ગુજરાતે નર્મદાનું વધારે પાણી મેળવવા માટે બીજાં રાજ્યોને પૈસા ચૂકવવા પડશે? શું છે મામલો

નર્મદા ડૅમ વિવાદ, રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદાનો વિવાદ, ગુજરાતે નર્મદાના પાણી માટે નાણા આપવા પડશે, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશને કેટલી વીજળી મળે, વન-ટાઇમ સેટલમેન્ટ
ઇમેજ કૅપ્શન, ફાઇલ તસ્વીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

"ગુજરાતમાં પાણીની જે કમતરતા છે, એટલું પાણી ચોક્કસ મળે, એની તમને ઍડ્વાન્સમાં ખાતરી આપી દઉં છું."

તા. 25 મી ઑક્ટોબરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતમાં એક જાહેરકાર્યક્રમ દરમિયાન આ વાતની જાહેરાત કરી, ત્યારે હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો, પરંતુ અન્ય રાજ્યો સહમત થશે કે કેમ, તેના વિશે કેટલાકના મનમાં સંશય હતો.

આના લગભગ એક પખવાડિયા પછી સી. આર. પાટીલ જળશક્તિ મંત્રાલયની ઍડ્વાઇઝરી કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા.

સોમવારે તેમણે ચારેય રાજ્યો વચ્ચે નર્મદા ડૅમ પાછળના ખર્ચનો 30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયો હોવાની જાહેરાત કરી હતી.

આ સાથે જ તેમણે ગુજરાતને પાણી મળશે તથા તેના માટે ગુજરાત નાણા ચૂકવશે, તેવી જાહેરાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે ઓછો વરસાદ પડતાં આવનારા સમયમાં પાણીની સમસ્યા વિકરાળ બની શકે છે.

ત્યારે નર્મદા ડૅમના ખર્ચનો 30 વર્ષ જૂનો વિવાદ શું છે, ગુજરાતે નર્મદાના પાણી માટે કેમ નાણાં ચૂકવવાં પડશે, તેના બદલામાં અસરગ્રસ્ત રાજ્યોને શું મળશે, આ બધું કેવી રીતે નક્કી થશે, તેના વિશે જાણો.

નર્મદાના પાણીનો 30 વર્ષ જૂનો વિવાદ શું છે?

સીઆર પાટીલે સુરતમાં જાહેરાત કરી, એ પછી તેમની અધ્યક્ષતામાં રિવ્યૂ કમિટી ફૉર નર્મદા કંટ્રોલ ઑથૉરિટીની (RCNCA) 15મી બેઠક વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી મળી.

પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાગ લેવા માટે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવ તથા રાજસ્થાનના મુખ્ય મંત્રી ભજનલાલ પણ સામેલ થયા હતા.

આ બેઠકમાં દેશના ઍટર્ની જનરલનો અભિપ્રાય તથા ચાર રાજ્યો વચ્ચેના મૅમોરેન્ડમ ઑફ અગ્રીમેન્ટને (તા. સાતમી જુલાઈના) બહાલી આપવામાં આવી હતી.

જે મુજબ નર્મદા ડૅમના બાંધકામ અને જાળવણી પાછળ જે કંઈ ખર્ચ થયો, તેની બાકી નીકળતી રકમના ચારેય રાજ્યોએ 'વન-ટાઇમ સેટલમૅન્ટ' દ્વારા પરસ્પર પતાવટ કરશે અને વ્યાજ ચૂકવશે.

આ રકમ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ચૂકવી દેવામાં આવશે, તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

દેશમાં ચાલી રહેલાં અનેક જળવિવાદોમાંથી એક નર્મદા વિવાદના ઉકેલની દિશામાં આને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

નર્મદા ડૅમ: વીજળી અને પાણીની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે?

નર્મદા ડૅમ વિવાદ, રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદાનો વિવાદ, ગુજરાતે નર્મદાના પાણી માટે નાણા આપવા પડશે, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશને કેટલી વીજળી મળે, વન-ટાઇમ સેટલમેન્ટ
ઇમેજ કૅપ્શન, 27મી ઑક્ટોબરે રિવ્યૂ કમિટી ફૉર નર્મદા કંટ્રોલ ઑથૉરિટીની બેઠકમાં ભાગ લેવા માટે ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ દિલ્હી ગયા હતા.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતને માટે નર્મદા નદી પરનો સરદાર સરોવર ડૅમ જીવાદોરી સમાન છે. જે તેની પીવાના પાણીની, સિંચાઈ તથા ઔદ્યોગિક જરૂરિયાતોને પૂરી કરે છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની વેબસાઇટ મુજબ, નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલ (એનડબલ્યુડીટી)એ 1979માં કયા રાજ્યને પાણી અને વીજળીનો કેટલો જથ્થો મળશે તેનો ચુકાદો આપ્યો હતો.

તે મુજબ 75 ટકા ડિપેન્ડેબલ યીલ્ડ પર મધ્ય પ્રદેશને દર વર્ષે સૌથી વધારે 18.25 મિલિયન એકર ફીટ (એમએએફ) પાણી મળશે. જ્યારે ગુજરાતને વાર્ષિક 9.0 એમએએફ, મહારાષ્ટ્રને 0.25 એમએએફ અને રાજસ્થાનને 0.50 એમએએફની ફાળવણી કરવામાં આવી છે. કુલ ફાળવણી 28 મિલિયન એકર ફીટ થાય છે.

સરદાર સરોવર નિગમની વેબસાઇટ મુજબ 75 ટકા ડિપેન્ડેબલ યીલ્ડનો અર્થ એ થયો કે 28 મિલિયન એકર ફીટ મળવાની સંભાવના સરેરાશ ચારમાંથી ત્રણ વર્ષ હોય છે.

તેમાં જણાવાયું છે કે ડૅમમાં જળસ્તર 455 ફૂટ પર હોય ત્યારે ફુલ રિઝર્વર લેવલ ગણવામાં આવશે જ્યારે 460 ફૂટની ઊંચાઈ પર મેક્સિમમ વૉટર લેવલ (એમડબલ્યુએલ) ગણાશે.

તેમાં એવું પણ જણાવાયું છે કે સારા વર્ષમાં 28 એમએએફ કરતા વધુ વરસાદ પડે અથવા નબળા વર્ષમાં ઓછું પાણી હોય ત્યારે રાજ્યોને સમપ્રમાણમાં વધારે કે ઓછું પાણી મળશે.

વીજળીની ફાળવણી અંગે નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશને 57 ટકા, મહારાષ્ટ્રને 27 ટકા અને ગુજરાતને 16 ટકા વીજળી મળવાપાત્ર રહેશે.

આ જોગવાઈને કારણે જ ગુજરાતે નર્મદાનું પાણી મેળવવા માટે નાણાં ચૂકવવા પડી શકે છે.

નર્મદાના પાણી માટે નાણાં ચૂકવાશે?

નર્મદા ડૅમ વિવાદ, રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદાનો વિવાદ, ગુજરાતે નર્મદાના પાણી માટે નાણા આપવા પડશે, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશને કેટલી વીજળી મળે, વન-ટાઇમ સેટલમેન્ટ
ઇમેજ કૅપ્શન, નર્મદા ડૅમ ઓવરફ્લૉ થાય, તો પણ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની વીજજરૂરિયાતોને કારણે ગુજરાતનને તરત જ તેના માટે ફળવાયેલું પાણી મળતું નથી.

ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી અને સરદાર સરોવર ડૅમ પ્રોજેક્ટના ચૅરમૅન રહી ચૂકેલા જયનારાયણ વ્યાસે અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું :

"નર્મદા ડૅમમાંથી ગુજરાતને નવ એમએએફ પાણી મળવાપાત્ર છે, પરંતુ વાસ્તવમાં તો ડૅમ છલકાય તો પણ ત્રણ મિલિયન એકર ફીટ જ મળે. બાકીનું પાણી મધ્ય પ્રદેશમાં વીજ ઉત્પાદક ડૅમમાંથી પાણી રિલીઝ થાય તેનાથી સરદાર સરોવર ડૅમ ભરાયા કરે."

જો આ સ્થિતિ રહે, તો ગુજરાતને પાણી માટે રાહ જોવી પડે અને સિંચાઈ કે પીવા માટે જરૂર હોય ત્યારે પાણી ન પણ મળે. તેના ઉકેલ સ્વરૂપે ફૉર્મ્યુલા વિચારવામાં આવી છે.

સોમવારે (તા. 16 નવેમ્બર) સીઆર પાટીલે જાહેરાત કરી હતી, "અમે ચારેય રાજ્યોના મુખ્ય મંત્રી વચ્ચે બેઠક કરી. એ મિટિંગના ફળસ્વરૂપે ચારેય રાજ્યો વચ્ચે જે કંઈ હિસાબ હતો, તે ક્લિયર કરવામાં આવ્યો."

સાથે જ તેમણે ઉમેર્યું, "ચાર રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠકમાં એવું ચર્ચાયું હતું કે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જે વીજળી જનરેટ કરે છે, તે વીજળી જનરેટ ન કરે અને તે પાણી ગુજરાતને આપે."

"તથા તેમની જે વીજળીની જરૂરિયાત છે, તે ગુજરાત ખરીદીને આપી દે અથવા તેના પૈસા આપે, એવું નક્કી થયું હતું. ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવ ફૉર્મ્યુલા નક્કી કરશે અને તેની ઉપર કામ થશે. અને ગુજરાતને ઓછા વરસાદને કારણે જે પાણીની અછત અનુભવાઈ રહી છે, તે ઉકેલાશે."

ગુજરાતમાં વરસાદ અને વીજળીની સ્થિતિ

વીડિયો કૅપ્શન, પાણી અને ચારાની અછતથી માલધારી પરિવારો ચિંતામાં, ઘર છોડી બીજે જવા બન્યા મજબૂર

નીતિ આયોગના ડેટા પ્રમાણે, ગુજરાતમાં એક કરોડ 79 લાખ ઘરેલુ વીજવપરાશકર્તા છે. જ્યારે ઔદ્યોગિક વીજવપરાશ કરતા એકમોની સંખ્યા એક લાખ 51 હજાર જેટલી છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જુલાઈ મહિનામાં ગુજરાતને માસિક સૌથી ઓછી વીજળીની જરૂર પડી હતી. એ સમયે 25 હજાર 611 મેગાવૉટ વપરાશ થયો હતો. જ્યારે ગુજરાતમાં 79 હજાર 506 મેગાવૉટ જેટલી ઇન્સ્ટૉલ્ડ કૅપિસિટી છે.

જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ટોચની માગ 29 હજાર 601 મૅમગાવોટ પર પહોંચી ગઈ હતી. જળસંશાધનોમાંથી વીજળીના ઉત્પાદનમાં ઘટાડો, દિવાળી પહેલાં ઉત્પાદનક્ષેત્રે વીજળીની વધુ માગ સહિતનાં કારણોને જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં.

એક તબક્કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજકાપ લાદવાની જાહેરાત પણ થઈ હતી, જોકે, તેનો અમલ અટકાવી દેવાયો હતો.

ગુજરાત સરકારના આંકડા મુજબ, ગત વર્ષે સિઝનનો 119 ટકા (1062 મીમી) જેટલો વરસાદ થયો હતો, જેની સામે આ વખતે 89.34 ટકા એટલે કે 812 મીમી વરસાદ નોંધાયો છે. આ વર્ષે વરસાદની ઘટ માટે અલ-નીનોને જવાબદાર માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વરસાદની ઘટને જોતાં ગુજરાતમાં આ વર્ષે ચાર જિલ્લાઓમાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન