એ કૌભાંડ જેમાં મહમદઅલી ઝીણાના મિત્ર જેલમાં ગયા

- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
ભારત જેવા વિશાળ બજાર ધરાવતા દેશમાં સ્વતંત્રતા પહેલેથી જ વિવિધ ક્ષેત્રોમાં વેપાર કરતા અનેક ઉદ્યોગજૂથો અસ્તિત્વમાં હતાં.
'અનૈતિક' માર્ગો અપનાવીને અઢળક સંપત્તિ એકઠી કરવાનો, ભ્રષ્ટાચાર કરીને વેપાર કરવાનો કે ખોટા રસ્તે ચાલીને સમૃદ્ધ થવાનો આરોપ સ્વતંત્રતા પછી અનેક વાર ઉદ્યોગસાહસિકો કે ઉદ્યોગસમૂહો પર લાગ્યો છે અને આજે પણ આવા આરોપો થતા રહે છે.
ઉદ્યોગસાહસિકોના રાજકારણીઓ સાથેના સંબંધો, વિરોધીઓ દ્વારા થતા આક્ષેપો અને તેના કારણે અર્થતંત્ર તથા રાજકારણમાં ઊભી થતી ઊથલપાથલ તે કોઈ નવી વાત નથી.
પરંતુ ભારતના ઇતિહાસમાં કોઈ દેશવ્યાપી અને શક્તિશાળી ઉદ્યોગજૂથને આરોપીના કઠેડામાં ઊભું કરવાની ઘટના સ્વતંત્રતા પછી તરત જ બની હતી.
ભારતને સ્વતંત્રતા મળ્યાના એક જ દાયકામાં, એટલે કે 1950ના દાયકામાં, તે સમયના ભારતનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઉદ્યોગજૂથ ગેરરીતિઓના આરોપોમાં સપડાયું હતું. તત્કાલીન નહેરુ સરકારે આ ઉદ્યોગજૂથની તપાસ કરાવી હતી અને તેમાં આ જૂથ દોષિત પણ ઠર્યું હતું. આ ઉદ્યોગજૂથ હતું- દાલમિયા-જૈન ગ્રૂપ!
ખાસ વાત એ છે કે દાલમિયા-જૈન ગ્રુપને આરોપીના કઠેડામાં ઊભું કરનાર વ્યક્તિ ખુદ નહેરુના જમાઈ, એટલે કે ફિરોઝ ગાંધી હતા!
આખરે આ મામલો શો હતો? દાલમિયા-જૈન ઉદ્યોગજૂથે કેવી ગેરરીતિઓ આચરી હતી અને તેનો રસપ્રદ ઇતિહાસ શો છે? ચાલો જાણીએ.
દાલમિયા-જૈન ગ્રૂપે વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું
સ્વતંત્ર ભારતમાં ઔદ્યોગિકીકરણને વધુ વેગ આપવામાં આવી રહ્યો હતો. તે સમયે જે ઉદ્યોગજૂથો મોટાં અને દેશવ્યાપી હતાં, તેમાં દાલમિયા-જૈન ગ્રૂપનું નામ અગ્રસ્થાને હતું. સમય જતાં આ જૂથ પર ગેરરીતિઓના આરોપો લાગ્યા હોવા છતાં, સ્વતંત્ર ભારતના ઔદ્યોગિકીકરણને વેગ આપવામાં આ ઉદ્યોગજૂથનું યોગદાન આજે પણ સ્વીકારવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાલમિયા-જૈન ગ્રુપ સિમેન્ટ, બૅન્કિંગ (ભારત બૅન્ક અને પંજાબ નૅશનલ બૅન્ક), વીમા (ભારત ઇન્શ્યૉરન્સ), માધ્યમો (બેનેટ કૉલમેન), ખાંડ, કાગળ, રસાયણો, કાપડ, હવાઈ પરિવહન, મોટર વાહનો, વીજ વિતરણ, બિસ્કિટ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ જેવાં અનેક ક્ષેત્રોમાં ફેલાયેલું હતું.
રામકૃષ્ણ દાલમિયા આ જૂથના વડા હતા. હકીકતમાં, સ્વતંત્રતા પહેલેથી જ, એટલે કે 1930ના દાયકાથી તેઓ અગ્રણી ઉદ્યોગસાહસિક તરીકે જાણીતા હતા. સ્વાભાવિક છે કે સ્વતંત્રતા પછીના શરૂઆતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાં તેમનું નામ સામેલ હતું.
સ્વતંત્રતા પછી વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગોમાં આ જૂથનું વર્ચસ્વ એટલું વધી ગયું હતું કે તે સમયના ટાટા અને બિરલા ગ્રૂપ પછી તેનો ત્રીજો ક્રમ આવતો હતો.
દાલમિયા સટોડિયામાંથી ઉદ્યોગસાહસિક કેવી રીતે બન્યા?
એક સમયે અત્યંત નિર્ધન રહેલા દાલમિયા આટલા મોટા ઉદ્યોગપતિ કઈ રીતે બન્યા, તેમની જીવનકથા પણ ઘણી રસપ્રદ છે.
દાલમિયાએ 1949માં યુએસ પ્રેસને આપેલી એક મુલાકાતમાં પોતાની આ સફર વિશે વાત કરી હતી. લેખક ભાસ્કર મુખરજીએ પોતાના પુસ્તક 'ધ ફાઉન્ડિંગ ફાધર્સ ઑફ ફ્રૉડ'માં આ સફરની વિગતો નોંધી હતી.
રાજસ્થાનના ચિડાવા ગામના એક નિર્ધન પરિવારમાં જન્મેલા દાલમિયાનું બાળપણ કલકત્તા (આજનું કોલકાતા)માં વીત્યું હતું. પિતાના અકાળ અવસાન પછી માત્ર 18 વર્ષની વયે જ તેમના માથે વિશાળ પરિવારની જવાબદારી આવી પડી હતી.

ઇમેજ સ્રોત, Srishti Publishers
તેઓ પોતાના કાકા મોતીલાલ ઝુનઝુનવાલા પાસે કામ કરતા હતા, જ્યાં તેઓ વેપારની ઘણી બારીકીઓ શીખ્યા હતા. ખાસ કરીને ચાંદીના વેપારની બધી આંટીઘૂંટીઓ તેમણે શીખી લીધી હતી. શરૂઆતમાં તેમને સારી કમાણી થવા લાગી હતી, પરંતુ સટ્ટા અને જુગારના વ્યસનને કારણે તેઓ ફરી આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા.
દેવામાં ડૂબેલા દાલમિયાએ એક જ્યોતિષીની મદદ લીધી હતી અને ચાંદીના વેપારમાં જોખમ ખેડીને મોટો નફો કમાયા હતા. તેમણે પોતાની આત્મકથા અને મુલાકાતોમાં પોતે જ આ વાત જણાવી હતી.
આ નફા પછી દાલમિયાએ સટ્ટાબાજી છોડી દીધી હતી અને ઉદ્યોગો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
જોકે, સમય જતાં આ જૂથ પર નાણાંની ગેરવહીવટ કરવાનો, સમૃદ્ધ કંપનીઓનાં નાણાં પોતાના ખાનગી વ્યવસાયમાં વાળવાનો તેમજ પોતાની વીમા કંપનીનાં નાણાંનો અયોગ્ય રીતે ઉપયોગ કરવાનો આરોપ મુકાયો હતો.
નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ કર્યો કૌભાંડનો પર્દાફાશ
ઓઇસીડી (ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ) અને વર્લ્ડ બૅન્કના આંકડાના આધારે વાત કરીએ તો આ તે સમયની ઘટના છે, જ્યારે 100 રૂપિયાની કિંમત આજના 9,163.80 રૂપિયા બરાબર હતી.
હકીકતમાં, સ્વતંત્ર ભારતના પ્રથમ આર્થિક કૌભાંડ તરીકે મુંદ્રા કૌભાંડનું નામ લેવામાં આવે છે. આ કૌભાંડ શું હતું, તેની વિગતવાર માહિતી આપ અહીં વાંચી શકો છો.
પરંતુ દાલમિયા-જૈન કૌભાંડ વિના મુંદ્રા કૌભાંડની વાત પણ અધૂરી રહે છે. ખાસ વાત એ છે કે આ બંને મોટાં કૌભાંડોનો પર્દાફાશ ફિરોઝ ગાંધીએ કર્યો હતો. તેઓ તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જમાઈ હતા.

ઇમેજ સ્રોત, NEHRU MEMORIAL MUSEUM AND LIBRARY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ફિરોઝ ગાંધી રાયબરેલી મતવિસ્તારમાંથી ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા. સંસદસભ્ય તરીકેનું આ તેમનું પહેલું જ મહત્ત્વપૂર્ણ ભાષણ હતું.
1955માં એક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, એક વીમા કંપનીમાં પૉલિસીધારકોએ જમા કરાવેલી મોટી રકમ ગાયબ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં વીમા કાયદાને વધુ મજબૂત બનાવવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિએ નવેમ્બર મહિનામાં એક વટહુકમ બહાર પાડ્યો હતો. આ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી. આ વિધેયકના સમર્થનમાં ફિરોઝ ગાંધીએ એક કલાક અને 50 મિનિટનું ધારદાર ભાષણ આપ્યું હતું.
ફિરોઝ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે, "વીમા વ્યવસાયમાં ખૂબ નફો થતો હોવાથી ઘણી નવી કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી છે. આ કંપનીઓ અત્યંત ઓછી મૂડીની જરૂરિયાત અને લોકો પાસેથી મળતા મોટા પ્રીમિયમની રકમ વાપરવાની છૂટનો દુરુપયોગ કરી રહી છે."
આ જ ભાષણના અંતે ફિરોઝ ગાંધીએ દાલમિયા-જૈન ગ્રૂપ હેઠળ આવતી 'ભારત ઇન્શ્યૉરન્સ કંપની'ને નિશાન બનાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારત ઇન્શ્યૉરન્સ કંપનીએ પેન્શનધારકોના ભંડોળમાંથી 220 લાખ રૂપિયા (₹2.20 કરોડ)ની નાણાકીય ગેરરીતિ કરી હતી. ફિરોઝ ગાંધીના આ આક્રમક ભાષણ પછી વીમા ઉદ્યોગમાં ચાલતી ગેરરીતિઓ તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન વધુ ખેંચાયું હતું.
ઉલ્લેખનીય છે કે રામકૃષ્ણ દાલમિયાએ 1936માં ભારત ઇન્શ્યૉરન્સ કંપની ખરીદી હતી અને માત્ર એક જ વર્ષમાં આ કંપનીનું ટર્નઑવર 25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ભાસ્કર મુખરજી તેમના પુસ્તક 'ધ ફાઉન્ડિંગ ફાધર્સ ઑફ ફ્રૉડ'માં નોંધે છે કે, પોતાના નાટ્યાત્મક ભાષણમાં ફિરોઝ ગાંધીએ દાલમિયા ગ્રૂપની ગેરરીતિઓનો પર્દાફાશ કરીને તેની આકરી ઠેકડી ઉડાડી હતી.
આ ટીકા કરતી વખતે તેમણે સંસદમાં દાલમિયાએ યુ.એસ. પ્રેસને આપેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એક રીતે તેમની મજાક ઉડાડી હતી. દાલમિયાએ ચાંદીનો વેપાર કઈ રીતે શરૂ કર્યો અને એક જ્યોતિષીએ કરેલી આગાહીથી તેઓ કઈ રીતે ધનવાન બન્યા, તેની કથા પણ તેમણે સંસદમાં સંભળાવી હતી.
ફિરોઝ ગાંધીએ એવી આકરી ટીકા પણ કરી હતી કે, હવે દાલમિયા વીમા અને બૅન્કિંગ ઉદ્યોગોમાં લોકોના નાણાં સાથે જુગાર રમી રહ્યા હતા.
આ અંગે દાલમિયાનાં પુત્રી નીલિમા દાલમિયા આધાર પોતાના પુસ્તક 'ફાધર્સ ડિયરેસ્ટ: ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ આર. કે. દાલમિયા'માં લખે છે કે, "1955માં સંસદમાં ફિરોઝ ગાંધીએ કરેલી જોરદાર માગણીને કારણે નહેરુને તે તક મળી ગઈ, જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. ત્યાર પછી વિવિયન બોઝ તપાસ પંચની રચના થતાં દાલમિયા ચારે બાજુથી ભીંસમાં આવી ગયા હતા."
તપાસ પંચ, ગુનો અને સજા
તે પછી જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળની ભારત સરકારે 11 ડિસેમ્બર, 1956ના રોજ દાલમિયા-જૈન ગ્રૂપની કંપનીઓની તપાસ કરાવી હતી. આ તપાસનો હેતુ તે જાણવાનો હતો કે આ ગ્રૂપની કંપનીઓમાં છેતરપિંડી, અપ્રમાણિકતા કે ગેરકાયદે વ્યવહારો થઈ રહ્યા છે કે કેમ.
દાલમિયાએ ગેરકાયદે રીતે નફાખોરી કરી હતી કે કેમ અને તેમના ભ્રષ્ટાચારને કારણે જનતાને કેટલું નુકસાન થયું હતું, તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં મુંબઈ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એસ. આર. તેંડુલકર અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ વિવિયન બોઝના નેતૃત્વમાં તપાસ પંચે આ મામલાની સઘન તપાસ હાથ ધરી હતી.
આ પંચમાં શરૂઆતમાં ન્યાયમૂર્તિ તેંડુલકર ઉપરાંત 'એ. એફ. ફર્ગ્યુસન ઍન્ડ કંપની' નામની ઑડિટ ફર્મના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એન. આર. મોદી અને આવકવેરા કમિશનર એસ. સી. ચૌધરી સભ્યો તરીકે સામેલ હતા.
ન્યાયમૂર્તિ તેંડુલકરની તબિયત લથડતાં, તેમના સ્થાને 20 ઑગસ્ટ, 1958ના રોજ ન્યાયમૂર્તિ વિવિયન બોઝે આ પંચનું નેતૃત્વ સંભાળ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
આ તપાસ પંચે 15 જૂન, 1962ના રોજ 815 પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં તપાસ પંચે ખુલાસો કર્યો હતો કે દાલમિયા ગ્રૂપે લોકોએ રોકેલી મૂડીનો દુરુપયોગ કર્યો હતો. જાહેર ક્ષેત્રની કંપનીઓ, બૅન્કો અને વીમા કંપનીઓ પાસેથી અંગત ઉપયોગ માટે નાણાં ડાયવર્ટ કરવામાં આવ્યાં હોવાનું પણ અહેવાલમાં બહાર આવ્યું હતું.
દાલમિયા ગ્રૂપે આ તપાસ પંચની કાયદેસરતા સામે સવાલ ઉઠાવીને અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. તેમનો દાવો હતો કે 'તપાસ પંચ અધિનિયમ, 1952' હેઠળ ગઠિત આ પંચ ગેરકાયદે છે અને આ કાયદો ખાનગી કંપનીઓને લાગુ પડતો નથી.
જોકે, અદાલતે તેમની દલીલ અગ્રાહ્ય રાખીને ફગાવી દીધી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે દાલમિયા ગ્રૂપની ગેરરીતિઓને કારણે જનતાને ગંભીર આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને આ બાબત જાહેર હિત (પબ્લિક ઇન્ટરેસ્ટ) સાથે જોડાયેલી છે. આ તર્ક આધારિત અદાલતે દાલમિયા ગ્રૂપની અરજી રદ કરી હતી.
આખરે આ કૌભાંડ મામલે રામકૃષ્ણ દાલમિયાને તિહાડ જેલમાં બે વર્ષની કેદની સજા થઈ હતી. ફિરોઝ ગાંધી દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ થયા પછી 19 જાન્યુઆરી, 1956ના રોજ ભારતમાં વીમા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને આયુર્વિમા નિગમ (LIC)નો જન્મ થયો હતો. ત્યાર પછી દાલમિયાના ઔદ્યોગિક સામ્રાજ્યનું પતન શરૂ થયું હતું.
મહમદઅલી ઝીણા દાલમિયાના ખાસ મિત્ર હતા
હકીકતમાં, બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઘટનાઓ વધુ ઝડપથી ઘટી રહી હતી. આ સમયગાળાને અનેક ભારતીય ઉદ્યોગસાહસિકોએ પોતાની સંપત્તિ વધારવાની તક તરીકે જોયો હતો અને દાલમિયા પણ તેમાંથી બાકાત ન હતા.
એક મોટા ઉદ્યોગસાહસિક તરીકે દાલમિયાના મહમદઅલી ઝીણા, જમનાલાલ બજાજ, જે. કે. બિરલા, બીકાનેર, જયપુર, દરભંગા, જોધપુર અને જામનગરના મહારાજાઓ તથા હૈદરાબાદના નિઝામ સાથે ગાઢ સંબંધો હતા.
શરૂઆતના સમયમાં દાલમિયાને કૉંગ્રેસ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું, પરંતુ પછીથી તેઓ જવાહરલાલ નહેરુના આકરા ટીકાકાર બન્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સ્વતંત્રતા અગાઉના નેતાઓ અને ક્રાંતિકારીઓ, જેવા કે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ, વલ્લભભાઈ પટેલ અને જયપ્રકાશ નારાયણ સાથે પણ તેમના સારા સંબંધો હતા.
જવાહરલાલ નહેરુ સાથે તેમને ક્યારેય બનતું ન હતું, પરંતુ મહમદઅલી ઝીણા સાથે તેમના સંબંધો ગાઢ હતા અને ઝીણા તેમના ખાસ મિત્ર હતા.
દાલમિયાનું ઘર ઝીણાના નિવાસસ્થાનથી માત્ર પાંચ મિનિટના અંતરે હતું અને બંને અવારનવાર એકસાથે સમય વિતાવતા હતા. દેશના ભાગલા પછી દિલ્હીના ઔરંગઝેબ રોડ પર (હાલનો ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ રોડ) આવેલો ઝીણાનો આ જ બંગલો દાલમિયાએ બે લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
દાલમિયા પોતે ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા હતા. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા માટે તેમણે ઘણું કામ કર્યું હતું.
નથુરામ ગોડસેની ડાયરીમાં દાલમિયાનું નામ હતું
મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેએ હત્યા અગાઉ ઘણી વાર દિલ્હીની રેકી કરી હતી. જાન્યુઆરી 1948માં દિલ્હી આવેલા નથુરામ ગોડસેએ દિલ્હી રેલવે સ્ટેશન પરથી જ દાલમિયાને ફોન કર્યો હતો.
આ માહિતી દાલમિયાનાં પુત્રી નીલિમા દાલમિયા આધાર પોતાના પુસ્તક 'ફાધર્સ ડિયરેસ્ટ: ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ આર. કે. દાલમિયા'માં આપે છે.
તેઓ પોતાના પુસ્તકમાં લખે છે કે, "ગોડસેને લાગતું હતું કે દાલમિયા એક શ્રીમંત અને શક્તિશાળી હિંદુ છે, જેમનો અવાજ દેશના ખૂણેખૂણે પહોંચે છે. તેથી તેને લાગ્યું કે દાલમિયા તેના મિશનમાં મદદ કરી શકશે. દાલમિયા વિશે તેને બીજી કોઈ માહિતી ન હતી. તે માત્ર એટલું જાણતો હતો કે દાલમિયા ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા અને ધર્મનું પાલન કરતા હિંદુ હતા તથા તેમણે જાહેરમાં કૉંગ્રેસ પ્રત્યે ભારે અણગમો વ્યક્ત કર્યો હતો."
ફોન કરનાર વ્યક્તિ કદાચ કોઈ ચૅરિટી માટે નાણાં માગવા ફોન કરી રહી હશે, એમ માનીને દાલમિયાએ ફોન ઉપાડ્યો ન હતો. જોકે, પાછળથી આ જ બાબત તેમના માટે ફાયદાકારક સાબિત થઈ હતી.
કારણ કે ગાંધીજીની હત્યા પછી નથુરામ ગોડસે પકડાયો ત્યારે તેની ડાયરીમાં દાલમિયાનો સંપર્ક નંબર નોંધેલો હતો. જોકે, આ હત્યામાં દાલમિયાની કોઈ સંડોવણી હોવાનો પુરાવો પોલીસને મળી શક્યો ન હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























