વર્ષો સુધી એક સાથે પાંચ-પાંચ સરકારી નોકરી કરી, કરોડોનો પગાર પણ મેળવ્યો, આખરે કેવી રીતે પકડાયો આ કર્મી?

ઇમેજ સ્રોત, Press Association
- લેેખક, ઝો કોનવે
- પદ, રોજગાર સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
સરકારી કર્મચારી તરીકે કામ કરનાર એક વ્યક્તિએ ગુપ્ત રીતે એક સાથે અનેક સરકારી વિભાગોમાં પૂર્ણ સમયની નોકરીઓ કરી અને તેના માટે પૂરેપૂરો પગાર પણ મેળવ્યો. તેને છેતરપિંડીના કુલ નવ ગુનામાં દોષી જાહેર કરવામાં આવ્યો છે.
પૂર્વ લંડનના રહેવાસી કાશિમ ચૌધરીએ 2023ની વસંત ઋતુમાં એક સાથે પાંચ પાંચ સરકારી નોકરીઓ કરી હતી. આ રીતે તેમણે કરદાતાઓનાં નાણાંમાંથી 2,84,000 (ત્રણ કરોડ રૂ. કરતાં વધુ) પાઉન્ડ કરતાં વધુ રકમ ગેરકાયદે મેળવી હતી.
સરકારી વકીલોએ 56 વર્ષના ચૌધરી પર 'જાણીજોઈને અને ઇરાદાપૂર્વક અપ્રામાણિક વર્તન' કરવાનો તથા 'વ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવવાનો' આરોપ મૂક્યો હતો.
સાત કલાકની વિચારણાને અંતે જૂરીએ સર્વાનુમતે ચૌધરીને ખોટી રજૂઆત કરીને છેતરપિંડી કરવાના આઠ અને જરૂરી માહિતી છુપાવવાનો એક, એમ કુલ નવ ગુનામાં દોષી ઠેરવ્યા હતા.
ન્યાયાધીશે કહ્યું કે ચૌધરીને 'ખૂબ જ લાંબી જેલની સજા' થઈ શકે છે. તેમણે ગુનાની ગંભીરતા અને ખુદ ચૌધરીના હિતને ધ્યાનમાં રાખીને તેમને જામીન આપવાનો પણ ઇનકાર કર્યો હતો.
'વિશ્વાસનો દુરુપયોગ'
ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ (સીપીએસ)ના ગંભીર આર્થિક ગુના, સંગઠિત ગુના અને આંતરરાષ્ટ્રીય ગુના વિભાગનાં વિશેષ સરકારી વકીલ સારાહ મેલોએ કહ્યું, "આ લાંબા સમયથી ચાલતી અને જાણીજોઈને કરવામાં આવેલી અપ્રમાણિકતા હતી."
તેમણે ઉમેર્યું, "તેઓ જાણતા હતા કે એક જ સમયે પૂર્ણ સમયની અનેક નોકરીઓ કરવી કાયદેસર રીતે યોગ્ય નથી, તેમ છતાં, તેઓ એક સાથે અનેક નોકરીઓ કરી રહ્યા હોવાની વાત છુપાવતા રહ્યા."
પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગ (ડેફ્રા)ના પ્રવક્તાએ કહ્યું કે ચૌધરીએ "એક સરકારી કર્મચારી તરીકે તેમનામાં મૂકવામાં આવેલા વિશ્વાસનો દુરુપયોગ કર્યો છે." તેમણે ઉમેર્યું કે ચૌધરીએ ગેરરીતિ કરીને મેળવેલી રકમને પાછી વસૂલવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Crown Prosecution Service
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2020થી 2023 દરમિયાન ચૌધરીએ કુલ આઠ પૂર્ણ સમયની સરકારી નોકરીઓ કરી હતી, જેમાંની કેટલીક એક સાથે ચાલતી રહી હતી. તેમણે તેમાંથી કુલ 3,50,000 પાઉન્ડની કમાણી કરી હતી.
સરકારી વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે નોકરી માટેનાં અરજીપત્રકોમાં ચૌધરીએ પોતાની નોકરી વિશે ખોટી માહિતી આપી હતી. તેઓ પહેલેથી જ સરકારી કર્મચારી છે એ વાત પણ તેમણે સરકારી વિભાગોથી છુપાવી હતી. નોકરી મળી ગયા પછી પણ તેમણે પોતાના નોકરીદાતાઓને જાણ કરી નહોતી કે પોતે અન્યત્રે પણ કામ કરી રહ્યા છે.
ચૌધરીએ પોતાના નોકરીદાતાઓને કહ્યું હતું કે તેઓ પૂર્વ લંડનમાં પોતાની સાથે રહેતાં માતાની સંભાળ રાખે છે. આ કારણસર તેમને ઘરેથી જ સંપૂર્ણ કામ કરવાની છૂટ આપવામાં આવી હતી. તેમનાં માતાને ડિમેન્શિયા (સ્મૃતિભ્રંશ) હતો અને 2023માં તેમને કૅન્સરનું અંતિમ તબક્કાનું નિદાન થયું હતું.
આટલા લાંબા સમય સુધી એક સરકારી કર્મચારી પાંચ નોકરીઓ એક સાથે કેવી રીતે કરી શક્યા?
પરંતુ માતાની સંભાળ રાખવા માટે કામનો બોજ ઘટાડવાને બદલે તેમણે નવી નોકરીઓ સ્વીકારવાનું ચાલુ રાખ્યું. 2023ની વસંતઋતુમાં, જ્યારે તેમનાં માતાના મૃત્યુને થોડા જ મહિના બાકી હતા, ત્યારે તેઓ પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગ, આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગ, યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સી (યુકેએચએસએ), વેપાર અને ઉદ્યોગ વિભાગ, ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી તથા ગૃહ મંત્રાલયમાં નોકરી કરતા હતા.
આ સમયગાળા દરમિયાન તેમના પર અઠવાડિયે 183 કલાક કામ કરવાની જવાબદારી હતી. એટલે કે સાત દિવસમાં જેટલા કલાક હોય છે તેના કરતાં પણ વધુ કલાકોનું કામ!
આ સમયગાળામાં ચૌધરીએ ટાવર હેમ્લેટ્સ, ડેફ્રા, ઇસ્ટ લંડન એનએચએસ ટ્રસ્ટ, આરોગ્ય વિભાગ, યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સી, વેપાર અને ઉદ્યોગ વિભાગ, ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી અને ગૃહ મંત્રાલય સહિત કુલ આઠ નોકરીદાતાઓ માટે કામ કર્યું હતું. તેમનો વાર્ષિક પગાર 38,158થી 52,606 પાઉન્ડની વચ્ચે હતો.
ચૌધરીએ કહ્યું હતું કે ભૂતકાળમાં રોજગારીની અનિશ્ચિતતાનો અનુભવ થયો હોવાથી પોતાની આજીવિકા ગુમાવવાનો ડર તેમને સતાવતો હતો. આથી તેમણે આટલી બધી નોકરીઓ સ્વીકારી હતી. 2013માં શિક્ષણવિભાગની નોકરીમાંથી તેમને છૂટા કરી દેવાયા હતા અને એ પછી તેમને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (પીટીએસડી) હોવાનું નિદાન થયું હતું.
તેમણે કહ્યું હતું કે નોકરી માટે અરજી કરતી વખતે પોતે સ્પષ્ટ રીતે વિચારી શકતા નહોતા. "એ સમયે હું તણાવ, માનસિક પીડા અને આઘાતમાંથી પસાર થઈ રહ્યો હતો. ગભરાટને કારણે પણ મારી વિચારશક્તિ પર અસર થઈ હતી."
પરંતુ સરકારી પક્ષનાં વકીલ લૂસી ઑર્ગને જૂરીને કહ્યું હતું, "તેઓ પુરાવા આપતી વખતે તમારી સમક્ષ જૂઠું બોલ્યા છે. સોગંદ લીધા પછી પણ તેઓ જૂઠું બોલ્યા છે. આ દર્શાવે છે કે તેમણે છેતરપિંડીની કેટલી હદ વટાવી દીધી છે."
ચૌધરીના એક પછી એક અનેક મૅનેજરોએ કોર્ટમાં તેમની નબળી કામગીરી વિશે જુબાની આપી હતી. તેમાં ડેફ્રામાં ચૌધરીના મૅનેજર ડેન મૅકકાર્ટનીની જુબાની ખાસ નોંધપાત્ર હતી.
તેમણે કહ્યું હતું કે ચૌધરીને "આખો સમય શું કરવાનું છે તે લગભગ મારે જ કહેવું પડતું હતું." મૅકકાર્ટનીના જણાવ્યા અનુસાર, વીડિયો કૉલ દરમિયાન ચૌધરી પોતાનો કૅમેરા બંધ રાખતા અને તેનું કારણ ટૅક્નિકલ મુશ્કેલીઓ હોવાનું આપતા. આવું ચારથી પાંચ મહિના સુધી ચાલ્યું હતું.
જોકે, ડેફ્રામાં ચૌધરીની કામગીરીનું કોઈ ઔપચારિક મૂલ્યાંકન થતું ન હોવાથી તેમને કાયમી નોકરી આપવામાં આવી હતી અને તેઓ ત્યાં બે વર્ષ સુધી રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, PA Media
સરકારી વકીલોએ દલીલ કરી હતી કે પોતાની અસંભવિત કામની સમયમર્યાદાને પહોંચી વળવા માટે ચૌધરી બીમારીનાં પ્રમાણપત્રોનો સહારો લેતા હતા. માર્ચ 2023માં તેઓ જે ચાર સંસ્થાઓમાં કામ કરતા હતા, તે તમામમાંથી તેમણે બીમારીની રજા લીધી હતી. જોકે, ગૃહ મંત્રાલયની નોકરી ચાલુ રાખી હતી અને ત્યાં તેમણે પોતે બીમાર હોવાની જાણ પણ કરી નહોતી.
યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સી (યુકેએએસએ)માં તેમનાં લાઇન મેનેજર અલીશા ઍડમ્સે મે 2023માં તેમની સાથે વીડિયો કૉલનું આયોજન કર્યું હતું. ત્યાં સુધીમાં ચૌધરી ત્રણ મહિનાથી બીમારીની રજા પર હતા. ચૌધરી ફરી કામે જોડાઈ શકે એ માટે ઍડમ્સ તેમની સાથે મળીને એક યોજના બનાવવા માગતાં હતાં.
ઍડમ્સે જૂરીને જણાવ્યું હતું કે વીડિયો કૉલની શરૂઆતમાં ચૌધરી ખૂબ ખાંસી રહ્યા હતા અને કૅમેરા સામે વારંવાર રૂમાલ હલાવતા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે બીમાર દેખાવા માટે ચૌધરીએ ચહેરા પર સફેદ મૅકઅપ લગાવ્યો હતો.
ઍડમ્સે કોર્ટને જણાવ્યું હતું કે બેઠક આગળ વધતી ગઈ તેમ ચૌધરીના કપાળ પરથી મૅકઅપ ઊતરવા લાગ્યો હતો. "તેમને પરસેવો થતો હતો. મૅકઅપ ઊતરવા લાગ્યો હતો. તેની નીચેની ચામડી અને ગરદનનો ભાગ વધુ ઘેરા રંગનો દેખાતો હતો."
ચૌધરીએ જૂરીને કહ્યું હતું કે ઍડમ્સે કરેલો આ આક્ષેપ પાયાવિહોણો છે અને તેમણે ચહેરા પર કોઈ મૅકઅપ લગાવ્યો નહોતો.
વીડિયો કૉલ પૂરો થયા પછી ઍડમ્સને જાણવા મળ્યું કે ચૌધરીએ ડેફ્રાના ઇમેલ ઍડ્રેસનો ઉપયોગ કરીને કૉલમાં પ્રવેશ કર્યો હતો. આ અંગે તેમણે ચૌધરીને પૂછ્યું ત્યારે તેમણે ટૅક્નિકલ ખામીને કારણ ગણાવી હતી.
ઍડમ્સને શંકા ગઈ. તેમણે જૂરીને કહ્યું, "મને લાગ્યું કે તેઓ જૂઠું બોલી રહ્યા છે." તેમણે પોતાની શંકા અંગે યુકેએચએસએના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. જોકે, ચૌધરીની છેતરપિંડી એ પછી પણ કેટલાક મહિના સુધી ચાલુ રહી.
સરકારની નૅશનલ ફ્રૉડ ઇનિશિયેટિવ નામની સંસ્થાએ 2023માં ડેફ્રાને સંભવિત છેતરપિંડી અંગે ચેતવણી આપી હતી. એ બાદ ડેફ્રાની તપાસ ટીમે તપાસ શરૂ કરી હતી. તેના પરિણામે જુલાઈ 2023માં ચૌધરીની ધરપકડ કરવામાં આવી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023માં સરકારી સેવામાંથી તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.
ચૌધરી પર તેમનાં ભાઈ-બહેનોએ એવો પણ આરોપ મૂક્યો છે કે માતાના મૃત્યુના થોડા દિવસ પહેલાં તેમણે માતા પર દબાણ કરીને મકાનનો અડધો હિસ્સો પોતાના નામે કરાવી લીધો હતો. હાઇકોર્ટમાં ચાલતા એક કેસમાં ચૌધરીના બે ભાઈઓ અને બહેને આક્ષેપ કર્યો છે કે તેમણે માતા ફૈજૂન્નેસા પર 'અયોગ્ય દબાણ' કરીને તેમની પાસે એવા દસ્તાવેજો પર સહી કરાવી હતી, જેના કારણે માતાના મકાનનો અડધો હિસ્સો તેમને વારસામાં મળવાનો હતો.
પૂર્વ લંડનમાં આવેલું ચાર માળનું અને છ બેડરૂમ ધરાવતું આ મકાન 21 લાખ પાઉન્ડની કિંમતનું હોવાનું મનાય છે.
ચૌધરીનાં ભાઈ-બહેનનું કહેવું છે કે તેમનાં માતા 'અત્યંત બીમાર' હોવાથી તેઓ કયા દસ્તાવેજો પર સહી કરી રહ્યાં છે તે સમજી શકે તેવી સ્થિતિમાં નહોતાં. જાન્યુઆરી 2023માં તેમને કોલોરેક્ટલ કૅન્સર (આંતરડાંના મોટા ભાગ અને મળાશયનું કૅન્સર) ચોથા તબક્કામાં ફેલાઈ ગયું હોવાનું અને તે અસાધ્ય હોવાનું નિદાન થયું હતું.
ફરિયાદીઓનો એવો પણ આરોપ છે કે શ્રીમતી નેસા લગભગ અંધ હતાં અને અંગ્રેજી બોલી શકતાં નહોતાં. તેમ છતાં, સહી કરાવવામાં આવેલા દસ્તાવેજોનો તેમની માતૃભાષા બંગાળીમાં અનુવાદ કરવામાં આવ્યો નહોતો. આથી તેઓ શેમાં સહી કરી રહ્યાં છે તેનાથી અજાણ હતાં.
કાશિમ ચૌધરીએ આ તમામ આરોપો નકારી કાઢ્યા છે. આ કેસની સુનાવણી હજી ચાલુ છે.
વિશેષ રિપોર્ટિંગ : બેન સ્ટર્ટ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























