પ્રખ્યાત છે, જેનાં નામ હિંદુઓનાં નામ પરથી રાખવામાં આવ્યાં હતાં. તેમાં આજા માઊજી સ્ટ્રીટ, હીરા લાલ સ્ટ્રીટ, નારાયણપુરા અને હરદાસ સ્ટ્રીટ સામેલ છે.
આ વિસ્તારમાં કેટલીક એવી જગ્યાઓ પણ છે, જે હવે અસ્તિત્વમાં નથી. આમ છતાં લોકો તેને આજે પણ એ જ રીતે યાદ કરે છે, જેમ કે તે પહેલાં હતી. તેમાં અલ ફારૂક હોટલ અને લખપતિ હોટલ સામેલ છે.
જોકે, 1899માં બનેલો પૂનાભાઈ ટાવર આજે પણ આ વિસ્તારની ઓળખના રૂપમાં અસ્તિત્વમાં છે.

ઇમેજ સ્રોત, Farzan Rasheed
ઇકબાલ એ. રહેમાન માંડવિયાના જણાવ્યા મુજબ, "પૂનાભાઈ કોણ હતા, તે અંગે ચોક્કસપણે કશું જાણી શકાયું નથી. પરંતુ તેમના દોહિત્ર વિનોદ મુલજી રણછોડ લાઇનમા રહેતા હતા. ભાગલા સમયે તેઓ ભારત ચાલ્યા ગયા હતા."
અખ્તર બલોચે પોતાના પુસ્તક 'કરાચી વાલા'માં લખ્યું છે, "રાજસ્થાનથી આવેલા સલાવટ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રણછોડ લાઇનમાં રહે છે. આ સમુદાયના લોકો ભારતના ભાગલા પહેલાં પણ અહીં રહેતા હતા."
"આ લોકો ઇમારતો બનાવવાનાં કામો માટે પ્રખ્યાત છે. બાબા મીર મોહમ્મદ બલોચ અને હાશિમ ગઝદરે આ સમુદાયને એક મહત્ત્વપૂર્ણ ઓળખ આપી. રણછોડ લાઇનનું હૃદય એ રસ્તો છે, જે પૂનાભાઈ ટાવરથી શરૂ થઈને હોતી માર્કેટ પર પૂરો થાય છે."
હોતી માર્કેટ 1926માં બનાવવામાં આવી હતી. તેનું નામ મુસ્લિમ મારવાડી સલાવટ જમાત સાથે જોડાયેલા હસન અલી હોતીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેઓ કરાચી નગરપાલિકાના સભ્ય હતા.
હોતી માર્કેટને બન્યાને સો વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે. હવે તેને એક મહત્ત્વપૂર્ણ વારસા તરીકે સુરક્ષિત કરી લેવામાં આવી છે.
અખ્તર બલોચના જણાવ્યા મુજબ, "સરકારે રણછોડ લાઇનનું નામ બદલીને ગઝદર આબાદ કરી દીધું હતું, પરંતુ આ ફેરફાર માત્ર સરકારી કાગળો સુધી જ સીમિત રહ્યો."
"સામાન્ય લોકો આજે પણ આ વિસ્તારને તેના જૂના નામથી જ ઓળખે છે. જોકે, જે વ્યક્તિના નામ પરથી તેને ગઝદર આબાદ કહેવામાં આવ્યું, તેઓ હાશિમ ગઝદર હતા. તેઓ ઇજનેર હતા અને તે યુગની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેતા હતા. તેમણે આ વિસ્તારમાં લોકહિતનાં અનેક કામો પણ કર્યાં હતાં."
રામ સ્વામી પણ કરાચીના જૂના વિસ્તારોમાંથી એક છે.
આ અંગે ઇકબાલ એ. રહેમાન માંડવિયા કહે છે, "સ્વામિનારાયણ સંપ્રદાયના હિંદુઓ અહીં આવીને વસ્યા હતા. આ જ કારણે આ વિસ્તાર આજે પણ પોતાના જૂના નામ રામ સ્વામીથી ઓળખાય છે."
"આ વિસ્તારનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તુલસી દાસ સ્ટ્રીટ હતી. તેનું નામ ગોસ્વામી તુલસીદાસના નામ પરથી રાખવામાં આવ્યું હતું."
તુલસી દાસ સ્ટ્રીટમાં રહેતા લોકોએ ત્યાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવ્યાં હતાં. તેથી આ શેરી 'ઝાડ વાળી શેરી' તરીકે પણ પ્રખ્યાત હતી. હવે આ શેરી તૂટી ચૂકી છે.
યહૂદી પ્રાર્થના સ્થળ

ઇમેજ સ્રોત, Emanuel Matate
રામ સ્વામીમાં એક ઇમારત એવી હતી, જેને લઈને બાળપણમાં મારા મનમાં હંમેશાં ઉત્સુકતા રહેતી હતી. તે મૅગન શાલોમ સિનેગૉગ હતું.
આ એક યહૂદી પ્રાર્થના સ્થળ હતું અને મારા ઘરની ખૂબ નજીક હતું. બધા લોકો તેને બની ઇઝરાયલ મસ્જિદના નામથી ઓળખતા હતા. આ સ્થળને 1893માં બનાવવામાં આવ્યું હતું.
આ વિસ્તારની સૌથી પ્રખ્યાત ઇમારત હતી, પરંતુ તેને લઈને એક પ્રકારનું રહસ્ય પણ બનેલું રહેતું હતું.
લાકડાનો દરવાજો ખૂલતો અને હું લોકોને અંદર આવતાં-જતાં જોતો રહેતો હતો.
પછી એક સમય એવો આવ્યો, જ્યારે કરાચીમાં રહેતા યહૂદી પરિવારો શહેર છોડીને ઇઝરાયલ જવા લાગ્યા. આ પછી 1988માં આ પ્રાર્થના સ્થળને તોડી પાડવામાં આવ્યું અને તેની જગ્યાએ એક ઇમારત બનાવી દેવામાં આવી. તે ઝિયા-ઉલ-હકનો યુગ હતો.
યહૂદી વેપારી ઇમૅન્યુઅલ મતાતની કરાચી સાથે ઊંડી યાદો જોડાયેલી છે, કારણ કે તેમનો જન્મ આ જ શહેરમાં થયો હતો.
તેમણે શહેરની પ્રખ્યાત બીવીએસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં ઝહીર અબ્બાસની સદી અને ઇમરાન ખાનનું આઠ વિકેટ લેવાવાળું શાનદાર પ્રદર્શન પણ જોયું હતું.
હવે તેઓ ઇઝરાયલમાં રહે છે.
ઇમૅન્યુઅલ મતાતે 'બીબીસી ન્યૂઝ હિંદી' સાથે વાત કરતાં કહ્યું, "કરાચીના આ જ સિનેગૉગમાં મારાં માતાએ 1953માં મહિલાઓનાં કપડાંના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પ્રથમ પુરસ્કાર જીત્યો હતો."
"સંયોગ જુઓ કે મારાં માતાપિતાનાં લગ્ન પણ આ જ સિનેગૉગમાં થયાં હતાં."

ઇમેજ સ્રોત, Emanuel Matate
પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ સ્પિનર ઇકબાલ કાસિમનું બાળપણ પણ રામ સ્વામીમાં વીત્યું છે.
ઇકબાલ કાસિમે 'બીબીસી હિંદી'ને કહ્યું, "હું ઓલ્ડ સિટી એરિયામાં સિટી કોર્ટ પાસે આવેલી તૈયબ અલી સ્કૂલમાં ભણતો હતો."
"મારો રોજનો નિયમ હતો કે હું રામ સ્વામીમાં લૉરેન્સ રોડથી, જેનું નામ પછીથી નિશ્તર રોડ થઈ ગયું, ટ્રામમાં બેસીને સ્કૂલે જતો હતો."
ઇકબાલ કાસિમને બાળપણના એ દિવસો આજે પણ સારી રીતે યાદ છે, જ્યારે તેઓ રામ સ્વામીની આ જ શેરીઓમાં ટેનિસ બૉલથી ક્રિકેટ રમતા હતા.
એમની સાથે ક્રિકેટ રમનારાઓમાં આઇઝક સોલોમન પણ સામેલ હતા. તેઓ એકમાત્ર યહૂદી ક્રિકેટર છે, જેમણે કરાચીમાં પ્રથમ શ્રેણી (ફર્સ્ટ ક્લાસ) ક્રિકેટ રમ્યું હતું. હવે તેઓ અમેરિકામાં રહે છે.
અખ્તર બલોચે પોતાના એક સંશોધન લેખમાં કરાચીના યહૂદી કબ્રસ્તાનનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. પછીથી આ લેખ તેમના પુસ્તકનો ભાગ પણ બન્યો.
આ કબ્રસ્તાન કરાચીના જૂના મેવા શાહ કબ્રસ્તાનના એક ભાગમાં આવેલું છે. તેમાં આશરે પાંચસો કબરો છે.
તેની સંભાળ રાખતો બલોચ પરિવાર કોઈ સામાન્ય વ્યક્તિને તેની અંદર જવા દેતો નથી.
ગાંધી ગાર્ડન ક્યાં ગયો?

ઇમેજ સ્રોત, Farzan Rasheed
રણછોડ લાઇન અને રામ સ્વામીમાં આશરે 15 વર્ષ રહ્યા પછી હું પાસેના વિસ્તાર શૂ માર્કેટમાં રહેવા જતો રહ્યો.
આ પછી એક નામ 31 વર્ષ સુધી મારી સાથે જોડાયેલું રહ્યું. એ નામ હતું હીરાનંદ ખેમસિંહ રોડ.
આ જ મારા ઘરનું ટપાલનું સરનામું હતું. અવારનવાર આ જ સરનામે કોઈ ને કોઈ પત્ર કે પાર્સલ આવતું હતું.
એ પણ કેવો જમાનો હતો, જ્યારે ટપાલી દરવાજે ટકોરા દેતો હતો. તેના હાથમાંથી પત્ર કે પાર્સલ લેતી વખતે એક અલગ પ્રકારની ખુશી અનુભવાતી હતી.
હીરાનંદ ખેમસિંહ કોણ હતા, તે અંગે ચોક્કસપણે કશું જાણી શકાયું નથી.
મારા ઘર પાસે આવેલી જે જગ્યાએ લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું, તે સ્થળ ગાંધી ગાર્ડન હતું.
ગાંધી ગાર્ડન વાસ્તવમાં એક પ્રતીક અને શહેરની ઓળખ હતો. એ એક એવું નામ હતું, જે શહેરના દરેક નાગરિકના મનમાં વસેલું હતું.
પહેલાં તેનું નામ વિક્ટોરિયા ગાર્ડન હતું. પરંતુ 1934માં જ્યારે મહાત્મા ગાંધી કરાચી આવ્યા, ત્યારે તેમના સન્માનમાં અહીં એક સ્વાગત સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ પછી તેનું નામ સત્તાવાર રીતે ગાંધી ગાર્ડન રાખી દેવામાં આવ્યું. આ ગાર્ડન આ જ નામથી પ્રખ્યાત થયો અને જૂની પેઢીના લોકો આજે પણ તેને ગાંધી ગાર્ડન જ કહે છે.
પરંતુ નવી પેઢી તેને કરાચી ઝૂના નામથી જાણે છે. બાળકો કહે છે કે તેઓ પ્રાણીસંગ્રહાલય ફરવા જઈ રહ્યા છે.
જાન્યુઆરી 1953માં તેનું નામ બદલીને કરાચી ઝૂલૉજિકલ ગાર્ડન કરી દેવામાં આવ્યું હતું.
પરંતુ લાંબા સમય સુધી દરેક વ્યક્તિની જીભ પર ગાંધી ગાર્ડનનું નામ જ રહ્યું. જ્યારે બસ સ્ટૉપ આવતું, ત્યારે બસ કંડક્ટરનો અવાજ ગૂંજતો, "ગાંધી ગાર્ડનના મુસાફરો આવી જાઓ."
શહેરના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પાકિસ્તાન ચોકનું નામ પણ ક્યારેક ગાંધી ચોક હતું.
મહાત્મા ગાંધી જ્યારે કરાચી આવ્યા હતા, ત્યારે હિંદુ સમુદાયે આ ચોકનું નામ તેમના નામ પરથી રાખ્યું હતું.
પટેલ પાર્ક કેવી રીતે નિશ્તર પાર્ક બન્યો?

ઇમેજ સ્રોત, Farzan Rasheed
ગાંધી ગાર્ડનથી આગળ વધીને સોલ્જર બજારના વિસ્તારમાં જઈએ, તો ત્યાં આવેલો એક પાર્ક કે મેદાન દરેકનું ધ્યાન ખેંચે છે.
આ વિસ્તાર ક્યારેક પટેલ પાર્ક કહેવામાં આવતો હતો. સમય જતાં તેનું નામ પણ બદલાઈ ગયું અને તે નિશ્તર પાર્ક બની ગયો.
આ વાત બિલકુલ સાચી નથી કે પટેલ પાર્કનું નામ ભારતના પૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
વાસ્તવમાં તેનું નામ તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી હતું.
પછીથી તેનું નામ સરદાર અબ્દુર રબ નિશ્તરના નામ પરથી રાખી દેવામાં આવ્યું.
પરંતુ લાંબા સમય સુધી લોકો તેને નિશ્તર પાર્કના બદલે પટેલ પાર્ક જ કહેતા રહ્યા. ઘણા સમય પછી તેને નિશ્તર પાર્ક કહેવા લાગ્યા.
પટેલ પાર્ક કે નિશ્તર પાર્કની ઓળખ ક્લબ ક્રિકેટના એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પણ રહી છે. અહીં ક્રિકેટની શરૂઆત અંગ્રેજોના શાસન દરમિયાન જ થઈ ગઈ હતી.
આ મેદાન પર એવા અનેક ખેલાડીઓ નિયમિતપણે ક્લબ મૅચ રમતા રહ્યા, જેઓ પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યા.
નિશ્તર પાર્ક રાજકીય અને ધાર્મિક પક્ષોની સભાઓનું પણ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે.
ઈદ-મિલાદુન્નબીનાં ધાર્મિક આયોજનો અને મહોર્રમની મજલિસો આજે પણ અહીં યોજાય છે. અહીં ઈદની નમાઝ પણ પઢવામાં આવે છે.
આ એ જ નિશ્તર પાર્ક છે, જ્યાં એપ્રિલ 2006માં ઇદ-મિલાદુન્નબીના એક કાર્યક્રમ દરમિયાન થયેલા બૉમ્બ ધડાકામાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. 1970માં શેખ મુજીબુર રહેમાન અને 1971માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ આ જ નિશ્તર પાર્કમાં સભાઓ કરીને પોતાની લોકપ્રિય તાકાત દર્શાવી હતી.
આ જ નિશ્તર પાર્ક પાસે પ્રખ્યાત સિંધી રાજકારણી જી. એમ. સૈયદનું ઘર હૈદર મંજિલ આવેલું છે. તેમના જીવનકાળ દરમિયાન આ ઘર રાજકીય પ્રવૃત્તિઓનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું.
પાકિસ્તાન બન્યા પછી રસ્તાઓ અને જગ્યાઓનાં હિંદુ નામો બદલવાનો જે સિલસિલો શરૂ થયો હતો, તેમાં 1965ના યુદ્ધ પછી ઝડપ આવી ગઈ.
આ જ યુદ્ધ પછી પટેલ પાર્કનું નામ બદલીને નિશ્તર પાર્ક રાખવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Farzan Rasheed
ઇકબાલ એ. રહેમાન માંડવિયા પોતાના પુસ્તકમાં લખે છે, "1958માં સરદાર અબ્દુર રબ નિશ્તરની અંતિમ નમાઝ આ જ પાર્કમાં મૌલાના એહતિશામ-ઉલ-હક થાનવીએ પઢાવી હતી."
"આ પછી 1980માં મૌલાના એહતિશામ-ઉલ-હક થાનવીની અંતિમ નમાઝ તેમના પુત્ર મૌલાના એહતરામ-ઉલ-હક થાનવીએ પઢાવી હતી."
"બહુ ઓછા લોકોને એ ખબર હશે કે પાકિસ્તાનના મહાન ક્રિકેટર હનીફ મોહમ્મદનાં લગ્નનું રિસેપ્શન પણ આ જ પાર્કમાં યોજાયું હતું."
શહેરમાં હિંદુ નામોવાળા મોટા ભાગના રસ્તાઓ જૂના વિસ્તારોમાં હતા.
જે રસ્તાઓ અને વિસ્તારોનાં નામ બદલવામાં આવ્યાં, તે બધાનો ઉલ્લેખ માત્ર એક લેખમાં કરવો શક્ય નથી.
શહેરના કેટલાક પ્રખ્યાત રસ્તાઓનાં હિંદુ નામો બદલીને મુસ્લિમ નામો રાખવામાં આવ્યાં.
ન્યૂનહમ રોડનું નામ ફખ્ર માતરી રોડ રાખવામાં આવ્યું. ફખ્ર માતરી કરાચીથી નીકળતા ઉર્દૂ અખબાર 'હુર્રિયત' અને ગુજરાતી અખબાર 'મિલ્લત'ના સ્થાપક હતા.
હરચંદ રાય વિશનદાસ રોડનું નામ બદલીને સિદ્દીક વહાબ રોડ કરી દેવામાં આવ્યું.
આવી જ રીતે આત્મારામ પ્રીતમ દાસ રોડ પછીથી અલ્તાફ હુસૈન હાલી રોડ બન્યો અને હવે તેનું નામ શાહ અબ્દુલ લતીફ ભિટાઈ રોડ છે.
રેડિયો પાકિસ્તાનના કરાચી સ્ટેશનની ઇમારત પાછળ રતન તળાવનો વિસ્તાર છે, જે રતન તલાવના નામથી પ્રખ્યાત છે. અહીં એક મંદિર પણ આવેલું છે.
ક્યારેક આ વિસ્તારની ઓળખ મરાઠા સમુદાયના કારણે હતી. આ સમુદાયના નેતા રતનજી હતા અને તેમના જ નામ પરથી આ જગ્યા પ્રખ્યાત થઈ.
અહીં એક તળાવ હોતું હતું, જે પાકિસ્તાન બન્યા પછી વિતેલા સમયનો હિસ્સો બની ગયું.
બબીતા, સાધના, મૅક મોહન અને રમેશ સિપ્પીની જન્મભૂમિ

ઇમેજ સ્રોત, Sanjit Pariyar/NurPhoto via Getty Images
કરાચીના ભૂતકાળ અને તેનાથી જોડાયેલી હસ્તીઓ પર સંશોધન લેખ લખનારા શાહ વલીઉલ્લાહ જુનૈદીના જણાવ્યા મુજબ, કપૂર પરિવારની વહુ અને કરીના તથા કરિશ્મા કપૂરનાં માતા બબીતાનો જન્મ 20 એપ્રિલ, 1947ના રોજ રતન તલાવ વિસ્તારમાં થયો હતો.
તે સમયે તેમનું પૂરું નામ બબીતા શિવદાસાની હતું.
તેઓ માત્ર કેટલાક મહિના જ કરાચીમાં રહ્યાં. 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન બન્યા પછી તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ ચાલ્યાં ગયાં.
શાહ વલીઉલ્લાહ જુનૈદીના જણાવ્યા મુજબ, દિગ્દર્શક રમેશ સિપ્પીનો જન્મ કરાચીના સદર વિસ્તારમાં થયો હતો.
ફિલ્મ 'શોલે'ના સાંભાના પાત્રથી પ્રખ્યાત થયેલા મૅક મોહનનો જન્મ હોતી માર્કેટ પાસે જુબિલી સિનેમાવાળા વિસ્તારમાં થયો હતો.
પાકિસ્તાન બન્યા પછી કરાચીમાં બનાવાયેલું આ પહેલું સિનેમા હતું.
ઇકબાલ માંડવિયાના જણાવ્યા મુજબ, "રામ સ્વામીની તુલસી દાસ સ્ટ્રીટ પાસે આવેલી એક બીજી શેરીમાં ભારતનાં પ્રખ્યાત અભિનેત્રી સાધનાનો જન્મ સપ્ટેમ્બર 1941માં એક સિંધી હિંદુ પરિવારમાં થયો હતો."
"તે સમયે તેમનું નામ સાધના શિવદાસાની હતું. પાકિસ્તાન બન્યા પછી તેઓ પણ પોતાના પરિવાર સાથે કરાચી છોડીને ભારત ચાલ્યાં ગયાં હતાં."
અંગ્રેજી નામો પણ રસ્તાઓ પરથી ગાયબ થયાં
પાકિસ્તાન બન્યા પછી માત્ર હિંદુ નામોવાળા રસ્તાઓ અને વિસ્તારોનાં નામ જ બદલવામાં આવ્યાં નથી. અંગ્રેજી નામો પણ બદલી નાખવામાં આવ્યાં.
તેમની યાદી પણ લાંબી અને ખૂબ જ રસપ્રદ છે.
અંગ્રેજોના શાસન દરમિયાન સિંધના એક ગવર્નર જૉનાથન ડંકન ઇનવેરેરિટીના નામ પરથી ઇનવેરેરિટી રોડ હતો. મેં પોતે લાંબા સમય સુધી આ રસ્તા પર તેના જૂના નામનું બોર્ડ જોયું છે.
કરાચી પ્રેસ ક્લબ આ જ રસ્તા પર આવેલી છે. કોઈ સમયગાળામાં અહીં ગેથે ઇન્સ્ટિટ્યૂટ પણ હતી.
પછીથી આ રસ્તાનું નામ સરવર શહીદના નામ પરથી રાખવામાં આવ્યું. તેઓ પાકિસ્તાનનું સૌથી મોટું લશ્કરી સન્માન 'નિશાન-એ-હૈદર' મેળવનારા પહેલા સૈનિક હતા.
લૉરેન્સ રોડ શહેરના ઓલ્ડ સિટી એરિયાનો સૌથી લાંબો રસ્તો છે. આ રસ્તાનું નામ ભારતના વાઇસરોય સર જૉન લૉરેન્સના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પછીથી તેનું નામ બદલીને નિશ્તર રોડ કરી દેવામાં આવ્યું.
અનેક બૅન્કોનાં મુખ્યાલયો, અખબારો અને ટીવી ચૅનલોવાળો વ્યસ્ત મૅક્લિયૉડ રોડ હવે પાકિસ્તાનના છઠ્ઠા વડા પ્રધાન ઇબ્રાહિમ ઇસ્માઇલ ચુંદરીગરના નામ પરથી આઇ. આઇ. ચુંદરીગર રોડ કહેવાય છે.
ક્વીન્સ રોડ હવે મૌલવી તમીઝુદ્દીન ખાન રોડ બની ચૂક્યો છે. મૌલવી તમીઝુદ્દીન ખાન પાકિસ્તાનની નૅશનલ ઍસેમ્બલીના સ્પીકર હતા.
સમરસેટ સ્ટ્રીટ હવે રાજા ગઝનફર અલી ખાન રોડ કહેવાય છે.
સોલોમન ડૅવિડ રોડનું નામ બદલીને સુલેમાન દાઉદ રોડ કરી દેવામાં આવ્યું.
સિંધ હાઇકોર્ટના પાછલા ભાગથી શરૂ થઈને સેન્ટ પૅટ્રિક ચર્ચ પર પૂરી થતી ક્લાર્ક સ્ટ્રીટનું નામ હવે શાહરાહ-એ-ઇરાક છે.
આવી જ રીતે અલ્ફિન્સ્ટન સ્ટ્રીટ હવે ઝેબુન્નિસા સ્ટ્રીટ કહેવાય છે.
કરાચી પર જેમ્સ સ્ટ્રેચનનો અહેસાન
કરાચીના જે વ્યસ્ત વિસ્તારમાં કરાચી આર્ટ્સ કાઉન્સિલ અને હિંદુ જિમખાના આવેલાં છે, ત્યાંના ચોકથી પાકિસ્તાન ચોક સુધી જતો રસ્તો ક્યારેક સ્ટ્રેચન રોડ કહેવાતો હતો.
પછીથી તેનું નામ બદલીને મૌલાના દિન મોહમ્મદ વફાઈ રોડ કરી દેવામાં આવ્યું.
સંશોધક ઉસ્માન દમોહવીએ પોતાના પુસ્તક 'કરાચી તારીખ કે આઇને મેં'માં લખ્યું છે, "કરાચી શહેરનું આયોજન કરવામાં જેમ્સ સ્ટ્રેચનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓ ઇજનેર હતા અને 1873માં કરાચી નગરપાલિકાના મુખ્ય ઇજનેર અને સચિવ બનાવાયા હતા."
"કરાચીમાં વીજળી, ટેલિફોન, રસ્તાઓ પર રોશની અને ઘરો સુધી પાણી પહોંચાડવાની યોજનાઓ તેમના કારણે જ શક્ય બની હતી."
"તેમણે કરાચીમાં ટ્રામ કંપની બનાવીને ટ્રામ સેવા શરૂ કરાવી હતી. આ સિવાય કરાચી બંદર પાસે આવેલા કૅમારી વિસ્તારમાં એક હૉસ્પિટલ પણ બનાવાઈ હતી."
બીજી તરફ, મૌલાના દિન મોહમ્મદ વફાઈ એક ધાર્મિક વિદ્વાન હતા. તેમણે અનેક પુસ્તકો લખ્યાં.
તેઓ 'અલ વહીદ' અખબારના તંત્રી પણ હતા અને એક બહાદુર પત્રકાર તરીકે પ્રખ્યાત હતા.
ઇંગલ રોડ હવે એમ. આર. કયાની રોડ બની ચૂક્યો છે. એમ. આર. કયાની પશ્ચિમ પાકિસ્તાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.
સર ચાર્લ્સ નેપિયરના નામવાળો નેપિયર રોડ હવે શાહરાહ અલ્તાફ હુસૈન કહેવાય છે.
વિક્ટોરિયા રોડ હવે અબ્દુલ્લા હારૂન રોડ છે.
હૅવલૉક રોડને હવે એવાન-એ-સદર રોડ કહેવામાં આવે છે.
કરાચીની અનેક યાદગાર ઇમારતોના વાસ્તુકાર મોસેસ સોમેકના નામ પરથી બનેલી મોસેસ સ્ટ્રીટનું નામ બદલીને મૂસા જી સ્ટ્રીટ કરી દેવામાં આવ્યું.
કરાચીના સૌથી લાંબા રસ્તાને કૅમારી બંદર સુધી જવાના કારણે બંદર રોડ કહેવામાં આવતો હતો.
હવે પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાના નામ પરથી તેનું નામ એમ. એ. ઝીણા રોડ છે. પરંતુ લોકો આજે પણ તેને તેના જૂના નામથી જ બોલાવે છે.
હા જી, આ એ જ બંદર રોડ છે, જેને લોકો આજે પણ અહમદ રુશ્દીના ગીતના કારણે યાદ કરે છે:
"બંદર રોડ સે કૅમારી, ચલી રે મેરી ઘોડા ગાડી, બાબૂ હો જાના ફુટપાથ પર."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























