પાકિસ્તાનમાં ટીવી ઍન્કરનું મૃત્યુ : પતિ પર હત્યાનો આરોપ, પણ મહિલાના પરિવારે જ કેસ પાછો ખેંચવાનો નિર્ણય કેમ કર્યો?

ઇમેજ સ્રોત, YOUTUBE/@Rabiya Ahsan Official
- લેેખક, શહેઝાદ મલિક
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડીમાં ઍન્કર રાબિયા અહસાનના મૃત્યુ બાદ તેમના પતિને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, રાબિયાના પરિવારે તેમની સામે નોંધાવેલો હત્યાનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાબિયાના જ ભાઈની ફરિયાદના આધારે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરે રાવલપિંડીના ગુલશનાબાદ વિસ્તારમાં આવેલા પોતાના ઘરમાંથી રાબિયા અહસાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમને ગરદનની નીચેના ભાગમાં ગોળી વાગી હતી.
રાબિયા અહસાનના ભાઈની ફરિયાદના આધારે તેમના પતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમની તરત જ અટકાયત કરવામાં આવી હતી. ઘરના એક ઓરડામાંથી પિસ્તોલ પણ મળી આવી હતી.
પંજાબનાં માહિતી પ્રધાન અઝમા બુખારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન રાબિયા અહસાનના પતિએ પોલીસને કહ્યું હતું કે પિસ્તોલમાંથી ભૂલથી ગોળી છૂટી ગઈ હતી.
દરમિયાન, આ કેસમાં ધરપકડ કરાયેલા રાબિયા અહસાનના પતિને સોમવારે સંબંધિત અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે તેમની કસ્ટડી મેળવવાની માગણી કરી હતી. અદાલતે બે દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.
આ દરમિયાન, રાબિયા અહસાનની નમાઝ-એ-જનાઝા ગુલશનાબાદની જામિયા મસ્જિદમાં પઢવામાં આવી હતી.
રાબિયા અહસાનના ભાઈએ બીબીસીને શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, 92 NEWS/YOUTUBE
રાબિયા અહસાનના ભાઈ ખુર્રમ અહમદ આ કેસમાં ફરિયાદી છે. જોકે, તેમણે હવે બીબીસીને જણાવ્યું છે કે તેમના પરિવારે કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે તેઓ પોતે, તેમનાં માતા અને બહેન એ બાબતે સંમત છે કે રાબિયાનું મૃત્યુ એક અકસ્માત હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખુર્રમે જણાવ્યું કે ઘટના બની ત્યારે તેઓ પોતે ત્યાં હાજર નહોતા. જોકે, તેમનાં માતા અને બહેન એ જ ઘરમાં હતાં.
તેમણે કહ્યું કે ઘરમાં કામ કરનાર એક વ્યક્તિ પણ એ ઓરડામાં હાજર હતી.
ખુર્રમ અહમદે જણાવ્યું, "આરોપીએ મને કહ્યું હતું કે તે કબાટમાંથી કપડાં કાઢી રહ્યો હતો. ત્યાં એક પિસ્તોલ મૂકેલી હતી, જે તેણે હાથમાં પકડી હતી. એ જ વખતે અચાનક ગોળી છૂટી ગઈ, જે રાબિયાની ગરદન પાસે વાગી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું."
તેમણે કહ્યું કે ઘટનાની જાણ થયા બાદ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમનાં માતા અને બહેને તેમને જણાવ્યું હતું કે, "ઘટના પહેલાં પતિ-પત્ની બંને ઓરડામાં ગયાં હતાં. એ પહેલાં તેઓ બંને તેમની સાથે આંગણામાં હતાં. એ વખતે બંને વચ્ચે કોઈ ઝઘડો થયેલો હોય એમ જણાયું નહોતું."
ખુર્રમ અહમદે કહ્યું કે તેઓ આરોપીને "ખૂબ સારી રીતે" ઓળખે છે અને તેઓ એક "પ્રતિષ્ઠિત વ્યક્તિ" છે. તેમણે જણાવ્યું કે આરોપી ઓવરસીઝ પાકિસ્તાનીઝ ફાઉન્ડેશનમાં ડેપ્યુટી ડિરેક્ટરના પદે કામ કરતા હતા.
ખુર્રમ અહમદના જણાવ્યા અનુસાર, રવિવારે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ તેમને કહ્યું હતું કે તેઓ ઇચ્છે ત્યારે કેસ પાછો ખેંચી શકે છે.
'ગોળી છૂટી ત્યારે પતિના હાથમાં પિસ્તોલ હતી'

ઇમેજ સ્રોત, Social Media
8 નવેમ્બરે રાબિયા અહસાનના ભાઈ ખુર્રમની ફરિયાદના આધારે તેમના ઘરમાં બનેલી આ ઘટના અંગે સદર બેરુની પોલીસ સ્ટેશનમાં કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
એફઆઇઆર મુજબ, ફરિયાદીને ફોન પર જાણ કરવામાં આવી હતી કે રાબિયા અહસાનને તેમના પતિએ ગોળી મારી છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, "જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમની બહેન લોહીલુહાણ હાલતમાં પડી હતી અને તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું."
બીજી તરફ, પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાને લગતી કેટલીક અલગ વિગતો ધ્યાને આવી છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, રાબિયા અહસાનનાં લગ્નને 14 વર્ષ થયાં હતાં અને તેમને બે દીકરીઓ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ, પરિવારના સભ્યો, દીકરીઓ, બહેન અને માતાએ પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ કે ઘરેલુ ઝઘડો હોવાની વાત જણાવી નથી.
પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઋતુ બદલાતાં કબાટમાં ઉનાળાનાં કપડાંની જગ્યાએ શિયાળાનાં કપડાં ગોઠવતી વખતે કપડાંની વચ્ચેથી 30 બોરની એક પિસ્તોલ મળી આવી હતી.
ઘરમાં હાજર એક ઘરેલુ કર્મચારીના પ્રાથમિક નિવેદન મુજબ, ગોળી છૂટી ત્યારે પતિના હાથમાં પિસ્તોલ હતી.
જોકે, પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી પરિવારના કોઈ સભ્યે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા કે મતભેદ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આમ છતાં, આ ઘટનાની હત્યાના કેસ તરીકે તપાસ કરવામાં આવશે અને તેની પાછળનાં તમામ સંભવિત કારણોની તપાસ કરાશે.
પોસ્ટમૉર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ, રાબિયા અહસાનના ગળાના આગળના નીચેના ભાગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતમાં પોલીસે માત્ર એટલી જ માહિતી આપી હતી કે અડિયાલા રોડ પર આવેલા ગુલશન-એ-આબાદ વિસ્તારમાં રાબિયા અહસાનનો મૃતદેહ તેમના ઘરના એક ઓરડામાંથી મળી આવ્યો હતો. તેમની ગરદનના નીચેના ભાગમાં ગોળી વાગી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી મળી આવેલી 30 બોરની પિસ્તોલનું લાઇસન્સ નહોતું. ઘટનાને લગતા ફોરેન્સિક પુરાવા અને નમૂનાઓ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. ફોરેન્સિક અહેવાલ મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ કરવામાં આવશે.
પોલીસનું કહેવું છે કે ઘટનાનાં તમામ પાસાંની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક તપાસ, પોસ્ટમૉર્ટમ અહેવાલ અને તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવશે.
રાવલપિંડીના સીપીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મીડિયાને જણાવ્યું હતું, "મહિલાને ગળાના નીચેના ભાગમાં ગોળી વાગી હતી. તેમની ઓળખ રાબિયા અહસાન તરીકે થઈ છે. તેઓ એક ખાનગી ટીવી ચૅનલના કાર્યક્રમનાં સંચાલક હતાં."
'ન્યાય તો મળવો જ જોઈએ'
41 વર્ષનાં રાબિયા અહસાન ચૅનલ 92 સાથે સંકળાયેલાં હતાં. ત્યાં તેઓ પત્રકાર આમિર મતૈન સાથે 'મુકાબિલ' કાર્યક્રમનું સંચાલન કરતાં હતાં. ચૅનલ 92ના સંવાદદાતા સાજિદ શેખના જણાવ્યા અનુસાર, રાબિયા અહસાન અગાઉ પણ પોતાના કાર્યક્રમનું સંચાલન કરી ચૂક્યાં હતાં. તેઓ બે દીકરીનાં માતા હતાં.
પત્રકાર ફરીહા ઇદ્રિસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે રાબિયા અહસાનના મૃત્યુના સમાચાર સાંભળીને તેમને "ઘણો આઘાત લાગ્યો છે અને દુઃખ થયું છે."
તેમણે લખ્યું કે રાબિયા "એક સક્ષમ ઍન્કર, સાથીદાર અને બે બાળકોનાં માતા હતાં. તેઓ બહુ જલદી આપણને છોડીને જતાં રહ્યાં."
તેમણે લખ્યું, "મારી પૂરી સંવેદના તેમનાં બાળકો, પરિવાર અને તમામ સ્વજનો સાથે છે. અલ્લાહ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ન્યાય તો મળવો જ જોઈએ."
પત્રકાર ઝેબ-ઉન-નિસા બર્કીએ એક્સ પર લખ્યું, "વધુ એક દિવસ, અને પોતાના જ ઘરમાં એક મહિલાની હત્યાની વધુ એક ઘટના."
શાકિર અબ્બાસીએ એક્સ પર લખ્યું, "આ જાણીને મને ખૂબ દુઃખ થયું કે અમારી પૂર્વ સાથી અને ઍન્કર રાબિયા અહસાન હવે આપણી વચ્ચે નથી રહ્યાં."
તેમણે કહ્યું, "આ ઘટનાની હજી તપાસ થઈ રહી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























