આર્યવીર સેહવાગ : જ્યારે વીરેન્દ્ર સેહવાગે પુત્રને અભિનંદન આપતાં લખ્યું- 'ફૅરારી 23 રનથી રહી ગઈ'

ઇમેજ સ્રોત, @aaryavirsehwag
10 નવેમ્બર 2026ના રોજ ઓમાનમાં રમાયેલી અંડર-19 એશિયા કપની એક મૅચમાં આર્યવીર સેહવાગે યુએઈ સામે 168 બૉલમાં 160 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
વિરેન્દ્ર સેહવાગનો પુત્ર હોવું આર્યવીર સેહવાગની પ્રથમ ઓળખ હોઈ શકે, પરંતુ હવે તેમની બેટમાંથી નીકળતા રન તેમની પોતાની અલગ કહાણી લખી રહ્યા છે.
10 નવેમ્બર, 2026ના રોજ ઓમાનમાં અંડર-19 એશિયા કપની એક મૅચમાં આર્યવીરે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામે 168 બૉલમાં 160 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.
આર્યવીરની વિસ્ફોટક ઇનિંગ્સના આધાર પર ભારતની અંડર-19 ટીમે યુએઈને 70 રનથી હરાવ્યું.
અંડર-19 એકદિવસીય ક્રિકેટમાં આ કોઈપણ ભારતીય બૅટ્સમૅન દ્વારા બનાવાયેલ સંયુક્ત રીતે પાંચમો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. શુભમન ગિલ અને મયંક અગ્રવાલ પણ આ સ્તરે 160 રન બનાવી ચૂક્યા છે.
પરંતુ આ ઇનિંગ્સ સુધી પહોંચવાનો આર્યવીરની સફર માત્ર મોટા સ્કોરોથી નથી બની.
તેમાં બાળપણમાં પ્લાસ્ટિકના બેટથી ક્રિકેટ રમવી, દિલ્હીની ટ્રાયલમાં ભાગ લેવો, 297 રન બનાવીને પણ નિરાશ થવું અને સારી શરૂઆત મળ્યા પછી ખોટો શૉટ રમીને વિકેટ ગુમાવવી જેવી અનેક ઘટનાઓ સામેલ છે.
ક્યારેક તેઓ પોતાના પિતાની બેટિંગ જોવા સ્ટેડિયમ માટે નીકળ્યા હતા, પરંતુ ભારે ટ્રાફિકને કારણે સમયસર પહોંચી શક્યા નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યારેક તેમના કોચે મૅચના એક દિવસ પહેલાં તેમને રૂમમાં બોલાવીને સમજાવ્યું હતું કે મોટી ઇનિંગ્સ કેવી રીતે રમવી.
હવે ઓમાનમાં રમાયેલી 160 રનની ઇનિંગ્સને કારણે આર્યવીર ફરીથી ચર્ચામાં છે.
પિતાની ઇનિંગ્સ જોઈ શક્યા નહોતા આર્યવીર

ઇમેજ સ્રોત, Santosh Harhare/Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આર્યવીરના પિતા પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ છે.
આર્યવીરની ક્રિકેટ સાથે જોડાયેલી શરૂઆતની યાદોમાં એવી એક ઇનિંગ્સ પણ સામેલ છે, જેને તેઓ જોઈ જ શક્યા નહોતા.
બાળપણમાં તેઓ પોતાના પિતા વિરેન્દ્ર સેહવાગને આઈપીએલમાં રમતા જોવા જઈ રહ્યા હતા. તે સમયે સેહવાગ 'દિલ્હી ડેરડેવિલ્સ' માટે રમતા હતા.
રસ્તામાં એટલો ટ્રાફિક હતો કે પરિવાર સ્ટેડિયમ પહોંચે તે પહેલાં જ વિરેન્દ્ર સેહવાગ આઉટ થઈ ગયા હતા.
આર્યવીરે આ ઘટનાનો ઉલ્લેખ દિલ્હી કૅપિટલ્સના એક વિડિયોમાં કર્યો હતો. તેને ટાંકીને અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ અહેવાલ છાપ્યો હતો. આ જ વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે પિતાને રમતાં જોઈને તેમને અને તેમના ભાઈને ક્રિકેટમાં રસ વધ્યો. બંને ભાઈઓ પ્લાસ્ટિકના બેટ અને બોલ સાથે ઘણી ક્રિકેટ રમતા હતા.
ડિસેમ્બર 2021 સુધીમાં આર્યવીરનું નામ દિલ્હીની અંડર-16 ટીમની ટ્રાયલ્સની યાદીમાં આવી ગયું હતું. તે સમયે તેઓ 14 વર્ષના હતા.
દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિએશન (DDCA)ની સૂચના મુજબ તેમને વિજય મર્ચન્ટ ટ્રૉફીની પ્રારંભિક ટ્રાયલ માટે દિલ્હીના કરનૈલ સિંહ સ્ટેડિયમમાં બોલાવવામાં આવ્યા હતા.
યાદીમાં તેમના નામની સામે લખેલું હતું - ઓપનર બૅટ્સમૅન.
આગલા વર્ષે આર્યવીરને વિજય મર્ચન્ટ ટ્રૉફી માટે દિલ્હીની અંડર-16 ટીમમાં સ્થાન મળ્યું.
ઑક્ટોબર 2024માં તેમણે વીનુ માંકડ ટ્રૉફીની પોતાની પ્રથમ મૅચમાં મણિપુર સામે 49 રન બનાવ્યા.
ત્યારબાદના મહિને એક એવી ઇનિંગ્સ આવી જેણે તેમને વ્યાપક ચર્ચામાં લાવી દીધા.
297 રન, છતાં નિરાશા

ઇમેજ સ્રોત, @aaryavirsehwag
નવેમ્બર 2024માં શિલોંગમાં દિલ્હી અને મેઘાલય વચ્ચે કૂચ બિહાર ટ્રૉફીની મૅચ રમાઈ રહી હતી.
દિલ્હીની અંડર-19 ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા આર્યવીર પ્રથમ દિવસના અંતે 200 રન સાથે અણનમ રહ્યા હતા.
આગલા દિવસે તેઓ 309 બૉલમાં 297 રન બનાવીને આઉટ થયા.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, વિરેન્દ્ર સેહવાગે પુત્રને અભિનંદન આપતાં લખ્યું હતું કે "ફૅરારી 23 રનથી રહી ગઈ."
આ હકીકત ઘણાં વર્ષો જૂની એક વાત સાથે જોડાયેલી હતી.
વિરેન્દ્ર સેહવાગે 2015માં ક્રિકેટ વિશ્લેષક હર્ષા ભોગલે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો તેમનાં બાળકો ટેસ્ટ ક્રિકેટમાં તેમના 319 રનના સ્કોરને પાર કરશે, તો તેઓ તેમને ફૅરારી કાર ભેટમાં આપશે.
તે સ્કોરને પાર કરવા માટે આર્યવીરને વધુ 23 રનની જરૂર હતી.
પરંતુ દિલ્હી અંડર-19ના કોચ યોગેશ નાગરને આર્યવીરના ચહેરા પર બીજી જ નિરાશા દેખાઈ.
નાગરના જણાવ્યા અનુસાર, આર્યવીર આ વાતથી નિરાશ હતા કે તેઓ માત્ર ત્રણ રનથી ટ્રિપલ સેન્ચુરી ચૂકી ગયા.
યોગેશ નાગર IPLમાં વિરેન્દ્ર સેહવાગની કપ્તાની હેઠળ રમી ચૂક્યા છે. હવે તેમણે આર્યવીરની બેટિંગ પણ નજીકથી જોઈ છે.
નાગરના મતે આર્યવીર બૅકફૂટ પર જઈને જે રીતે શૉટ રમે છે તેમાં તેમના પિતાની ઝલક દેખાય છે.
દિલ્હી અંડર-19ના પૂર્વ કોચ જસવંત રાયને પણ આર્યવીરનો કટ શૉટ જોઈને વિરેન્દ્ર સેહવાગની યાદ આવી હતી.
'બૉલને જુવો અને સીધું રમો'
ઑગસ્ટ 2025માં આર્યવીરે સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ માટે દિલ્હી પ્રીમિયર લીગમાં પોતાની પ્રથમ મૅચ રમ્યા.
સામે ઇસ્ટ દિલ્હી રાઇડર્સની ટીમ હતી, જેના બૉલરોમાં ભારતીય ફાસ્ટ બૉલર નવદીપ સૈની પણ સામેલ હતા.
આર્યવીરે 16 બૉલમાં 22 રન બનાવ્યા.
મૅચ બાદ તેમણે 'ઇન્ડિયા ટુડે' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેદાન પર ઉતરતી વખતે તેઓ નર્વસ હતા. બેટિંગ દરમિયાન તેઓ પોતાના પિતાની સલાહ મનમાં દોહરાવી રહ્યા હતા - "બૉલને જુવો અને સીધું રમો."
પરંતુ મૅચ બાદ તેઓ એ બૉલ વિશે વિચારતા રહ્યા જેના પર તેમણે પોતાની વિકેટ ગુમાવી હતી.
આર્યવીરના જણાવ્યા મુજબ, તે ઓવરમાં તેઓ પહેલેથી જ બે ચોગ્ગા મારી ચૂક્યા હતા. ત્યારબાદ વધુ એક મોટો શૉટ રમવાની જરૂર નહોતી.
તેઓ એક રન લઈને બીજા બૅટ્સમૅનને તક આપી શકતા હતા.
પછીની સિઝનમાં આર્યવીર વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમ્યા.
ટીમના મૅન્ટર ઉદય ગુપ્તેએ જણાવ્યું કે, ટીમમાં અનુભવી ઓપનર બૅટ્સમૅન ઉપલબ્ધ હોવાથી આર્યવીરને વધુ તક મળી નહોતી.
પરંતુ તકની રાહ જોતા તેમણે પ્રૅક્ટિસમાં મહેનત ચાલુ રાખી.
ભારત માટે મળી ત્રણ સારી શરૂઆત

ઇમેજ સ્રોત, x.com/BCCI
સપ્ટેમ્બર 2026માં રાજકોટમાં ઑસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે આર્યવીરે ભારત માટે પોતાની પ્રથમ ત્રણ એકદિવસીય મૅચ રમ્યા.
આ મૅચોમાં તેમણે 28, 47 અને 34 રન બનાવ્યા.
ત્રણે મૅચોમાં તેમને સારી શરૂઆત મળી, પરંતુ તેઓ કોઈપણ મૅચમાં અર્ધશતક સુધી પહોંચી શક્યા નહોતા.
બીજી મૅચમાં તેઓ રનઆઉટ થયા હતા.
ત્રીજા મૅચમાં છગ્ગો મારવાનો પ્રયાસ કરતી વખતે તેમણે વિકેટ ગુમાવી હતી.
બીસીસીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત થયેલી વાતચીતમાં આર્યવીરે જણાવ્યું હતું કે, આ રીતે આઉટ થવાથી તેઓ નિરાશ થયા હતા.
આ શ્રેણીમાંથી તેમણે એક મહત્ત્વનો પાઠ પણ શીખ્યો.
તેમણે કહ્યું હતું કે, મોટી ઇનિંગ્સ રમવા માટે તેને અલગ-અલગ તબક્કાઓમાં વહેંચીને જોવી જોઈએ. બૅટ્સમૅનોએ સમજવું જોઈએ કે ક્યારે સંભાળીને રમવું અને ક્યારે ઝડપથી રન બનાવવા.
મૅચ પહેલાં કોચની સલાહ

ઇમેજ સ્રોત, x.com/BCCI
આર્યવીરના કોચે તેમને સલાહ આપી હતી કે, સારી શરૂઆત મળ્યા પછી પોતાની વિકેટ ગુમાવવી નહીં.
ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ આર્યવીર વીનુ માંકડ ટ્રોફીમાં દિલ્હીની કપ્તાની કરવા માટે પરત ફર્યા.
ચંડીગઢ સામેની મૅચના એક દિવસ પહેલાં દિલ્હીના કોચ રાજીવ નૈયરે તેમને પોતાના રૂમમાં બોલાવ્યા.
નૈયરે અગાઉની એક મૅચમાં આર્યવીરને 40 રનની આસપાસ પહોંચ્યા બાદ હવામાં શૉટ મારીને આઉટ થતાં જોયા હતા.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં નૈયરે જણાવ્યું કે તેમણે આર્યવીરને પહેલાં પિચ અને બૉલરને સમજવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યું કે, સારી શરૂઆત મળ્યા પછી પોતાની વિકેટ ગુમાવવી નહીં. એકવાર બૅટ્સમૅન ક્રીજ પર સેટ થઈ જાય પછી તેને પોતાના શૉટ રમવાની તકો મળે છે.
આગલા દિવસે, 16 ઑક્ટોબરે, આર્યવીરે 143 બૉલમાં 173 રન બનાવ્યા.
દિલ્હી તે મૅચ હારી ગઈ. છતાં નૈયરને યાદ છે કે તે દિવસે પણ આર્યવીર પોતાના સ્કોરથી સંપૂર્ણ ખુશ નહોતા.
આ વખતે તેઓ ડબલ સેન્ચુરી પૂર્ણ ન કરી શકવાના કારણે નિરાશ હતા.
નૈયર આર્યવીરની બેટિંગ ઉપરાંત તેમની ફિલ્ડિંગ, બૉલિંગ અને કપ્તાનીની પણ પ્રશંસા કરે છે.
પરંતુ તેમનું માનવું છે કે, સિનિયર ભારતીય ટીમ સુધી પહોંચવાનો માર્ગ હજુ લાંબો છે. તે માટે આર્યવીરે સતત સારું પ્રદર્શન કરવું પડશે.
160 રનની ઇનિંગ્સમાં શું બદલાયું?

ઇમેજ સ્રોત, @aaryavirsehwag
અંડર-19 એશિયા કપમાં આર્યવીરે નેપાળ સામે 52 બૉલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. ભારતે આ મૅચ 10 વિકેટે જીતી હતી.
ત્યારબાદની મૅચમાં ભારતને પાકિસ્તાન સામે હાર મળી.
તે પછી યુએઈ સામે આર્યવીરે વીકે વિનિત સાથે બીજા વિકેટ માટે 193 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 309 રન બનાવ્યા હતા.
આર્યવીરની 160 રનની ઇનિંગ્સની શરૂઆત ઝડપી નહોતી.
પ્રથમ 13 બૉલ સુધી તેમનું ખાતું પણ ખુલ્યું નહોતું. 14મા બૉલ પર ચોગ્ગો ફટકારીને તેમણે પ્રથમ રન મેળવ્યો.
શતક સુધી પહોંચવા માટે તેમને 131 બૉલ લાગ્યા હતા. ત્યારબાદ તેમણે માત્ર 37 બૉલમાં 60 રન ફટકાર્યા.
આ ઇનિંગ્સની ગતિ કેવી રીતે બદલાઈ તેનું એક ઉદાહરણ 38મા ઓવરમાં જોવા મળ્યું.
તે સમયે આર્યવીર પોતાની સદી પૂર્ણ કરી ચૂક્યા હતા.
સપ્ટેમ્બર 2026માં મોટી ઇનિંગ્સને બે તબક્કામાં વહેંચવાની જે વાત આર્યવીરે કરી હતી, તે ઓમાનમાં સ્પષ્ટપણે જોવા મળી.
સૌપ્રથમ તેમણે ક્રીઝ પર ટકી રહેવા અને રન સ્વાભાવિક રીતે આવવાની રાહ જોઈ.
ત્યારબાદ યોગ્ય તક મળતાં જ તેમણે બૉલરો પર આક્રમણ શરૂ કરી દીધું.
આ ઇનિંગ્સ તેમને સીધા સિનિયર ભારતીય ટીમ સુધી પહોંચાડી દેશે કે નહીં તેનો જવાબ સમય અને તેમનું સતત પ્રદર્શન આપશે.
પરંતુ હાલ માટે આ ઇનિંગ્સે એક વાત ચોક્કસ કરી છે કે તેમની ઓળખ હવે માત્ર વિરેન્દ્ર સેહવાગના પુત્ર તરીકે નહીં, પરંતુ પોતાની બેટિંગના બળ પર આગળ વધતા એક પ્રતિભાશાળી યુવા ક્રિકેટર તરીકે પણ બનવા લાગી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























