Jioના બમ્પર IPO બાદ શું ભારતમાં હવે મોબાઇલ ઇન્ટરનેટ મોંઘું થઈ જશે?

Jio IPO, જિયો આઈપીઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભારતનું સૌથી મોટું શૅરવેચાણ લાખો લોકો માટે સસ્તા મોબાઇલ ઇન્ટરનેટનો અંત આણી શકે છે.
    • લેેખક, નિખિલ ઈનામદાર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતની સૌથી મોટી, મેટા અને ગૂગલનું સમર્થન ધરાવતી ટેલિકૉમ કંપની જિયો પ્લૅટફૉર્મ્સ બુધવારે શેરબજારમાં પ્રવેશ કરી રહી છે.

ભારતીય બજારો માટેના કપરા સમયગાળા છતાં, કંપનીના ઐતિહાસિક 3.2 અબજ ડૉલરના પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ)ને વૈશ્વિક સ્તરના ટોચના ફંડ મૅનેજરો, સ્થાનિક સંસ્થાઓ અને નાના છૂટક રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. દેશનો અત્યાર સુધીનો આ સૌથી મોટો આઈપીઓ છે.

21 ઑક્ટોબરે આઈપીઓ માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ થયાના થોડા કલાકોમાં જ વેચાણ માટે મૂકાયેલા શૅરો કરતાં વધુ અરજીઓ આવી ગઈ હતી.

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની જિયો ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે. તેના સસ્તા મોબાઇલ ડેટાના ગ્રાહકોની સંખ્યા 50 કરોડ છે. જોકે, કંપનીની આ જબરદસ્ત પ્રગતિની સાથે વિવાદો પણ જોડાયેલા રહ્યા છે.

2016માં ભારતના સ્પર્ધાત્મક ટેલિકૉમ ક્ષેત્રમાં પ્રવેશેલી આ કંપનીએ અત્યંત સસ્તા દરે સેવાઓ આપવાની શરૂઆત કરી, જેના કારણે લાખો ભારતીયોને ઇન્ટરનેટની લત લાગી ગઈ.

પરંતુ તેના આગમનથી ટેલિકૉમ ક્ષેત્રમાં મોટી ઊથલપાથલ સર્જાઈ. એક સમયે 17 કંપનીઓ વચ્ચે સ્પર્ધા હતી, તે ઘટીને માત્ર ત્રણ કંપનીઓનું વર્ચસ્વ રહી ગયું. ટીકાકારોએ આરોપ લગાવ્યો કે આર્થિક રીતે મજબૂત જિયોએ ભાવ ઘટાડવાની હરીફાઈ શરૂ કરીને હરીફ કંપનીઓને બજારમાંથી ધકેલી દીધી.

તાજેતરમાં એલન મસ્કે અંબાણીની ટીકા કરતાં તેમને 'ભારતના અસલી બૉસ' ગણાવ્યા હતા. તેમણે એવો સંકેત આપ્યો હતો કે જિયો ભારતમાં સ્ટારલિન્કના પ્રવેશને રોકવાનો પ્રયાસ કરી રહી છે. રિલાયન્સે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તે મસ્કની કંપની તરફથી થતી સ્પર્ધાને આવકારે છે.

છેલ્લાં દસ વર્ષમાં જિયોએ અનેક પ્રકારની તપાસ અને ટીકાનો સામનો કર્યો હોવા છતાં, તેના ડિસ્કાઉન્ટવાળા ડેટા પ્લાન ભારતની ડિજિટલ ક્રાંતિનો મજબૂત આધાર રહ્યા છે. તેના કારણે વિશાળ ડિજિટલ અર્થતંત્રનો વિકાસ થયો છે અને એશિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઑનલાઇન ચૂકવણી, ફૂડ ડિલિવરી અને ઈ-કૉમર્સ સામાન્ય લોકો માટે વધુ સુલભ બન્યાં છે.

કંપનીની શરૂઆતનાં ત્રણ વર્ષમાં જ ગ્રાહકો દ્વારા ડેટાના વપરાશમાં પચાસ ગણો વધારો થયો અને ડેટાના ભાવમાં ભારે ઘટાડો થયો.

એક દાયકા પહેલાં જિયોના સસ્તા દરોએ ભારતમાં ઇન્ટરનેટના વપરાશને સામાન્ય લોકો માટે સુલભ બનાવ્યો.
ઇમેજ કૅપ્શન, એક દાયકા પહેલાં જિયોના સસ્તા દરોએ ભારતમાં ઇન્ટરનેટના વપરાશને સામાન્ય લોકો માટે સુલભ બનાવ્યો.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાવમાં આક્રમક ઘટાડો કરવાની આ નીતિને કારણે જિયોએ 2026 સુધીમાં ઝડપથી લગભગ 55.3 કરોડ મોબાઇલ ગ્રાહકો મેળવી લીધા હતા. તેણે અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું હતું. વાયરલેસ બ્રૉડબૅન્ડના બજારમાં 50 ટકા અને ફિક્સ્ડ બ્રૉડબૅન્ડના બજારમાં 40 ટકાથી વધુ હિસ્સો તેની પાસે હતો.

બ્રોકરેજ કંપની એમકે ગ્લોબલના જણાવ્યા અનુસાર, ભારતમાં વાયરલેસ ડેટાના કુલ વપરાશમાંથી 60 ટકા ડેટા જિયો મારફતે વપરાય છે. ચીનની બહાર સૌથી વધુ 5G ગ્રાહકો પણ જિયો પાસે છે. એમકે ગ્લોબલે કંપનીને 'ભારતનું ડિજિટલ એન્જિન' ગણાવી છે.

પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે શેરબજારમાં જિયોની નોંધણીથી તેની ભાવનીતિમાં મોટો વળાંક આવી શકે છે. આ નોંધણી દરમિયાન કંપનીના પ્રમોટરો પોતાનો હિસ્સો લગભગ ત્રણ ટકા ઘટાડશે. આ સાથે વર્ષોથી ચાલતા અત્યંત સસ્તા દરના યુગનો અંત આવી શકે છે.

'કમાયા ક્યા વેલ્થ મૅનેજમેન્ટ'નાં સહસ્થાપક નિત્યા શાહે કહ્યું, "બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે સસ્તા દરોનો ઉપયોગ કરવાનો જિયોનો યુગ હવે પૂરો થવામાં છે."

તેમણે કહ્યું, "શૅરબજારમાં નોંધાયેલી કંપની તરીકે જિયોએ લઘુમતી શેરધારકોને જવાબ આપવો પડશે... આના કારણે ભાવ નીચા રાખવા માટેની તેની જરૂરિયાત સ્વાભાવિક રીતે ઘટશે."

બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસવાલે એક નોંધમાં જણાવ્યું હતું કે જિયોનો ભાવિ વિકાસ હવે ડિસ્કાઉન્ટવાળા પ્લાન દ્વારા ગ્રાહકોની સંખ્યા વધારવા પર મુખ્યત્વે આધારિત નહીં રહે. તેના બદલે, કંપની દરેક ગ્રાહક પાસેથી વધુ આવક મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે તે ગ્રાહકોને 5G તરફ વાળશે, સમયાંતરે દરમાં વધારો કરશે અને ફિક્સ્ડ વાયરલેસ બ્રૉડબૅન્ડની સેવા એવાં ઘરો સુધી પહોંચાડશે, જ્યાં કદી ફાઇબર કનેક્શન પહોંચ્યું નથી.

જિયોની શેરબજારમાં નોંધણીથી તેની હરીફ કંપનીઓ માટે પણ ભાવ વધારવાનો માર્ગ મોકળો થઈ શકે છે. સસ્તા દરે સેવાઓ આપતી હરીફ કંપનીને કારણે પોતાનો બજારહિસ્સો ગુમાવવાની ચિંતા હવે ઘટી શકે છે.

શાહે કહ્યું, "આ બદલાવનો સૌથી મોટો લાભ વોડાફોન આઇડિયાને મળી શકે છે."

તેમણે ઉમેર્યું, "ક્ષેત્રની સૌથી નબળી બૅલૅન્સશીટ ધરાવતી કંપનીને આ સમયે સૌથી મજબૂત અનુકૂળ પરિબળનો સાથ મળી રહ્યો છે."

ભારતીય ગ્રાહકોએ ભાવમાં વધુ વધારાનો સામનો કરવો પડી શકે છે. થોડાં વર્ષો પહેલાં જ ટેલિકૉમ ક્ષેત્રની તમામ કંપનીઓએ દરમાં વધારો કર્યો હતો. હવે ફરી ભાવ વધે તો ગ્રાહકો પર તેની વધુ અસર પડી શકે છે.

વિશ્લેષકોનું કહેવું છે કે ભાવમાં ફરી એકવાર વધારો થાય તો બજારમાં ગ્રાહકોની અદલાબદલીનું નવું મોજું આવી શકે છે. ભાવ પ્રત્યે સંવેદનશીલ ગ્રાહકો સૌથી સસ્તા ઉપલબ્ધ પ્લાન તરફ વળી શકે છે.

ગ્રાહકોએ વધુ બિલ ભરવા માટે તૈયાર રહેવું પડે એમ બની શકે છે, પરંતુ જિયોનો આઈપીઓ રોકાણકારોને ભારતની ડેટા માટેની જાણે ક્યારેય ન સંતોષાતી ભૂખમાં રોકાણ કરવાની તક આપે છે. સાથે જ, મનોરંજન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ગેમિંગ અને નાણાકીય સેવાઓ જેવાં ક્ષેત્રોમાં કંપની દ્વારા અપાતી ડિજિટલ સેવાઓની વધતી જતી વ્યવસ્થામાં પણ રોકાણ કરવાની તક મળે છે.

ઓછા દરો અને સ્માર્ટફોનના વધતા વપરાશને કારણે ભારત વિશ્વમાં મોબાઇલ ડેટાનો બીજા ક્રમનો સૌથી મોટો ગ્રાહક દેશ બન્યો છે.

જિયોના દરેક ગ્રાહકનો માસિક ડેટા વપરાશ 2024માં 28.7 જીબી હતો, જે 2026માં વધીને 42.3 જીબી થયો છે. એટલે કે, બે વર્ષમાં તેમાં 52 ટકાનો વધારો થયો છે. કેટલાક અંદાજો અનુસાર, લોકોની ખર્ચ કરી શકાય તેવી આવક વધવાની સાથે આ દાયકાના અંત સુધીમાં ડેટાનો વપરાશ વધીને 65 જીબી થવાની ધારણા છે.

આ તમામ પરિબળો જિયોને લાંબા ગાળે દરેક ગ્રાહક પાસેથી થતી સરેરાશ આવક વધારવામાં મદદરૂપ થશે.

એમકે ગ્લોબલના જણાવ્યા અનુસાર, "મોટા ભાગની ડિજિટલ સેવાઓનો વ્યાપ હજુ પણ ચીન અને અમેરિકા કરતાં ઘણો ઓછો છે, એટલે આ ક્ષેત્રમાં વિકાસની ઘણી તકો રહેલી છે."

મૂડીઝ રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, શેરબજારમાં નોંધણીથી કંપનીના કામકાજમાં પારદર્શિતા વધવાની અને રોકાણકારોને તેનું "બજારમાં વધુ સ્પષ્ટ મૂલ્યાંકન" કરવાની તક મળવાની પણ શક્યતા છે. હાલમાં જિયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક ભાગ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વ્યવસાયમાં તેલ શુદ્ધિકરણથી લઈને છૂટક વેપાર સુધીનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

3.2 અબજ ડૉલરનો જિયો પ્લૅટફૉર્મ્સનો આઈપીઓ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો શૅરવેચાણનો સોદો છે.
ઇમેજ કૅપ્શન, 3.2 અબજ ડૉલરનો જિયો પ્લૅટફૉર્મ્સનો આઈપીઓ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો શૅરવેચાણનો સોદો છે.

પરંતુ ભારતના અર્થતંત્રમાં જિયોની વધતી જતી અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાને કારણે રોકાણકારોમાં ઉત્સાહ છે એટલું જ નહીં, આ આઈપીઓની ચર્ચા પાછળનું બીજું કારણ એ પણ છે કે બે દાયકાથી વધુ સમય પછી રિલાયન્સ જૂથની કોઈ કંપની પહેલી વાર શૅર વેચી રહી છે.

1958માં મસાલા અને પૉલિએસ્ટર યાર્નના નાના વેપાર તરીકે શરૂ થયેલી આ કંપનીએ પછી કાપડ, પેટ્રોકેમિકલ્સ, તેલ શુદ્ધિકરણ અને છેવટે છૂટક વેપાર, ટેલિકૉમ તથા ડિજિટલ સેવાઓ જેવાં ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું હતું. લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાનો તેનો રેકૉર્ડ જાણીતો છે. નાના છૂટક રોકાણકારોમાં પણ તેને વિશેષ સ્થાન મળ્યું છે.

રિલાયન્સ સામ્રાજ્યના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ 1980 અને 1990ના દાયકામાં શૅરમાં રોકાણને લોકપ્રિય બનાવવામાં અને તેને માત્ર દલાલો તથા શ્રીમંત પરિવારો પૂરતી મર્યાદિત પ્રવૃત્તિમાંથી બહાર લાવવામાં પાયાની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

શરૂઆતનાં વર્ષોમાં રિલાયન્સે પોતાની વાર્ષિક સામાન્ય સભાઓને ભવ્ય કાર્યક્રમોમાં ફેરવીને વ્યક્તિગત શેરધારકોનો વિશાળ સમૂહ ઊભો કર્યો હતો. આ સભાઓમાં મોટી જાહેરાતો થતી, ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવતી અને સામાન્ય લોકોની શૅરની માલિકીની ઉજવણી થતી. સમય જતાં, તેનાથી કંપની પ્રત્યે અત્યંત વફાદાર રોકાણકારોનો સમૂહ તૈયાર થયો. તેમાંના ઘણા રોકાણકારો કંપની સાથે ઊંડો ભાવનાત્મક સંબંધ પણ ધરાવતા થયા.

છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરના ભાવમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો હોવા છતાં, લાંબા ગાળાનો તેનો રેકૉર્ડ આજે પણ રોકાણકારોમાં વિશ્વાસ જગાવે છે.

મુંબઈસ્થિત વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ક્રાંતિ બાથિનીએ બીબીસીને જણાવ્યું, "કંપનીએ સતત ત્રીસ વર્ષ સુધી વાર્ષિક ધોરણે સરેરાશ લગભગ 30 ટકા વળતર આપ્યું છે."

તેમણે કહ્યું, "એટલે જ એવી અપેક્ષા છે કે જિયોના આઈપીઓમાં પણ એ જ જાદુનું પુનરાવર્તન થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન