સુરત: 100થી વધુ મકાનો તૂટ્યાં, પરિવારો હજુ પણ બેઘર, નાસિરનગર ડિમોલિશનનો મામલો શું છે?

સુરતઃ નાસિરનગર ડિમોલિશનના પીડિતોને મ્યુનિસિપલ કૉર્પોરેશન મકાન આપશે કે નહીં?
ઇમેજ કૅપ્શન, નાસિરનગરમાં મે મહિનાના અંતે લગભગ 100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા પછી હજુ આઠથી 10 પરિવાર કૉમ્યુનિટી હૉલમાં રહે છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અમારું મકાન તોડી પાડ્યા પછી અમે મહિનાઓથી કૉમ્યુનિટી હૉલમાં રહીએ છીએ. અમને કોઈ જગ્યાએ મકાન આપવામાં આવશે એવું કહ્યું હતું, પરંતુ હવે કૉર્પોરેશને કહી દીધું છે કે, ખાનગી જમીન પરનું મકાન તોડી પાડ્યા પછી લોકોને આવાસ આપવાની કોઈ નીતિ નથી. અમે હવે અદાલતના ભરોસે છીએ."

આ શબ્દો છે સુરતમાં ભરીમાતા કૉમ્યુનિટી હૉલમાં રહેતા અલ્તાફ પઠાણના, જેમનું ઘર નાસિરનગર વિસ્તારમાં હતું અને મે મહિનાના અંતે એક 'ગેરકાયદે ડિમોલિશન' કામગીરીમાં તોડી પાડવામાં આવ્યું હતું.

સુરતના વેડ દરવાજા વિસ્તારમાં નાસિરનગર ઝૂંપડપટ્ટીમાં 30 મેના રોજ લગભગ 100થી વધારે કાચાં-પાકાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.

આ ડિમોલિશનનો આદેશ કોણે આપ્યો હતો તે મામલે વિવાદ થયા પછી ગુજરાત હાઈકૉર્ટના આદેશથી અસરગ્રસ્ત લોકોને એક કૉમ્યુનિટી હૉલમાં રાખવામાં આવ્યા છે.

મહિનાઓ પછી પણ લગભગ 8થી 10 પરિવારો કૉમ્યુનિટી હૉલમાં રહે છે.

હાલમાં આ મામલો ગુજરાત હાઈકૉર્ટમાં ચાલે છે અને હાઈકૉર્ટે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનને વારંવાર વૈકલ્પિક આવાસ આપવાની વાત કરી છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લઈ શકાયો નથી.

અલ્તાફ પઠાણ કહે છે કે, "હાલમાં અમે લગભગ 50 લોકો કૉમ્યુનિટી હૉલમાં રહીએ છીએ, જેમાં બાળકો અને વૃદ્ધ મહિલાઓ પણ છે."

"અમને કહેવામાં આવ્યું હતું કે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મળશે, પરંતુ પછી તેની ના પાડી દેવામાં આવી હતી."

'કૉમ્યુનિટી હૉલમાં ક્યાં સુધી રહીશું?'

સુરતઃ નાસિરનગર ડિમોલિશનના પીડિતોને મ્યુનિસિપલ કૉર્પોરેશન મકાન આપશે કે નહીં?
ઇમેજ કૅપ્શન, કૉમ્યુનિટી હૉલમાં રહેતા પરિવારોને પાણી અને વીજળીની સુવિધા મળે છે, જ્યારે જમવાની વ્યવસ્થા તેઓ જાતે કરે છે.

અલ્તાફભાઈ ઉમેરે છે, "અહીં જે લોકો રહે છે તેમને લાઈટની સગવડ મળે છે અને પાણીના ટૅન્કર પહોંચાડવામાં આવે છે. બાકી જમવાનું તેઓ પોતાના ખર્ચે જ બનાવે છે. કેટલાક પરિવારો ગૅસનો ઉપયોગ કરે છે, તો કેટલાક ઇલેક્ટ્રિક સગડી પર જમવાનું બનાવે છે."

કૉમ્યુનિટી હૉલમાં રહેતા અન્ય એક રહેવાસી શબ્બીર પઠાણનું ઘર પણ નાસિરનગરના ડિમોલિશનમાં તોડી પાડવામાં આવ્યું હતું.

તેઓ કહે છે કે, "મ્યુનિસિપલ કૉર્પોરેશને અગાઉ કૉર્ટમાં ઍફિડેવિટ રજૂ કરીને કહ્યું હતું કે, અમને સુમન વંદન આવાસ યોજનામાં મકાન આપવામાં આવશે. અમને જહાંગીરપુરા જઈને મકાનો જોઈ આવવા કહ્યું હતું."

"અમે તે મકાનોમાં રહેવા હા પાડી દીધી હતી. ત્યાર પછી અમને ભેસ્તાન વિસ્તારનાં જૂનાં મકાનો દેખાડવામાં આવ્યાં, જે બહુ જૂનાં અને ખખડી ગયેલી હાલતમાં હતાં, તેથી અમે તે મકાનો સ્વીકારવાની ના પાડી દીધી. હવે સત્તાવાળાઓ કહે છે કે, ખાનગી જમીન પર ડિમોલિશનથી મકાન તોડવામાં આવ્યાં હોવાથી અમને મકાન આપી શકાય તેવી કોઈ સિસ્ટમ નથી."

'સ્થિતિ એટલી નબળી કે ભાડે મકાન પોસાય નહીં'

સુરતઃ નાસિરનગર ડિમોલિશનના પીડિતોને મ્યુનિસિપલ કૉર્પોરેશન મકાન આપશે કે નહીં?
ઇમેજ કૅપ્શન, નાસીરનગર ડિમોલિશનના એક અસરગ્રસ્ત અલ્તાફ પઠાણ કહે છે કે તેમને મકાન મળશે કે નહીં તેનો આધાર કોર્ટના ચુકાદા પર રહેલો છે.

નાસિરનગર ડિમોલિશનમાં જેમના ઘર તોડી પાડવામાં આવ્યા, તેમાંથી મોટા ભાગના લોકો નાણાકીય રીતે નબળી સ્થિતિમાં છે.

ડિમોલિશન પછી કેટલાક લોકોએ ભાડે ઘર શોધી લીધાં છે, છતાં કેટલાક લોકો હજી કૉમ્યુનિટી હૉલમાં રહે છે.

શબ્બીર પઠાણના કહેવા મુજબ, તેમણે આખું ચોમાસું અને ત્યાર પછીના મહિના પણ કૉમ્યુનિટી હૉલમાં કાઢી નાખ્યા છે અને ત્યાં રહેવા માટે કોઈ રાજી નથી.

તેઓ કહે છે કે, "આજના સમયે બહાર ભાડે મકાન રાખવા જાઓ તો લોકોને મહિને 8,000 રૂપિયાનો ઓછામાં ઓછો ખર્ચ આવે, જે ઘણા લોકોને પોસાય તેમ નથી. અસરગ્રસ્તોમાં કેટલીક વિધવા મહિલાઓ પણ છે. તેઓ આટલા રૂપિયા ક્યાંથી કાઢે?"

તંત્ર પર કેવો આરોપ લાગ્યો?

સુરતઃ નાસિરનગર ડિમોલિશનના પીડિતોને મ્યુનિસિપલ કૉર્પોરેશન મકાન આપશે કે નહીં?
ઇમેજ કૅપ્શન, નાસિરનગરમાં કથિત ગેરકાયદે ડિમોલિશન થયા પછી મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલે છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મામલે સુરત કૉંગ્રેસના ભૂતપૂર્વ કૉર્પોરેટર અસલમ સાઇકલવાલાએ કહ્યું કે, "મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એવો નિર્ણય લીધો છે કે, આ વિસ્થાપિતોને મકાન આપવાની કોઈ પૉલિસી નથી. હકીકતમાં 1975થી 1995 સુધી સુરતમાં રિંગ રોડ આસપાસ એવા ઘણા વિસ્તારો છે, જ્યાં એક સમયે ઝૂંપડપટ્ટી હતી. ત્યાર પછી કૉર્પોરેશને રિંગ રોડ વિકસાવવા માટે અલગ-અલગ જગ્યાએ પ્લૉટ ફાળવ્યા હતા."

"2007 પછી નડતરરૂપ ઝૂંપડાં હટાવવામાં આવ્યાં, ત્યારે બધાને ઈડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ)ની યોજના હેઠળ આવાસ આપતા હતા. તેથી હવે કૉર્પોરેશન એવું કહે કે વૈકલ્પિક મકાનો આપવાની અમારી પૉલિસી નથી, તો તે વાત ખોટી છે."

તેઓ કહે છે કે, "1980થી નાસિરનગરના લોકોએ જમીન દબાવી છે એવું કહેવું હોય, તો હજી સુધી જગ્યાનો કબજો કેમ ન લીધો?"

સાઇકલવાલાએ ઉમેર્યું હતું, "મ્યુનિસિપલ કૉર્પોરેશન હજી પણ હાઈકૉર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. (મકાનો) રોડલાઇનમાં આવતાં હતાં એવું કહેવાય છે, પણ વાસ્તવમાં આ ખાનગી જગ્યા હતી. તેના કારણે મકાનોનો કાટમાળ ત્યાં જ પડ્યો છે. આ ઉપરાંત નાસિરનગરની બાજુમાં ઝૂંપડાં હજી પણ યથાવત્ છે."

તેમણે કહ્યું કે, "અમે પહેલેથી ઈડબ્લ્યુએસ આવાસ મુજબ આ લોકોને મકાન ફાળવવાની માગણી કરી હતી, પરંતુ કૉર્પોરેશન પાસે ઈડબ્લ્યુએસ આવાસ ઉપલબ્ધ નહોતા અને જે મકાનો હતાં તે જર્જરિત સ્થિતિમાં હતાં.

"કૉર્પોરેશને કૉર્ટમાં સુમન વંદના યોજનાનાં મકાન આપવાની વાત કરી હતી, પરંતુ બંને મકાનોમાં ફરક છે. ઈડબ્લ્યુએસ મકાનો બહુ નજીવા ભાવે મળી શકે, જ્યારે સુમન વંદનાના મકાનો માટે સાડા પાંચ લાખ રૂપિયા ભરવા પડે."

સુરતઃ નાસિરનગર ડિમોલિશનના પીડિતોને મ્યુનિસિપલ કૉર્પોરેશન મકાન આપશે કે નહીં?
ઇમેજ કૅપ્શન, નાસિરનગરના ડિમોલિશનમાં ઘર ગુમાવનારા પરિવારો

આ મામલે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમેન રાજન પટેલે બીબીસીને જણાવ્યું કે, "ટીપી (ટાઉન પ્લાનિંગ) સ્કીમના રસ્તા પર કોઈ જગ્યાએ ડિમોલિશન થાય, તો તેના માટે વૈકલ્પિક આવાસ આપવાની કોઈ યોજના જ નથી."

"અમે આ અંગે કૉર્ટમાં જવાબ આપી દીધો છે. ટીપી સ્કીમ રાજ્ય સરકાર ફાઇનલ કરે તે મુજબ હોય છે, તેથી આ મામલે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મકાન આપવાનાં થતાં નથી. આ મામલો હાલમાં હાઈકૉર્ટમાં છે, તેથી આગામી તારીખે કૉર્ટ જે નિર્ણય આપે તેના પર બધો આધાર રહેશે."

તેમણે એમ પણ કહ્યું કે, "નાસિરનગરમાં જેમનાં મકાનો તૂટ્યાં, તેમને હાલમાં કૉમ્યુનિટી હૉલમાં રહેવા દેવામાં આવ્યા છે, પરંતુ તેઓ ત્યાં કેટલા મહિના સુધી રહેશે તે અત્યારે કહી શકાય નહીં."

આગામી 27 નવેમ્બરે ગુજરાત હાઈકૉર્ટમાં આગળ સુનાવણી થવાની છે, તેના પર અસરગ્રસ્તોની નજર છે.

નાસિરનગર ડિમોલીશનનો આખો મામલો શો છે?

સુરતમાં વેડ દરવાજા અને કતારગામ વિસ્તારમાં આવેલી નાસિરનગર ઝૂંપડપટ્ટીમાં લગભગ 100થી વધુ પરિવારોનો કહેવું હતું કે 30મેએ તેમને કોઈ પણ જાતની નોટિસ અથવા ડિમોલિશનના લેખિત ઑર્ડર આપ્યા વગર તેમનાં મકાન તોડી પાડવામાં આવ્યાં હતાં.

તેમનું કહેવું હતું કે તેઓ 30થી 40 વર્ષથી ત્યાં રહેતા હતા અને તેમની પાસે લાઈટ, પાણી અને ટૅક્સના બિલ પણ હતા.

નાસિરનગરના ડિમોલિશનમાં નીતિનિયમોનું પાલન નથી થયું તેવા આરોપો શરૂઆતથી જ મૂકવામાં આવ્યા હતા.

સૌથી પહેલાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને (એસએમસી) આ ડિમોલિશનમાં પોતાની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ મામલો હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે મ્યુનિસિપલ કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓની ટીકા કરી હતી અને એસએમસીએ ઘટનાની તપાસ માટે છ સભ્યોની તપાસ સમિતિ રચી હતી.

અંતે એસએમસીના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરવામા આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન