છપ્પનિયો દુષ્કાળ : લોકો જ્યારે કૂતરાના મોંમાંથી પણ છીનવીને અને મહિલાઓ શરીર વેચીને પેટની આગ ઠારવા મજબૂર બન્યાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
નોંધ: આ અહેવાલનું વિવરણ તમને વિચલિત કરી શકે છે.
"કાળુની વાટમાં આવતો વગડો, આ છપના કાળનો માર્યો જાણે 'ખાઉં ! ખાઉં !' કરી રહ્યો હતો. પક્ષીઓય ભૂખેતરસે વલવલતાં હતાં. ચૈતરના વાયરા- લૂય સાવ લૂખી ! ત્યારે બળીજળી ધરતી તો કાળુના પગને- દુશ્મન માની બેઠી હોય તેમ ખોયણાં જ ચાંપતી હતી."
"પેલી ગાંસડીઓ, ને દાગીના ઉપર બે માસ કાપી નાખતાં એણે સવાલ કર્યો: 'બાર-બાર મહિનાનો ગયેલો વરસાદ જેઠના પાછલા પંદરોમાંય નહીં વળે કાંઈ?' અને જાણે જેઠનું પાછલું પખવાડિયું અત્યારે જ ન આવી ઊભું હોય તેમ કાળુ બોલી ઊઠ્યો: 'ચોમાસું બેઠા પછી તો ઝખ મારે છે. ઝાડોની કૂંપળો ને ભાજી ખાઈનેય દન કાઢશું, પણ એક વાર વરસાદ વરસે છે?'......ગામની ઓતરાતી પાનદીને પેલે છેડેથી ચીસ સંભળાઈ: 'દોડજો- ઢોરોમાં ધાડ પડી, દોડજો, ઈ...' કાળુનાં અંગમાં એક આછી કંપારી ફરી વળી."
"...અને ચઢતાની સાથે જે દૃશ્ય જોયું એ તો કાળુ એના અવતારમાં-અરે સાત અવતારેય નહીં ભૂલી શકે! વીસ-વીસ હાડપિંજર, પેલા મરેલા ઢોર પર તૂટી પડ્યાં હતાં, દાંત જ છરીઓ હતી ને દેવતા તો પેટમાં જ ભડભડતો હતો ને? કાળું કંપી ઉઠ્યો. ક્ષણભર તો એને વહેમ પડ્યો: 'કે પછી ગીધડાં છે?' ગીધની જેમ જ થઈ રહ્યું હતું: કોઈ પેલાં છોકરાંને હડસેલો મારતું હતું તો કોઈ ડોશી વળી ખૂન પીતી હતી. ઢોરના અક્કેક પગે બબ્બે જણ બચકાં ભરતાં હતાં, જ્યારે તલવારો સાથે ચડી ગયેલા પેલા બે જણ તો કાપી કાપીને-લંગોડી ઉપરાંત કપડું હોય તો ખોળોય વાળે ને? બગલમાં મારતા તો વળી પેટ ને સાથળ વચ્ચે દબાવતા હતા. તલવારનો ડર હતો તોય કોઈ કોઈ એકાદ લોચો તાણી લેતું."
"કાળુ કમકમી ઊઠ્યો. રોમરોમ ખડાં થઈ ગયાં. મારવાનું તો સૂઈ ગયું, આંખમાં આસું આવી ઊભાં: 'અરે તારું મૂળ જાય ભગવાન! મનેખનાં જણ્યાંની આ દશા!' ડુંગરા ફાટી પડે એવો નિઃશ્વાસ નાખતાં બબડ્યો: 'જગતમાં ભૂંડામાં ભૂંડું જો કાંઈ હોય તો એક આ ભૂખ જ છે!"
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય લેખક પન્નાલાલ પટેલે છપ્પનિયા દુકાળની પૃષ્ઠભૂમિ પર તેમની જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નવલકથા 'માનવીની ભવાઈ'માં દુકાળની હૃદયદ્રાવક પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. આ નવલકથામાં કાલ્પનિક પાત્ર કાળુના માધ્યમથી તેઓ આ કુદરતી આફત અને માનવીના અસ્તિત્વ, ભૂખ અને સ્વાભિમાનના મહાસંગ્રામને વર્ણવે છે. આ નવલકથા પ્રેમ, ભૂખ અને માનવીય સંવેદનાઓનો એવો દસ્તાવેજ છે જે દુકાળની ભયાનકતા વચ્ચે પણ માણસની જીવવાની જીજીવિષા અને ટેકને જીવંત રાખે છે.
ઇ.સ. 1899-1900ના આ મહાભયંકર દુષ્કાળમાં ઢોર-ઢાંખર ઘાસચારા વિના ટપોટપ મરી ગયાં હતાં. માણસો હાડપિંજર જેવા થઈ ગયા હતા.
પન્નાલાલ પટેલની આ નવલકથાના પ્રવેશક લેખમાં ગુજરાતી સાહિત્યકાર 'દર્શક' (મનુભાઈ પંચોળીએ) વર્ણવ્યું છે કે, પ્રકૃતિની આ ક્રૂરતા સામે માનવી કેટલો લાચાર છે કે ભૂખને કારણે સગાંસંબંધીઓ અને માનવતા મરી પરવારે છે. લોકો અનાજના એક-એક દાણા માટે તડપે છે, જેને લેખકે 'ભૂખી ભૂતાવળ' તરીકે ઓળખાવી છે.
કંપારી છૂટી જાય તેવું વર્ણન કરતાં આ દુકાળ વિશે તેઓ લખે છે, "છપ્પનિયો આથમતી પેઢીની સાંભરણની મહાઆફત હતી. એમાં નાનિયા જેવા પતિએ પોતાની સ્ત્રીઓને છોડી, દીકરાઓની માને ઢાંકવા લૂગડાં પણ ન રહ્યાં, ભલી, રૂખી જેવી બાઈઓએ લાજશરમ મૂકી, ને માણસને માત્ર એક વાસના રહી-કેમ કરીને અનાજ મેળવવું-ભીખ માગીને, ચોરી કરીને, અરે! કૂતરાના મોંમાંથી કે એંઠની કૂંડીઓ ચાટીનેય ને બાઈઓએ તો શરીર વેચીને પેટની આગ ઓલવવા માંડી. માનવીનું આ અધ:પતન જોઈને વાર્તામાં શંકરદા ખરું જ કહે છે: 'ભલી છે પરથમી કે સરવને હેંડવા દે છે!' જ્યારે સ્ત્રીએ ધણીની, માએ દીકરીની અને દીકરીએ બાપની શરમ છોડીને સૌને કાલે મરી જશું, આજનો દિવસ ગમે તેમ કાઢી નાખો, જિવાય તેટલું જીવો, ભોગવાય તેટલું ભોગવો, શું ન્યાય ને શું અન્યાય, શું નીતિ અને શું અનીતિ..."
આ દુકાળનું નામ છપ્પનિયો દુકાળ કેમ પડ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઈ.સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ રહ્યું, તેથી વર્ષ 1900માં છેલ્લાં 200 વર્ષોમાં ન અનુભવાયો હોય તેવો દુકાળ પડ્યો. અનાજ અને ઘાસચારાની તંગી પેદા થઈ. નાના ખેડૂતો, કારીગરો અને જમીનવિહોણા મજૂરોને સૌથી વધુ અસર થઈ. અનાજના અભાવે ગરીબો ઝાડનાં પાંદડાં અને થોરનાં ડીંડલાં ખાઈને ગુજારો કરતા હતા.
ઇતિહાસકાર હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રવીણચંદ્ર પરીખ તેમના પુસ્તક 'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ: બ્રિટિશકાળ'માં નોંધે છે કે, આ દુકાળ વિક્રમ સંવત 1956માં પડ્યો હોવાથી તેને છપ્પનિયો દુકાળ કહેવાય છે. તેઓ નોંધે છે, "1900માં છપ્પનિયો દુકાળ પડ્યો, આમ રાજકીય અને કુદરતી ઉભય પ્રકોપને કારણે ગુજરાતે સારી એવી પછડાટ ખાધી. દુકાળ-કમિશનોએ દુકાળના સમયે ખેડૂતોને જમીન-મહેસૂલ ભરવા સરકારે ફરજ ન પાડવી એમ વારંવાર કહ્યું હોવા છતાં મુંબઈ સરકારે ઊલટી નીતિ અપનાવી, પરિણામે ગુજરાતની જનતા અકળાઈ ઊઠી."
ગુજરાતના આ અંધકારમય તબક્કા વિશે ગુજરાતી સ્રોતોમાં બહુ મર્યાદિત નોંધ જોવા મળે છે. મોટા પાયે થયેલી જાનહાનિ અને પશુધનના નુકસાને લોકોના મનોબળને પણ એટલું જ તોડી નાખ્યું હતું. વ્યાપક ભૂખમરા અને મૃત્યુને કારણે દુકાળની સૌથી ભયંકર સ્થિતિ ગામડાંમાં જોવા મળી હતી.
'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'માં લખાયું છે, "તેનું કારણ એ હતું કે સરકારી અમલદારોએ સર્વગ્રાહી તપાસ કરાવવાને બદલે વ્યક્તિગત તપાસ કરાવેલી, જેથી પક્ષપાત અને લાગવગનું જોર વધ્યું હતું. આથી ગુજરાતમાં જમીન-મહેસૂલની વસૂલાત વેળાએ થયેલા અત્યાચારોની વિગતો એકત્રિત કરીને પ્રજા સમક્ષ રજૂ કરવાનું સાહસ ગોકુળદાસ કહાનદાસ પારેખે કર્યું, તો ધારાસભામાં જમીન-મહેસૂલ ધારો રજૂ થવાનો હતો તેનો વિરોધ ફિરોઝશાહ મહેતાએ કર્યો. પ્રજાકીય સભ્યો અને સર ફિરોઝશાહ મહેતાની માગણી એટલી જ હતી કે પ્રસ્તુત ખરડાને જાહેર ચર્ચા માટે મૂકવો અને અભિપ્રાયો મેળવવા. પરંતુ સરકારે માગ ન સ્વીકારી અને સભ્યોએ સભાત્યાગ કર્યો. ધારાસભાના ઇતિહાસમાં આ પહેલવહેલો બનાવ હતો. તેને કારણે ગુજરાતમાં રાજકીય જાગૃતિ આવી."
'જાણે ચામડીથી ચુસ્ત પણે ઢંકાયેલાં હાડપિંજર હોય'
બ્રિટિશ અધિકારી એફ. એચ. એસ. મેરીવેધરે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને લોકોની મુશ્કેલીઓ, તત્કાલીન બ્રિટિશ વહીવટી તંત્રની નીતિઓ અને રાહત છાવણીઓની પરિસ્થિતિનું ઝીણવટભર્યું વર્ણન 'એ ટુર થ્રુ ધ ફેમિન ડિસ્ટ્રિક્ટ ઑફ ઇન્ડિયા'માં કર્યું છે.
તેઓ બિલાસપુરના એક સરકારી રાહત શિબિરની મુલાકાતને વર્ણવતા લખે છે, "તેમાંથી ઘણાએ મને કહ્યું કે તેઓ મહિનાઓથી ત્યાં હતા, છતાં તેમને પૂરતું ખાવાનું નહોતું મળી રહ્યું. બધાનો એક સરખો કરુણ પોકાર હતો કે તેઓ ભૂખા છે... આમ કહેતા તેઓ પોતાના શરીર તરફ આંગળી ચીંધતા. તેમના હાથપગનાં હાડકાંનાં જોડાણો સ્પષ્ટપણે દેખાતાં હતાં અને સાંધા ભયાનક રીતે ઊપસી આવ્યા હતા, જાણે ચામડીથી ચુસ્તપણે ઢંકાયેલા હાડપિંજર હોય."
તેઓ વધુ લખે છે, "એક બિચારી બાળકી, જેની માતાના કહેવા પ્રમાણે તે પાંચ વર્ષની હતી, તેને જોવી ભયાનક હતી. તે માનવબાળક કરતાં શરીરરચનાના કોઈ વિકૃત નમૂના જેવી વધુ લાગતી હતી. તેના ચહેરાની ચામડી એટલી ખેંચાઈને પાછળ ચોંટી ગઈ હતી કે તેના બધા દાંત દેખાતા હતા, જ્યારે તેની ખોપરી પર તેના તમામ સાંધાને સ્પષ્ટ જોઈ શકાતા હતા. તેના હાથ મારી ટચલી આંગળી જેટલા અને તેની જાંઘ મારા અંગૂઠાના ઘેરા જેવી હતી."
"આ માત્ર ભૂખમરો જ હતો. અન્ય એક માણસ, જે માત્ર હાડપિંજર જ હતો, તે અઢી મહિનાથી સરકારી રાહત પર હતો પણ તેનું વજન 31 કિલો પણ નહોતું, કારણ કે તેને મેં સરળતાથી ઊંચકી લીધો હતો. મોટા ભાગની સ્ત્રીઓ લગભગ નગ્ન હતી, માત્ર કમરની આજુબાજુ એક ચીથરું લપેટાયેલું હતું. તેઓ એટલી હદ સુધીની દયનીય હાલતમાં આવી ગઈ હતી કે ભારતીય સ્ત્રીઓની વિશેષતા ગણાતી જન્મજાત શરમ કે મર્યાદાની તમામ ભાવના તેઓ ગુમાવી ચૂકી હતી."
તેમણે આ પુસ્તકમાં બ્રિટિશ સરકારની નીતિઓની સ્પષ્ટપણે આલોચના કરતાં લખ્યું, "હું વિચારપૂર્વક અને યોગ્ય કારણસર, મારા પ્રત્યક્ષ નિરીક્ષણના આધારે કહું છું કે કહેવાતી આ પરોપકારી સંસ્થામાં રહેતા લોકોને ભયાનક અને ધીમે-ધીમે આવતા મૃત્યુ તરફ ધકેલવામાં આવી રહ્યા હતા."
બ્રિટિશ પત્રકાર અને અર્થશાસ્ત્રી વૉઘન નૅશે તે સમયે ભારતમાં તેમના પુસ્તક 'ધ ગ્રેટ ફેમિન ઍન્ડ ઇટ્સ કોઝિસ'માં લખ્યું છે, "ઉપરથી દેશમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે... સમડીઓ અને શિયાળો મૃતદેહો ખાઈને પેટ ભરી રહ્યાં છે. હવામાં મડદાંની ભયંકર દુર્ગંધ ફેલાયેલી છે. લોકો એટલી ઝડપથી મરી રહ્યા છે કે તેમને બાળવાનું કે દફનાવવાનું પણ શક્ય નથી. અમદાવાદ, ભરૂચ, ખેડા અને પંચમહાલ જિલ્લાનાં રાહતકાર્યોનાં શિબિરો પણ આ રોગચાળાની ચપેટમાં આવી ગયાં છે. કાઠિયાવાડમાં સ્થિતિ આના જેટલી જ ખરાબ છે."
વૉઘન નૅશે નોંધ્યું છે કે, "અમદાવાદમાંથી રાહતકાર્યોનાં શિબિરોમાંથી અડધા લોકો ભાગી ગયા છે. મરનારાની સંખ્યા અજ્ઞાત છે. ગોધરા ખાતે કલેક્ટરે અને અન્ય અધિકારીઓએ એક હજાર જેટલા મૃતદેહો પોતાના હાથે બાળવા પડ્યા હતા."
જોકે, તેમણે નોંધ્યું હતું કે વડોદરાની સ્થિતિ પ્રમાણમાં સારી હતી. ઘણા ઇતિહાસકારો અને લેખકો નોંધે છે કે બ્રિટિશ સરકારે તથા ગુજરાતનાં રજવાડાંના રાજાઓએ રાહત શિબિરો અને અન્ન વિતરણ કેન્દ્રો શરૂ કર્યાં હતાં, પરંતુ સ્થિતિ એટલી ભયાનક હતી કે આ બધું પૂરતું નહોતું.
વૉઘન નૅશ લખે છે, "બ્રિટિશ સરકારે ભારતના તમામ ભાગોમાંથી વધારાના અધિકારીઓની ભરતી કરીને ગુજરાત મોકલ્યા છે. કમિશનર મિસ્ટર લેલીને લોકો પિતા અને પોતાના રક્ષક તરીકે જુએ છે. તેમને છૂટો દોર આપવામાં આવ્યો છે. તેમની નવી નીતિ એ છે કે ગામડાંની નજીક જ રાહતકેન્દ્રો ખોલવાં, જેથી શરણાર્થીઓને નજીકમાં જ મદદ મળી શકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતીય પ્રજાજનો નાશ પામતા પશુઓની જેમ મરવા માટે મજબૂર બન્યા છે."
ગુજરાતના જાણીતા લેખક અચ્યુત યાજ્ઞિક તેમના પુસ્તક 'અમદાવાદ - રૉયલ સિટી ટુ મેગા સિટી'માં નોંધે છે, "આનાથી બ્રિટિશ સરકારની નિર્દય બાજુ સામે આવી હતી. દુકાળ રાહત શિબિરો ખૂબ મોડી શરૂ થઈ અને ટૅક્સ વસુલાત ચાલુ રહી હતી, જે વધુ દબાણપૂર્વક બની ગઈ હતી કારણ કે હકૂમત બર્મા અને અફઘાનિસ્તાનમાં સામ્રાજ્યવાદી પ્રગતિ માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી હતી."
અચ્યુત યાજ્ઞિક લખે છે, "શહેરો ઓછાં પ્રભાવિત થયાં હતાં. તેમ છતાં અમદાવાદમાં એક રાહત શિબિરનું એકમાત્ર ચિત્ર ગરીબો પર તૂટી પડેલા પ્રકોપને દર્શાવે છે. છતાં એવું લાગે છે કે અમદાવાદીઓ, જેઓ પોતાની સામાજિક ચેતના પર ગર્વ લેતા હતા, જેઓ દાનને ગંભીરતાથી લેતા હતા અને જેઓ હિંદુ અને જૈન મંદિરનાં ટ્રસ્ટોના ફંડ પર નિયંત્રણો ધરાવતા હતા, તેઓ પણ પોતાના પ્રતિભાવમાં નિષ્ક્રિય રહ્યા."
વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીના સ્થાપક અને ગુજરાતમાં સ્વતંત્ર પાર્ટીના એક સમયના પ્રમુખ રહી ચૂકેલા ભાઈલાલ પટેલ પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે, "છપ્પનિયા દુકાળ દરમિયાન ગુજરાતનાં શહેરો પાસે પૈસા હતા. કાપડની મિલો લગભગ અડધી સદી પહેલાં શરૂ થઈ ગઈ હતી. શહેરોમાં ઘણા શ્રીમંતો હતા પરંતુ તેમાંથી કોઈને પણ ભૂખથી મરતા લોકોને બચાવવા માટે આગળ આવવાનો વિચાર ન આવ્યો."
ગુજરાતી લેખક અને પત્રકાર ઈશ્વર પેટલીકરે ભાઈકાકાના જીવન પર આધારિત 'વિદ્યાનગરના વિશ્વકર્મા'માં લખ્યું છે, "વ્રિકમ સંવત 1955ના જેઠ મહિનામાં ખૂબ વાવાઝોડું, વંટોળ સાથે વરસાદ થયો હતો. એ વરસાદને કારણે વાવેતર થઈ ગયું. પરંતુ પછી વરસાદ હાથતાળી આપીને ચાલ્યો ગયો. ભૂખ્યું થયેલું વાછરડું ધાવવા ભાંભરે તેમ વાવેતર પાણી માટે ભાંભરી-ભાંભરીને મરી ગયું. અનાજની બૂમ પડે તે પહેલાં તો વિક્રમ સંવત 1956માં ઘાસચારાની બૂમો પડવા લાગી. પ્રજાને જ વરસ કાઢવું મુશ્કેલ હોય ત્યાં ઢોરને કેવી રીતે નીભાવવાં? લોકોએ ઝાડનાં પાન, વાડના વેલા, કંથારના ડાંખળાં વગેરેનો ભેગો કૂટો કરીને ઢોરને મૂકવા માંડ્યો. કણજાનાં પાનની ગંધને પારખીને ભેંસ ભડકે. પરંતુ ગંધાતાં પાન પણ ભેંસો ખાવા માંડી. પરિણામ એ આવ્યું કે ઝાડ ઉપર હાથની ચપટીમાં પકડાય એટલું પાન ફૂંટે એટલે લોકો ચૂંટી લે. એટલે ઝાડની શ્વાસ લેવાની પ્રક્રિયા રૂંધાઈ ગઈ, લાખો ઝાડો સૂકાઈ ગયાં."
ઈશ્વર પેટલીકર વધુમાં લખે છે, "તળાવ અને સરોવરની પાળો પક્ષીઓ વગર સૂની પડી ગઈ. ઢોર ભૂખના માર્યા મરવા લાગ્યાં. રખડતાં ઢોર વચ્ચે આડા પડે કે કાગડા તેમને ચૂંથવાની શરૂઆત કરે. તેમનામાં એટલું બળ નહોતું કે તેઓ તેમને ઉડાડી શકે. કાગડાંએ શરીર પર જ્યાં ચાંદાં પાડ્યાં હોય ત્યારે ગીધો ત્રાટકે. આમ પક્ષીઓ ઉજાણી ઉજવતા હોય અને ઢોર રામશરણ થાય."
ઉનાળો આવ્યો એટલે લોકો મરવા માંડ્યા. ભાઈલાલને ઢોરનાં મડદાં જોવામાં આવતાં તેમ માણસોનાં મડદાં પણ જોવામાં આવવા લાગ્યાં. દલિતો એ મડદાંને ઢસરડીને લઈ જાય અને કૂવામાં નાખી દે. ઉપર માટી પણ નાખવામાં આવતી નહીં. થોડા વખતમાં મડદાંથી કૂવો ભરાઈ જતો. કેટલાંક મડદાંને રખડતાં ખેતરોમાં નાખી દેવામાં આવતાં. શિયાળ અને કૂતરાં તેને ખાવા માટે ખેંચાખેંચ કરતાં.
ઈશ્વર પેટલીકર લખે છે, "લોકોએ છપ્પનિયાકાળની યાદમાં કવિતાઓ જોડી:
'કંઠી વેચી, તુલસી વેચી, વેચી કરની ચૂડી,
છતે ધણીએ સૌભાગ્ય વેચ્યું, બની બાવાની લૂંગી.
મુંબઈથી એક શેઠિયો આવ્યો, તેણે વહેંચી ધાણી,
નાનાં છૌયા રોતાં રહ્યાં અને મોટાં લઈ ગયાં તાણી.'"
લેખક કહે છે કે ભાઈલાલ પટેલે બાળપણમાં આ દૃશ્યો જાતે જોયાં હતાં.
તેઓ આગળ લખે છે, "છ-છ રૂપિયે બળદ કસાઈવાડે વેચાયા હતા. આજુબાજુના સોજીત્રા બજારમાં ખાટકીનાં એક-બે ઘરો હતાં. તેઓ ઢોરને મુંબઈ મોકલતા. મધ્યમવર્ગે દર-દાગીના વેચી દીધા છતાં લોકો જીવી શક્યા નહીં. મોટી સંખ્યામાં બોરસદ અને આણંદના ગરીબ ખેડૂતોએ પોતાનાં સંતાનોને મિશનોમાં આપી દીધાં. મિશનોએ ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડથી રૂપિયા મંગાવ્યા અને પ્રચારની જે તક મળી તે ઝડપી લીધી. લોકો એ સંજોગોમાં ખ્રિસ્તી થઈ જીવ બચાવવા તરફ વળ્યા, જ્યાં ખાવાનું આપે અને કામ પણ મળે."
ભાઈલાલ પટેલનાં સ્મરણોને ટાંકીને અચ્યુત યાજ્ઞિક લખે છે, "ગુજરાતમાં ધાર્મિક ગુરુઓ હતા, જેઓ ખેડૂતો અને ગરીબોના દાનથી અમીર બન્યા હતા. તેમ છતાં વૈષ્ણવ હવેલીઓમાં 'છપ્પન ભોગ' ચઢાવવામાં આવી રહ્યો હતો અને આચાર્યો પોતાના વૈભવનો આનંદ લેવામાં મશગૂલ હતા. સ્વામિનારાયણ મંદિરોમાં અઢળક પૈસા પડ્યા હતા. ડાકોરના રણછોડરાય મંદિરમાં સારું એવું ભંડોળ હતું, જૈન મંદિરોમાં પણ સંપત્તિ હતી. પરંતુ એક પણ ધર્મગુરુએ ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ સંતોષવા આગળ આવવાની તૈયારી બતાવી નહોતી."
તેઓ લખે છે કે, કેટલાક ઉદ્યોગપતિઓએ રાહતકાર્યો ચલાવ્યાં, સાથે દક્ષિણ આફ્રિકામાં રહેલા ગુજરાતી લોકોએ પૈસા ભેગા કરીને મદદ કરી, જેમાં ગાંધીજીનો સમાવેશ પણ થાય છે. પરંતુ જે પ્રકારે આ મહાઆફત ત્રાટકી હતી, તેના પ્રમાણમાં આ સહાય નગણ્ય હતી.
અચ્યુત યાજ્ઞિક નોંધે છે કે, હિંદના દાદા કહેવાતા દાદાભાઈ નવરોજીએ આ મામલે અવાજ ઉઠાવ્યો. તેમને લાગવા લાગ્યું હતું કે, હવે બ્રિટિશ શાસન સામે અલગ અભિગમની જરૂર છે. તેમણે કહ્યું કે, હવે રાજકીય રાષ્ટ્રવાદની જરૂર છે.
તેનો પડઘો અમદાવાદમાં જ્યારે ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસનું 18મું અધિવેશન મળ્યું, ત્યારે પડ્યો હતો.
આ અધિવેશનમાં અંબાલાલ સાંકરલાલને રિસેપ્શન સમિતિના અધ્યક્ષપદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
અચ્યુત યાજ્ઞિક અંબાલાલ સાંકરલાલના ભાષણને ટાંકીને લખે છે, "ગુજરાત એક ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર છે. છેલ્લા 2 દુકાળોને કારણે એક કરોડથી ઓછી વસ્તીમાંથી 25 લાખ લોકો માર્યા ગયા છે. તેનું કારણ અહીંથી દેશ બહાર લઈ જવામાં આવતી સંપત્તિ છે."
અમદાવાદમાં ઘણા ઉદ્યોગપતિઓ હતા, તેમને લાગ્યું કે કથળેલી રાજકીય સ્થિતિએ તેમના વેપારમાં અડચણ ઊભી કરી છે. તેથી તેમને રાજકીય આંદોલન કરવું જરૂરી લાગ્યું. તે પૈકી ઘણાની પોતાની કાપડની મિલો હતી. તેમને બ્રિટિશ સરકાર દ્વારા 'અન્યાયી રીતે આબકારી જકાત ચૂકવવાની ફરજ' પાડવામાં આવતી હતી. મહેસૂલ-પદ્ધતિને કારણે ખેડૂતો પીડાતા હતા.
આ બધા મુદ્દાઓને લઈને આ કૉંગ્રેસ અધિવેશનમાં સવાલ ઊઠ્યો, "આપણે આટલા ગરીબ કેમ છીએ?"
બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં હોવા છતાં આ લોકોએ બ્રિટિશ હકૂમતને સંપૂર્ણપણે નકારી કાઢી નહીં. અમદાવાદ કૉંગ્રેસમાં ઠરાવ થયો, "અમે ભારતમાં બ્રિટિશ શાસનની કાયમીતા માટે વિનંતી કરીએ છીએ. અમે તે પ્રાચીન અને આદરણીય પ્રણાલીના પુનઃસ્થાપન માટે વિનંતી કરીએ છીએ જેણે ભારતને કાયદો અને વ્યવસ્થા તથા સ્થિર શાંતિ આપી છે. અમે ન્યાય, સ્વતંત્રતા, સમાન અધિકારો અને સામ્રાજ્યમાં અમારી ભાગીદારી માટે વિનંતી કરીએ છીએ."

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ 20 લાખ લોકોનાં મોત થયાં
બ્રિટિશ સરકારમાં રાજપૂતાના પ્રાંતમાં રાહતકાર્યોની બનેલી સમિતિના ચૅરમૅન જે. ઈ. સ્કૉટ તે પુસ્તક 'ઇન ફેમિન લૅન્ડ'માં લખે છે, "બ્રિટિશ વાઇસરૉયે કલકત્તામાં એક બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તે વખતે બ્રિટિશ સરકારે અંદાજો લગાવ્યો કે, બ્રિટિશ વિસ્તારોમાં કુલ બે કરોડ વીસ લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા અને અન્ય રાજા-રજવાડાંના વિસ્તારોમાં બે કરોડ સત્તાવીસ લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. આમ, કુલ ચાર કરોડ નેવું લાખ લોકો દુકાળની ચપેટમાં હતા. વાઇસરૉયે કહ્યું કે, ત્રીસ લાખ લોકોને રાહત પહોંચાડવામાં આવી રહી છે."
જે. ઈ. સ્કૉટ લખે છે, "જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો મુંબઈ પ્રાંતના વિસ્તારો, કાઠિયાવાડ, ગુજરાત અને રાજપૂતાના... 60 લાખ લોકો સરકારી રાહત પર નિર્ભર હતા. સામાન્ય રીતે ભારતમાં વસ્તીવધારો દોઢ ટકો હતો, જેને કારણે દસ વર્ષમાં દસ લાખ લોકોનો વધારો થવો જોઈતો હતો, પરંતુ તેની જગ્યાએ આ સમયગાળામાં વસ્તીમાં એંશી લાખ લોકોનો ઘટાડો થયો હતો."
તેઓ નોંધે છે, "દુકાળનાં વર્ષોમાં મૃત્યુદર ઊંચો હતો. ભરૂચમાં 2.96 પ્રતિ હજારથી વધીને 24.83 પ્રતિ હજાર થયો હતો. પંચમહાલમાં 46.60 પ્રતિ હજાર થયો હતો. ખેડામાં 21.07 પ્રતિ હજાર થયો હતો. અમદાવાદમાં તે 24 પ્રતિ હજાર થયો હતો."
આ દિવસોમાં કૉલેરા પણ ફેલાયો હતો. તેથી તેના કારણે થનારાં મૃત્યુની સંખ્યા પણ વધારે હતી. વર્ષ 1901ના સરકારના દુકાળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "બ્રિટિશ વિસ્તારમાં લગભગ દસ લાખ મોત થયાં હતાં અને તે પૈકી પાંચમા ભાગનાં મોત કૉલેરાને કારણે થયાં હતાં. લગભગ દસ લાખ જેટલાં મોત રાજા-રજવાડાંના વિસ્તારોમાં પણ થયાં હતાં."
'ગુજરાત વિશ્વકોશ' પ્રમાણે, આ દુકાળમાં સરકારી આંકડા મુજબ એકલા મુંબઈ પ્રાંતમાં (જેમાં ગુજરાતનો વિસ્તાર આવતો હતો) 7,40,376 લોકો માર્યા ગયા.
આ તો સરકારી આંકડા છે અને તે પણ બ્રિટિશ સરકારના; તે પણ એવા સમયમાં, જ્યારે આવી કુદરતી આફતો અંગે રિપોર્ટ કરવાના સંસાધનોનો અભાવ હતો. એટલે જાણકારો મોતનો આંકડો ઘણો ઊંચો માને છે. અગાઉ જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનમાં સ્વાગત સમિતિના ચૅરમૅન અંબાલાલ સાંકરલાલે આ આંકડો 25 લાખનો જણાવ્યો હતો. અન્ય ઇતિહાસકારોના સંદર્ભોમાં પણ આ આંકડા અલગ-અલગ જણાવાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















