ઉનાકાંડનો એક દાયકો : અધિકારો પ્રત્યે જાગૃતિ વધી, પરંતુ દલિતો સામેના 'અત્યાચારો' ઘટ્યા?

ઉનાકાંડનો એક દાયકો : અધિકારો પ્રત્યે જાગૃતિ વધી, પરંતુ દલિતો સામેના અત્યાચારો ઘટ્યા છે ખરાં? ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉનાના પીડીત બાલુભાઈ સરવૈયા પોતાની ગીર ગાય સાથે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઉનામાં દલિત યુવાનો પર થયેલી જાહેર મારપીટની ઘટનાને દસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. 2016માં બનેલી આ ઘટનાએ ગુજરાતમાં દલિત અધિકારો અંગેની ચર્ચાને નવી દિશા આપી હતી અને રાજ્યવ્યાપી આંદોલન ઊભું કર્યું હતું. જોકે, આ ઘટનાના એક દાયકા બાદ પ્રશ્ન એ છે કે શું દલિતોની સ્થિતિમાં ખરેખર કોઈ મોટો ફેરફાર આવ્યો છે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરનારા દલિત કાર્યકરો, સામાજિક આગેવાનો અને આંદોલન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે છેલ્લાં દસ વર્ષમાં એક તરફ દલિતોમાં પોતાના હક્કો અને બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃતિ વધી છે, પરંતુ બીજી તરફ દલિતો સામેના અત્યાચારો અને સામાજિક ભેદભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું તેઓ માનતા નથી.

ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈ, 2016ના રોજ ગુજરાતના ઉનામાં સરવૈયા પરિવારના ચાર સભ્યોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને અર્ધનગ્ન અવસ્થામાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

પરિવારના વડા બાલુભાઈ સરવૈયા પર પણ હુમલો થયો હતો.

પોલીસ ફરિયાદોથી લઈને તપાસ, રાજકીય નેતાઓ અને સરકાર સમક્ષ રજૂઆતો, વિરોધ પ્રદર્શન, રેલીઓ અને વર્ષ 2018માં હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો નિર્ણય—આ બધું આ દસ વર્ષની સફરનો ભાગ રહ્યું છે.

'દલિતોનો અવાજ વધુ નબળો પડ્યો છે'

ઉનાકાંડનો એક દાયકો : અધિકારો પ્રત્યે જાગૃતિ વધી, પરંતુ દલિતો સામેના અત્યાચારો ઘટ્યા છે ખરાં? ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બાલુભાઈ સરવૈયા અને તેમનાં પત્ની કુંવરબહેન

દલિત કાર્યકર માર્ટિન મૅક્વાનનું માનવું છે કે છેલ્લા એક દાયકામાં પરિસ્થિતિ ઘણા અંશે વધુ ચિંતાજનક બની છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "દલિત નેતાઓ વિધાનસભા કે સંસદમાં દલિતોનો અવાજ અસરકારક રીતે ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. દલિતો પર થતા અત્યાચારોના આંકડા સમયસર મળતા નથી, પૂરતા મળતા નથી અને ઘણી ઘટનાઓનું રિપોર્ટિંગ થવા છતાં તેની અસર જોવા મળતી નથી."

તેમના મતે, દલિતો સામેના અત્યાચારોમાં ઘટાડો થયો નથી કારણ કે જે પ્રકારનો સામાજિક ભેદભાવ દાયકાઓ પહેલાં હતો તે આજે પણ યથાવત્ છે.

"હું માનું છું કે ખરેખર બનતા અત્યાચારના બહુ ઓછા કેસ સરકારી ચોપડે સુધી પહોંચે છે અને જે પહોંચે છે તે પણ સામાન્ય લોકો સુધી બહુ ઓછા પહોંચે છે. એટલે એકંદરે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, કારણ કે હવે આપણને સૌથી નીચેના વર્ગના લોકો સાથે ખરેખર શું થઈ રહ્યું છે તેની સંપૂર્ણ જાણકારી પણ મળતી નથી," એમ મૅક્વાન કહે છે.

માર્ટિન મૅક્વાનનું કહેવું છે કે "દલિત સમાજની અંદર પણ અતિ-પછાત અને અતિ-દલિત સમુદાયો સામે ભેદભાવ અને અસ્પૃશ્યતા જોવા મળે છે અને તેમાં પણ વધારો થયો છે."

તેમના મતે, "દલિત દ્વારા દલિત સામે કરવામાં આવતા આવા ભેદભાવ પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ લાગુ પડતો નથી અને આવા સામાજિક પ્રશ્નોને દૂર કરવા માટે સરકારના પ્રયાસો પણ ખૂબ મર્યાદિત રહ્યા છે."

'હવે દલિતો પોતાના હકની લડાઈ જાતે લડે છે'

ઉનાકાંડનો એક દાયકો : અધિકારો પ્રત્યે જાગૃતિ વધી, પરંતુ દલિતો સામેના અત્યાચારો ઘટ્યા છે ખરાં? ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, રાપર તાલુકાના દિલીપભાઈ પરમાર જેમણે ઉનાની લડત બાદ ખેતીની જમીનનો કબજો મળ્યો હતો.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષોથી દલિત સમાજ માટે કામ કરતા કાંતીલાલ પરમાર માને છે કે ઉનાની ઘટનાએ સામાન્ય દલિત સમાજમાં અધિકારો પ્રત્યેની જાગૃતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "પહેલાં બંધારણ, અધિકારો અને કાયદાની સમજ મુખ્યત્વે ભણેલા અથવા શહેરમાં રહેતા દલિતોમાં જ જોવા મળતી હતી. પરંતુ આજે ગામડે ગામડે લોકો પોતાના હક્કો અને બંધારણીય અધિકારોની વાત કરે છે."

કચ્છના યુવા દલિત આગેવાન હિતેશ બદ્દુ પણ આ વાત સાથે સહમત છે.

તેમણે જણાવ્યું કે, "પહેલાં કોઈ અત્યાચારની ઘટના બને તો અમને ખબર જ નહોતી કે અમારાં રક્ષણ માટે ખાસ કાયદો પણ છે. ઉનાના આંદોલન પછી જ અમે અમારા અધિકારો વિશે જાણ્યા અને તેના માટે લડવાની હિંમત આવી."

કાંતીલાલ પરમારના જણાવ્યા મુજબ ઉનાના આંદોલન બાદ માત્ર કાનૂની જાગૃતિ જ નહીં પરંતુ જમીનના હક્કોને લઈને પણ પરિવર્તન જોવા મળ્યું.

તેમણે જણાવ્યું કે વર્ષોથી અનેક જમીનવિહોણા દલિત પરિવારોના નામે સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ તેનો વાસ્તવિક કબજો તેમને મળ્યો નહોતો. ઉનાની ઘટના પછી લોકો સંગઠિત થયા અને પોતાના અધિકારો માટે લડ્યા, જેનાં પરિણામે અનેક પરિવારોને તેમની જમીનનો કબજો મળ્યો.

કચ્છના રાપરના દલિત આગેવાન અનિલ દેયડાના જણાવ્યા અનુસાર, હાલમાં માત્ર રાપર વિસ્તારમાં જ આશરે 2,000 એકરથી વધુ જમીન દલિત સમાજના લોકોના કબજામાં આવી છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "જમીનો તો વર્ષોથી દલિતોની મંડળીઓનાં નામે થઈ ગઈ હતી, પરંતુ તેનો કબજો મળતો નહોતો. ઉનાની ઘટના બાદ રાજ્યવ્યાપી આંદોલન થયાં અને ત્યારબાદ અમને આ જમીનોનો કબજો મળ્યો."

તેમણે ઉમેર્યું કે આ સમગ્ર આંદોલનમાં કૉંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

'નેતાઓ પર નિર્ભરતા ઘટી છે'

ઉનાકાંડનો એક દાયકો : અધિકારો પ્રત્યે જાગૃતિ વધી, પરંતુ દલિતો સામેના અત્યાચારો ઘટ્યા છે ખરાં? ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉના આંદોલન સમયની એક તસ્વીર

અનિલ દેયડાનું માનવું છે કે ઉનાના આંદોલનની સૌથી મોટી અસર નવી દલિત નેતાગીરીના ઉદયમાં જોવા મળી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "2016 પહેલાં દલિત સમાજના કોઈ સભ્ય સાથે અત્યાચારની ઘટના બનતી, ત્યારે સમાજમાંથી માત્ર એકાદ-બે વ્યક્તિ જ પોલીસ અધિકારીઓ, ધારાસભ્યો કે નીતિ નિર્માતાઓ સુધી પહોંચી શકતા હતા. પરંતુ ઉનાના આંદોલન પછી ઊભા થયેલા નવા નેતૃત્વને કારણે યુવાનો પોતે જ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવા લાગ્યા છે. હવે તેઓ પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે કોઈ નેતા પર નિર્ભર નથી."

તેમના જણાવ્યા અનુસાર, ગામમાં કોઈ ઘટના બને તો યુવાનો પોતે પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી અથવા અન્ય સરકારી કચેરીમાં જઈને કાયદા મુજબ પોતાની રજૂઆત કરે છે.

"ઉનાનું આંદોલન ન થયું હોત તો લોકોમાં પોતાના કાનૂની અધિકારો અંગેની આ મૂળભૂત સમજ કદાચ વિકસી જ ન હોત," એમ તેમણે કહ્યું.

જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેનો અર્થ એ નથી કે દલિતો સામેની સમસ્યાઓનો અંત આવી ગયો છે.

તેમના કહેવા પ્રમાણે, "આજે પણ અત્યાચારના બનાવો વધી રહ્યા છે. દલિતો પ્રત્યેની નફરત પણ વધી રહી છે. પરંતુ સકારાત્મક બાબત એ છે કે હવે લોકો આ અંગે ખુલ્લેઆમ બોલી રહ્યા છે અને ન્યાય માટે આગળ આવી રહ્યા છે."

તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે જ્યારે પીડિતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે મોટા ભાગના કેસોમાં પોલીસ ફરિયાદને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધવાને બદલે 'સમાધાન' કરાવવાનો પ્રયાસ કરે છે.

તેમના દાવા પ્રમાણે, લગભગ 95 ટકા કેસ પોલીસ સ્ટેશનની બહાર જ સમાધાનમાં ફેરવાઈ જાય છે. તેમના મતે, પોલીસ ઘણા કિસ્સાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવાનું ટાળે છે. પરિણામે સરકારી ચોપડે નોંધાતા અત્યાચારના કેસોની સંખ્યા વાસ્તવિકતા કરતાં 'ઘણી ઓછી' હોઈ શકે છે.

દલિતો પરંપરાગત રોજગાર બદલવા લાગ્યા છે

ઉનાકાંડનો એક દાયકો : અધિકારો પ્રત્યે જાગૃતિ વધી, પરંતુ દલિતો સામેના અત્યાચારો ઘટ્યા છે ખરાં? ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર
ઇમેજ કૅપ્શન, બળદેવભાઈ પોતાની રિક્ષા સાથે

કાંતીલાલ પરમારનું કહેવું છે કે ઉનાની ઘટના બાદ માત્ર સામાજિક જાગૃતિ જ નહીં પરંતુ પરંપરાગત વ્યવસાય છોડવાની હિંમત પણ હજારો પરિવારોમાં જોવા મળી.

તેમના જણાવ્યા અનુસાર, ઉનાની ઘટનાના પીડિત પરિવારે જેમ મૃત પશુઓની ચામડી ઉતારવાનું કામ છોડી દીધું, તેવી જ રીતે રાજ્યભરમાં હજારો પરિવારો ધીમે-ધીમે આ વ્યવસાયમાંથી બહાર આવ્યા અને અન્ય રોજગાર અપનાવ્યા.

આવા જ લોકોમાં સુરેન્દ્રનગર જિલ્લાના બલદેવભાઈ પરમારનો પણ સમાવેશ થાય છે.

બીબીસી સાથે વાત કરતાં બલદેવભાઈએ જણાવ્યું કે ઊનાની ઘટના વિશે જાણ્યા પછી તેમણે થોડા મહિના સુધી મૃત પશુઓની ચામડી ઉતારવાનું કામ બંધ કરી દીધું હતું. તે સમયે તેમને ખાતરી નહોતી કે તેઓ ફરી આ કામ પર પાછા ફરશે કે પછી કોઈ બીજો રસ્તો પસંદ કરશે.

આખરે તેમણે પોતાનું ગામ છોડીને સુરેન્દ્રનગર શહેરમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો અને ઑટો-રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.

તેઓ કહે છે, "જો ઊનાની ઘટના ન બની હોત, તો કદાચ હું આજે પણ મૃત પશુઓની ચામડી ઉતારવાનું જ કામ કરતો હોત. એ કામમાં કોઈ ગૌરવ નહોતું, કોઈ સન્માન નહોતું અને પૂરતી આવક પણ નહોતી. ખૂબ મહેનત છતાં લોકો અમને તિરસ્કારની નજરે જોતા હતા."

સુરેન્દ્રનગરમાં સ્થાયી થયા બાદ તેમનાં બાળકો શાળાએ જવા લાગ્યાં. તેઓ હવે એક સ્થાનિક બિનસરકારી સંસ્થા (એનજીઓ) સાથે રિક્ષા ડ્રાઇવર તરીકે પણ કામ કરે છે અને તેમના જણાવ્યા પ્રમાણે હવે તેઓ સન્માનજનક આવક મેળવી રહ્યા છે.

બલદેવભાઈ કહે છે કે તેઓ ક્યારેય ઊના અત્યાચારના પીડિત પરિવારોને મળ્યા નથી અને તેઓ પોતે પણ ક્યારેય શાળામાં ભણ્યા નહોતા. તેમ છતાં આજે તેઓ પોતાના અધિકારો વિશે જાગૃત છે. તેમના મતે, ઊના અત્યાચાર પછી શરૂ થયેલા આંદોલને જ તેમને પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને બદલવાની હિંમત આપી.

દલિત સામેના 'અત્યાચારો'ના આંકડા શું કહે છે?

ઉનાકાંડનો એક દાયકો : અધિકારો પ્રત્યે જાગૃતિ વધી, પરંતુ દલિતો સામેના અત્યાચારો ઘટ્યા છે ખરાં? ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર

દલિતો સામેના 'અત્યાચારો'ના સરકારી આંકડાઓ દર્શાવે છે કે ઉનાની ઘટના પહેલાં અને પછી બંને સમયગાળામાં દર વર્ષે એક હજારથી વધુ કેસ નોંધાતા રહ્યા છે.

સરકારી આંકડાઓ પર નજર કરીએ તો ઉનાની ઘટના પછી દલિતો સામેના નોંધાયેલા અત્યાચારના કેસોમાં કોઈ સતત ઘટાડો જોવા મળતો નથી.

2017માં સૌથી વધુ 1,477 કેસ નોંધાયા હતા. ત્યારબાદનાં વર્ષોમાં કેસોની સંખ્યામાં વધઘટ જોવા મળે છે, પરંતુ મોટા ભાગે તે દર વર્ષે 1,200થી 1,400ની વચ્ચે રહી છે. ક્રાઇમ રેટમાં પણ આ સમયગાળા દરમિયાન મોટો અને સતત ઘટાડો નોંધાયો નથી.

જોકે, આ આંકડાઓનું અર્થઘટન કરતી વખતે એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે કાર્યકરો અને સામાજિક આગેવાનોનો દાવો છે કે વાસ્તવિક અત્યાચારના તમામ કેસ પોલીસ સુધી પહોંચતા નથી અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાતા નથી. તેથી માત્ર સરકારી ચોપડે નોંધાયેલા કેસોના આધારે જ દલિતો સામેના અત્યાચારોમાં વધારો કે ઘટાડા અંગે કોઈ અંતિમ તારણ પર પહોંચવું શક્ય નથી.

જોકો, આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત રાજ્યના સામાજિક અધિકારીતા મંત્રી, પ્રદ્યુમન વાજા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમને મોકલેલા મૅસેજનો જવાબ મળતા અહીં તેની વિગત ઉમેરી દેવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન