'પાણી ના મળે, ખાવા ના મળે', સુરેન્દ્રનગરનાં કેટલાંય ગામોમાંથી હિજરત કરી ગયેલા લોકોની કહાણી

ઇમેજ સ્રોત, sachin pithva
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પાણીની વિકટ સમસ્યાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાંથી માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.
જસાપર, મોરસલ, નાનીયાણી, સુરઈ, મોટા હરણિયા, નાનું કાધાસર, સાગાણી, રાજાવાડ અને હબિયાસર સહિતનાં ગામોમાં પાણીની અછતના કારણે લોકો પોતાના પશુધન સાથે ગુજરાતના અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં કેટલાંક ગામોમાં પાણીની વિકટ સમસ્યાના કારણે ઘણાં બધાં ઘરોમાં તાળાં વાગ્યાં છે.
સ્થિતિ એટલી ગંભીર બની છે કે, અંદાજે 80 ટકા જેટલાં ગામોમાં મકાનો બંધ જોવા મળી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, પાણીની આ સમસ્યા આજકાલની નહીં, પણ વર્ષોથી છે.
અહીં બાકી રહી ગયેલા લોકો પણ હવે કહે છે કે, તેઓ પણ હિજરત કરશે. હિજરત પાછળનાં કારણો જણાવતાં સ્થાનિકો કહે છે કે, પાણીની અછતના કારણે તેઓ પોતાના પશુધન સાથે ગુજરાતના અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
પાણીના અભાવે ગામડાંઓ ખાલી થઈ રહ્યાં હોવાની આ સ્થિતિ તંત્ર અને સરકાર માટે ચિંતાજનક બની છે, ત્યારે સવાલ એ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે?
શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, sachin pithva
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પાણીની વિકટ સમસ્યાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાંથી માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.
જસાપર, મોરસલ, નાનીયાણી, સુરઈ, મોટા હરણિયા, નાનું કાધાસર, સાગાણી, રાજાવાડ અને હબિયાસર સહિતનાં ગામોમાં પાણીની અછતના કારણે લોકો પોતાના પશુધન સાથે ગુજરાતના અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક લોકો પાણીના અભાવે પોતાનાં પશુઓ લઈને અહીંથી જઈ રહ્યા છે; તેમનું કહેવું છે કે, અહીં ઘાસચારો પણ પૂરતો નથી.
ગામ લોકો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, sachin pithva
ગામનાં રહેવાસી કુંવરબહેન બીબીસીને જણાવે છે કે, "આખું ગામ ખાલી થઈ ગયું છે, બિચારા અહીંના લોકો આ સૂકા વિસ્તારમાં શું કરવા રહે? અહીં પીવા પાણી ન મળે, ખાવા ન મળે, કૂવા ન મળે; અહીં રોકાઈએ તો શું ખાવાનું? આ મકાનો બંધ છે."
ગામના સ્થાનિક મશરૂભાઈ જણાવે છે કે, "પશુઓને અમારે શું ખવડાવવાનું? પાણી નથી, પશુઓના ચારા માટે પણ કશું નથી. અત્યારે બપોરના સાડા 4 વાગી રહ્યા છે, ત્યારે અમારાં પશુઓએ સવારથી અત્યારે પાણી પીધું છે."
સ્થાનિક માલીબહેન જણાવે છે કે, "ધાબાવાળાં મકાનો મૂકીને લોકો અહીંથી જતા રહ્યા છે. લોકો દિવાળી કરવા પણ નથી રહ્યા."
જસાપર ગામના સ્થાનિક મંગાભાઈ બીબીસીને કહે છે કે, "આખા ગામમાં ફક્ત 2 ગાડી જેટલો પશુચારો છે, ત્યારે અહીં રહીને શું કરવાનું? ધીમે-ધીમે આખું ગામ ખાલી થઈ જવાનું અને સરકારને જો આ વાત ખોટી લાગતી હોય, તો અહીં જાતે આવીને જોઈ જાય કે હાલ ગામમાં કેટલાં મકાનોમાં લોકો બાકી રહ્યા છે."
"ખટારા ભરી ભરીને અહીંયાથી જઈ રહ્યા છે."
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક આગેવાન દેવકણભાઈ જોગરાણા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે આવાં અનેક ગામડાં છે.
"રોજ દસ પંદર ગામ રોજ તમે જુઓ ખટારા ભરી ભરીને અહીંથી જઈ રહ્યા છે."
"એક ખાલી પંખીનો માળો મૂકીને, મજબૂત ચણતર કરેલ મકાન મૂકીને અને માલઢોર લઈ માણસો જઈ રહ્યા છે અને ખાસ દુઃખની વાત તો એ છે કે દિવાળી જેવો તહેવાર હોય એટલે લોકો પોતાના ગામડે જતા હોય છે અને અમારે અહીં ઊંધું છે"
સ્થાનિક માતળાભાઈ બીબીસીને કહે છે કે જિંદગી પૂરી થઈ ગઈ પણ અહીં પીવા પાણી નથી.
"ખારા પાણી પીને લોકો અહીં જીવે છે."
"લોકોએ બોર કર્યો હોય સાતસોથી આઠસો ફૂટ એમાં સાવ ખારું પાણી હોય એવું પાણી પીને આ લોકો અહીં દિવસો કાઢે છે."
પશુપાલક મિત્ર રમેશભાઈ મેર કહે છે અહીંથી સુરેન્દ્રનગર એક મોટું પમ્પિંગ સ્ટેશન છે.
તેમણે કહ્યું, તેનું પાણી તેમણે જ નથી પીધું
તેમણે પોતાની વેદના પ્રગટ કરતાં કહ્યું, "અમારા ઓલેથી મલક આખો પાણી પીવે અને અમે જ પડ્યા છે તરસ્યા. ભાઈ વિશ્વમાં દુષ્કાળગ્રસ્ત અને ન પાણીનો વિસ્તાર હોય તો આ."
દેવકણભાઈ જોગરાણા કહે છે કે સોળ વર્ષથી બનીને ત્રીસ વર્ષ થવા આવ્યાં.
"સોળ વર્ષથી ભાજપ સરકારના મંત્રીઓ ઉદ્ઘાટન કરે છે, હજી એ ડૅમમાં અમને જોઈતું પાણી આવ્યું નથી. અહીં બાકી રહી ગયેલા લોકો પણ કહે છે કે હવે તેઓ પણ હિજરત કરશે. બધું અહીંયા અહીંયા થોડાક દિવસ છીએ."
સ્થાનિક જીવીબહેન કહે છે કે જીવનમાં પાણી વગર શું કરવું?
"કૂવા ખાડા કર્યા એમાં પાણી કાંઈ આવતું નથી."
આ આખા મામલે બીબીસી ગુજરાતીના સહયોગી સચિન પીઠવાએ ચોટીલાના મામલતદાર અને પ્રાંત અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, ચાર દિવસ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
તંત્રનો સંપર્ક થતાં આ લેખ અપડેટ કરવામાં આવશે.
સરકાર શું પગલાં લઈ રહી છે?
ગુજરાતમાં ઓછા વરસાદને પગલે આ પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહેવા ઉદારતમ નિર્ણય કર્યો છે." જોકે, આ જિલ્લાઓમાં સુરેન્દ્રનગરનો સમાવેશ નથી કરાયો.
પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે.
ગુજરાત સરકારે કહ્યું હતું કે દુષ્કાળ જાહેર થવાથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર - આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
સરકારે જાહેરાત કરી હતી કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી વીબી જીરામજી યોજના હેઠળ આપવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ."
આ ઉપરાંત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોમવારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદા ડૅમ પાછળના ખર્ચનો 30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયો હોવાની જાહેરાત કરી હતી.
આ સાથે જ તેમણે દુષ્કાળથી પ્રભાવિત ગુજરાતને પાણી મળશે તથા તેના માટે ગુજરાત નાણા ચૂકવશે, તેવી જાહેરાત પણ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























