વડોદરા : પિતાના અવસાન બાદ પુત્ર કૅનેડાથી પરત આવ્યો અને પછી પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે જીવન ટૂંકાવ્યું, શું થયું હતું?

ઇમેજ સ્રોત, hardik
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોત થયાં છે.
વડોદરાના આ વિસ્તારમાં આવેલી નરસિંહજીની પોળ પાસે આવેલી દલા પટેલની પોળમાં પરિવારના તમામ ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.
પોળના તેમના બંધ મકાનમાંથી માતા, યુવાન પુત્ર અને પુત્રીના મૃતદેહો મળી આવ્યા હતા.
વડોદરા ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિક જણાવે છે કે, વડોદરાની દલા પટેલની પોળમાં રહેતાં 50 વર્ષીય આરતીબહેન સોની, તેમનો 23 વર્ષીય પુત્ર નીલકંઠ સોની અને 20 વર્ષીય પુત્રી જેની સોની છેલ્લા બે દિવસથી ઘરની બહાર જોવા મળ્યાં નહોતાં.
તેમણે વધુમાં જણાવ્યું કે, મકાન સતત અંદરથી બંધ રહેતાં આસપાસના સ્થાનિક રહીશો અને સંબંધીઓને શંકા ગઈ હતી.
હાર્દિકના જણાવ્યા પ્રમાણે, સ્થાનિકોએ પરિવારના સંબંધીઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
પરિવારના આ ત્રણેય સભ્યોએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તે મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
પરિવારમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, hardik
બીબીસી સહયોગી હાર્દિક માહિતી આપે છે કે, પરિવારની પૃષ્ઠભૂમિમાં, એક વર્ષ અગાઉ જ પરિવારના મોભી ચેતનભાઈ સોનીનું હ્રદયરોગનો હુમલો આવવાથી અવસાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતાના અવસાન બાદ કૅનેડામાં અભ્યાસ કરતો પુત્ર નીલકંઠ પણ વડોદરા પરત આવી ગયો હતો.
પરિવાર જૂના પાદરા રોડ પર આયુર્વેદિક દવાનો વ્યવસાય કરતો હતો, પરંતુ પરિવારમાં અચાનક એવું શું બન્યું કે 'આર્થિક રીતે સંપન્ન' ગણાતા આ પરિવારે આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું?
પરિવારે લીધેલા આ પગલા બાબતે તેમના સ્વજનો પણ સ્તબ્ધ છે.
મૃતકોના સ્વજનોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમને હજી વિશ્વાસ નથી આવતો કે તેઓ આટલું મોટું પગલું ભરી શકે.
સ્વજનો જણાવે છે કે, ચેતનભાઈના ગયા પછી પરિવારે ઘણી હિંમત રાખી હતી. દીકરો કૅનેડાથી આવી ગયો હતો અને પરિવારનો આયુર્વેદિક દવાનો ધંધો સંભાળતો હતો.
પરિવારના સબંધીઓ જણાવે છે કે, આ મૃતકો કોઈ આર્થિક મુશ્કેલી કે બીજી એવી મોટી સમસ્યા હોય તેવું અમને ક્યારેય લાગ્યું નહોતું.
'મેં દરવાજો ખોલ્યો અને જે જોયું ત્યારે હું ગભરાઈ ગયો'

ઇમેજ સ્રોત, hardik
મૃતકના સબંધી અને તેમના બિઝનેસ પાર્ટનર કેતન શાહ જણાવે છે કે, "હું મારી દુકાનેથી અહીં આવ્યો ત્યારે મૃતક પરિવારના ઘરનો દરવાજો બંધ હતો, ફોન કર્યો તો કોઈએ ઉઠાવ્યો નહીં. જ્યારે મેં દરવાજો ખોલ્યો અને મેં જે જોયું ત્યારે હું ગભરાઈ ગયો હતો."
"એમના એક કાકા નજીકમાં રહે છે, તેમને જાણ કરીને અમે અહીં બોલાવ્યા હતા."
કેતન શાહ જણાવે છે, "તેઓ અમારી આયુર્વેદિક હૉસ્પિટલના પાર્ટનર છે. હું તેમને 12 વર્ષથી ઓળખું છું."
તેમણે જણાવ્યું કે, અમારા વ્યાપારમાં પણ કોઈ આર્થિક બાબતોને લઈને પણ કોઈ તકલીફ નહોતી.
"આ બિઝનેસમાં રોકાણ અમારું છે. ચલાવવાનું તેમણે હતું. અમે ક્યારેય હિસાબ પણ માંગ્યો નથી."
કેતન શાહ જણાવે છે કે, મૃતકના ઘરે કામ કરતાં ઉષાબહેનનો મને ફોન આવ્યો હતો કે, તેઓ દરવાજો નથી ખોલી રહ્યા.
કેતન શાહ કહે છે કે, હું સોના-ચાંદીનો વ્યાપાર કરું છું. તેમાં પણ અમે પ્રાઇવેટ લિમિટેડ ફર્મ બનાવ્યું હતું. તેમાં મારો પરિવાર અને આ પરિવારના ત્રણ લોકો નીલકંઠભાઈ, આરતીબહેન અને તેમની દીકરી જેની સોની ભાગીદાર છીએ.
વડોદરા પોલીસનું આ ઘટના વિશે શું કહેવું છે?

ઇમેજ સ્રોત, hardik
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘટનાની ગંભીરતાને જોતાં વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એફએસએલ ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમૉર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
વડોદરા શહેરના ડીસીપી એન્ડ્ર્યૂ મૅક્વાને જણાવ્યું હતું કે "અમે જ્યારે આ મકાનની અંદર ગયા હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ મૃત સ્થિતિમાં હતા."
"આરતીબહેન સોની તેઓ માતા છે અને નીલકંઠ તેમના પુત્ર છે અને એમની દીકરી ઝલક. આમ ત્રણેય સભ્યોએ આત્મહત્યા કરી હતી."
એન્ડ્ર્યૂ મૅક્વાને જણાવ્યું, "તેમના મૃત્યું પાછળનું ચોક્કસ કારણ જાણવા હાલ મૃતદેહને હૉસ્પિટલ મોકલ્યા છે અને ત્યાં મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ પણ કરવામાં આવશે."
પોલીસ જણાવે છે કે તેઓ હાલ ઘટનાસ્થળની આસપાસ સર્ચ ચલાવીને તપાસ કરે છે. તેઓ આસપાસ રહેતા લોકોની પૂછપરછ પણ કરશે.
એન્ડ્ર્યૂ મૅક્વાને કહ્યું કે "આ મામલે અમે એડી દાખલ કરીને આગળની કાર્યવાહી કરીશું."
હાલ પોલીસ માટે એ પણ રહસ્ય છે કે, આ પરિવારે કેટલા દિવસ પહેલાં જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ મામલે તેઓ પોસ્ટમૉર્ટમના રિપોર્ટ બાદ કોઈ જવાબ આપી શકશે.
પરિવારજનોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, hardik
મૃતક પરિવારના સગા હિતેશભાઈ સોની જણાવે છે કે, આ ઘટના તેમના માટે આઘાતજનક છે.
તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અમે સપનાંમાં પણ કલ્પના કરી ન હતી કે આવું બનશે. અમારા માટે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે."
"તેઓ આર્થિક સંકળામણમાંથી પસાર થતાં હતા કે નહીં તેની અમને જાણકારી નથી."
હિતેશભાઈ જણાવે છે, "હાલ અમને એવી માહિતી મળી હતી કે. તેમણે કોઈ ફ્લૅટ રાખ્યો હતો, અને તેઓ ત્યાં રહેવા જવાના હતા."
"પરંતુ અમને નથી લાગતું કે કારણ કોઈ આર્થિક હોય, કારણ કે તેમનાં સગાં અને ભાઈઓ આર્થિક રીતે સંપન્ન છે"
તેઓ કહે છે કે એક વર્ષ પહેલાં જ પિતાનું અવસાન થયા બાદ પુત્ર નિલકંઠ કૅનેડાથી વડોદરા આવીને સ્થાયી થયો હતો.
પિતાના આવસાનના એક વર્ષ બાદ પરિવારે આવું પગલું કેમ ભર્યું, તે હવે પોલીસ તપાસનો મુખ્ય વિષય છે.
નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























