પાકિસ્તાન : સોનાના ગેરકાયદે ખનન મામલે સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, 28 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં બુધવારે ગેરકાયદે સોનાના ખનન વિરુદ્ધના એક અભિયાનમાંથી પરત ફરી રહેલી પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષાકર્મીઓનાં મોત થયાં હતાં, જ્યારે 18 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. કોહાટ પોલીસના પ્રવક્તા નોમાન ઝેબે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે મૃતકોમાં ડીએસપી કક્ષાના અધિકારી હૈદર જમાન પણ સામેલ હતા.
ખૈબર પખ્તૂનખ્વા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ કોહાટ શહેર નજીક દરાબુકચ વિસ્તાર ખાતે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા હતા.
નિવેદન મુજબ, "અભિયાન પૂર્ણ થયા પછી જ્યારે પોલીસ દળ પરત ફરી રહ્યું હતું, ત્યારે ગુનાહિત તત્ત્વોના ઇશારે ફિતના-અલ-ખવારિજે પોલીસ દળ પર હુમલો કર્યો."
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "પોલીસકર્મીઓએ હુમલાખોરોનો અત્યંત બહાદુરીપૂર્વક સામનો કર્યો. ત્યારબાદ 18 ખવારિજને જહન્નમમાં મોકલી દેવામાં આવ્યા."
કોહાટ હૉસ્પિટલના એમએસ ડૉ. તાહિરના જણાવ્યા મુજબ, ઘટનાના બાદ 10 પોલીસકર્મીઓના મૃતદેહો અને 10 ઘાયલોને તેમની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
એમાંથી બે ગંભીર રીતે ઘાયલ લોકોને પેશાવર મોકલવામાં આવ્યા છે. જ્યારે આઠ ઘાયલોની સારવાર કોહાટ હૉસ્પિટલમાં ચાલી રહી છે.
ઉગ્રવાદીઓ કોણ હતા?

ઇમેજ સ્રોત, Rescue 1122
પોલીસે જણાવ્યું કે સશસ્ત્ર હુમલાખોરોએ પોલીસ પક્ષ પર ભારે ગોળીબાર કર્યો હતો. ખૈબર પખ્તૂનખ્વામાં 11 ઑક્ટોબરથી ગવર્નર શાસન અને ઇમર્જન્સી અમલમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાન સરકાર પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન સાથે સંકળાયેલા ઉગ્રવાદીઓ માટે "ફિતના-અલ-ખવારિજ" શબ્દનો ઉપયોગ કરે છે.
નિવેદન અનુસાર, ખૈબર પખ્તૂનખ્વા પોલીસ અને સ્થાનિક નાગરિક વહીવટીતંત્રે દરાબુકચ વિસ્તારમાં ગેરકાયદે સોનાના ખનનમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. નિવેદનમાં એવો પણ દાવો કરાયો હતો કે આ ઘટનાથી ગુનાહિત તત્ત્વો અને ફિતના-અલ-ખવારિજ વચ્ચેનું કથિત જોડાણ પણ સામે આવ્યું છે.
પોલીસ પ્રવક્તા મુહમ્મદ નોમાન ઝેબે જણાવ્યું કે હુમલા દરમિયાન પોલીસની પાંચ ગાડીઓને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે હુમલાખોરોએ પોલીસકર્મીઓ પર સતત ફાયરિંગ કર્યું હતું.
ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુન્ડીએ પોલીસકર્મીઓનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો.
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉન્ફ્લિક્ટ એન્ડ સિક્યૉરિટી સ્ટડીઝ અનુસાર, 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી હતી.
આ સમયગાળા દરમિયાન ખૈબર પખ્તૂનખ્વા તથા કબાયલી જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં ફરી વધારો થયો હતો. તેની સાથે જ આવાં તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી પણ તેજ કરવામાં આવી હતી.
ખૈબર પખ્તૂનખ્વામાં 11 ઑક્ટોબરથી ગવર્નર શાસન અને ઇમર્જન્સી અમલમાં છે. પાકિસ્તાનની કેન્દ્રીય સરકારે તે સમયે આ પગલું લીધું હતું જ્યારે તેણે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતૃત્વવાળી ખૈબર પખ્તૂનખ્વા સરકાર પર "આતંકવાદ વિરુદ્ધની લડાઈથી ઇરાદાપૂર્વક દૂર રહેવાનો" આરોપ મૂક્યો હતો.
પેઢીઓથી સોનું એકત્ર કરનારા લોકો

ઇમેજ સ્રોત, Mohammad Ravan
પાકિસ્તાનના ઉત્તર વિસ્તારોમાં સિંધુ નદીના કિનારે લોકો રેતી ચાળી સોનું કાઢતા જોવા મળવું સામાન્ય બાબત છે. સમગ્ર વિસ્તારમાં અનેક મશીનો સોનું કાઢવાના કામમાં લાગેલાં જોવા મળે છે. જોકે, પાકિસ્તાન સરકારે આ પ્રકારના ખનનને ગેરકાયદેસર જાહેર કર્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ખુશાલગઢ અને શકર્દરા વચ્ચે આવેલ દરાબુકચ સિંધુ નદીના કિનારે ફેલાયેલો લાંબો પટ્ટો છે અને આ વિસ્તારમાં નદી કિનારેથી સોનાની શોધ કરવામાં આવે છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે નદી કિનારે સોનાની ઉપલબ્ધતા અંગે વિસ્તરના જુદા જુદા સ્થાનિક જૂથો વચ્ચે અગાઉ પણ અથડામણો થઈ ચૂકી છે, જ્યારે પોલીસે પણ અનેક વખત આ સ્થળોએ દરોડા પાડ્યા છે.
આશરે 3,180 કિલોમીટર લાંબી સિંધુ નદી તિબ્બતના માનસરોવરમાંથી નીકળે છે અને પાકિસ્તાનનાં મેદાનોને સિંચિત કરતી અરબી સમુદ્રમાં જઈ મળે છે.
અને કેટલાક લોકો માટે આ નદી ખરેખર સોનું ઉગળે છે અને તેમની રોજીરોટીનો મુખ્ય આધાર છે.
નદીમાં સોનું કેમ મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉમસૅટ્સ યુનિવર્સિટી, એબટાબાદ કૅમ્પસના પર્યાવરણ વિભાગના વડા ડૉ. ફરીદુલ્લાહના જણાવ્યા અનુસાર, સિંધુ નદીના કિનારે મળતી માટી અને રેતીમાં કુદરતી રીતે સોનાના અંશોનો સમાવેશ થાય છે.
તેમના જણાવ્યા મુજબ, સોનું સામાન્ય રીતે પર્વતોમાં રહેલા ધાતુના ભંડારોમાંથી આવે છે. પર્વતોમાં રહેલા સોનાના રેશા અને ખાણોમાંથી નીકળતા નાના કણો વિવિધ રીતે નદીઓ અને પાણીના પ્રવાહમાં ભળી જાય છે.
જ્યારે વરસાદ કે હિમનદીઓનું પાણી પર્વતોમાંથી નીચે વહે છે, ત્યારે તે પર્વતીય ખડકો અને માટી સાથે સોનાના સૂક્ષ્મ કણોને પણ વહીને નદીમાં લાવી દે છે.
નદીના પ્રવાહ દરમિયાન આવા કણો ભારે હોવાને કારણે તળીયે બેસી જાય છે અને નદી કિનારાની રેતી તથા માટીમાં જમા થઈ જાય છે. આ જ કારણ છે કે સિંધુ નદીની રેતી અને માટીમાં સોનાના સૂક્ષ્મ કણો જોવા મળે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પંજાબ સરકાર અને ખૈબર પખ્તૂનખ્વા સરકાર સિંધુ નદીમાં સોનાની શોધખોળ અથવા મશીનરીના ઉપયોગ સામે કાર્યવાહી કરી રહી છે.
સરકારી રેકૉર્ડ મુજબ, છેલ્લાં બે વર્ષમાં આવી ગેરકાયદે સોનાની શોધખોળ સંબંધિત 100થી વધુ કેસ નોંધાયા છે.
ખૈબર પખ્તૂનખ્વા સરકારે સિંધુ નદી અને કાબુલ નદીના કિનારાઓ પર સોનાની શોધખોળ અને પરવાનગી વગરના ખનન પર પ્રતિબંધ મૂકી ધારા 144 પણ લાગુ કરી છે.
આ પ્રતિબંધ સ્વાબી, નૌશેરા, કોહાટ અને અન્ય સંબંધિત વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે, જેથી ગેરકાયદે ખનન, પર્યાવરણને થતું નુકસાન તથા કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓને નિયંત્રિત કરી શકાય.
આ સાથે સ્થાનિક વહીવટીતંત્રને ગેરકાયદે મશીનરી અને સાધનો જપ્ત કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
સોનું કાઢવાની પરંપરાગત પદ્ધતિ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
નદી કિનારેથી રેતી, કાંકરી અને પથ્થરો ભેગા કરીને તેને પાણીમાં થાળી (પેન), ગાળવાનું જાળ, ટબ અને નાના પાવડાની મદદથી ધોવામાં આવે છે.
આ પ્રક્રિયામાં હળવી માટી વહી જાય છે અને સોનાના ભારે પરંતુ સૂક્ષ્મ કણો નીચે રહી જાય છે. તેમણે જણાવ્યું કે આ રીત પર્યાવરણને પ્રમાણમાં ઓછું નુકસાન પહોંચાડે છે.
ડૉ. ફરીદુલ્લાહનું કહેવું છે કે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં સિંધુ નદી અને તેની ઉપનદીઓના કિનારાઓ પરથી સોનું કાઢવાની પદ્ધતિ સદીઓ જૂની છે.
હવે આ જ કાર્ય મશીનો દ્વારા કરવામાં આવે છે અને તેના માટે ભારે મશીનરી, જેમ કે ખોદકામ મશીન (ઍક્સકેવેટર), પાણીના પંપ અને ઔદ્યોગિક ગાળણી મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સાધનોની મદદથી ઓછી સમયમાં મોટી માત્રામાં રેતી અને માટીને સાફ કરીને વધુ પ્રમાણમાં સોનું મેળવવું શક્ય બને છે.
અગાઉ વધુમાં વધુ એક ગ્રામ સોનું મળતું હતું, જ્યારે હવે પાંચથી છ ગ્રામ સુધી સોનું મળી રહે છે.
જોકે ભારે મશીનરીના વધતા ઉપયોગને કારણે વિસ્તારમાં પ્રદૂષણ તથા નદીકાંઠાના ધોવાણની સમસ્યા પણ વધી ગઈ છે.
ગિલગિત-બાલ્ટિસ્તાનના પર્યાવરણ વિભાગ અને ખનિજ વિભાગના જણાવ્યા મુજબ, તેમની પાસે હાલમાં સોનાનું ખનન કરનારાઓની સંખ્યા અંગે ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.
તેમ છતાં હાલમાં બંને વિભાગો સક્રિય છે અને ગેરકાયદે ખનન કરનારાઓને નોટિસો જારી કરવામાં આવી છે તેમજ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























