'અરુણાચલની સરહદે ભારત અને ચીન સામસામે છે', આઈટીબીપીના મહાનિર્દેશકના નિવેદનથી રાજકીય ગરમાવો

બીબીસી ગુજરાતી 'અરુણાચલની સરહદે ભારત અને ચીન સામસામે છે', આઈટીબીપીના મહાનિર્દેશકના નિવેદનથી રાજકીય ગરમાવો
ઇમેજ કૅપ્શન, આઈટીબીપીના મહાનિર્દેશક શત્રુજિત કપૂરે ગુરુવારે અરુણાચલ પ્રદેશની સરહદ પરની સ્થિતિને ચિંતાજનક ગણાવી હતી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

અરુણાચલ પ્રદેશની સરહદે તણાવની સ્થિતિ અંગે ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશકના નિવેદનના સંદર્ભે કૉંગ્રેસ અને વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરી છે.

ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશક (ડીજી) શત્રુજિત કપૂરે ગુરુવારે કહ્યું હતું, "છેલ્લા કેટલાક દિવસોમાં એવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ બંને પક્ષો (ભારત અને ચીન) સામસામે આવી ગયા હતા. આ સ્થિતિ હજુ પણ ચાલુ છે."

આ વર્ષે જુલાઈમાં ઉત્તર-પૂર્વીય સરહદે તણાવ શરૂ થયા પછી પહેલી વાર સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરવામાં આવી છે.

જુલાઈના અંતથી અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં આવેલા અસાફિલા અને માજા વિસ્તારોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે.

કૉંગ્રેસે મોદી સરકારને નિશાન બનાવતાં કહ્યું છે, "વડા પ્રધાન અને તેમનું સમગ્ર તંત્ર આ ગંભીર મુદ્દે મૌન ધારણ કરીને બેઠાં છે."

કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પત્રકાર પરિષદમાં આરોપ મૂક્યો હતો કે, મોદી સરકાર ચીન સામે ઝૂકી ગઈ છે.

આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) સંબંધિત મુદ્દાઓ ઉકેલવા માટે ભારત અને ચીન સતત વાટાઘાટો કરી રહ્યાં છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રણધીર જયસ્વાલે કહ્યું, "અમે અગાઉ પણ કહ્યું છે તેમ, ભારત-ચીન સરહદે સમયાંતરે ચીની સૈનિકો તેમના નિર્ધારિત માર્ગથી અલગ થઈને પેટ્રોલિંગ કરવા લાગે છે, ત્યારે પરિસ્થિતિ બગડે છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા, ગેરસમજણો દૂર કરવા અને કોઈ પણ ગરબડ ટાળવા માટે બંને દેશો સતત વાટાઘાટો કરી રહ્યા છે અને લશ્કરી માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે."

માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "સરહદનું યોગ્ય સંચાલન કરવા માટે એલએસી અંગેની સમજણ વધુ સ્પષ્ટ બનાવવાની બાબતે પણ બંને પક્ષો સંમત થયા છે. હું એ વાત પર પણ ભાર મૂકવા માગું છું કે બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે સરહદે શાંતિ જાળવવી અત્યંત જરૂરી છે."

શિવસેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલાને ગંભીર ગણાવતાં કહ્યું કે, "દેશના ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી અને વિદેશમંત્રીએ જવાબ આપવો જોઈએ."

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેએ પણ શત્રુજીત કપૂરનું નિવેદન શૅર કરીને સરકાર પર કટાક્ષ કર્યો છે.

સોશિયલ મીડિયા પર પણ આઈટીબીપીના મહાનિર્દેશકના નિવેદન અંગે લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સરહદની સ્થિતિ વિશે પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.

આઈટીબીપીના મહાનિર્દેશકે શું કહ્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આઈટીબીપીના મહાનિર્દેશક શત્રુજિત કપૂરે કહ્યું છે કે ભારતીય જવાનો જૂનાં શસ્ત્રોથી લડી રહ્યા છે

આઈટીબીપીના જવાનો માટે દર વર્ષે યોજાતા સન્માન સમારંભ 'હિમવીર સન્માન સમારંભ'માં ગુરુવારે આઈટીબીપીના મહાનિર્દેશક શત્રુજિત કપૂરે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશની સરહદે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન આઈટીબીપીના કમાન્ડો સક્રિય રહ્યા છે.

તેમણે શૌર્ય કમાન્ડો ટુકડીઓનાં 'અસાધારણ કામ'ની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું, "અમારી નવી રચાયેલી શૌર્ય કમાન્ડો ટુકડીઓએ આમાં શાનદાર ભૂમિકા ભજવી હતી. આઈટીબીપીની રચના પર્વતીય વિસ્તારોમાં ગેરિલા દળ તરીકે કરવામાં આવી હતી અને 2004માં અમને ચીન સાથેની સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી."

રાજસ્થાનના અલવરમાં આવેલી સેન્ટ્રલ ટ્રેનિંગ કૉલેજ (સીટીસી)માં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે આઈટીબીપી પરંપરાગત શસ્ત્રોનો ઉપયોગ કરે છે.

ડ્રૉન અને ડ્રૉનવિરોધી ટૅક્નૉલૉજીમાં રોકાણ કરવાની અને તેનો વિકાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં આઈટીબીપીના વડાએ કહ્યું હતું કે પરંપરાગત પદ્ધતિઓથી ચીનનો સામનો કરવો કદાચ શક્ય નહીં બને, કારણ કે ચીને પોતાનાં શસ્ત્રો અને માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણમાં ઘણું રોકાણ કર્યું છે.

તેમણે કહ્યું હતું, "હવે પરંપરાગત પદ્ધતિઓથી ચીનનો સામનો કરવો મુશ્કેલ બનશે, કારણ કે ચીને પોતાનાં સુરક્ષા દળોના આધુનિકીકરણમાં ભારે રોકાણ કર્યું છે અને તે આગળ નીકળી ગયું છે. પરંતુ ડ્રૉનની મદદથી નાના દેશો મોટા દેશો સામે લડી શકે છે, જેમ આપણે રશિયા-યુક્રેન અને ઈરાન-અમેરિકાના સંઘર્ષોમાં જોયું છે. રશિયા દર મહિને દરરોજ 10,000થી 15,000 સૈનિકોનું બલિદાન આપી રહ્યું છે."

કપૂર 31 ઑક્ટોબરે નિવૃત્ત થવાના છે.

કૉંગ્રેસે મોદી સરકાર પર હુમલો કર્યો

બીબીસી ગુજરાતી

આઈટીબીપીના વડાના નિવેદન બાદ કૉંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે અને આરોપ મૂક્યો છે.

કૉંગ્રેસે કહ્યું છે, "આ વર્ષના જુલાઈથી ચીની સૈનિકો સાથે અથડામણના અહેવાલો આવી રહ્યા છે, પરંતુ મોદી સરકાર આ અહેવાલોને દબાવવામાં લાગેલી છે."

કૉંગ્રેસના ઍક્સ હૅન્ડલ પરની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે, "ચીનને 'લાલ આંખ' બતાવવાને બદલે નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હસીમજાક કરતા જોવા મળ્યા હતા."

"એક તરફ ચીન આપણા સૈનિકો સાથે અથડામણ કરી રહ્યું હતું, તો બીજી તરફ મોદી ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત કરી રહ્યા હતા. આ આપણા સૈનિકોના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે. મોદીએ દર વખતે આપણા સૈનિકોને એકલા છોડી દીધા છે, દેશ સાથે ગદ્દારી કરી છે અને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે."

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઍક્સ પર લખ્યું હતું, "એક તરફ ચીન સામે ઝૂકી જનાર વડા પ્રધાન તરફથી તેને સતત છૂટછાટો આપવામાં આવી રહી છે. બીજી તરફ, આઈટીબીપીના મહાનિર્દેશકે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદની અંદર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સાથે તાજેતરમાં થયેલી અથડામણો દરમિયાન આઈટીબીપીના જવાનોએ બજાવેલી કામગીરીની પ્રશંસા કરી છે, જે યોગ્ય પણ છે. આમ છતાં, વડા પ્રધાન અને તેમનું સમગ્ર તંત્ર આ ગંભીર મુદ્દે મૌન સેવી રહ્યાં છે."

જયરામે લખ્યું હતું, "તાકસિંગમાં અથડામણ બાદ ગયા મહિને અરુણાચલ પ્રદેશના વાચા અને દમાઈમાં કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે લદ્દાખની જેમ ફરી એક વાર પેટ્રોલિંગનાં કેટલાંક સ્થળો આપણા હાથમાંથી નીકળી ગયાં છે."

"ચીન અરુણાચલ પ્રદેશનાં આપણાં શહેરોનાં નામ બદલતું જઈ રહ્યું છે અને 60,000 મેગાવૉટનો એક બંધ બાંધી રહ્યું છે, જે આપણી પર્યાવરણીય પ્રણાલિ અને જળસુરક્ષા માટે મોટો ખતરો છે."

"ભારત આજે પણ 19 જૂન, 2020ના રોજ ચીનને વડા પ્રધાને આપેલી એ કુખ્યાત ક્લીન ચિટની કિંમત ચૂકવી રહ્યું છે. આપણા 20 બહાદુર જવાનોની શહાદત બાદ વડા પ્રધાને કહ્યું હતું કે, 'ત્યાં આપણી સરહદમાં કોઈ ઘૂસી આવ્યું નથી અને ન તો કોઈ ઘૂસેલું છે, ન તો આપણી કોઈ ચોકી બીજા કોઈના કબજામાં છે.'"

"ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ નરવણેએ પણ કહ્યું હતું કે લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી દરમિયાન તેમને માત્ર એટલો જ આદેશ મળ્યો હતો કે, 'તમને જે યોગ્ય લાગે એ કરો.' 4 જુલાઈ, 2025ના રોજ ઉપસેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ રાહુલસિંહે જાહેરમાં જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના લશ્કરી અભિયાનમાં ચીનની ભૂમિકા કેટલી વ્યાપક અને ઊંડાણપૂર્વકની હતી."

"પરંતુ 25 ઑગસ્ટ, 2026ના રોજ ભૂતપૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જાહેરમાં લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહના ખુલાસાઓનું ખંડન કર્યું હતું અને તેના થોડા જ સમય બાદ તેમણે આરએસએસ/ભાજપના પરિસરમાં કાર્યરત એક અગ્રણી થિંક ટૅન્કનું નેતૃત્વ સંભાળ્યું હતું."

"દેશ પૂછી રહ્યો છે કે સરહદે તણાવ ચાલુ હોવા છતાં ચીન પ્રત્યેની આ નરમાશ અને આર્થિક મોરચે વધતી જતી નિર્ભરતા આખરે કયા પ્રકારનો રાષ્ટ્રવાદ છે? દેશને 56 ઇંચની છાતીના પોકળ દાવાઓ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અંગે સ્પષ્ટ જવાબ જોઈએ છે."

અભિજિત દીપકેનો કટાક્ષ

તાજેતરના સમયમાં મોદી સરકાર વિરુદ્ધનાં આંદોલનોનો ચહેરો બનેલા સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ આઈટીબીપીના વડાના તાજેતરના નિવેદન સંદર્ભે કટાક્ષ કર્યો છે.

દીપકેએ ઍક્સ પર લખ્યું, "હા, કારણ કે આપણી સરહદોની રક્ષા કરવાની જવાબદારી ધરાવતા સુરક્ષા દળોને નાગરિકોને વિરોધપ્રદર્શન કરતાં રોકવા માટે તહેનાત કરવામાં આવી રહ્યાં છે."

"પોતાના જ દેશના નાગરિકો વિરુદ્ધ સુરક્ષા દળોનો ઉપયોગ કરીને મોદી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યા છે. આપણી પ્રાથમિકતા સરહદોની સુરક્ષા હોવી જોઈએ, શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનોને દબાવવા માટે દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવાની નહીં."

સામાજિક કાર્યકર ગુરમેહરકોરે પણ ઍક્સ પર લખ્યું, "ચીનનું પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) આપણા કરતાં ઘણું આગળ છે. આપણે તેનો મુકાબલો કરી શકીશું નહીં. આઈટીબીપીના મહાનિર્દેશકના આ નિવેદન પછી ચીન સામે લાલ આંખ કરવાની અને 56 ઇંચની છાતીની વાતો ક્યાં ગઈ? પોકળ દાવા અને 2020માં ચીનને આપવામાં આવેલી વિવાદાસ્પદ ક્લીન ચિટ પાછળની હકીકત સ્પષ્ટ છે."

'ધ હિંદુ'ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈના અંતથી ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશમાં તાકસિંગ નજીકના અસાફિલા વિસ્તારમાં મડાગાંઠ ચાલુ છે.

અખબારના અહેવાલ અનુસાર, "ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ઊંચાઈવાળા વિસ્તારમાં તંબુ તાણ્યાં છે. આ તંબુ અપર સુબનસિરી જિલ્લાના તાકસિંગ સર્કલમાં માજા કંપનીના ઑપરેટિંગ બેઝની નજીક આવેલા છે. ભારતની ધારણા મુજબની વાસ્તવિક નિયંત્રણ રેખાથી આ તંબુ છથી સાત કિલોમીટરના અંતરે આવેલા છે."

ભારતે 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન બ્રિક્સ શિખર સંમેલન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કર્યું હતું. બંને પક્ષોએ તણાવ ઘટાડવાની વાત પણ કરી હતી.

અરુણાચલ પ્રદે વિશે ચીન શું કહે છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગત 12 સપ્ટેમ્બરે 18મા બ્રિક્સ શિખર સંમેલન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા.

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ ગણાવે છે. ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને લઈને અનેક બેઠકો થઈ ચૂકી છે, પરંતુ આ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી.

બંને દેશો વચ્ચે 3,500 કિલોમીટર (2,174 માઈલ) લાંબી સરહદ છે. સરહદ વિવાદને કારણે 1962માં બંને દેશો યુદ્ધના મેદાનમાં પણ સામસામે આવી ગયા હતા. જોકે, સરહદ પરના કેટલાક વિસ્તારોને લઈને હજી પણ વિવાદ છે, જે ક્યારેક તણાવનું કારણ બને છે.

અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તાર પર ભારતના સાર્વભૌમત્વને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત છે. આંતરરાષ્ટ્રીય નકશાઓમાં અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો દર્શાવવામાં આવે છે. ચીન તિબેટની સાથે અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે.

શરૂઆતમાં ચીન અરુણાચલ પ્રદેશના ઉત્તર ભાગમાં આવેલા તવાંગ પર દાવો કરતું હતું. અહીં ભારતનું સૌથી મોટું બૌદ્ધ મંદિર આવેલું છે.

ભારત અને ચીન વચ્ચેની મૅકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માનવામાં આવે છે, પરંતુ ચીન તેને સ્વીકારતું નથી. ચીનનું કહેવું છે કે તિબેટનો મોટો વિસ્તાર ભારતના કબજામાં છે.

ભારત દર વખતે ચીનના વાંધાઓને ફગાવતું આવ્યું છે. ચીન અરુણાચલ પ્રદેશમાં 90 હજાર ચોરસ કિલોમીટર જમીન પર પોતાનો દાવો કરે છે, જ્યારે ભારતનું કહેવું છે કે ચીને પશ્ચિમમાં આવેલા અક્સાઈ ચીનના મોટા વિસ્તાર પર ગેરકાયદે કબજો જમાવ્યો છે.

1950ના દાયકાના અંતમાં તિબેટને પોતાના હસ્તક લીધા બાદ ચીને અક્સાઈ ચીનના આશરે 38 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લીધો હતો. આ વિસ્તાર લદ્દાખ સાથે જોડાયેલો હતો. ચીને અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 219 બનાવ્યો છે, જે તેના પૂર્વીય પ્રાંત શિનજિયાંગને જોડે છે. ભારત આને ગેરકાયદે કબજો માને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન