'અમે આ મસ્જિદની આજુબાજુ જ મોટા થયા, હવે હાંકી કાઢ્યા', PM નિવાસસ્થાનથી નજીક ઘરો કેમ તોડી પાડવામાં આવ્યાં?

વડા પ્રધાન નિવાસસ્થાન, રેસકોર્સ મસ્જિદ, રેસકોર્સ વિસ્તારમાં ડિમોલિશન, દિલ્હી, સાવદા ઘેવર, ડિમોલિશન, બુલડોઝર ફરી વળ્યું, વક્ફ સંપત્તિ, દિલ્હી વક્ફ બોર્ડ
ઇમેજ કૅપ્શન, રહીશો માટે જૂની જગ્યાએ જઈને કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે
    • લેેખક, ઝોયા મતિન
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

દિલ્હીના હૃદયસમા વિસ્તારમાં દેશના વડા પ્રધાનના નિવાસસ્થાનની નજીક એક નાનકડી મસ્જિદ કાટમાળની વચ્ચે ઊભી છે. તેની બેરંગ દિવાલો અને કમાનો અક્ષત છે. તેના પ્રાંગણમાં લીલી અને સફેદ ટાઇલ્સ પથરાયેલી છે.

જોકે, જે લોકોએ મસ્જિદને આ સ્વરૂપ આપ્યું, તેઓ અહીંથી જતા રહ્યા છે. મહમદ વસીમે જિંદગીની 50 વસંત જોઈ છે. તેઓ એક કાટમાળ તરફ આંગળી ચીંધે છે. એક સમયે તેમનું ઘર ત્યાં હતું.

વ્યવસાયે ડ્રાઇવર એવા વસીમનું કહેવું છે, "મારા પિતાના નિકાહ અહીં થયા હતા અને મારી દીકરી પણ અહીંથી જ પરણી હતી."

દિલ્હીમાં રેસકોર્સની ગણના સૌથી સુરક્ષિત અને સમૃદ્ધ વિસ્તારોમાં થાય છે. આ વિસ્તારમાં અનેક સૈન્ય પરિસર, ઍક્સક્લુઝિવ ક્લબ તથા ભવ્ય બંગલા આવેલાં છે. તેની વચ્ચે આવેલી આ મસ્જિદની આસપાસ વસીમ તથા તેમના જેવા બીજા કેટલાક પરિવારો રહેતા હતા.

જેઓ પેઢીઓથી ડ્રાઇવિંગ, સફાઈ, ઘરકામ અને માળીકામ જેવું નાનું મોટું કામ કરીને ગુજરાન ચલાવતા હતા.

717 પરિવારોની પારાવાર મુશ્કેલી

વડા પ્રધાન નિવાસસ્થાન, રેસકોર્સ મસ્જિદ, રેસકોર્સ વિસ્તારમાં ડિમોલિશન, દિલ્હી, સાવદા ઘેવર, ડિમોલિશન, બુલડોઝર ફરી વળ્યું, વક્ફ સંપત્તિ, દિલ્હી વક્ફ બોર્ડ

7 ઑક્ટોબરે સત્તાધીશોએ આજુબાજુની ત્રણ વસાહતોનાં ઘરોને તોડી પાડ્યાં. તેમનું કહેવું હતું કે સરકારી જમીન ઉપર તેનું ગેરકાયદેસર નિર્મણકામ કરવામાં આવ્યું હતું. આ ઘર સૈન્યઠેકાણાંની નજીક આવેલાં હોવાથી સુરક્ષા સંબંધે પણ સવાલ ઊઠાવવામાં આવ્યા હતા.

લગભગ 717 પરિવારોને શહેરથી લગભગ પચાસ કિલોમીટર દૂર સાવદા ઘેવરામાં ઘર ફાળવવામાં આવ્યા છે.

સ્થાનિકોએ તેમને હઠાવવાની પ્રક્રિયાને દિલ્હી હાઇકોર્ટમાં પડકારી હતી. તેમની દલીલ હતી કે તેમની નોકરીઓ, શાળાઓ અને સમુદાય અહીં છે. અને મૂળસોતા ઊખડી જશે.

જોકે, ઑગસ્ટ મહિનામાં અદાલતે તેમના પુનર્વસન ઉપર મંજૂરીની મહોર મારી હતી. સાથે જ સુરક્ષા સંબંધે સરકારે જે રજૂઆત કરી હતી, તેને ગ્રાહ્યા રાખી હતી અને જણાવ્યું હતું કે તેમને વૈકલ્પિ રહેઠાણ પૂરાં પાડવામાં આવ્યાં છે.

માત્ર મસ્જિદ અને પાસેના હિંદુ મંદિરનું ડિમૉલિશન નથી કરાયું. જોકે, એ દિવસે તેમનાં વીજળી-પાણીના પુરવઠાને કાપી નાખવામાં આવ્યાં હતાં. ત્યારથી અહીં અવરજવરને નિયંત્રિત કરી દેવામાં આવી છે.

શ્રદ્ધાળુઓને ગૅટ પરથી જ રવાના કરી દેવામાં આવે છે. જો કોઈ ગાર્ડ્સને વિનંતી કરે તો તેમને અંદર જવા દેવામાં આવે છે.

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, સુરતમાં જેમનાં ઘરો તૂટ્યાંએ લોકોની વ્યથા, 'પાઈ, પાઈ ભેગી કરીને ઘર બાંધ્યું હતું'
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરકારનું કહેવું છે કે આ તેની જમીન છે. જ્યારે મસ્જિદ સાથે જોડાયેલાં લોકોનું કહેવું છે કે વર્ષ 1977માં વક્ફ સંપત્તિ તરીકે તેની નોંધણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક કાયદા મુજબ, જે જમીન કે ઇમારતને ધાર્મિક કે સખાવતી પ્રવૃત્તિ માટે આપી દેવામાં આવે, તે વક્ફની સંપત્તિ ગણાય છે. – તેની નોંધણી ઐતિહાસિક માળખા તરીકે થયેલી છે.

દિલ્હી વક્ફ બોર્ડનું કહેવું છે કે આ મસ્જિદ 300 વર્ષ જૂની છે. જોકે, અન્ય કેટલાકનું કહેવું છે કે તે સવાસોથી દોઢસો વર્ષ જૂની છે.

વક્ફ બોર્ડે મસ્જિદનો વીજ અને પાણીપુરવઠો ફરી બહાલ કરવા સત્તાધીશોને જણાવ્યું છે. જોકે, તેના ભવિષ્ય અંગે પણ ચિંતા પ્રવર્તે છે.

અન્ય એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અલગથી અરજી દાખલ કરી છે. જેમાં ત્યાં બંદગી કરવા ઉપર લાદવામાં આવેલાં નિયંત્રણોને પડકાર્યાં છે તથા મસ્જિદને તોડી પાડવામાં આવશે, તેવી આશંકા વ્યક્ત કરી છે.

29 ઑક્ટોબરે સરકારે અદાલતને જણાવ્યું હતું કે વક્ફ બોર્ડના વાંધાને ધ્યાને લેતાં, તે ચાર અઠવાડિયાં સુધી મસ્જિદ પર કોઈ કાર્યવાહી નહીં કરે.

ડિમૉલિશનની કામગીરી ચાલી રહી હોવાથી બંદગી કરવા આવનારાઓની સલામતી જોખમમાં મુકાય તેમ હોવાથી મસ્જિદને બંદગી માટે ખોલવાનો સરકારે વિરોધ કર્યો હતો. કોર્ટે આ મામલે દખલ દેવાનો ઇન્કાર કર્યો. હવે, 16 ડિસેમ્બરના સુનાવણી હાથ ધરવામાં આવશે.

'મકાન છે, પણ ઘર છીનવાઈ ગયું'

વડા પ્રધાન નિવાસસ્થાન, રેસકોર્સ મસ્જિદ, રેસકોર્સ વિસ્તારમાં ડિમોલિશન, દિલ્હી, સાવદા ઘેવર, ડિમોલિશન, બુલડોઝર ફરી વળ્યું, વક્ફ સંપત્તિ, દિલ્હી વક્ફ બોર્ડ

અહીં રહેતા હિંદુ-મુસ્લિમો સામે એક સવાલ છે. તેમણે પેઢીઓથી આ વિસ્તારની આસપાસ તેમનું જીવન ઘડ્યું હતું. હવે તેને કેવી રીતે બચાવવું અને પાટે ચઢાવવું.

મસ્જિદમાં દુઆ-બંદગી કરવા માટે વસીમ હજુ પણ આવે છે, ક્યારેક ગાર્ડ્સ તેમને અંદર પ્રવેશવા નથી દેતા. મસ્જિદમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગણ્યાગાંઠ્યા લોકો અહીં આવે છે.

તેઓ કહે છે, "અમારાં દિલ અને જીવન આ જગ્યા સાથે જોડાયેલાં છે."

"અમે તેને કેવી રીતે જવા દઈએ? અમારું બાળપણ અહીં રમીને વીત્યું છે."

રેખા વિધવા છે અને તેઓ લાંબા સમયથી આ કૉલોનીમાં રહેતાં હતાં. તેઓ આજુબાજુનાં ઘરોમાં વાસણ માંજતાં અને તેમનો પરિવાર અહીના મંદિરમાં સેવાપૂજા કરતો.

રેખાને માટે 'પુનર્વસન' શબ્દ અધૂરો જણાય છે. તેઓ પૂછે છે, "દાયકાઓથી અમારું જીવન આ જગ્યા સાથે જોડાયેલું હતું, તેને અચાનક જ ઊખેડીને બીજે કેવી રીતે ચાલુ કરી શકાય?"

આ જગ્યા છોડ્યા પછી રેખાનાં આજુબાજુનાં ઘરકામ છૂટી ગયાં છે. તેમનો 19 વર્ષનો દીકરો કામ શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે. રેખાને ઍપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ઘર ફાળવવામાં આવ્યું છે. પરંતુ પગમાં સળિયો નખાવેલો હોવાથી તેમના માટે દાદરા ચઢવા કપરા છે.

તેઓ કહે છે, "મારી પાસે મકાન છે, પરંતુ મારું ઘર છીનવાઈ ગયું છે."

વડા પ્રધાન નિવાસસ્થાન, રેસકોર્સ મસ્જિદ, રેસકોર્સ વિસ્તારમાં ડિમોલિશન, દિલ્હી, સાવદા ઘેવર, ડિમોલિશન, બુલડોઝર ફરી વળ્યું, વક્ફ સંપત્તિ, દિલ્હી વક્ફ બોર્ડ
ઇમેજ કૅપ્શન, રેખા (ડાબે)

ટીકાકરોનું કહેવું છે કે, દિલ્હીમાં વિસ્થાપનનો લાંબો ઇતિહાસ રહ્યો છે અને તેમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. શ્રમિકવર્ગને અગાઉ પણ શહેરીવિસ્તારની બહાર ધકેલી દેવાયો છે.

જેનું મુખ્ય કારણ એ છે કે તેઓ દાયકાઓથી જે જમીન ઉપર રહે છે, તેની માલિકી સાબિત કરવા માટે તેમની પાસે પૂરતા દસ્તાવેજ નથી હોતા.

અર્બન રિસર્ચર મુક્તા નાયકે બીબીસીને જણાવ્યું, "પુનર્વસનને કારણે તેમની નોકરીઓ અને નેટવર્ક છૂટી જાય છે. જેના કારણે તેમને આજીવિકા માટે સંઘર્ષ કરવો પડે છે અને આવક ગુમાવવી પડે છે."

તેઓ કહે છે કે એક જ વિસ્તારમાં રહેતાં પરિવારોએ કામને માટે અલગ-અલગ વિસ્તારોમાં વસવું પડે છે. જેના કારણે એકસમયે તેમની પાસે જે 'સપૉર્ટ સિસ્ટમ' હોય, તે પડી ભાંગે છે.

મુક્તા નાયક કહે છે, "આથી, પરિવારોએ બધું પોતાની જાતે કરવાનું હોય છે."

દિલ્હી સરકારની ગૃહનિર્માણ સંસ્થા, સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા કેન્દ્ર સરકારની લૅન્ડ ઑફિસની પ્રતિક્રિયા માગવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

પચાસ કિલોમીટર દૂર 'નવું ઘર'

વડા પ્રધાન નિવાસસ્થાન, રેસકોર્સ મસ્જિદ, રેસકોર્સ વિસ્તારમાં ડિમોલિશન, દિલ્હી, સાવદા ઘેવર, ડિમોલિશન, બુલડોઝર ફરી વળ્યું, વક્ફ સંપત્તિ, દિલ્હી વક્ફ બોર્ડ
ઇમેજ કૅપ્શન, સાવદા ઘેવરા

સાવદા ઘેવરા દિલ્હી અને હરિયાણાની સીમા ઉપર આવેલું છે. વર્ષ 2006માં તેની સ્થાપના કરવામાં આવી હતી. જેનો હેતુ શહેરનાં અલગ-અલગ સ્થળોએથી વિસ્થાપિત થયેલા લોકોને અહીં વસાવવાનો હતો.

જે લોકો શરૂ-શરૂમાં અહીં રહેવા આવ્યા, તેમને માત્ર પ્લૉટ ફાળવવામાં આવ્યા હતા. રસ્તા, પાણી કે વીજળીની કોઈ સુવિધા ન હતી.

એ પછીનાં વર્ષો દરમિયાન લોકોએ અહીં ઘર બાંધ્યાં, દુકાનો ખુલી અને તેમણે મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડ્યો.

વર્ષ 2020ના દાયકામાં અહીંની વસતિ 50 હજાર આસપાસ હોવાનું અનુમાન છે. આ લોકો પાસે કોઈ વિકલ્પ ન હતા. તેમણે આ વિસ્તારને જ 'ઘર' અને વસતિ બનાવી લીધાં.

હવે રેસકોર્સ વિસ્તારના લોકોએ પણ ધીમે-ધીમે એમ જ કરવાનું ચાલુ કર્યું છે. તેમણે સેન્ટ્રલ દિલ્હીની હરિયાળી છોડીને આ વિસ્તારમાં આવવું પડ્યું છે. જ્યાં દૂર-દૂર સુધી ખુલ્લાં મેદાનો અને એક જેવી જ કૉંક્રિટની ઇમારતો છે. જીવન ચાલી રહ્યું છે, પરંતુ જેના કારણે આ પરિવારોનો ગુજારો થતો, તે શહેરની પેલે પાર રહી ગયો છે.

બબલુ દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જાય છે. તેઓ મેટ્રોમાં પોતાનાં સંતાનોને તેમની જૂની સ્કૂલે ભણવા માટે લઈ જાય છે. રસ્તામાં તેમણે ત્રણ વખત મેટ્રો બદલવી પડે છે. તેઓ શાળાની બહાર ચાની લારીએ સ્કૂલ પૂર્ણ થવાની રાહ જુએ છે.

જ્યારે બબલુ પાસે કામ હોય છે, ત્યારે તેનાં પત્ની આ કામ કરે છે. તેમનું નવું ઘર ખૂબ જ દૂર છે. શાળાએ આવવા-જવામાં ખાસ્સો સમય નીકળી જાય છે. તેઓ સાંજે ચાર વાગ્યે સાવદા ઘેવરા પહોંચે છે.

બબલુ એક સમયે રેસકોર્સની એક ક્લબમાં કામ કરતા હતા. હવે તેમને મેરઠમાં કામ મળી ગયું છે. અહીંના રહીશો જાણે છે કે તેમણે આ વિસ્તાર છોડવો પડશે. બબલુ કહે છે કે અમને આશા હતી કે અમે અમારા જૂનાં કામ ચાલુ રાખી શકીએ અને બાળકોનું ભણતર બગડે નહીં, એવી કોઈ નવી જગ્યાએ ઘર મળશે.

વડા પ્રધાન નિવાસસ્થાન, રેસકોર્સ મસ્જિદ, રેસકોર્સ વિસ્તારમાં ડિમોલિશન, દિલ્હી, સાવદા ઘેવર, ડિમોલિશન, બુલડોઝર ફરી વળ્યું, વક્ફ સંપત્તિ, દિલ્હી વક્ફ બોર્ડ
ઇમેજ કૅપ્શન, સૌથી વધુ સમસ્યા મહિલાઓને થઈ રહી છે

સરકારનું કહેવું છેકે રેસકોર્સ વિસ્તારમાં યોગ્ય ઍપાર્ટમેન્ટ ઉપલબ્ધ ન હતા. અદાલતમાં સરકારે જણાવ્યું હતું કે વિસ્થાપિત પરિવારો માટે સાવદા ઘેવરા વિસ્તારમાં શાળા, દવાખાનાં અને પરિવહન માટેની પૂરતી વ્યવસ્થા છે.

નઇમખાનની ઉંમર 63 વર્ષની છે. તેમના માટે આ ખાતરી અપૂર્તી છે. તેમના બે પૌત્રોને બોલવા-સાંભળવાની મુશ્કેલી છે. તેમને વિશેષ કાળજીની જરૂર રહે છે તથા સ્પેશિયલાઇઝ્ડ સ્કૂલો આ વિસ્તારમાં નથી.

નઇમનો પરિવાર વિખેરાઈ ગયો છે. તેમનો દીકરો અને તલાકશુદા દીકરીએ એક ઍપાર્ટમેન્ટના નાનકડા રૂમમાં સાથે રહેવું પડે છે. જગ્યાના અભાવે નઇમખાનના અન્ય બે દીકરા અન્યત્ર રહેવા જતા રહ્યા છે.

નઇમખાન કહે છે, "અમે જિંદગીમાં 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છીએ."

મુક્તા નાયકનું કહેવું છે કે આ અંતરની મહિલાઓએ ભારે કિંમત ચૂકવવી પડે છે. તેમની ઉપર બાળકોના ઉછેરની જવાબદારી હોય છે, પરિવહનનો ખર્ચ વધી જાય છે આ સિવાય લાંબી મુસાફરીને કારણે તેમને સલામતીની ચિંતા પણ સતાવે છે.

'અહીં ઘરકામ માટે કોણ રાખશે?'

વીડિયો કૅપ્શન, 'મારું આખું મકાન જાય છે', ઘરો તૂટતાં મહિલાઓએ રડતાં રડતાં શું કહ્યું?

રેસકોર્સ વિસ્તારમાં આજુબાજુમાં ધનિક લોકો રહેતા. જ્યાં નાના-મોટાં કામો માટે પુષ્કળ તકો રહેતી. વાસણ માંઝવા, માળીકામ, કચરો વીણવો અને વેચવો, જેવાં અનેક કામ થઈ શકતાં.

અખ્તરી વિધવા છે. તેઓ મિનરલ પાણીની ફેંકી દેવાયેલી બૉટલોને એકઠી કરીને દરરોજ 100 રૂપિયા જેટલી કમાણી કરી લેતાં. આ સિવાય તેઓ રોટલીને સૂકવીને તેને ચારા તરીકે પણ વેંચતાં.

અખ્તરી માટે હવે આવકની એ તક પણ જતી રહી છે.

અખ્તરી કહે છે, "અહીં રહેનારા બધા બહારથી આવ્યાં છે; બધા ગરીબ છે. તેમના જીવન વિખેરાઈ ગયાં છે અને સંઘર્ષ કરી રહ્યા છે."

"આમાંથી કોણ ઘરકામ માટે બીજાને રાખશે?"

અખ્તરી કહે છે કે રેસકોર્સમાં રહેતાં અને તેમની પાસે કંઈ ન હોય, ત્યારે મસ્જિદના ઇમામ કે આસપડોશમાંથી કોઈ તેમને લોટના પૈસા આપતું. આડોશીપાડોશી તેમનાં ખબરઅંતર પૂછી જતાં.

અહીં નવા ઍપાર્ટમેન્ટમાં તેમના માથે છત તો છે પરંતુ જેના ઉપર આધાર રાખી શકે, એવું કોઈ નથી.

અખ્તરી બેગમને ચિંતા સતાવે છે કે જો તેઓ બીમાર પડશે, તો તેમનું શું થશે.

અખ્તરી કહે છે, "હું ઘરમાં પડીને મરી જઈશ, તો પણ કોઈને ખબર નહીં પડે."

"આશા કરું કે કોઈ ઘરનો દરવાજો તોડીને મને શોધી કાઢશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન