કરીના કપૂરે દિવાળીની ઉજવણી વખતે વારસાગત હાર પહેરતાં કાનૂની નોટિસ મળી, આ હારમાં એવું તો શું હતું?

ઇમેજ સ્રોત, Rhea Kapoor/instagram
દિવાળીની ઉજવણીની તૈયારી કરતી વખતે બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનને કદાચ કલ્પના પણ નહીં હોય કે તેમના ગળાનો હાર તેમને કાનૂની વિવાદમાં ફસાવી શકે છે.
કરીનાએ આ પ્રસંગે પહેરેલા 30 કૅરેટના નીલમણિજડિત હાર પર કુરાનની આયત 'આયતુલ કુર્સી' કોતરેલી હતી.
આ પ્રસંગની તસવીરો જાહેર થયા બાદ કૉંગ્રેસના નેતા અને રાષ્ટ્રીય મીડિયા સંયોજક અબ્બાસ હફીઝે કરીનાને કાનૂની નોટિસ મોકલી છે. સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી તસવીરોમાં કુરાનની આ આયત જે રીતે દર્શાવવામાં આવી છે, તેની સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે.
આ નોટિસ માત્ર અભિનેત્રી કરીના કપૂરને જ નહીં, પરંતુ તેમનાં સ્ટાઇલિસ્ટ રિયા કપૂરને પણ મોકલવામાં આવી છે.
નોટિસમાં માગ કરવામાં આવી છે કે સંબંધિત તસવીરો, વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ હઠાવી દેવામાં આવે, જાહેરમાં માફી માગવામાં આવે અને ભવિષ્યમાં કુરાનના આ પવિત્ર લખાણની ધાર્મિક પવિત્રતા જળવાઈ રહે એ રીતે જ તેને રજૂ કરવામાં આવશે, એવી ખાતરી આપવામાં આવે.

ઇમેજ સ્રોત, Kareena Kapoor Khan/Instagaram
કરીના કપૂર ખાને તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર દિવાળી પ્રસંગે શાહી ઠાઠમાઠવાળા પોશાકમાં પોતાની તસવીરો પોસ્ટ કરી હતી.
દિવાળીની આ ઉજવણીમાં ફિલ્મજગતની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, કરીનાએ પોતાના ખાસ અંદાજની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

ઇમેજ સ્રોત, Rhea Kapoor/instagram
કરીનાને આ અંદાજમાં તૈયાર કરનાર રિયા કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો પોસ્ટ કરી હતી. તેની સાથે તેમણે લખ્યું હતું, "અસલી ફિલ્મસ્ટાર, અસલી ચાંદી, પરિવારનો અસલી વારસો અને પોતાની આગવી પહેરવેશની શૈલી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પોસ્ટમાં તેમણે વધુ વિગતો આપતાં લખ્યું હતું, "કરીનાએ પુનીત બાલાએ ડિઝાઇન કરેલો શુદ્ધ ચાંદીનો કફ્તાન અને પાઘડી પહેર્યાં છે. તેમણે ભોપાલના નવાબની 200 વર્ષ જૂની કલગી અને ભોપાલની બેગમનો 30 કૅરેટનો નીલમણિ પણ પહેર્યો છે, જેના પર આયતુલ કુર્સી કોતરેલી છે."
તેમણે જણાવ્યું હતું કે આ ઘરેણાં 'ભોપાલના શાહી પરિવારનો પેઢી દર પેઢી ઊતરી આવેલો વારસો' છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, "આ ઐતિહાસિક ઘરેણાં સૈફ અલી ખાનના પરિવાર મારફતે કરીના સુધી પહોંચ્યાં છે. સૈફનાં દાદી સાજિદા સુલતાન ભોપાલના છેલ્લા શાસક નવાબનાં પુત્રી હતાં."
કાનૂની નોટિસમાં શું કહેવામાં આવ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હફીઝના વકીલ મોહમ્મદ ઝફરે મીડિયાને જણાવ્યું હતું કે તેમના અસીલ ઇચ્છે છે કે પવિત્ર આયત ધરાવતી તસવીરો સોશિયલ મીડિયામાંથી હઠાવવામાં આવે.
તેમણે કહ્યું, "અમને બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂરે પેન્ડન્ટ પહેર્યું તેની સામે વાંધો નથી, પરંતુ આ પેન્ડન્ટ પર જે લખાણ કોતરેલું છે તેની સામે અમને વાંધો છે."
તેમણે કહ્યું, "તેના પર પવિત્ર કુરાનની એક આયત કોતરેલી છે, જેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે."
"મારા અસીલ અને અમારા સૌનું માનવું છે કે આનાથી સમગ્ર મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ છે."
વકીલ મોહમ્મદ ઝફરે કહ્યું, "અમારી પરંપરા મુજબ આ આયતનું પઠન કરતાં પહેલાં અથવા પવિત્ર કુરાનને સ્પર્શ કરતાં પહેલાં વુઝૂ (ધાર્મિક વિધિ પ્રમાણે હાથ-પગ અને મોં વગેરે ધોવાની ક્રિયા) કરવું જરૂરી માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેને જે રીતે રજૂ કરવામાં આવી છે, તેની સામે અમારો મુખ્ય વાંધો છે."
તેમણે ઉમેર્યું, "એટલા માટે જ અમે આ કાનૂની નોટિસ મોકલી છે અને આ તસવીરોને હઠાવવાની માગ કરી છે."
'તહેવારોની સાચી ભાવનાને નબળી પાડવાનો પ્રયાસ'

ઇમેજ સ્રોત, Rhea Kapoor/instagram
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિવાળીના પ્રસંગે કરીના કપૂરે કુરાનની આયતો ધરાવતો હાર પહેર્યો ત્યારે સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
કરીના કપૂર અને રિયા કપૂર બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે, "શું તેમણે ખરેખર આયતુલ કુર્સી કોતરેલું પેન્ડન્ટ પહેર્યું છે?"
ફહીમા નામનાં એક યૂઝરે લખ્યું હતું, "કૃપા કરીને આયતુલ કુર્સીનું અપમાન ન કરો. આ આપણા પવિત્ર ગ્રંથ કુરાનની આયતો છે."
એક તરફ કેટલાક લોકો કુરાનની આયતો ધરાવતાં ઘરેણાં પહેરવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ હિંદુ ધર્મના અનુયાયીઓ પણ આ બાબતે વાંધો વ્યક્ત કરી રહ્યા છે.
શીતલ ગુપ્તાએ લખ્યું હતું, "કરીના કપૂર દિવાળીના પ્રસંગે ઇસ્લામિક શૈલીનાં વસ્ત્રો અને કથિત રીતે કુરાનની આયતો ધરાવતાં ઘરેણાં પહેરીને બહાર આવ્યાં હતાં. આપણી સંસ્કૃતિ અને તહેવારોની સાચી ભાવનાને નબળી પાડવાનો સતત પ્રયાસ થતો રહે છે. આપણા તહેવારોની સાચી ઓળખ સાથે ચેડાં કરવાનું બંધ કરો. સનાતન સંસ્કૃતિ માત્ર પ્રતીકાત્મક સન્માન નહીં, પણ સાચા આદરને પાત્ર છે."
જોકે, કેટલાક યૂઝર્સનું માનવું છે કે આટલો હોબાળો મચાવવો પડે એવી આ કોઈ મોટી બાબત નહોતી.
આરોહી રેડ્ડીએ લખ્યું હતું કે, "કરીના કપૂરનો 'એકમાત્ર ગુનો એટલો જ હતો કે તેમણે દિવાળીના પ્રસંગે ભોપાલની બેગમનો ઐતિહાસિક હાર પહેર્યો હતો... જરા વિચારો કે કેટલીક વ્યક્તિઓની ધાર્મિક લાગણીઓ કેટલી સહેલાઈથી અને કેટલી નાની બાબતોમાં દુભાઈ જાય છે!"
"હિંદુ ધર્મ સાથે સંકળાયેલી નાની નાની બાબતોમાં પણ તરત અવાજ ઉઠાવતાં ડાબેરી-ઉદારવાદી વર્તુળો આજે સંપૂર્ણપણે ચૂપ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























