અમેરિકામાં છુપાયેલો નવો 'દેશ', વસ્તી માત્ર 25,000 કરતાં વધુ, નિયમો પણ કેવા અટપટા

ઇમેજ સ્રોત, Slowjamastan Ministry of Propaganda
- લેેખક, મૅગી ડાઉન્સ
- વાંચવાનો સમય: 8 મિનિટ
25,000 કરતાં વધુ સ્વ-ઘોષિત નાગરિકોએ એક નકલી સરમુખત્યારશાહી પ્રત્યે તેમની નિષ્ઠાના શપથ લીધા છે. કૌતુકની વાત એ છે કે, ત્યાં ક્રૉક્સ પહેરવા ઉપર અને રિપ્લાય-ઑલ ઇમેઇલ્સ ઉપર પ્રતિબંધ છે.
કૅલિફોર્નિયાની કોચિલા વૅલીના ખજૂરનાં ખેતરો અને મૅક્સિકોની સરહદની વચ્ચેના ભાગમાં નજર પહોંચે, ત્યાં સુધી અગનભઠ્ઠી જેવો તપતો રણપ્રદેશ પથરાયેલો છે.
આ સૂકાભઠ્ઠ નો-મૅન્સ લૅન્ડમાં ઘૂંટણસમાં ઝાડી-ઝાંખરા અને સાંઠેકડાં જોવા મળે છે. હવામાં સતત જીવજંતુનો ગણગણાટ સંભળાયા કરે છે અને દૂર એક ચમકતી સબમરીન દેખાય છે.
આ પ્રદેશ છે, ધ રિપબ્લિક ઑફ સ્લોજામાસ્તાન, દુનિયાનો સૌથી યુવાન સૂક્ષ્મ દેશ. સામાન્યપણે ડ્રાઇવરો અહીંથી પસાર થાય, ત્યારે 11 એકરમાં ફેલાયેલા આ ઉજ્જડ વિસ્તારને એક વખત જોયા પછી તેના પરથી નજર હઠાવી લે છે.
તેમ છતાં, આ વિસ્તારમાં પગ મૂકતાં જ વાસ્તવિક દુનિયા ભુલાઈ જાય છે. આ "દેશમાં" બંધારણીય રીતે ક્રૉક્સ (એક પ્રકારના પગરખાં) ઉપર પ્રતિબંધ છે. કાયદાની રૂએ રિપ્લાય-ઑલ ઇમેઇલ્સ પર પ્રતિબંધ છે.
ઝડપથી વાહન ચલાવવાની પરવાનગી છે, પણ ત્યારે જ જ્યારે તમે ટાકોઝ (એક પ્રકારની વાનગી) લઈને ઘર તરફ જવા દોટ મૂકી રહ્યા હો, ત્યારે જ. 'રેકૂન' અહીંનું રાષ્ટ્રીય પ્રાણી છે.
આ બધાના કેન્દ્રમાં રૅન્ડી વિલિયમ્સ છે - જેઓ "સ્લોજામાસ્તાનના સુલતાન" તરીકે પણ ઓળખાય છે.
તેઓ જ્યારે જંગલી કૂતરાં, રણના કાચિંડા અને તેમના રણપ્રદેશને પોતાનું ઘર ગણાવતા અંદાજે 25,000 "નાગરિકો" ઉપર રાજ ન કરી રહ્યા હોય, ત્યારે સાન ડિએગો ખાતે ઝેડ90 અને મૅજિક 92.5 રેડિયો સ્ટેશન્સના પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે કામ કરે છે અને ઍરવેવ્ઝ પર "આર ડબ" તરીકે ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1994થી તેઓ "સનડે નાઇટ સ્લો જૅમ્સ" નામનો રેડિયો શો હોસ્ટ પણ કરે છે, જે હવે વિશ્વભરનાં 250 કરતાં વધારે સ્ટેશનો ઉપર પ્રસારિત થાય છે.
પ્રવાસના શોખીન વિલિયમ્સ યુનાઇટેડ નૅશન્સ દ્વારા માન્યતાપ્રાપ્ત પ્રત્યેક દેશનો પ્રવાસ ખેડવામાં વર્ષો વિતાવ્યાં છે. 2020ના પ્રારંભ સુધીમાં તેઓ તેમના આખરી પડાવથી એક જ ડગલું દૂર હતા અને ત્યારે સમગ્ર વિશ્વમાં લૉકડાઉન લાગુ થઈ ગયું.
વૈશ્વિક મહામારી દરમિયાન અન્ય લોકોની માફક વિલિયમ પણ ઘરમાં કેદ થઈ ગયા હતા અને તેઓ દુખી હતા. તેમની પાસે સમય જ સમય હતો, પણ ક્યાંય જવાય તેમ નહોતું. છતાંયે, તેમનું મન તો જેટ પ્લેનની ઝડપે જ દોડી રહ્યું હતું.
તે સમયે રેન્ડી વિલિયમ્સને ઝબકારો થયોઃ "જો હું બીજા કોઈ દેશનો પ્રવાસ ન ખેડી શકું, તો પછી પોતાનો જ એક દેશ કેમ ઊભો ન કરી લઉં?"
નકલી સરમુખત્યાર કેવી રીતે બનવું?

ઇમેજ સ્રોત, Slowjamastan Ministry of Propaganda
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુલતાને કૉન્સ્યુલેટ (રેડિયો સ્ટેશન પરની તેમની ઑફિસ)ની મુલાકાત દરમિયાન મને જણાવ્યું, "બાળપણમાં મને સર્જનશીલ વસ્તુઓ કરવી ગમતી હતી, ચાહે તે સર્જનાત્મક લખાણ હોય, ચિત્રકામ હોય કે પછી વર્ગના પ્રોજેક્ટ્સ હોય. તેથી, મને આ પ્રોજેક્ટ સર્વશ્રેષ્ઠ લાગ્યો,"
કૉન્સ્યુલેટ ખાતે તેઓ વિશ્વભરની વાસ્તવિક સરમુખત્યારશાહીઓના પ્રચારનો સંગ્રહ રાખે છે. "હું મારી તમામ સર્જનાત્મક ઊર્જા તેમાં લગાવી શકતો હતો."
તેમણે તેમના ખાસ મિત્ર માર્ક કોરોનાને ફોન કરીને પોતાના વિચાર વિશે વાત કરી.
કોરોનાએ તેમનો વિચાર હસી કાઢ્યો અને કહ્યું, "મને માત્ર "ફૅમિલી ગાય"ના એ એપિસોડનો વિચાર આવે છે, જેમાં પીટરે તેનો પોતાનો દેશ 'પેટોરિયા' બનાવ્યો હતો."
સુલતાન કહે છે, "એ સમયે મારી આંખો ચકરવકર થઈ રહી હતી. મેં કહ્યું હતું, 'બરાબર છે, ભાઈ. અને આ દેશ ભેગો ક્યાં થશે? તારા ઘરે?,'"
વિલિયમ્સ મક્કમ રહ્યા અને આવશ્યકતાઓની યાદી સાથે રિયલ એસ્ટેટની જગ્યા શોધતા રહ્યા. આ માટે પાંચ એકર કરતાં વધુ જગ્યાની જરૂર હતી, વળી, ત્યાં પાકા રસ્તાની સુવિધા હોવી જોઈએ અને જગ્યા સાન ડિયેગો ખાતે વિલિયમના ઘરથી નજીકના અંતરે હોવી જોઈએ. એક પ્લોટ દેખાયો. તે 19,500ની કિંમતનો રેતાળ, ઝાડી-ઝાંખરાં અને ખડકો ધરાવતો અવિકસિત જમીનનો ટુકડો હતો.
"જમીન જોતાંવેંત મને ગમી ગઈ," એમ વિલિયમ્સે જણાવ્યું હતું. તેમણે 2021માં જમીન ખરીદી લીધી.
વિલિયમ્સે ફિનિક્સમાંથી પ્રમુખને છાજે એવું ડેસ્ક લેવા માટે અને તેને દક્ષિણ કૅલિફોર્નિયા પહોંચાડવાનું કામ કોરોનાને સોંપ્યું.
તે ડેસ્ક તેમણે રણપ્રદેશની વચ્ચોવચ ઉતાર્યું અને કૅલિફોર્નિયા સ્ટેટ રૂટ 78 પર માર્ગ સંકેતો ચિહ્નિત કરીને તેમના પ્રદેશની સરહદ અંકિત કરવાનું શરૂ કર્યું, જે તેમના નવા દેશની જાહેરાત કરતા હતાઃ "રિપબ્લિક ઑફ સ્લોજામાસ્તાન" - વિલિયમ્સે શરૂઆતમાં મજાકમાં આ નામ રાખ્યું હતું, જે પછીથી કાયમી બની ગયું.
તમે કેવી રીતે નાગરિક બની શકો?

ઇમેજ સ્રોત, Slowjamastan Ministry of Propaganda
સ્થાનિક અધિકારીઓનું આ તરફ ધ્યાન ખેંચાતાં વધુ વાર ન લાગી. સંકેતો માર્ગની અત્યંત નજીક હોવાથી તેમને નોટિસ ફટકારવામાં આવી.
જોકે, વિલિયમ્સે કાઉન્ટીના નિયમોનું પાલન કરીને સંકેતોને સહેજ ખસેડ્યા અને પોતાના નવા સૂક્ષ્મ રાષ્ટ્રનો પ્રચાર ગર્વભેર ચાલુ રાખ્યો.
"ત્યાંથી પસાર થનારા લોકોને તે કૌતુક જેવું લાગતું હતું. કદાચ તેમને લાગતું હતું કે, અમે આતંકવાદી છીએ અને તેના કારણે અમારો વધુ પ્રચાર થયો. તેનાથી વધુને વધુ લોકોનું ધ્યાન અમારા તરફ ખેંચાયું." એમ કોરોનાએ જણાવ્યું હતું.
પણ, માર્ગ પાસેનાં ચિહ્નો તો હજુ શરૂઆત જ હતી. પહેલાં કામચલાઉ બૉર્ડર ચેકપૉઇન્ટ આવ્યો. તે પછી ધ્વજ અને પાસપૉર્ટનો વારો આવ્યો. જોતજોતામાં રિપબ્લિક ઑફ સ્લોજામાસ્તાન એક વાસ્તવિક દેશ જેવો દેખાવા લાગ્યો.
વિલિયમ્સના જણાવ્યા મુજબ, ' મેં પોલીસ કાર, સિક્કા તથા ઇમિગ્રેશન બૂથ ખરીદી કરી.'
વિલિયમ્સે સ્વંયને સુલતાન ઘોષિત કર્યા અને તે પ્રમાણેનાં વસ્ત્રો પહેરવાં માંડ્યાં. તેમાં કાળા સનગ્લાસ, ઇસ્ત્રીબંધ યુનિફૉર્મ તથા અન્ય બાબતોનો સમાવેશ થતો હતો. તેમણે સ્વયં કબૂલ્યું હતું કે, લિબિયાના સરમુખત્યાર શાસક મુઆમ્મર ગદ્દાફીની નાટકીય લશ્કરી શૈલીનું અનુકરણ છે.
તે ભૂમિકામાં સુલતાનનો અવાજ પણ બદલાઈને તેઓ જેને "જીએફએ" (જનરલ ફોરેન ઍક્સેન્ટ - વિદેશી લઢણ) કહે છે, તે પ્રકારનો થઈ જાય છે. તેમાં સ્વરો લંબાતા હોય છે, "થ કે ધ"ની જગ્યાએ "ઝ"નો ઉપયોગ કરવામાં આવે છે.
પાંચ વર્ષ પછી સ્લોજામાસ્તાન હવે બિનસત્તાવાર નાગરિકો બનવા માગતા પ્રવાસીઓ માટે પાસપૉર્ટ જારી કરે છે, પોતાનું ચલણ બહાર પાડે છે અને ધ્વજવંદન સમારોહ પણ યોજે છે.
આ જમીન ડબલૅન્ડિયા, બક્સિલ્વેનિયા તથા ક્વીનડમ ઑફ હોટડેમાસ્તાન જેવાં રાજ્યોમાં વિભાજિત કરવામાં આવી છે. સુલતાને એલ્ટન જૉનના રૉકેટમેનની ધૂન ઉપરથી રાષ્ટ્રગીત પણ લખ્યું છેઃ સ્લોજામાસ્તાન (મને લાગે છે કે, આ એક અદભુત સ્થળ બનવાનું છે).
પોતાની સામેલગીરીને ઔપચારિક સ્વરૂપ આપવા ઇચ્છતા લોકો માટે અહીં હોદ્દા રાખવામાં આવ્યા છે.
"ધારો કે, તમે ઉત્તર કેરોલિનાના રહીશ છો અને તમે તમારી લિંક્ડઇન પ્રોફાઇલને મજબૂત બનાવવા માગો છો, તો તમે તમારો હોદ્દો નક્કી કરી શકો છો, નાની ફી ચૂકવીને... તમે સાંસદ બની જશો."
સરમુખત્યારશાહીમાં હોદ્દો મેળવવા માટે કિંમત ચૂકવવી પડે છે (રાજદૂતો દર મહિને 10-25 ડૉલર અથવા 7.50થી 19 પાઉન્ડ જેટલી રકમ ચૂકવે છે), પણ નાગરિકત્વ તમામ માટે મફત છે.
સૂક્ષ્મ રાષ્ટ્ર હાલમાં 120 દેશોના 25,000 સ્વ-નોંધણીકૃત "નાગરિકો" ધરાવે છે. આ આંકડો વેટિકન સિટી, તુવાલુ અને પલાઉ જેવાં કેટલાંક માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રો કરતાંયે ઊંચો છે.
ઘણા લોકો સ્લોજામાસ્તાન સાથે આ સૂક્ષ્મ રાષ્ટ્રની રમૂજી સોશિયલ મીડિયા પોસ્ટ્સ થકી જ જોડાયેલા રહે છે, પણ આ સમુદાય રૂબરૂ પણ એકત્રિત થાય છે.
દેશના નૌકાદળના પ્રથમ જહાજના લૉન્ચિંગ કે પછી કોઈ પણ પ્રકારની દાણચોરી સામે દેશને રક્ષણ પૂરું પાડવાના આશયથી તૈયાર કરવામાં આવેલી 'એસએસ બેદાસીન' નામની બગડેલી સબમરીનના લોન્ચિંગ વખતે યોજાતા સમારોહ તમામ લોકો માટે ખુલ્લા હોય છે.
તેમ છતાં એક સરળ ઑનલાઇન ફૉર્મ ભરીને મેળવવામાં આવતી નાગરિકતા લોકોને વ્યાપક અનુભવ સાથે સાંકળે છે.
કડાકૂટમાંથી છુટકારો

ઇમેજ સ્રોત, Slowjamastan Ministry of Propaganda
સુલતાનના જણાવ્યા પ્રમાણે, લોકો અનેકવિધ કારણસર સ્લોજામાસ્તાની બનતાં હોય છે. કેટલાક લોકો જીજ્ઞાસાવશ નાગરિકત્વ મેળવે છે. કોઈને આમાં મજા આવે છે. તો કેટલાક લોકો આ રીતે બાકી વિશ્વની કડાકૂટમાંથી થોડો સમય માટે આરામ મેળવવા માગે છે.
સુલતાન કહે છે, "મારે કહેવાની જરૂર નથી કે, બધું કેટલું વિભાજિત છે. કોઈ પણ સમયે તમે ફેસબુક ખોલો છો, ત્યારે જાણવા મળે છે કે, લોકો રાજકારણને કારણે મિત્રો તથા પરિવારજનો ગુમાવી રહ્યા છે."
"સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. સ્લોજામાસ્તાન તે તમામ પ્રતિકૂળતાઓમાંથી મળતો છુટકારો છે. અમારા ખુદના રાજકારણ સિવાય, અમે કોઈ પણ પ્રકારના રાજકારણની ચર્ચાની મનાઈ ફરમાવીએ છીએ."
દેશના રાજકારણની સ્થિતિથી નિરાશ થઈ રહેલા અમેરિકનોની સંખ્યા વધી રહી છે અને તેઓ અન્ય દેશોના પાસપૉર્ટ મેળવવાની શક્યતાઓ ચકાસી રહ્યા છે, એવા સમયે સ્લોજામાસ્તાનના નાગરિકોમાં 50 ટકા નાગરિકો અમેરિકનો છે, એમ વિલિયમ્સે જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Slowjamastan Ministry of Propaganda
સુલતાને દેશની વૃદ્ધિને રાજકીયને બદલે વૈશ્વિક ગણાવી હતી. તાજેતરમાં જ બાંગ્લાદેશમાંથી અરજદારોની સંખ્યામાં થયેલો ઉછાળો એ વાતની સાક્ષી પૂરે છે કે, સ્લોજામાસ્તાનની અપીલ સીમાથી પર છે, એમ તેમણે કહ્યું હતું.
જેપર્ડીના એપિસોડમાં જ્યારે એક સ્પર્ધકે સ્લોજામાસ્તાનનો ઉલ્લેખ કર્યો, ત્યારે સ્ટેફની હેડને પહેલી વાર આ દેશ વિશે સાંભળ્યું હતું. પછીથી, તેમણે લૉંગ બીચ ટ્રાવેલ ઍન્ડ ઍડવેન્ચર શોમાં વિલિયમ્સને શોધી કાઢ્યા.
હેડન હવે આ સૂક્ષ્મ રાષ્ટ્રનાં નાગરિક છે. તેઓ કહે છે, "સુલતાન મારા જીવનમાં જે આનંદ લઈને આવ્યા, તે બદલ હું તેમનો આભાર માનવા માગતી હતી. તેમને આ આનંદ આ સૂક્ષ્મ રાષ્ટ્રની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી મળે છે, જેમાં આ દેશના અનોખા કાયદા વિશેનાં રમૂજભર્યાં રિમાઇન્ડર્સથી લઈને સ્લોજામાસ્તાનના પોતાના પાસપૉર્ટ ગર્વભેર બતાવી રહેલા નવા નાગરિકો સહિતની પોસ્ટ્સ સામેલ છે."
"તેના વિશેની તમામ વિગતો મને ખુશ કરી દે છે. અને મને લાગે છે કે, સ્લોજામાસ્તાનના હજ્જારો નાગરિકો મારી આ વાત સાથે સંમત થશે. (અમેરિકામાં) આપણા સૌ માટે આ ઘણો મુશ્કેલ સમય છે, પણ અહીં કશુંક આનંદપ્રદ છે."
રણથી વૈશ્વિક મંચ સુધી

ઇમેજ સ્રોત, Slowjamastan Ministry of Propaganda
વિશ્વમાં સેંકડો સૂક્ષ્મ રાષ્ટ્રો અસ્તિત્વ ધરાવતાં હોવાનું અનુમાન છે. આ પૈકીનાં કેટલાંક રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય જળ સીમાની વચ્ચે આવેલાં છે, તો કેટલાંક શાંત પરાં વિસ્તારોમાં વસેલાં છે.
આવતા વર્ષે સ્લોજામાસ્તાન સૂક્ષ્મ રાષ્ટ્રોના સંમેલન - માઇક્રોકોન 2027નું આયોજન કરશે. બોમ્બર રિપબ્લિકથી લઈને ડ્રેગન આઇલ સહિતના 43 કરતાં વધારે સ્વ-ઘોષિત દેશોના પ્રતિનિધિઓ ભૂ-રાજકીય સાર્વભૌમત્વથી લઈને રાજચિહ્ન બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકત્રિત થશે. કાર્યક્રમની વેબસાઇટમાં લખ્યું છેઃ "આ કોસપ્લે અને શાસનકળાનું મિલન છે."
સુલતાન કહે છે કે, સ્લોજામાસ્તાનના રણપ્રદેશમાં મુલાકાતીઓનું સ્વાગત છે, પણ હાલમાં અહીં પ્રવાસીઓ માટે રાત્રિરોકાણની કોઈ વ્યવસ્થા નથી.
(જોકે, ત્યાં રનવે પર એક જેટ પ્લેનનું ચિહ્ન છે અને વિલિયમ્સ સલામી આપતા હોય, તેવો એક સંદેશ છેઃ "રૅન્ડી વિલિયમ્સ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ - ટૂંક સમયમાં ખૂલી રહ્યું છે".
પરિણામે, માઇક્રોકોન, 2027 સાન ડિયેગોની એક ગગનચુંબી ઈમારતના પેન્ટહાઉસમાં યોજાશે.

ઇમેજ સ્રોત, Slowjamastan Ministry of Propaganda
વિલિયમ્સ માટે આ સૂક્ષ્મ રાષ્ટ્ર હંમેશાં મુસાફરીનો વિષય રહ્યું છે. તાજેતરમાં જ તેમણે ઉઝબેકિસ્તાનના એક નાગરિકનો સંદેશો બતાવ્યો હતો.
"મેં તેમને કહ્યું, 'અરે, હું તમારા દેશમાં ગયો છું' અને મેં તેમને તસવીર બતાવી. બસ આ જ રીતે, હું તરત તેમની સાથે જોડાઈ ગયો," એમ તેમણે કહ્યું હતું.
તેઓ આ જ ભાવના સાથે સ્લોજામાસ્તાનનું નિર્માણ કરવાની અપેક્ષા ધરાવે છે - એક એવું સ્થળ, જે ગમે તેટલું બિનપરંપરાગત હોય, તો પણ વિશ્વભરના લોકો તેની સાથે જોડાઈ શકે અને તેની મુલાકાત લઈ શકે.
મે, 2023માં વિલિયમ્સે તેમના છેલ્લા બાકી રહી ગયેલા દેશ - તુર્કમેનિસ્તાનનો પ્રવાસ ખેડ્યો. ત્યાં સુધીમાં સ્લોજામાસ્તાન ખાલીપો ભરવા માટેના વિકલ્પ પૂરતું સીમિત ન રહેતાં વિવિધ સંસ્કૃતિઓ અને સીમા પારના લોકો સાથે જોડાવાનો માર્ગ બની ચૂક્યું હતું.
"સ્લોજામાસ્તાન મારું નથી," આટલું બોલીને અટકી ગયા પછી તેમણે સુધારો કરતાં કહ્યું, "અલબત્ત, હું સરમુખત્યાર છું, પણ ખરેખર આ રાષ્ટ્ર બધાંનું છે. દરેક વ્યક્તિ માટે તે અલગ અર્થ ધરાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















