સાણંદ : 10 વર્ષના દીકરાની માતાજી સામે હત્યા કરવાનો પિતા પર આરોપ, આખો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Bhargav parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ચેતવણી: કેટલાક વાચકોને આ અહેવાલની વિગતો અને વિવરણ વિચલિત કરી શકે તેમ છે.
અમદાવાદ જિલ્લાના સાણંદના વીંછિયા ગામમાં એક 10 વર્ષના બાળકની એના પિતાએ જ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે.
આરોપ છે કે દીકરાનું એના પિતાએ મંદિર પાસે દીકરાનું મોત નીપજાવ્યું છે. આ મામલે પિતા સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૃતક 10 વર્ષીય દીકરો વીંછિયાની પ્રાથમિક શાળામાં ભણતો હતો.
પોલીસ ફરિયાદમાં નોંધાવેલી વિગતો પરથી જાણવું મળ્યું છે કે આરોપી પોતે 'ભૂવા' તરીકે કામ કરે છે અને એ નહોતો ઇચ્છતો કે તેનો દીકરો પણ 'ભૂવો' બને.
સ્થાનિકો લોકોએ કહ્યું કે આરોપીના પરિવારમાં ઘણા સમયથી ઝઘડા વધી ગયા હતા.
સાણંદથી થોડે દૂર આવેલા વીંછિયા ગામમાં જૂના બસસ્ટેન્ડ પાસે રૅશનિંગની દુકાન આવેલી છે અને એની આસપાસ લોકો રહે છે.
અહીં આવેલા જોગણી માતાના મંદિર પાસેના ઘરમાં આરોપી નરેશ પટેલ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેશ પટેલના પિતા અજમલભાઈ પણ 'ભૂવા' તરીકે કામ કરતા હતા. એ ચાર વર્ષ પહેલાં અવસાન પામ્યા પછી એમના દીકરા નરેશ 'ભૂવો' બન્યા હતા.
આરોપીનાં પત્નીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ શું છે?
આરોપી નરેશ પટેલનાં પત્ની ભારતી પટેલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે એમનો પતિ નરેશ એને ખૂબ માર મારતો અને અવારનવાર ઝઘડા કરતો હતો.
તેમણે લખાવ્યું કે "લગ્નનાં બાર વર્ષ પછી મારાં સાસુના અવસાન પછી શરૂ થયેલા ઝઘડા અને મારથી કંટાળીને હું દસ દિવસથી પિયર અમથાપુર ગઈ હતી. પહેલી નવેમ્બર, રવિવારે સાંજે અમારા પાડોશી પંકજભાઈનો ફોન આવ્યો કે મારા પતિએ મારા દીકરાના માથા પર લાકડીઓ મારી છે અને લોહીલુહાણ હાલતમાં બંને ખાટલામાં છે."
"હું મારાં માતાપિતા અને ભાઈ સાથે વીંછિયા આવી ત્યારે મારો દીકરો મૃત હાલતમાં હતો, એની બાજુમાં ખાટલામાં લોહીવાળા કપડાંમાં સૂતેલા મારા પતિ નરેશે મને કહ્યું કે 'મારા બાપા માતાજીના ભૂવા હતા, હું પણ ભૂવો છું અને હવે ખાનદાનમાં કોઈ ભૂવો ના થાય એટલે મેં એને માતાજીના નંદી પાસે એનું માથું પછાડીને મારી નાખ્યો છે.'"
'દીકરો મોટો થઈને ભૂવો ન બને એટલે મારી નાખ્યો'
સાણંદના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એલ. ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે વીંછિયા પહોંચ્યા ત્યારે એ દીકરાના મૃતદેહ પાસે જ હતો. અમે એની ધરપકડ કરી. પૂછપરછ શરૂ કરી તો પ્રાથમિક તપાસમાં એણે કહ્યું કે એનો દીકરો મોટો થઈને ભૂવો ના બને એટલે એને મારી નાખ્યો છે."
"આરોપીની પૂછપરછ દરમ્યાન એ માનસિક રોગી હોય એવું સ્પષ્ટ દેખાય છે. અમે મનોચિકિત્સકની એની પૂછપરછ માટે મદદ લીધી છે. અત્યારે બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લાવ્યા છીએ."
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી કહે છે કે એણે પોતાના દીકરાનું માથું માતાજીના મંદિર પાસે પછાડ્યું હતું.
હાલમાં પોલીસે ફૉરેન્સિક ટીમની મદદ લીધી છે. પોસ્ટમૉર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પડોશીઓએ કહ્યું કે 'એ ખાટલામાં દીકરાના મૃતદેહ સાથે સૂતો હતો'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વીંછિયા ગામમાં નરેશના પાડોશી પંકજ સોનારાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "નરેશ પટેલ માતાજીનો મોટો સાધક હોવાનું કહેતો અને મેલીવિદ્યાનો જાણકાર હોવાનો દાવો કરતો હતો. અને એ રીતે એ બધા લોકોને પણ બિવડાવતો હતો. જો પડોશીઓ એની કોઈ વાત ન માને તો એ બધા સાથે ઝઘડા કરતો અને માર મારતો હતો."
પંકજભાઈ કહે છે કે "નરેશ પટેલ 'ભૂવાજી' ઉપરાંત ખેતમજૂર તરીકે કામ કરતો હતો. એણે પોતાની જમીન વેચી નાખી હતી અને 35 લાખ જેટલા રૂપિયા પણ આવ્યા હતા. ત્યાર બાદ એને એના પૈસાનું શું કર્યું એ અમને કોઈને ખબર નથી. એણે એના મોટાભાઈ બલદેવ પટેલને લાકડીથી માર્યા હતા, ત્યારથી એ જુદા રહેવા જતા રહ્યા હતા. "
નરેશ પટેલની શેરીમાં રહેતા રાહુલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "પહેલી નવેમ્બરે સાડાસાત વાગ્યે ગામના લોકો જમીને સૂવા જઈ રહ્યા હતા, ત્યારે નરેશના દીકરાની ચીસો સંભળાઈ અને ટોળું એકઠું થયું ત્યારે લોકો નરેશના ઘરે ગયા હતા. એ સમયે એ (નરેશ) ખાટલામાં પોતાના દસ વર્ષના દીકરાની લોહીલુહાણ મૃતદેહ સાથે સૂતો હતો અને કહેતો હતો કે સામે પડેલા લાકડામાં અમારી બાપ અને દીકરાની ચિતા સળગાવી દેજો."
આ ઘટના બાદ લોકોએ આરોપીનાં પત્નીને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીના સ્વજનો શું કહે છે?
દીકરાના મોત બાદ એમનાં માતા ભારતીબહેન હાલ વાતચીત કરવાની હાલતમાં નથી, પણ બીબીસી સાથેની વાતચીતમાં માત્ર એટલું કહ્યું કે "મેં દીકરાની પરીક્ષાના કારણે એને ત્યાં રાખ્યો હતો. પણ જો દસ દિવસ પહેલાં હું એને મારી સાથે પિયર લાવી હોત તો મારો દીકરો બચી ગયો હોત."
ભારતીબહેનના ભાઈ અને નરેશના સાળા સુરેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારી બહેનનાં લગ્ન 12 વર્ષ પહેલાં થયાં હતાં. મારા બનેવી 'ભૂવો' બન્યા એ પછી એમનો ત્રાસ વધ્યો હતો. મારી બહેનનાં સાસુ ગુજરી ગયાં પછી બે વર્ષથી ખૂબ ત્રાસ આપતા હતા."
"રોજના ઝઘડા અને ઢોરમારથી કંટાળી મારી બહેન પિયર અમથાપુર આવી હતી. અમને એમ હતું કે ભાણિયા કરણની પરીક્ષા પતી જાય એટલે દિવાળીમાં અમે સમાધાન કરાવી દઈશું, પણ એ પહેલાં મારા ભાણિયાને મારા બનેવીએ મારી નાખ્યો."
નરેશના મોટા ભાઈ બળદેવ પટેલને ભત્રીજા કરણનો મૃતદેહ જોયા પછી એમને છાતીમાં દુખાવો ઊપડતા જનતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સ્થાનિક આગેવાન યોગેશ પટેલની મદદથી ટેલિફોનિક વાતચીતમાં બળદેવ પટેલે બીબીસીને કહ્યું કે "જ્યારે નરેશે મને અને મારી પત્નીને લાકડીઓથી માર્યાં ત્યારે એની સામે કાનૂની કાર્યવાહી કરી હોત તો કદાચ મારો ભત્રીજો આજે જીવતો હોત."
આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.
આરોપી પિતાએ આવું કેમ કર્યું હશે?
જાણીતા મનોચિકિત્સક ડૉ. જ્યોતિક ભચેચે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સાણંદમાં બનેલી ઘટનાને જોતા એવું સ્પષ્ટ લાગે છે કે આ માણસ અંદરથી ખૂબ જ ગુસ્સે રહેતો હશે. ઘણા લોકો પોતાની માનસિક તકલીફો બીજા સાથે શૅર કરતા નથી, એના લીધે ગુસ્સો મનમાં ધરબાયેલો રહે છે, જ્યારે ઝઘડાળુ બને છે ત્યારે ઇમ્પલ્સિવવિટી આવી જાય છે, એટલે એને સારા-ખોટાનું પ્રમાણ ભાન રહેતું નથી, ત્યારે આવી ઘટના બને છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















