ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાય સાથે પાકિસ્તાનનો શો સંબંધ છે અને આ મામલે તપાસની માગણી શા માટે થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉમૈર મહમૂદ
- પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ
- લેેખક, તનવીર મલિક
- પદ, પત્રકાર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
પાકિસ્તાનનું કહેવું છે કે તેણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે સંકળાયેલી ક્રિપ્ટો કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાં કોઈ રોકાણ કર્યું નથી.
આ કંપનીની સ્થાપના ટ્રમ્પના પુત્રો અને અમેરિકાના મધ્ય પૂર્વ માટેના વિશેષ દૂત સ્ટીવ વિટકોફનાં સંતાનોએ કરી હતી. પ્રમુખ ટ્રમ્પે પોતાને આ કંપનીથી અલગ ગણાવ્યા છે.
જોકે, અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પવિરોધી ડેમૉક્રેટિક પાર્ટીની સફળતા બાદ તેના નેતાઓએ સંકેત આપ્યા છે કે તેઓ ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાય અને તેના વિદેશી સંબંધોના મામલે તપાસ કરવા માટે કૉંગ્રેસની સત્તાનો ઉપયોગ કરવા માગે છે.
બીબીસીને મોકલેલા એક નિવેદનમાં પાકિસ્તાન વર્ચ્યુઅલ ઍસેટ્સ રેગ્યુલેટરી ઑથોરિટી (પીવીએઆરએ)એ જણાવ્યું હતું કે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ સાથે પાકિસ્તાનનો સંબંધ મુખ્યત્વે ટૅક્નિકલ સહયોગ અને ભવિષ્યની નાણાકીય વ્યવસ્થાની શક્યતાઓ અંગેની ચર્ચા પૂરતો જ મર્યાદિત રહ્યો છે.
બીજી તરફ, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલના પ્રવક્તા ડૅવિડ વૅક્સમૅને બીબીસીને જણાવ્યું હતું કે 2025માં કંપની સાથે સંકળાયેલી એક સંસ્થાએ પાકિસ્તાન સરકાર સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ કરારનો હેતુ પાકિસ્તાનની નાણાકીય વ્યવસ્થામાં અમેરિકન ડૉલર સાથે જોડાયેલી 'સ્ટેબલકૉઇન'નો ઉપયોગ કરવાની શક્યતાઓ ચકાસવાનો હતો.
નોંધનીય છે કે, માર્ચ 2025માં પાકિસ્તાન સરકારે 'ક્રિપ્ટો કાઉન્સિલ'ની સ્થાપના કરી હતી.
ત્યાર બાદ એપ્રિલ 2025માં આ જ કાઉન્સિલ હેઠળ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ (ડબ્લ્યુએલએફ) સાથે એક 'લેટર ઑફ ઇન્ટેન્ટ' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'લેટર ઑફ ઇન્ટેન્ટ' એટલે પ્રાથમિક દસ્તાવેજ. તેમાં આખરી કરાર થાય તે પહેલાં બંને પક્ષો વચ્ચેની મૂળભૂત શરતો, અપેક્ષાઓ અને પરસ્પર સંમતિનો ઉલ્લેખ હોય છે.
ત્યાર બાદ 14 જાન્યુઆરી, 2026ના રોજ પાકિસ્તાને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
પાકિસ્તાનના કરાર સામે સવાલ

ઇમેજ સ્રોત, x.com/PakistanVARA
આ કરાર પર હસ્તાક્ષર વખતે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને ડબ્લ્યુએલએફના મુખ્ય કાર્યકારી અધિકારી ઝકારિયા વિટકૉફ સહિત અનેક અધિકારીઓ હાજર હતા.
જોકે, ટ્રમ્પ પરિવાર સાથે સંકળાયેલી આ કંપની અત્યારે અમેરિકામાં વધી રહેલી રાજકીય અને કાનૂની ચર્ચાઓના કેન્દ્રમાં આવી ગઈ છે.
કંપનીમાં વિદેશી રોકાણકારોની ભાગીદારી, બીજા દેશો સાથેની તેની ભાગીદારીઓ અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પરિવારનાં નાણાકીય હિતોને લઈને લાંબા સમયથી સવાલો થતા રહ્યા છે.
પરંતુ અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પવિરોધી ડેમૉક્રેટ્સની સફળતા બાદ આ મામલાઓની ઔપચારિક તપાસ થવાની શક્યતા વધી ગઈ છે.
ડેમૉક્રેટિક પાર્ટીના નેતાઓએ સંકેત આપ્યા છે કે. તેઓ ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાય અને તેના વિદેશી સંબંધોની તપાસ માટે કૉંગ્રેસની તપાસસંબંધિત સત્તાઓનો ઉપયોગ કરવા માગે છે.
'મને આ વિશે કંઈ જ ખબર નથી'

ઇમેજ સ્રોત, Anadolu via Getty Image
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરમાં અમેરિકાની પ્રસારણ સંસ્થા સીબીએસના કાર્યક્રમ '60 મિનિટ્સ'માં ટ્રમ્પને તેમના ક્રિપ્ટો વ્યવસાય વિશે સવાલો પૂછવામાં આવ્યા બાદ આ ચર્ચા વધુ ઉગ્ર બની હતી.
અમેરિકાના પ્રમુખને પૂછવામાં આવ્યું હતું કે, તેમના પુત્રો ક્રિપ્ટોકરન્સી કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલનું સંચાલન કરે છે અને આ કંપનીમાં સંયુક્ત આરબ અમીરાતની સરકાર સાથે સંકળાયેલા રોકાણકારોની પણ ભાગીદારી છે.
આના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું, 'મને આ વિશે કંઈ જ ખબર નથી.'
તેમણે વધુમાં કહ્યું હતું, "મારા પુત્રો આ કંપની ચલાવે છે. તેમને એ સમજાવવું મુશ્કેલ છે કે હું પ્રમુખ છું, એટલે તેમણે ચાર વર્ષ સુધી કંઈ જ ન કરવું જોઈએ."
ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે, તેમના પુત્રો ક્રિપ્ટોકરન્સી કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલનું સંચાલન કરે છે અને તેમાં બીજા દેશોના રોકાણકારોએ પણ નાણાં રોક્યાં છે. આ રોકાણકારોને એવું ન લાગી શકે કે પ્રમુખ અને તેમના પુત્રોની સંયુક્ત ભાગીદારી ધરાવતી કંપનીમાં નાણાં રોકવાથી તેમને અમેરિકી સરકારમાં પોતાનો પ્રભાવ વધારવાની તક મળી શકે છે?
જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, વિદેશી રોકાણકારો આવું વિચારે છે કે નહીં, તેની તેમને ખબર નથી. જોકે, તેમણે કહ્યું હતું કે હિતોના ટકરાવની આશંકા અંગેના આવા સવાલો દરેક અમેરિકી પ્રમુખને થતા રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમના મતે આ સમસ્યા માત્ર તેમની સાથે જોડાયેલી નથી. જ્યૉર્જ વૉશિંગ્ટનના સમયથી અત્યાર સુધીના દરેક પ્રમુખે કોઈ ને કોઈ રીતે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, દરેક યુગમાં પ્રમુખોનાં વ્યાવસાયિક કે નાણાકીય હિતો રહ્યાં છે. ફરક માત્ર એટલો છે કે આજે આ મામલો ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલો છે.
વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાં ટ્રમ્પે 50 કરોડ ડૉલરથી વધુ કમાણી કરી?

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images
આ સવાલો એટલા માટે પણ મહત્ત્વના માનવામાં આવે છે કે તાજેતરમાં જાહેર થયેલા નાણાકીય દસ્તાવેજો દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ હવે ટ્રમ્પ પરિવારના સૌથી વધુ નફો રળતા વ્યવસાયોમાં સામેલ છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે જૂન મહિનામાં પોતાની નાણાકીય વિગતોને લગતા 927 પાનાંના દસ્તાવેજો જાહેર કર્યા હતા.
મીડિયાના અહેવાલો અનુસાર, ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા વ્યવસાયો તેમની કમાણીનો મોટો સ્રોત બની ગયા છે.
બીબીસીના 1 જુલાઈ 2026ના એક અહેવાલ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે 2025 દરમિયાન ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા વ્યવસાયોમાંથી કુલ 1.43 અબજ ડૉલરથી વધુની કમાણી કરી હતી.
નાણાકીય દસ્તાવેજો અનુસાર, ટ્રમ્પે ટ્રમ્પ મીમ કૉઇન સાથે સંકળાયેલી સંસ્થા સેલિબ્રેશન કૉઇન્સ પાસેથી મળેલી 63.5 કરોડ ડૉલરની રૉયલ્ટીની વિગતો આપી હતી.
આ જ નાણાકીય દસ્તાવેજોમાં ટ્રમ્પે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાંથી 50 કરોડ ડૉલરથી વધુની કમાણી કરી હોવાનું પણ નોંધ્યું હતું.
અમેરિકાના સામયિક ફૉર્બ્સના પત્રકાર ડૅન ઍલેક્ઝાન્ડરનું કહેવું છે કે, 2024થી 2025 દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં થયેલા આશરે ત્રણ અબજ ડૉલરના વધારામાં ક્રિપ્ટો વ્યવસાયોની મોટી ભૂમિકા હતી.
તેમાં વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલની ભૂમિકા મહત્ત્વની હતી.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ગયા રવિવારે લખેલી એક લાંબી પોસ્ટમાં ડૅન ઍલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે. આ કંપનીની કહાણી 2024ની પ્રમુખપદની ચૂંટણી પહેલાં શરૂ થઈ હતી.
એ સમયે ટ્રમ્પે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ નામનો નવો ક્રિપ્ટો વ્યવસાય શરૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેને 'નાણાકીય ક્રાંતિ' જેવી બાબતો સાથે જોડીને રજૂ કર્યો હતો.
તેમના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ક્રિપ્ટોની દુનિયાએ આ પ્રોજેક્ટમાં ખાસ રસ દાખવ્યો નહોતો. પરંતુ ક્રિપ્ટોના અબજોપતિ જસ્ટિન સને તેમાં ત્રણ કરોડ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી ત્યારથી સ્થિતિ બદલાઈ. જસ્ટિન સન પર અગાઉ અમેરિકાની નિયમનકારી સંસ્થાઓએ છેતરપિંડીના આરોપો મૂક્યા હતા.
ઍલેક્ઝાન્ડરના જણાવ્યા અનુસાર, આ રોકાણ બાદ ટ્રમ્પ પરિવાર અને અન્ય ભાગીદારોને નાણાકીય ફાયદો થવા લાગ્યો અને ત્યાર પછી પણ રોકાણનો પ્રવાહ વધતો રહ્યો.
ટ્રમ્પે પ્રમુખપદના શપથ લીધા તેના એક દિવસ પહેલાં જ જસ્ટિન સને વધુ 4.5 કરોડ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ જ સમયગાળામાં ટ્રમ્પે પોતાના નામે એક 'મીમ કૉઇન' એટલે કે ક્રિપ્ટો ટોકન પણ લૉન્ચ કર્યું હતું.
તેમના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી પણ આ કંપનીમાં રોકાણ ચાલુ રહ્યું હતું. તેમાં ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાતમાંથી રોકાણ આવ્યું હતું.
તેમણે લખ્યું હતું કે અમીરાતની અનેક સંસ્થાઓ અને તેની સાથે સંકળાયેલા રોકાણકારોએ લાખો ડૉલરનાં ટોકન ખરીદ્યાં હતાં. પાછળથી આવેલા અહેવાલોમાં જણાવાયું હતું કે અબુ ધાબીના શાહી પરિવાર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ આશરે 50 કરોડ ડૉલરમાં વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલનો 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
આ પૃષ્ઠભૂમિમાં ટીકાકારો વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ માત્ર એક ક્રિપ્ટો કંપની નહીં, પરંતુ ટ્રમ્પ પરિવારના મહત્ત્વનાં નાણાકીય હિતોમાંના એક તરીકે જોઈ રહ્યા છે. હવે આ કંપની કૉંગ્રેસની સંભવિત તપાસના દાયરામાં આવી શકે છે તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
ડેમૉક્રેટ્સે તપાસની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, x.com/PakistanVARA
ઍસોસિયેટેડ પ્રેસના 5 નવેમ્બરના એક અહેવાલ અનુસાર, ડેમૉક્રેટિક પાર્ટીના નેતાઓએ સંકેત આપ્યા છે કે તેઓ ટ્રમ્પ, તેમના પરિવાર અને તેમના નજીકના સહયોગીઓના વ્યાવસાયિક વ્યવહારોની તપાસ કરવા માટે કૉંગ્રેસને મળેલી તપાસ કરવાની અને સમન્સ જારી કરવાની સત્તાઓનો ઉપયોગ કરશે.
વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ પણ એવા મામલાઓમાં સામેલ છે, જેની તપાસ ડેમૉક્રેટ્સ કરવા માગે છે.
એપી અનુસાર, સેનેટની તપાસ સમિતિના સંભવિત વડા રિચર્ડ બ્લૂમેન્થલે કહ્યું છે કે તેમની સમિતિ ટ્રમ્પના ક્રિપ્ટો વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવહારોની સમીક્ષા કરવા માગે છે.
બ્લૂમેન્થલે ખાસ કરીને ટ્રમ્પના ક્રિપ્ટો વ્યવસાયના મધ્ય પૂર્વ માટેના અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ઍસોસિયેટેડ પ્રેસ અનુસાર, વિટકૉફ ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાય વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાં તેમના ભાગીદાર રહ્યા છે.
આ મામલે ડેમૉક્રેટ્સ તપાસ કરવા માગે છે એ વાત ત્યારે વધુ સ્પષ્ટ થઈ, જ્યારે અમેરિકાના સામયિક પૉલિટિકોએ એક અહેવાલ પ્રકાશિત કર્યો. અહેવાલ અનુસાર, રિચર્ડ બ્લૂમેન્થલે તાજેતરમાં ડઝનબંધ ખાનગી કંપનીઓને પત્રો મોકલ્યા છે. તેમણે ટ્રમ્પ વહીવટી તંત્રના બે અધિકારીઓને પણ પત્રો મોકલ્યા છે.
આ પત્રોમાં જણાવાયું છે કે અગાઉ માગવામાં આવેલી માહિતી નહીં આપવામાં આવે તો બીજા પગલાં લેવામાં આવી શકે છે.
પૉલિટિકો અનુસાર, જે ક્રિપ્ટો કંપનીઓને આ પત્રો મોકલવામાં આવ્યા છે તેમાં બાઇનાન્સ અને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલનો સમાવેશ થાય છે.
આ પત્રોમાં જણાવાયું છે કે આ કંપનીઓએ પેટા સમિતિએ માગેલી માહિતી અને દસ્તાવેજો પૂરા પાડવામાં પૂરતો સહકાર આપ્યો નથી.
સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો 4 જાન્યુઆરી 2027 સુધીમાં જરૂરી દસ્તાવેજો જમા નહીં કરાવવામાં આવે તો સમિતિ નિયમોનું પાલન કરાવવા માટે આગળનાં પગલાં લેવાનું વિચારી શકે છે.
પૉલિટિકોમાં પ્રકાશિત આ સમાચારનું મથાળું છે, 'ટ્રમ્પ સાથે સંકળાયેલી કંપનીઓની તપાસ ઝડપી કરવાની તૈયારી'. રિચર્ડ બ્લૂમેન્થલે પણ આ સમાચાર પોતાના ઍક્સ એકાઉન્ટ પર શૅર કર્યા છે.
'પાકિસ્તાને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાં રોકાણ કર્યું નથી'

ઇમેજ સ્રોત, x.com/PakistanVARA
અને અહીંથી આ ચર્ચામાં પાકિસ્તાનનું નામ આવે છે.
કારણ કે જાહેરમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, આ કંપની સાથે સંકળાયેલા દેશોમાં બે દેશોનાં નામનો ખાસ ઉલ્લેખ થાય છે. તે છે સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાન.
સમાચાર સંસ્થા ઍસોસિયેટેડ પ્રેસે 14 એપ્રિલ 2026ના એક અહેવાલમાં 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ને ટાંકીને જણાવ્યું હતું કે ટ્રમ્પ પરિવારે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાં પોતાનો આશરે અડધો હિસ્સો અમીરાત સરકાર સાથે સંકળાયેલી એક કંપનીને 50 કરોડ ડૉલરમાં વેચ્યો હતો.
એપી અનુસાર, ત્યાર બાદ અમીરાતના એક સોવેરિન વેલ્થ ફંડે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ દ્વારા જારી કરવામાં આવેલા 'સ્ટેબલકૉઇન' મારફતે બાઇનાન્સમાં બે અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.
નોંધનીય છે કે 'સ્ટેબલકૉઇન' એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે, જેની કિંમત કોઈ પરંપરાગત સંપત્તિ સાથે, સામાન્ય રીતે અમેરિકન ડૉલર સાથે જોડાયેલી હોય છે. તેનો હેતુ સામાન્ય ક્રિપ્ટોકરન્સીની જેમ તેની કિંમતમાં થતી ભારે વધઘટને રોકવાનો હોય છે.
જોકે, સંયુક્ત આરબ અમીરાત સાથે સંકળાયેલી આ બધી વિગતો મીડિયા અહેવાલો દ્વારા જાણમાં આવી હતી. બીજી તરફ, પાકિસ્તાનના કિસ્સામાં સ્થિતિ અલગ છે. પાકિસ્તાન અને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ વચ્ચે જે પણ સંબંધો અને કરારો થયા હતા, તેની જાહેરાત સત્તાવાર સ્તરે કરવામાં આવી હતી.
એપ્રિલ 2025માં પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ અને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ વચ્ચે લેટર ઑફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર થયા ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે તેની જાહેરાત કરી હતી.
ત્યાર બાદ 14 જાન્યુઆરી 2026ના રોજ પાકિસ્તાન અને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન તરફથી તેના પર નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પણ હાજર હતા.
પાકિસ્તાન વર્ચ્યુઅલ ઍસેટ્સ રેગ્યુલેટરી ઑથોરિટી (પીવીએઆરએ)ના ઍક્સ અકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું હતું કે આ કરાર વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ અને પાકિસ્તાનના નાણાં મંત્રાલય વચ્ચે થયો હતો.
પરંતુ આ સમજૂતી કરાર પછી વાસ્તવમાં આ મામલો કેટલો આગળ વધ્યો? શું પાકિસ્તાને પણ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ મારફતે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું?
બીબીસીએ આ સવાલ નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબના સલાહકાર ખુર્મ શહઝાદને પૂછ્યો ત્યારે તેમણે પીવીએઆરએનો પક્ષ જાણવાની સલાહ આપી હતી.
બીબીસીએ સંપર્ક કરતાં પીવીએઆરએએ જણાવ્યું હતું કે પાકિસ્તાને "ન તો વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાં કોઈ હિસ્સો ખરીદ્યો છે કે ન તો તેમાં સરકારની કોઈ મૂડી રોકી છે."
પીવીએઆરએનું કહેવું છે કે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ સાથે થયેલા કરારો રોકાણ સાથે સંબંધિત નહોતા.
સંસ્થાના જણાવ્યા અનુસાર, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ સાથેની વાતચીતનો હેતુ સસ્તી, ઝડપી અને વધુ સારી આંતરરાષ્ટ્રીય ચુકવણીની શક્યતાઓ તપાસવાનો હતો.
પીવીએઆરએ અનુસાર, ગયા નાણાકીય વર્ષ દરમિયાન પાકિસ્તાનને વિદેશમાંથી 41.6 અબજ ડૉલરથી વધુ નાણાં મળ્યાં હતાં. આ નાણાંને રેમિટન્સ એટલે કે વિદેશમાંથી મોકલવામાં આવતાં નાણાં કહેવામાં આવે છે. સરહદ પાર નાણાં મોકલવાનો ખર્ચ થોડો પણ ઘટે તો તેનાથી પાકિસ્તાનનાં લાખો પરિવારોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
પીવીએઆરએએ જણાવ્યું હતું કે આ જ કારણસર પાકિસ્તાન 'સ્ટેબલકૉઇન' અને 'બ્લૉકચેન' આધારિત ચુકવણી વ્યવસ્થાઓ સહિતની નવી ટૅક્નૉલૉજીની શક્યતાઓ તપાસી રહ્યું છે. તેના દ્વારા આંતરરાષ્ટ્રીય ચુકવણી ઝડપી, વધુ સારી અને ઓછા ખર્ચે કરી શકાય છે.
સંસ્થાએ કહ્યું હતું કે સરકારનો હેતુ "કોઈ એક કંપની કે ચોક્કસ ટૅક્નૉલૉજીને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ એવા વ્યવહારુ વિકલ્પો શોધવાનો છે, જે નાણાકીય વ્યવસ્થાને વધુ સારી બનાવવામાં અને વિદેશથી આવતા નાણાં પર થતો ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે."
પીવીએઆરએના જણાવ્યા અનુસાર, આ દિશામાં લેવામાં આવનારાં કોઈ પણ વ્યવહારુ પગલાં "પાકિસ્તાનનાં નિયમનકારી નિયમો, નાણાકીય સ્થિરતા અને રાષ્ટ્રીય હિતોને અનુરૂપ રહેશે."
બીબીસીના સવાલોના જવાબમાં વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલે પણ આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
કંપનીના પ્રવક્તા ડૅવિડ વૅક્સમૅને જણાવ્યું હતું કે, 2025માં કંપની સાથે સંકળાયેલી એક સંસ્થાએ પાકિસ્તાન સરકાર સાથે એક કરાર કર્યો હતો. તેનો હેતુ નાણાકીય વ્યવસ્થામાં અમેરિકન ડૉલર સાથે જોડાયેલા 'સ્ટેબલકૉઇન'નો ઉપયોગ કરવાની શક્યતાઓ તપાસવાનો હતો.
તેમના જણાવ્યા અનુસાર, 'પાકિસ્તાનમાં આશરે ચાર કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય રેમિટન્સ, જે દેશની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વનાં છે, તે જૂની ટૅક્નૉલૉજીના ઉપયોગને કારણે ઘણી વાર મોંઘાં પડે છે.'
હાલ ડેમૉક્રેટ્સનું ધ્યાન વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલના વિદેશી સંબંધો અને રોકાણકારો પર છે. જોકે, ઉપલબ્ધ માહિતી અનુસાર, અત્યાર સુધી તપાસની કોઈ માગણી કે જાહેર નિવેદનમાં પાકિસ્તાનનું નામ જાણવામાં આવ્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































