થાઇલૅન્ડ: બૅંગકૉકના એક બારમાં આગ લાગતાં 27 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ - ન્યૂઝ અપડેટ

થાઇલૅન્ડ: બૅંગકૉકના એક બારમાં આગ લાગતાં 27 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, chanakarn LAOSARAKHAM / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, બૅંગકૉકમાં એક બારમાં લાગેલી આગનાં કારણોની તપાસ ચાલી રહી છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉકના ચાતુચક વિસ્તારમાં આવેલા એક બારમાં સોમવાર મોડી રાત્રે ભીષણ આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં છે.

આ દુર્ઘટનામાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડને સોમવાર મધરાત બાદ આગ લાગ્યાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જોયું કે લોકો આગ અને ધુમાડાથી બચવા માટે બારના મુખ્ય દરવાજા મારફતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર સામે આવેલા કેટલાક વિડિયોમાં બારમાંથી ઊઠતી આગની ઊંચી જ્વાળાઓ અને જીવ બચાવવા ભાગતા લોકો જોવા મળે છે. વીડિયોમાં કેટલાક લોકો ચીસો પાડતા અને પડી જતા પણ નજરે પડે છે.

ઘટનાસ્થળે પહોંચેલા થાઇલૅન્ડના વડાપ્ર ધાન અનુતિન ચર્નવીરાકુલએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 મૃતદેહો મળી આવ્યા છે અને ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આગ લાગવાનાં કારણોની તપાસ ચાલી રહી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ફાયર બ્રિગેડે લગભગ અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં 9 પુરુષો અને 18 મહિલાઓ સામેલ છે.

વડા પ્રધાને જણાવ્યું કે આગ લાગતી વખતે બારમાં પ્રસ્તુતિ આપી રહેલા એક સંગીતકારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સંગીતકારના જણાવ્યા પ્રમાણે, આગ સૌથી પહેલા વીજળીના કટ-આઉટ સ્વિચમાં લાગી હતી. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો અને થોડા જ પળોમાં સમગ્ર પરિસરમાં આગ અને ધુમાડો ફેલાઈ ગયો.

વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે ઘણા લોકો બહાર નીકળવાને બદલે ઇમારતની પાછળની તરફ ગયા અને શૌચાલયોમાં છુપાઈ ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર, મોટાભાગના મૃતદેહો ત્યાંથી જ મળી આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન