એ દુર્લભ બીમારી જેનાથી વિશ્વમાં માત્ર 130 લોકો જ પીડિત છે

દુર્લભ બીમારી, જ્વલ્લે જ થતી બીમારી, જીન થૅરપી, સેરેબ્રલ પાલ્સી, જીન થૅરપી દ્વારા સારવાર, એસપીજી 47 બીમારી શું છે તથા તેની સારવાર કેવી રીતે થાય
ઇમેજ કૅપ્શન, નીકા હજુ ચાલતા શીખી રહી છે, પરંતુ બીમારી સતત વકરી રહી છે, જેનાં કારણે તે ભવિષ્યમાં હરવા-ફરવાની ક્ષમતા ગુમાવી દે તેવી શક્યતા છે.
    • લેેખક, ડાયના કુરીશકો
    • પદ, બીબીસી યુક્રેનિયન
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

નીકાની ઉંમર ત્રણ વર્ષ છે. પોતાની ઉંમરનાં અન્ય બાળકોની જેમ જ તે દરેક બાબત જાણવા માટે ઉત્સુક છે. તેને પુસ્તકો જોવી પસંદ છે અને ધીંગામસ્તી પણ કરે છે.

નીકાનાં માતા આના કહે છે કે નીકા એક ખુશમિજાજ બાળક છે. પરંતુ અન્ય બાળકો કરતાં અલગ, તે એક અત્યંત દુર્લભ બીમારી સાથે જીવન જીવી રહી છે.

આ બીમારીનું નામ હેરિડિટરી સ્પાસ્ટિક પૈરાપ્લેજિયા ટાઇપ 47 (HSP47) છે, જૂને ટૂંકમાં SPG47 તરીકે ઓળખવામાં આવે છે.

આજ સુધી સમગ્ર વિશ્વમાં માત્ર 130 લોકોમાં જ આ બીમારીની પુષ્ટિ થઈ છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે વિશ્વભરમાં હજારો લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા હોય તેવી શક્યતા છે, પરંતુ તેમની હજુ સુધી ઓળખ થઈ નથી.

જનીનમાં થતા ફેરફારને કારણે થતી આ બીમારી ધીમે-ધીમે બાળકના મગજ અને ચેતાતંત્રની કાર્યપ્રણાલી પર અસર કરે છે. તેના કારણે બાળકની બોલવાની અને ચાલવા-ફરવાની ક્ષમતાને માઠી અસર થાય છે.

જે બાળકો ચાલવું અને બોલવું શીખી ગયાં હોય, તેઓ પણ સમય જતાં આ ક્ષમતાઓ ગુમાવી દેતાં હોય છે.

એસપીજી47ની કોઈ સારવાર નથી?

દુર્લભ બીમારી, જ્વલ્લે જ થતી બીમારી, જીન થૅરપી, સેરેબ્રલ પાલ્સી, જીન થૅરપી દ્વારા સારવાર, એસપીજી 47 બીમારી શું છે તથા તેની સારવાર કેવી રીતે થાય
ઇમેજ કૅપ્શન, વિશેષ જીનેટિક તપાસમાં નીકાને એસપીજી47 બીમારી હોવાનું બહાર આવ્યું હતું.

અમેરિકાની બૉસ્ટન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં ચાલવા-ફરવાની ક્ષમતા સાથે જોડાયેલા રોગોના વિભાગના નિર્દેશક ડૉ. ડેરિયસ ઇબ્રાહિમી-ફખારી જણાવે છે કે હજુ સુધી એસપીજી47 માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી.

આ બીમારી એટલી દુર્લભ છે કે તે ખૂબ જ ઓછા લોકોને અસર કરે છે. તેથી દવા બનાવતી કંપનીઓ તેના ઉપચારના વિકાસમાં નાણાં રોકવામાં ખાસ રસ દાખવતી નથી.

આવા સંજોગોમાં એસપીજી47 બીમારીથી પીડાતાં બાળકોનાં માતા-પિતાએ જાતે જ નાણાં એકઠાં કરવાનું ચાલુ કર્યું. તેમણે લાખો ડૉલર ભેગા કરીને જીન થૅરપી નામની સંભવિત સારવાર વિકસાવવામાં મદદ કરી.

હવે આ સારવાર બાળકો પર પરીક્ષણ માટે તૈયાર છે, પરંતુ તેના માટે હજુ પણ લાખો ડૉલરની જરૂર છે.

આ પરીક્ષણો પરથી માલૂમ પડશે કે આ સારવાર બાળકો માટે કેટલી સલામત છે અને તે બીમારી પર કેટલીક અસરકારક છે. જો આ પ્રયાસ સફળ રહેશે, તો તે આ બાળકોના જીવનમાં મોટું અને હકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

નીકાની બીમારી વિશે કેવી રીતે જાણ થઈ?

વીડિયો કૅપ્શન, જોઈ ન શકતા એવા લોકોની વાત જે બીજાના જીવનમાં ‘પ્રકાશ’ લાવે છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નીકાનાં માતા આના પોપોવિચને લાગ્યું કે નીકાનો વિકાસ તેની ઉંમર મુજબ નથી થઈ રહ્યો.

નીકાએ મોડેથી પડખું ફેરવવાનું શરૂ કર્યું હતું. તે ઘૂંટણભેર ભાખોડિયાં ભરતી નહોતી અને એક વર્ષની ઉંમર સુધી જાતે બેસી શકતી નહોતી.

નીકાનો પરિવાર મૂળ યુક્રેનનો છે. વર્ષ 2022માં રશિયાએ મોટા પાયે હુમલો કર્યો, એ પછી તેમનો પરિવાર ચૅક ગણરાજ્યમાં હિજરત કરી ગયો હતો. જ્યાં પરિવારને જાણ થઈ હતી કે નીકાને એસપીજી47 બીમારી થઈ છે.

નીકાને વારંવાર વાઈના (ફિટ કે મિર્ગી) આંચકા આવત. ડૉક્ટરોએ અલગ-અલગ પ્રકારની તપાસો કરી, પરંતુ તેઓ આની પાછળનું કારણ જાણી શકતા ન હતા.

ત્યારબાદ નીકાની વધુ એક જિનેટિક તપાસ કરાવવાનું નક્કી થયું.

યુરોપિયન સંઘ દ્વારા બાળકોમાં થતી આ પ્રકારની બીમારીઓ વિશે સંશોધન કરવા માટે આર્થિક મદદ આપવામાં આવે છે, જે મદદરૂપ થઈ. જેના કારણે અગાઉ માલૂમ ન હોય તેવું કારણ બહાર આવ્યું.

આના જણાવે છે કે નિદાનનો રિપોર્ટ તેમને ટપાલ મારફતે મળ્યો હતો.

આના કહે છેસ, "જ્યારે અમે રિપોર્ટમાં એસપીજી47નું નામ વાંચ્યું, ત્યારે અમે તેના વિશે ઇન્ટરનેટ પર માહિતી મેળવવાનું ચાલુ કર્યું."

ડૉક્ટરે પણ પરિવારને જણાવ્યું કે તેમણે પણ બીમારીનું નામ પહેલી વખત સાંભળ્યું છે અને તે જ્વલ્લે જ જોવા મળતી બીમારી છે.

એસપીજી47 બીમારી બાળકો પર કેવી અસર કરે છે?

દુર્લભ બીમારી, જ્વલ્લે જ થતી બીમારી, જીન થૅરપી, સેરેબ્રલ પાલ્સી, જીન થૅરપી દ્વારા સારવાર, એસપીજી 47 બીમારી શું છે તથા તેની સારવાર કેવી રીતે થાય
ઇમેજ કૅપ્શન, ક્રિસ ઍડ્વર્ડ્સની દીકરી રૉબી 12 વર્ષની છે અને તેમના પિતા એસપીજી47ની સારવાર શોધવા માટેના પ્રયાસો સાથે જોડાયેલા છે

એસપીજી47 બીમારી બાળકના AP4B1 નામના જીનમાં થતાં ફેરફારને કારણે થાય છે.

ડૉ. ઇબ્રાહિમી-ફખારી જણાવે છે કે આ બીમારી મુખ્યત્વે બાળકના મગજ અને નસોના વિકાસ પર અસર કરે છે. જોકે, અન્ય અંગો અને પ્રણાલીઓ પર પણ તેની અસર થઈ શકે છે.

મોટા ભાગના બાળકોમાં આ બીમારીના પ્રારંભિક લક્ષણો એક વર્ષની ઉંમર પહેલાં જ દેખાવા માંડે છે.

આવાં બાળકો તેમની જ ઉંમરનાં અન્ય બાળકોની સરખામણીમાં મોડેકથી બેસતા, ઊભા રહેવાનું અથવા ચાલવાનું શીખે છે. તેમને બોલતા-શીખવામાં પણ વધુ સમય લાગી શકે છે.

ચારથી છ વર્ષની ઉંમર વચ્ચે તેમના પગના સ્નાયુઓ સામાન્ય કરતાં વધુ કડક થવા લાગે છે.

ત્યારબાદ આ બીમારી ધીમે-ધીમે વકરતી જાય છે. જે બાળકો અગાઉ ચાલતા અને બોલતા શીખી ગયાં હોય, તેઓ પણ સમય જતાં આ ક્ષમતાઓ ગુમાવી દે, તેવી શક્યતા રહે છે.

ડૉ. ઇબ્રાહિમી-ફખારી કહે છે, 10 કે 11 વર્ષની ઉંમર સુધી પહોંચતાં સુધીમાં આ બાળકોને વ્હીલચૅરની જરૂર પડી શકે છે.

તેમું માનવું છે કે અત્યાર સુધી નોંધાયેલા 130 કેસોની સરખામણીએ આ બીમારીથી અસરગ્રસ્ત બાળકોની સંખ્યા વાસ્તવમાં ઘણી વધુ હોય શકે છે.

એસપીજી47થી પ્રભાવિત બાળકોનાં માતા-પિતાએ બ્લૅકફિન બાયૉ નામની સંસ્થા સ્થાપી છે, તે આ જ્વલ્લે જ જોવા મળતી બીમારી માટે અસરકારક સારવાર વિકસાવવા માટે કાર્યરત છે.

આ સંસ્થાના અંદાજ મુજબ, વિશ્વભરમાં 3,600થી વધુ લોકો આ બીમારી સાથે જીવન જીવી રહ્યા હોય, તેવી શક્યતા છે.

અત્યાર સુધી પુષ્ટ થયેલા કેસોની સંખ્યા અને સંભવિત દર્દીઓના અંદાજ વચ્ચે આટલો મોટો તફાવત હોવાનું મુખ્ય કારણ એ છે કે ઘણા દેશોમાં એસપીજી47ની ઓળખ માટે જરૂરી વિશિષ્ટ જિનેટિક પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ નથી.

જેનાં કારણે, કેટલાંક બાળકોમાં આ બીમારીને સેરેબ્રલ પાલ્સી માની લેવામાં આવે છે. ખરેખર તો શરીરની હલનચલન કરવાની, સંતુલન જાળવવાની તથા વિવિધ અંગો વચ્ચે તાલમેલ સ્થાપિત કરવાની ક્ષમતાને અસર થતી હોય, તેવી અનેકવિધ પરિસ્થિતિ માટે વ્યાપક સ્વરૂપે 'સેરેબ્રલ પાલ્સી' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

દીકરીની તસ્વીરો મોકલીને વિજ્ઞાનીઓ પાસે મદદ માંગતો પિતા

દુર્લભ બીમારી, જ્વલ્લે જ થતી બીમારી, જીન થૅરપી, સેરેબ્રલ પાલ્સી, જીન થૅરપી દ્વારા સારવાર, એસપીજી 47 બીમારી શું છે તથા તેની સારવાર કેવી રીતે થાય
ઇમેજ કૅપ્શન, ડૉ. ડેરિયસ ઇબ્રાહિમી-ફખારી

અમેરિકાના મેસાચુસેટ્સ રાજ્યમાં રહેતા ક્રિસ ઍડવર્ડ્સનાં દીકરી રૉબી હાલ 12 વર્ષનાં છે અને તેઓ વ્હીલચૅરનો ઉપયોગ કરે છે.

વર્ષ 2016માં રૉબીને એસપીજી47 બીમારી હોવાનું નિદાન થયું હતું. ત્યારે તેઓ વિશ્વના દસમા એવાં દર્દી હતાં, જેમને આ બીમારી હોવાની પુષ્ટિ થઈ હતી.

ત્યારબાદ ક્રિસે આ બીમારી પ્રત્યે લોકો અને વિજ્ઞાનીઓનું ધ્યાન દોરવાના પ્રયાસો શરૂ કર્યા.

ક્રિસ એસપીજી47 અને સંબંધિત બીમારીઓ વિશે સંશોધન કરી રહેલા વિજ્ઞાનીઓનો સંપર્ક સાધ્યો. તેઓ તેમને ઇ-મેલ મોકલતા અને તેની સાથે પોતાની દીકરી રૉબીના ફોટોગ્રાફ્સ પણ મોકલતા હતા.

ક્રિસ વારંવાર તેમને પૂછતા કે તેમની દીકરી રૉબને કેવી રીતે મદદ કરી શકાય?

માતા-પિતાએ જાતે સારવાર વિકસાવવાનો નિર્ણય કર્યો

વર્ષ 2017માં નિષ્ણાતોનો એક સમૂહ બૉસ્ટન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં મળ્યો હતો. આ બેઠક દરમિયાન તેમણે સ્વીકાર્યું કે જિન થૅરપી દ્વારા આ બાળકોને મદદ મળે, તેવી સૌથી વધુ શક્યતા છે.

ત્યારબાદ એવા નિષ્ણાતોની શોધ ચાલુ કરવામાં આવી, જેઓ આ સારવારને વિકસાવી શકે. તેની સાથે આ કાર્ય માટે જરૂરી નાણાં એકઠા કરવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા.

ક્રિસના જણાવ્યા અનુસાર, તેમણે દુર્લભ બીમારીઓ ક્ષેત્રે કાર્યરત વિશ્વની લગભગ દરેક કંપનીનો સંપર્ક કર્યો હતો.

તેમણે આ કંપનીઓને એસપીજી47 માટેની સારવાર વિકસાવવા અને તેના માટે જરૂરી મંજૂરી પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરી હતી, પરંતુ લગભગ તમામ કંપનીઓનો જવાબ એકસરખો હતો.

ક્રિસ જણાવે છે, "મોટા ભાગની બાયૉટૅક કંપનીઓ, ત્યારે જ કોઈ સારવાર પર કામ કરવા ઇચ્છે છે, જ્યારે તેના ઓછામાં ઓછા 500 સંભવિત દર્દીઓ હોય. ત્યારે જ તેમને આવી સારવારના વિકાસ ઉપર કામ કરવું વ્યવસાયિક રીતે વ્યાજબી લાગે છે."

તેઓ વધુમાં કહે છે, "હું ઘણા સારા અને મદદ કરવા માટે તત્પર લોકોને મળ્યો હતો. પરંતુ છેવટે બધાએ લગભગ એક જ વાત કહી કે આ બીમારીના દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે, તેથી તેના માટે સારવાર વિકસાવવાનું કામ શરૂ કરવું શક્ય નથી."

વીડિયો કૅપ્શન, Ahmedabad : દીવાલ પકડીને સ્કેટિંગ શીખી અને હવે બનાવ્યો ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ

આ પરિસ્થિતિમાં, છેવટે માતા-પિતાએ જાતે જ આ બીમારી માટેની સારવાર વિકસાવવા પ્રયાસ કરવાની જવાબદારી ઉપાડવાનો નિર્ણય કર્યો.

ઘણી કંપનીઓ તરફથી લ ઇનકાર મળ્યા બાદ ક્રિસ ઍડ્વર્ડ્સે અન્ય માતા-પિતાની સાથે મળીને ક્યૉર એપી-4 નામની બિનનફાકારક સંસ્થા સ્થાપી, જેનો હેતુ આ જ્વલ્લે જ જોવા મળતી સારવાર વિકસાવવાનો હતો અને નફો કમાવવાનો ન હતો.

ત્યારબાદ બ્લૅકફિન બાયૉની સ્થાપના થઈ, જેથી એસપીજી47 માટે અસરકારક સારવાર વિકસાવી શકાય.

ક્રૉએશિયા, ભારત, યુક્રેન, લિબિયા, કૅનેડા, જાપાન, નૅધરલૅન્ડ્સ, અમેરિકા અને બ્રિટન સહિતના અનેક દેશોના પરિવારો આ પ્રયાસમાં જોડાયા.

આ તમામ પરિવારો મળીને સારવારના વિકાસ માટે જરૂરી નાણાં એકઠાં કરવાનું ચાલુ કર્યું.

નીકાના પિતા ઓલેક્સી બાઇકોવ જણાવે છે કે પહેલી વખત લોકો સમક્ષ તેમની દીકરીની બીમારી વિશે જાહેરમાં વાત કરવી એ તેમના માટે ખૂબ જ કપરું હતું.

લોકો પાસે આર્થિક સહાય માટે અપીલ કરવી પણ સહેલી બાબત નહોતી.

ઓલેક્સી કહે છે, "પરંતુ અમે નક્કી કર્યું કે અમારા બાળક માટે અમારે આ બધું કરવું જ પડશે."

પરિવારોએ જે નાણાં ભેગાં કર્યાં હતાં, તેનો એક ભાગ બ્રિટનની યુનિવર્સિટી ઑફ શેફિલ્ડને આપવામાં આવ્યો.

અહીં ડૉ. મિમૂન અઝૂઝે એસપીજી47 માટે જીન થૅરપી વિકસાવી.

જીન થૅરપી કેવી રીતે કામ કરશે?

દુર્લભ બીમારી, જ્વલ્લે જ થતી બીમારી, જીન થૅરપી, સેરેબ્રલ પાલ્સી, જીન થૅરપી દ્વારા સારવાર, એસપીજી 47 બીમારી શું છે તથા તેની સારવાર કેવી રીતે થાય
ઇમેજ કૅપ્શન, નીકાનાં માતા-પિતાને આશા છે કે તેમની દીકરીને આ નવીન સારવાર મળશે

આ સારવારમાં ખામીવાળા AP4B1 જીનના સ્થાને તે જ જીનને એક સ્વસ્થ સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ સ્વસ્થ જિનને એક એવા વાઇરસમાં દાખલ કરવામાં આવે છે, જેથી કરીને જેને સુરક્ષિત બનાવવા માટે ખાસ ફેરફાર કરવામાં આવે છે.

ત્યારબાદ આ વાઇરસ ધરાવતું ઇન્જેક્શન બાળકને આપવામાં આવે છે. વાયરસ આ સ્વસ્થ જિનને બાળકના મગજની કોષિકાઓ સુધી પહોંચાડે છે, જેથી તે ખામીગ્રસ્ત જિનના કાર્યને સુધારવામાં મદદ કરી શકે.

એ પછી શરીરનાં કોષો ખરાબ જીનના સ્થાને નવા અને સ્વસ્થ જીનનો વપરાશ શરૂ કરી શકે છે.

સંશોધકોનું માનવું છે કે એકથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકોમાં આ સારવાર સૌથી વધુ અસરકારક સાબિત થવાની શક્યતા રહેલી છે.

ડૉ. ઇબ્રાહિમી-ફખારી આ પરિસ્થિતિને 'સમય સામે સ્પર્ધા' તરીકે વર્ણવે છે.

તેમના કહેવા પ્રમાણે, જ્યારે બાળક ચાલવા કે બોલવા જેવી ક્ષમતાઓ ગુમાવવાનું શરૂ કરી દે, ત્યારે આ સારવારથી નોંધપાત્ર લાભ થવાની શક્યતા ઘટી જાય છે.

જો સારવાર વહેલી તકે ચાલુ કરી દેવામાં આવે, તો તેનાથી લાભ થવાની શક્યતા વધુ રહે છે.

વર્ષ 2025માં અમેરિકામાં દવાઓને મંજૂરી આપતી સંસ્થા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેસનએ બાળકો પર એસપીજી47 જિન થૅરપીના પહેલા ક્લિનિકલ પરીક્ષણને મંજૂરી આપી હતી.

ડૉ. ઇબ્રાહિમી-ફખારી કહે છે, "આજે પડકાર વિજ્ઞાન તરફથી નથી."

સારવાર તૈયાર છે અને બાળકો પર તેની તપાસ માટે જરૂરી મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ આ સારવારને બાળકો સુધી પહોંચાડવા હજુ સુધી પૂરતાં નાણાં એકઠાં નથી થયાં.

પરીક્ષણ ચાલુ કરવા માટે લગભગ રૂ. 33 કરોડની જરૂર

દુર્લભ બીમારી, જ્વલ્લે જ થતી બીમારી, જીન થૅરપી, સેરેબ્રલ પાલ્સી, જીન થૅરપી દ્વારા સારવાર, એસપીજી 47 બીમારી શું છે તથા તેની સારવાર કેવી રીતે થાય
ઇમેજ કૅપ્શન, સારવાર સંદર્ભે પ્રતીકાત્મક તસ્વીર

એસપીજી47થી પ્રભાવિત બાળકોનાં માતા-પિતાએ અત્યાર સુધીમાં અંદાજે 14 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

પરંતુ બાળકો પર ઈલાજની તપાસ ચાલુ કરવા માટે વધુ લગભગ 33 કરોડ રૂપિયા વધુ જરૂરી છે.

આ પરીક્ષણ લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે, આ ગાળામાં સારવાર બાળકો માટે કેટલી સુરક્ષિત છે અને બીમારી પર તેની કેટલી અસર થાય છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

ડૉ. ઇબ્રાહિમી-ફખારીનું કહેવું છે કે જો જરૂરી નાણાં આજે ઉપલબ્ધ થઈ જાય, તો છ મહિનાની અંદર પ્રથમ બાળકની સારવાર ચાલુ કરી શકાય.

બાળકો પર આ સારવારના પરીક્ષણ સાથે કેટલાક જોખમો પણ સંકળાયેલા છે. તેમ છતાં, એસપીજી47થી પ્રભાવિત બાળકોનાં માતા-પિતા પોતાનાં બાળકોને આ પરીક્ષણમાં સામેલ કરવા માટે તત્પર છે.

તેમનું કહેવું છે કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

આના પોપોવિચ કહે છે: "નીકાની ઉંમર હાલમાં લગભગ ત્રણ વર્ષ છે. અમારી પાસે આ સારવાર બજારમાં ઉપલબ્ધ થાય, ત્યાર સુધી રાહ જોવાનો સમય નથી. તેમાં હજુ ઘણાં વર્ષો લાગી શકે છે."

આના ઉમેરે છે, "એક રીતે જોઈએ તો આ સારવાર તૈયાર છે અને જાણે કોઈ ફ્રિજમાં રાખેલી છે અને પ્રથમ બાળકની રાહ જોઈ રહી છે."

ક્રિસ ઍડ્વર્ડ્સનું માનવું છે કે, આ સારવારને સંપૂર્ણ રીતે વિકસાવવામાં અને અમેરિકામાં તેના વ્યાપક ઉપયોગ માટે જરૂરી મંજૂરી મેળવવા માટે હજુ લગભગ 94 કરોડ રૂપિયાની જરૂર પડશે.

તેઓ જાણે છે કે આ ખૂબ જ મોટી રકમ છે. ઉપરાંત, સારવારને સંપૂર્ણ મંજૂરી મળવામાં લાંબો સમય લાગી શકે છે.

આના કહે છે કે તેમનો પરિવાર નાણાં ભેગાં કરવા માટે શક્ય તમામ રસ્તા શોધી રહ્યો છે.

તેઓ કહે છે, "નીકા હજુ પણ ચાલી કે બોલી પણ શકતી નથી. આ બધાં પડકારો છતાં, તે ખૂબ સમજદાર અને હંમેશાં ખુશ રહેતી બાળકી છે."

દીકરીને સારવાર નહીં મળે, તો પણ પિતા દ્વારા પ્રયાસ

વીડિયો કૅપ્શન, રાજકોટના શાકમાર્કેટમાં આ દાદા લોકોને મફત કાપડની થેલીઓ કેમ વેચે છે?

ક્રિસ ઍડ્વર્ડ્સ જાણે છે કે તેમનાં દીકરી રૉબીની ઉંમર એટલી બધી વધી ગઈ છે અને તેઓ પરીક્ષણમાં સામેલ નહીં થઈ શકે.

રૉબીને આ સારવારનો સીધો લાભ મળે તેવી શક્યતા પણ ખૂબ જ ઓછી છે.

તેમ છતાં, ક્રિસ આ સારવાર માટે નાણાં એકઠાં કરવા અને તેને અન્ય બાળકો સુધી પહોંચાડવાના પ્રયાસો સાથે સતત જોડાયેલા છે.

તેઓ કહે છે: "હું દરરોજ આ કામ એટલા માટે કરું છું, કારણ કે હું એ ક્ષણ જોવા માગું છું, જ્યારે કોઈ પરિવારને પ્રથમ વખત આ સારવાર મળે અને તેનાથી તેમના બાળકનું જીવન વધુ સારું બને."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન