પંચકુલા : 8 વર્ષના બાળકે 6 વર્ષની બાળકીને સ્કૂલમાં માર માર્યો, શાળામાં આવું કેવી રીતે થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નવજોતકોર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ચેતવણી : આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે
હરિયાણાના પંચકુલાના એક સ્કૂલમાં ક્લાસરૂમમાં 6 વર્ષની બાળકી સાથે 8 વર્ષના બાળકે મારઝૂડ કરી હોવાના મામલે પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત ત્રણ લોકો સામે એફઆઇઆર નોંધી છે.
પોલીસે નોંધેલી એફઆઇઆર અનુસાર, આ ઘટના 28 ઑક્ટોબર, 2026ના રોજ પંચકુલાની એક સ્કૂલમાં બની હતી.
પોલીસે શનિવારે આ મામલે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ, 2015ની કલમ 75 અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 125 (બી) હેઠળ ગુનો નોંધ્યો છે.
જે ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, ક્લાસ ઇનચાર્જ અને ચોકીદારનો સમાવેશ થાય છે.
'ઘાયલ બાળકી લગભગ બે કલાક સુધી રૂમમાં પડી રહી'
પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆર અનુસાર, પંચકુલાની આ સ્કૂલમાં 6 વર્ષની વિદ્યાર્થિની પર 28 ઑક્ટોબર, 2026ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.
સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની ઉંમર 8 વર્ષ હોવાનું જણાવાયું છે. તેણે સ્કૂલની ઇમારતના પ્રથમ માળે આવેલા એક રૂમમાં બાળકી સાથે મારઝૂડ કરી હતી. ત્યાર બાદ બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.
ફરિયાદીનો આરોપ છે કે આ ઘટના સ્કૂલ સંચાલક, પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર, અન્ય સ્ટાફ સભ્યો અને સુરક્ષા કર્મચારીઓની બેદરકારીના કારણે બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદીનો એવો પણ આરોપ છે કે સ્કૂલનો સમય પૂર્ણ થયા પછી પણ ઘાયલ બાળકી લગભગ બે કલાક સુધી એ જ રૂમમાં પડી રહી હતી.
બાળકીના પિતાએ બીબીસીને શું જણાવ્યું?
બાળકીના પિતાએ બીબીસી ન્યૂઝ પંજાબીને જણાવ્યું, "28 ઑક્ટોબરે સ્કૂલ છૂટ્યા પછી પણ જ્યારે બાળકી મળી નહીં, ત્યારે અમે તેને સ્કૂલમાં શોધવા ગયા હતા. ત્યાં કોઈને ખબર નહોતી કે બાળકી ક્યાં છે."
"પછી એક નાના બાળકે મને જણાવ્યું કે તે ઉપરના કોઈ ક્લાસરૂમમાં છે. હું ત્યાં ગયો તો બાળકી અંદર હતી અને રૂમને તાળું મારેલું હતું. તાળું ખોલાવવામાં આવ્યું અને ત્યાર બાદ બાળકીને બહાર કાઢવામાં આવી."
તેમણે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને હુમલા બાદ સ્થાનિક હૉસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. બાદમાં તેને ચંડીગઢના પીજીઆઇમાં રેફર કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, બાળકી હાલ ખતરાથી બહાર છે, પરંતુ તેને હજુ પણ ઘણી ઈજા પહોંચી છે.
જોકે, આ મામલામાં પીજીઆઇએ બાળકીના સ્વાસ્થ્ય અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.
આ મામલે પોલીસે શું કાર્યવાહી કરી?

ઇમેજ સ્રોત, Haryana police
પંચકુલા પોલીસનાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) અદિતિસિંહે જારી કરેલા વીડિયો નિવેદન અનુસાર, "વિદ્યાર્થિની પીજીઆઇમાં દાખલ છે અને હાલ ખતરાથી બહાર છે."
"આ મામલામાં એક સગીર વિદ્યાર્થી સામેલ છે, જેની ઉંમર 8 વર્ષ છે. જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ નિષ્ણાતો દ્વારા તેનું મૂલ્યાંકન કરાઈ રહ્યું છે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે."
તેમણે કહ્યું, "બાળકી સાથે મારઝૂડના મામલાની પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલનની બેદરકારી સામે આવી છે. તેથી સ્કૂલ સંચાલન વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે."
પંચકુલાના ડીસીપી ક્રાઇમ અમરિંદરસિંહે જણાવ્યું કે ભારતીય કાયદા અનુસાર 8 વર્ષના બાળકને સજા આપી શકાતી નથી અને તેને જેલમાં પણ મોકલી શકાતો નથી.
આવા મામલાઓમાં બાળક વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે તેના સુધારણા અને કાઉન્સેલિંગ પર ભાર મૂકવામાં આવે છે.
તેથી આ મામલામાં બાળકની માનસિક સ્થિતિને સમજવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
અમરિંદરસિંહે જણાવ્યું કે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે બાળકને ઑબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો છે.
શિક્ષણમંત્રી અને હરિયાણા માનવાધિકાર આયોગે શું જણાવ્યું?

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવી છે. શિક્ષણમંત્રી મહીપાલ ઢાંડાએ જણાવ્યું કે તપાસમાં જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, હરિયાણા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સ્વયં સંજ્ઞાન લેતાં પંચકુલાના જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો છે.
આયોગે શિક્ષકોની ફરજ, સીસીટીવી ફૂટેજ, હાજરીની નોંધ અને સ્કૂલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો માગી છે.
આયોગનાં અધ્યક્ષ તૃપ્તિ હરિપાલ શ્યોરાણે બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.
હરિયાણા માનવાધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ લલિત બત્રાએ પણ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે જો કોઈ શિક્ષક, પ્રિન્સિપાલ અથવા અન્ય અધિકારીની બેદરકારી સામે આવશે તો સરકારને કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવશે.
શિક્ષણ વિભાગે પણ જિલ્લા સ્તરે એક તપાસ સમિતિની રચના કરી છે. તેને બે દિવસમાં અહેવાલ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















