રાજકોટ : નાનકડા ફટાકડાથી શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી કઈ રીતે પહોંચ્યો?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં ફટાકડા ફોડવા મામલે નાના-મોટા ઝઘડાની કેટલીક ઘટનાઓ બની છે, જેમાં રાજકોટમાં એક બનાવ હત્યામાં ફેરવાયો છે.
દિવાળીની રાતે ફટાકડા ફોડવા મામલે વિવાદ થવાથી બે ભાઈઓએ એક 21 વર્ષીય યુવાન અને તેના પિતા પર હુમલો કર્યો હતો, જેમાં યુવાનના પિતાને તીક્ષ્ણ હથિયાર મારીને તેમની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે બંને યુવાનોની ધરપકડ કરી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, યુવાનો જાહેરમાં ફટાકડા ફોડતા હતા અને તેમને રોકવામાં આવ્યા, ત્યાર પછી તેમણે આ વાતનો ગુસ્સો રાખીને જીવલેણ હુમલો કર્યો હતો.
આખી ઘટના શું છે?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
રાજકોટથી બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી પ્રમાણે, રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, જેમાં ફટાકડા ફોડવા મામલે કૃણાલ સિંધવ નામના યુવાન સાથે ઇન્દ્રજિતસિંહ જાડેજા અને યશરાજસિંહ જાડેજા નામના બે ભાઈઓએ બોલાચાલી કરી હોવાનો આરોપ છે.
શાબ્દિક ઝઘડા પછી આરોપીઓ મોડી રાત્રે તેમના ઘરે પહોંચ્યા હતા અને કૃણાલ તથા તેના પિતા અજિત સિંધવને બહાર બોલાવીને માર્યા હતા. આ ઘટનામાં અજિત સિંધવનું મૃત્યુ થયું છે, જ્યારે કૃણાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, ફરિયાદી કૃણાલ સિંધવ સ્કૂલ વૅન ચલાવવાનું કામ કરે છે. આ ઘટનામાં આરોપીઓએ ફરિયાદી કૃણાલ પર ફટાકડો ફેંક્યો હતો, જેના કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી આરોપી ભાઈઓએ આ ઘટનાનો ગુસ્સો રાખીને ફરિયાદીના ઘર પાસે જઈને તેમને અપશબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે અજિત સિંધવના માથા અને પેટના ભાગે હથિયાર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. અજિત સિંધવને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
પુત્રને ગંભીર ઈજા, સારવાર હેઠળ
પોલીસ ફરિયાદ મુજબ, કૃણાલ અને આરોપીઓ વચ્ચે સૌથી પહેલાં રાતના સાડા 10થી 11 વાગ્યા વચ્ચે બોલાચાલી થઈ હતી, જે સમયે કૃણાલ પોતાની મોટરસાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા.
તેમના ઘર નજીક બાપા સીતારામ ચોક પાસે આરોપીઓ ઇન્દ્રજિતસિંહ જાડેજા અને યશરાજસિંહ જાડેજા રસ્તા પર કેટલાક લોકો સાથે ફટાકડા ફોડતા હતા. એવો આરોપ છે કે, ઇન્દ્રજિતસિંહે એક સળગતો ફટાકડો કૃણાલ તરફ ફેંક્યો હતો, જેના કારણે તેમણે પોતાની મોટરસાઇકલ અટકાવવી પડી અને આરોપીઓ સાથે તેમનો ઝઘડો થયો હતો. કૃણાલના પરિવારજનો પણ ત્યાં આવી ગયા હતા. થોડો સમય સુધી વિવાદ ચાલ્યો અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડી વાર પછી રાત્રે 2:30 વાગ્યે બંને આરોપી ભાઈઓ કૃણાલના ઘરે પહોંચ્યા અને ઘર પર પથ્થરમારો કર્યો તથા મારી નાખવાની ધમકી આપી હતી.
આ દરમિયાન અજિત સિંધવે ઇન્દ્રજિતસિંહ જાડેજા અને યશરાજસિંહ જાડેજાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને કૃણાલ પણ પોતાના પિતાની પાછળ આવ્યા હતા. આ દરમિયાન એક આરોપીએ લાકડાનું પાટિયું અજિત સિંધવના માથા પર માર્યું અને ધારદાર હથિયાર વડે પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો, જેમાં બંનેને ગંભીર ઈજા થઈ હતી. તે સમયે આસપાસના લોકો દોડી આવ્યા અને તેમને છૂટા પડાવ્યા હતા.
પોલીસે શું કહ્યું?
હત્યા મામલે રાજકોટ શહેરના એસીપી બી. જે. ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે, "મારુતિનંદન વિસ્તારમાં ગઈ રાત્રે બનાવ બન્યો હતો. ફરિયાદી કૃણાલ સિંધવ સાડા 10થી 11 વાગ્યા વચ્ચે પોતાના ઘરે આવતા હતા, ત્યારે તેમના પાડોશની શેરીમાં રહેતા બે સગા ભાઈઓ ઇન્દ્રજિતસિંહ અને યશરાજસિંહે ફટાકડો ફેંક્યો હતો. તેમાં સામાન્ય બોલાચાલી થઈ હતી. પછી આરોપીઓએ કૃણાલના ઘરે જઈને પથ્થરમારો કરીને બંનેને બહાર બોલાવીને તેમના પર હથિયાર મારીને હત્યા કરી હોવાનો આરોપ છે."
અજિત સિંધવના ભાઈ વિનોદ સિંધવે કહ્યું કે, "રાત્રે ફટાકડા મામલે ઝઘડો થયા પછી સમાધાન થઈ ગયું હતું. પરંતુ પછી આરોપીઓએ મોડી રાત્રે મારા ભાઈના ઘર પર પથ્થરમારો કર્યો અને તેમને બહાર બોલાવ્યા હતા. પહેલાં પિતાને માર મારવામાં આવ્યો અને પુત્ર કૃણાલે જ્યારે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં હૉસ્પિટલમાં દાખલ કૃણાલની હાલત ગંભીર છે."
આ મામલે આરોપીઓના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























