'એક ઓવરમાં 32 રન,' ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોની ફટકાબાજી સામે ભારત કેવી રીતે હારી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડના ઓકલૅન્ડ ખાતે ઇડન પાર્કમાં આયોજિત ટી20 મૅચમાં ભારતીય ટીમે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ટીમે ટૉસ જીતી પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બાદ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોએ એવી તો ફટકાબાજી કરી કે 20 ઓવરમાં જ 260 રનનો મસમોટો પડકાર ઊભો કરી દીધો.
જંગી ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ પહેલાંથી જ દબાણમાં જોવા મળી હતી, મસમોટા ટાર્ગેટને ચેઝ કરવા મથી રહેલી ભારતીય ટીમના બૅટ્સમૅનો ઝાઝું ટકીને નહોતા રમી શક્યા. આમ, ભારતીય ટીમને 87 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
નોંધનીય છે કે પાંચ મૅચની સિરીઝ પર ભારતીય ટીમ પહેલાંથી જ ત્રણ મૅચ જીતીને કબજો કરી લીધો છે, જોકે, આ હાર સાથે ટીમ વ્હાઇટવૉશની તક ગુમાવી ચૂકી છે.
ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોનો ઝંઝાવાત

ઇમેજ સ્રોત, Michael Bradley / AFP via Getty Images
ન્યૂઝીલૅન્ડ માટે પણ ઇનિંગની શરૂઆત ખૂબ સારી નહોતી રહી. ટીમના ઓપનર ટીમ સાઇફર્ટ પ્રથમ ઓવરમાં જ ત્રણ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
જોકે, ત્યારબાદ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોએ પોતાનો દમ બતાવ્યો હતો.
ખાસ કરીને, ગ્લેન ફિલિપ્સ અને મિચેલ બ્રેસવેલ વચ્ચે જંગી ભાગીદારી જોવા મળી, બંને બૅટ્સમૅનોએ જબરદસ્ત ફટકાબાજી કરીને ભારતીય બૉલરોની મૅચ પરથી પકડ સાવ ઢીલી પાડી દીધી હતી.
ભારતીય ટીમ તરફથી 16મી ઓવર ફેંકવા માટે નીતિશકુમારને ઉતારાયા હતા, જેમાં ગ્લેન ફિલિપ્સે જોરદાર ફટકાબાજી કરીને એક જ ઓવરમાં 32 રન મેળવી લીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં અંતિમ ચાર બૉલમાં ફટકારેલા સળંગ ચાર છગ્ગા પણ સામેલ છે.
બંને ખતરનાક દેખાઈ રહેલા બૅટ્સમૅનો વચ્ચે 115 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, મિચેલ બ્રેસવેલ 227ના સ્કોરે 18મી ઓવરમાં એલબીડબ્લ્યૂ આઉટ થતાં આ ભાગીદારી તૂટી હતી.
બાદમાં ગ્લેન ફિલિપ્સ પણ 49 બૉલમાં 107 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા, તેમણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને દસ છગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય બૉલરોના પ્રદર્શનની વાત કરીએ તો મયંક યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેમજ અર્શદીપસિંહ, પ્રિન્સ યાદવ, નીતિશકુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ મેળવી હતી.
ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવામાં ઊણી ઊતરી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક તરફ, ન્યૂઝીલૅન્ડ તરફથી જ્યાં બે બૅટ્સમૅનોએ જબરદસ્ત બેટિંગ પર્ફૉર્મન્સ કરી બતાવ્યું, ત્યાં બીજી તરફ, ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બૅટ્સમૅનો આ મૅચમાં વધુ કંઈ કરી શક્યા નહોતા. ટીમનો કોઈ પણ બૅટ્સમૅન 35થી વધુ રન બનાવી શક્યો નહોતો.
ભારતની શરૂઆત પણ ન્યૂઝીલૅન્ડ માફક નબળી રહી હતી, પરંતુ 4 રનના સ્કોરે ઇનિંગના બીજા જ બૉલમાં સંજુ સેમસન આઉટ થતાં મસમોટો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમ વધુ દબાણમાં આવી ગઈ હોય તેવું લાગ્યું.
ટીમને જ્યાં એક તરફ સારી ભાગીદારી અને ફટકાબાજીની જરૂર હતી, ત્યાં સામેની બાજુએ ભારતીય ટીમના બૅટ્સમૅનો ક્રીઝ પર વધુ સમય ટકી નહોતા શકી રહ્યા.
પ્રથમ ઓવરમાં જ ઈશાન કિશન પણ પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા.
ભારત વતી ટીમના સ્ટાર બૅટ્સમૅન અભિષેક શર્માએ ફટકાબાજીનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓ પણ 27 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ત્યારબાદ ટીમ જાણે જીત માટે નહીં, પરંતુ હારનું માર્જિન ઓછું કરવા રમી રહી હોય તેવું લાગવા માંડ્યું.
એક પછી એક કરીને 20 ઓવર સુધીમાં નવ વિકેટ પડી ગઈ છતાં હજુ ભારત ટાર્ગેટથી 87 રન દૂર રહી ગયું અને આખરે ટીમને 172 રન બનાવી હારનો સામનો કરવો પડ્યો.
ન્યૂઝીલૅન્ડના બૉલરોના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ વતી જેકબ ડફીએ સૌથી વધુ ચાર વિકેટ ખેરવી. એ બાદ મેથ્યૂ ફિશર, મિચેલ સેન્ટનર બબ્બે અને એડમ માઇને એક વિકેટ ખેરવી હતી.
ગ્લેન ફિલિપ્સને તેમની તાબડતોડ બેટિંગના બળે આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ મળ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























