'વહુરાણી' અને 'નાની વહુ': મેનકા ગાંધી સાથેના પોતાના સંબંધો વિશે સોનિયા ગાંધીએ પુસ્તકમાં શું લખ્યું?

ઇમેજ સ્રોત, Getty Images/ANI
ક્યારેક મેનકા ગાંધીનું હાસ્ય સાંભળીને સોનિયા ગાંધી તેમના રૂમમાં પહોંચી જતાં. તેઓ પૂછતાં કે એટલું હાસ્ય કઈ વાત પર આવી રહ્યું છે અને પછી ત્યાં જ બેસીને મેનકાના મિત્રોની વાતો અથવા તેઓ જે પુસ્તક વાંચી રહ્યાં હોય તેની ચર્ચા સાંભળતાં.
સોનિયાનાં પુત્રી પ્રિયંકા ગાંધી પણ ઘણીવાર પોતાનાં કાકી મેનકાના રૂમમાં બેસીને તેમની વાર્તાઓ સાંભળતાં જોવા મળતાં હતાં. આ તે સમયની યાદો છે, જ્યારે મેનકાએ સંજય ગાંધી સાથે લગ્ન કર્યાં હતાં અને ગાંધી પરિવારનાં "નાની બહુ" તરીકે ઘરમાં આવ્યાં હતાં.
સોનિયા ગાંધી લખે છે કે, શરૂઆતમાં ઘરમાં એક યુવાન દેરાણીનું આગમન તેમને ગમ્યું હતું. પરંતુ ધીમે-ધીમે બંનેના સંબંધો અને ઘરના વાતાવરણમાં પરિવર્તન આવવા લાગ્યું.
સોનિયાએ પોતાના પુસ્તક 'બિલૉન્ગિંગ: એ જર્ની ઑફ લવ' માં મેનકા સાથેના તેમના સંબંધોની શરૂઆતથી લઈને મેનકાના ઘર છોડવા સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું છે.
'હાર્પરકોલિન્સ ઇન્ડિયા' દ્વારા પ્રકાશિત આ 526 પાનાંનું પુસ્તક 10 નવેમ્બરે ભારતમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
જ્યારે ઘરમાં આવી 'નાની બહુ'

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
પીટીઆઈના અહેવાલ મુજબ, સોનિયા ગાંધીએ લખ્યું છે કે, 1973ના અંતમાં સંજય ગાંધી અને મેનકા વચ્ચે મુલાકાત થઈ હતી.
એક વર્ષની અંદર બંનેનાં લગ્ન થઈ ગયાં હતાં. તે સમયે મેનકાની ઉંમર માત્ર 18 વર્ષની હતી.
સોનિયા તેમને ઊર્જાસભર, મળતાવડી અને ખૂબ વાતો કરતી યુવતી તરીકે યાદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના જણાવ્યા અનુસાર, મેનકાના આગમનથી શરૂઆતમાં ઘરના વાતાવરણમાં બદલાવ આવ્યો અને તેમને નાની બહેન જેવી દેરાણીનો સાથ મળ્યો.
સોનિયા લખે છે કે, તેઓ ઘણી વખત મેનકાનું હાસ્ય સાંભળીને તેમની પાસે પહોંચી જતાં અને પછી તેમની વાતોમાં જોડાઈ જતાં.
પ્રિયંકા ગાંધી પણ પોતાનાં કાકી સાથે ખૂબ જ નજીક હતાં. સોનિયાના જણાવ્યા મુજબ, પ્રિયંકા ઘણીવાર મેનકાના રૂમમાં બેસીને તેમની વાતો ધ્યાનથી સાંભળતાં હતાં.
પરંતુ સોનિયા લખે છે કે, થોડા સમય પછી ઘરમાં નાની-નાની બાબતોને લઈને તણાવ વધવા લાગ્યો.
'વહુરાણી' અને 'નાની બહુ'ના સંબોધનમાં શું હતું?

ઇમેજ સ્રોત, T.C.Malhotra
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘરના કર્મચારીઓ સોનિયાને 'વહુરાણી' અને મેનકાને 'નાની વહુ' કહીને સંબોધતાં હતાં.
સોનિયા લખે છે કે, તેમની નજરે બંને તે ઘરની દીકરીઓ જેવી સમાન હતી અને પરિવારમાં બંને માટે પૂરતી જગ્યા હતી.
પરંતુ તેમને લાગતું હતું કે, કદાચ મેનકાએ આ અલગ-અલગ સંબોધનોને પોતાની ઓછી મહત્તા સાથે જોડીને જોયા હશે.
સોનિયાના જણાવ્યા મુજબ, જ્યારે તેમને મેનકાનો સ્વર કઠોર લાગતો હતો ત્યારે તેઓ ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે મોટાભાગે ચૂપ રહેતાં.
પરંતુ જ્યારે તેમને લાગતું કે, વાત હદથી આગળ વધી ગઈ છે, ત્યારે તેઓ પણ કડક સ્વરમાં જવાબ આપતાં.
સોનિયા એ પણ સ્વીકારે છે કે, મેનકા જેવી મળતાવડી અને લોકો વચ્ચે રહેવાનું પસંદ કરતી યુવતી માટે તે સંયુક્ત પરિવારમાં પોતાની જાતને અનુકૂળ બનાવવું સરળ ન રહ્યું હોય.
તેમના જણાવ્યા મુજબ, પરિવારના સભ્યો પોતપોતાનાં કાર્યોમાં વ્યસ્ત રહેતા હતા. આવી સ્થિતિમાં ઘરના વાતાવરણથી મેનકાને બંધાયેલું અને નિરસ અનુભવાતું હશે.
સોનિયા લખે છે કે, જ્યારે મેનકા સંજય ગાંધી સાથે રાજકીય કાર્યક્રમોમાં જવા લાગી, ત્યારે તેઓ નવા વાતાવરણમાં થોડાં અનુકૂળ દેખાવા લાગ્યાં.
પરંતુ આ જ સમયગાળામાં પરિવારની અંદર તણાવ પણ વધવા લાગ્યો. સોનિયાના જણાવ્યા મુજબ, મેનકા સાથેના તેમના સંબંધોમાં પણ અંતર આવતું ગયું.
સંજય ગાંધીના અવસાન પછી શું બદલાયું?

ઇમેજ સ્રોત, Chandradeep Kumar/The India Today Group via Getty Images
23 જૂન, 1980ના રોજ વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અવસાન થયું.
સોનિયાનાં સંસ્મરણો મુજબ, ત્યારબાદ પરિવાર સામે એક નવો પ્રશ્ન ઉભો થયો કે શું મેનકાને કૉંગ્રેસમાં કોઈ રાજકીય જવાબદારી આપવી જોઈએ?
સોનિયા લખે છે કે ઇંદિરા ગાંધી તે સમયે મેનકાને નેતૃત્વની જવાબદારી સોંપવાના પક્ષમાં નહોતાં.
તેમના જણાવ્યા મુજબ, ઇંદિરા ગાંધીનું માનવું હતું કે, માત્ર 23 વર્ષનાં મેનકા આ જવાબદારી માટે હજુ ખૂબ નાનાં હતાં. તેમનું બાળક પણ માત્ર ત્રણ મહિનાનું હતું અને તેને સમય આપવાની જરૂર હતી.
તેમના કહેવા પ્રમાણે, ઇંદિરા ગાંધી માનતાં હતાં કે મેનકાને પોતાની રાજકીય ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે આગળ ઘણો સમય મળશે.
પરંતુ સોનિયા લખે છે કે, ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે મેનકાની રાજકીય યોજનાઓ કંઈક અલગ જ હતી.
આ મતભેદો ધીમે-ધીમે પરિવારના સંબંધો પર પણ અસર કરવા લાગ્યા.
મેનકાએ ઘર કેમ છોડ્યું?
સોનિયા ગાંધીના જણાવ્યા મુજબ, જ્યારે ઇંદિરા ગાંધી એક સરકારી પ્રવાસે લંડન ગયા હતા, ત્યારે તેમને ખબર પડી કે મેનકા ઘરેથી પોતાનો સામાન બહાર ખસેડાવી રહ્યાં છે.
લંડનથી પરત આવ્યા પછી ઇંદિરા ગાંધીએ મેનકા સમક્ષ બે વિકલ્પો મૂક્યા.
સોનિયાના જણાવ્યા મુજબ, ઇંદિરાએ તેમને કહ્યું કે તેઓ એવી રાજકીય પ્રવૃત્તિઓ બંધ કરે, જેઓ અંગે તેમને વાંધો હતો, અથવા તો પછી અન્યત્ર રહેવાનું શરૂ કરે.
સોનિયા લખે છે કે તેના જવાબમાં મેનકાએ ઇંદિરા ગાંધીને એક પત્ર લખ્યો, જેમાં અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.
એનડીટીવીમાં પ્રકાશિત પુસ્તકના અંશ મુજબ, જ્યારે મેનકા ઘર છોડીને જઈ રહ્યાં હતાં અને તેમની ઇંદિરા ગાંધી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ઘરમાં હાજર નહોતાં.
સોનિયા લખે છે કે, આમ છતાં મેનકાએ પોતાનું ઘર છોડવાના નિર્ણય માટે ઇંદિરા ગાંધી સાથે રાજીવ અને તેમને પણ જવાબદાર ઠેરવ્યાં હતાં.
સોનિયાનો આરોપ છે કે, સમગ્ર ઘટનાને એવી રીતે જાહેર કરવામાં આવી કે તેની ચર્ચા પરિવારની બહાર રાજકીય વર્તુળો અને મીડિયામાં પણ પહોંચી ગઈ.
પુસ્તકમાં તેઓ લખે છે કે, જે રીતે મેનકાના જવાની ઘટના સામે આવી અને ત્યારબાદ જે પ્રચાર થયો, તેને આજના સમયમાં કદાચ 'રિયાલિટી શો' કહેવાત.
સોનિયાના પુસ્તકમાં નોંધાયેલી આ યાદોની શરૂઆત મેનકાના હાસ્ય અને બંને વચ્ચેની સરળ, આત્મીય વાતચીતથી થાય છે.
પરંતુ અંત સુધી પહોંચતાં પહોંચતાં એ જ સંબંધ પરિવાર અને રાજકારણ સાથે જોડાયેલા આરોપો અને વિવાદોમાં ગૂંચવાઈ ગયો હતો.
આ રીતે સોનિયા ગાંધીએ પોતાનાં સંસ્મરણોમાં મેનકા સાથેના સંબંધની બે સંપૂર્ણપણે અલગ તસવીરો રજૂ કરી છે.
પ્રથમ તસવીર એ 'નાની બહુ' ની છે, જેના હાસ્યથી આકર્ષાઈને તેઓ તેની પાસે પહોંચી જતાં હતાં.
બીજી તસવીર એ એવા સંબંધની છે, જેમાં મતભેદો ઘરની ચાર દિવાલોની બહાર આવીને જાહેર અને રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી ગયા હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























