ગુજરાતમાં ઘોરાડનું બીજું બચ્ચું જન્મ્યું એ 'સિંહના સંરક્ષણ કરતાં પણ મોટી' ઉપલબ્ધિ?

ઇમેજ સ્રોત, Getty Images
કચ્છમાં ઘોરાડનું બીજું બચ્ચું જન્મ્યું છે. કેન્દ્રના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 9 જુલાઈએ જાહેરાત કરી કે કચ્છમાં આ જ પદ્ધતિથી એક મહિના કરતાં ઓછા સમયમાં ઘોરાડના બીજા બચ્ચાનો જન્મ થયો છે. તેથી વસ્તી વધીને ચાર થઈ છે.
દુનિયામાંથી વિલુપ્ત થઈ જવાનો જેનો ભય ઝળુંબી રહ્યો છે તેવા ઘોરાડ પક્ષી ગુજરાતમાંથી નામશેષ થતાં બચી જશે તેવી આશા આપનારી આ ઘટના આ પહેલાં આ વર્ષે માર્ચ મહિનામાં બની હતી. 26 માર્ચે નલિયામાં ઘોરાડનું એક બચ્ચું જન્મ્યું હતું. ગુજરાત સરકારે ત્યારે જણાવ્યું હતું કે આશરે એક દાયકાના સમય બાદ ગુજરાતમાં ઘોરાડના કોઈ બચ્ચાનો જન્મ થયો હતો. પરંતુ જન્મના એકાદ મહિનાની અંદર જ બચ્ચું ગુમ થઈ ગયું અને 29 એપ્રિલના રોજ સરકારે તેની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તે નાનું બચ્ચું કોઈ શિકારી પ્રાણીનો કોળિયો બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.
એ બચ્ચું જે ફલિત ઈંડામાંથી જન્મ્યું હતું તેને રાજસ્થાનના જેસલમેર જિલ્લાના સેમ ગામમાં સ્થાપવામાં આવેલ ઘોરાડ સંવર્ધનકેન્દ્રમાંથી 22 માર્ચના રોજ લાવવામાં આવ્યું હતું. આ રીતે અફલિત ઈંડાની જગ્યાએ અન્ય જગ્યાએથી લવાયેલ ફલિત ઈંડું મૂકી તેમાંથી જન્મેલ બચ્ચાને અફલિત ઈંડું મૂકનાર માદા ઘોરાડ પક્ષી પોતાનું જ બચ્ચું સમજી ઉછેર કરે અને તે રીતે વસ્તી વધારવાની પદ્ધતિને જમ્પ સ્ટાર્ટ મૅથડ એટલે કે વસ્તીને કુદકાભેર વધારવાની પદ્ધતિ કહેવાય છે.
ગુજરાતમાં આ પક્ષીઓ હાલ માત્ર કચ્છ જિલ્લાના અબડાસા અને માંડવી તાલુકાઓમાં જોવા મળે છે. અબડાસાના નલિયા નજીક આવેલ ઘાસનાં મેદાનોમાં હાલ આ પક્ષીઓની વસ્તી માત્ર માદા જ હોવાનું મનાય છે. માર્ચમાં જન્મેલ બચ્ચું ઊડવાનું શીખે તે પહેલાં જ મૃત્યુ પામતાં જમ્પ સ્ટાર્ટ મૅથડનો પ્રથમ રાઉન્ડ અસફળ રહ્યો હતો.
ઘોરાડ ક્યારે ઊડવા લાગે?

ઇમેજ સ્રોત, State Information Department, Gujarat
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી તેની જાહેરાત કરતા ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે આ બીજા બચ્ચાનો જન્મ 21 મેના રોજ થયો હતો.
ભૂપેન્દ્ર યાદવે તેમની પોસ્ટમાં લખ્યું, "એ જાણીને આનંદ થાય છે કે ગુજરાતના નલિયામાં 'જમ્પ સ્ટાર્ટ' નો બીજો પ્રયોગ સફળ રહ્યો છે અને જે બચ્ચું 21 મેના રોજ જન્મ્યું હતું તેણે જીવનમાં અતિ મહત્ત્વનો ગણાતો (પ્રથમ) 40 દિવસ જીવિત રહેવાનો તબક્કો પાર કરી લીધો છે."
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘોરાડના બીજા બચ્ચાના જન્મને એક આશાનું કિરણ ગણાવ્યું.
તેમણે કહ્યું, "ગુજરાત માટે આનંદદાયક અને ગૌરવપૂર્ણ સમાચાર! ગુજરાતના નલિયામાં હાથ ધરાયેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંરક્ષણ ક્ષેત્રે બીજા 'જમ્પ સ્ટાર્ટ' પ્રયાસને નોંધપાત્ર સફળતા મળી છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેવી અતિદુર્લભ પ્રજાતિને બચાવવા માટે ગુજરાત અને દેશભરમાં ચાલી રહેલા વૈજ્ઞાનિક તથા સંરક્ષણ આધારિત પ્રયાસો જૈવવિવિધતાના સંરક્ષણમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે."
નિષ્ણાતો કહે છે કે જન્મ બાદ ચાલીસેક દિવસનું થતાં ઘોરાડનું બચ્ચું ટૂંકા અંતર સુધી ઊડવાની ક્ષમતા કેળવી લે છે.
ઘોરાડના બચ્ચાનો જન્મ 'સિંહ સવર્ધન' કરતાં પણ મોટી ઘટના?

ઇમેજ સ્રોત, State Information Department, Gujarat
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘોરાડ પક્ષીના જતન અને સંરક્ષણ માટે કામ કરતી ધ કોર્બેટ ફાઉન્ડેશન નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દેવેશ ગઢવીએ આ ઘટના બાબતે આનંદની લાગણી વ્યક્ત કરવાની સાથે ચિંતા પણ વ્યક્ત કરી.
તેમણે કહ્યું કે ઘોરાડને વિલુપ્તિ તરફ ધકેલનાર પરિબળોમાંનું એક તેવી વીજલાઈનોને હજુ પણ ન તો ભૂમિગત કરવામાં આવી છે, ન તો તેને ઘોરાડના રહેઠાણોથી દૂર ડાઇવર્ટ કરાઈ છે કે ન તો સારા બર્ડ ફ્લાઇટ ડાઇવર્ટર્સ લગાડીને આ પક્ષીઓ માટે સલામત બનાવવામાં આવી છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "ઘોરાડની હાલની વસ્તીની સ્થિતિ, રાજ્યમાં નર ઘોરાડની ગેરહાજરી, ઘોરાડ અને તેના નિવાસસ્થાનો પર તોળાઈ રહેલા ખતરાઓ વગેરેને ધ્યાનમાં લઈએ તો હું માનું છું કે આ સફળતા વન્યજીવ સંરક્ષણની દૃષ્ટિએ ગુજરાત રાજ્યમાં થયેલાં કાર્યોમાં 'સિંહ સંરક્ષણ'થી પણ વધુ મોટી સિદ્ધિ છે. જોકે, જ્યારે આ બચ્ચુ ઊડતું થયું છે ત્યારે આકાશમાં લટકતા વીજળીના તાર હજી પણ માદા ઘોરાડ અને બચ્ચા માટે ખતરો છે. કોર્ટના આદેશ અનુસારનું તેનું નિરાકરણ હજુ આવ્યું નથી. હું આશા રાખું છું કે સરકાર દ્વારા આ બાબતે ત્વરિત પગલાં લેવાશે અને જે "આશાનું નાનું કિરણ" ઘાસિયા મેદાનોમાં આજે વિચરી રહ્યું છે તેને ઉડવા માટે ખતરા વિનાનું પૂરતું આકાશ મળી રહેશે."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કચ્છમાં ભૂતકાળમાં ઘોરાડ અને તેના બચ્ચા પણ વીજલાઇનો સાથે અથડાઇને મોતને ભેટ્યાના બનાવો બન્યા છે તેનો ઉલ્લેખ કરતાં ડૉ. ગઢવીએ ઉમેર્યું, "અગાઉ વર્ષ 2026 દરમિયાન ઘોરાડના ત્રણ બચ્ચાં જન્મેલા અને જ્યારે તે 8-12 મહિનાના થયેલા ત્યારે સરકાર દ્વારા બે બચ્ચા પર ટેગ પણ લગાડવામાં આવેલા. પરંતુ, તે પૈકીનું એક બચ્ચું વર્ષ 2017માં વીજળીના તાર સાથે અથડાઈને મૃત્યુ પામ્યું. આ એ જ તાર હતા જેની સાથે વર્ષ 2014માં એક માદા ઘોરાડ અથડાઈને મૃત્યુ પામેલું. છેલ્લાં 12 વર્ષમાં વીજળીના તારોનું નેટવર્ક વધુ ફેલાઈ ગયું છે."
ડૉ. ગઢવીએ માગણી કરી કે ઘોરાડની સલામતી માટે વીજલાઇનો બાબતે સુપ્રીમ કોર્ટે કરેલ હુકમનો અમલ કરવામાં આવે. તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટ દ્વારા તેના આદેશમાં આવા "ક્રિટિકલ તારની લાઈનોને" દૂર કરવા જણાવાયું તેને છ મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં આ તાર તો દૂર નથી થયા, પરંતુ, તેના પરના 'બર્ડ ફ્લાઇટ ડાયવર્ટર' પણ નીકળી ગયા છે."
બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરતા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા પણ કહ્યું કે સરકાર વીજલાઈનો બાબતે સુપ્રીમ કોર્ટે આપેલ હુકમનું પાલન કરી રહી છે. મોઢવાડીયાએ કહ્યું, "સુપ્રીમ કોર્ટમાં સાબિત થયું છે કે પાવરલાઇન્સના કારણે ઘોરાડના મૃત્યુ થયાં છે તે નહિવત્ છે. તેથી, સુપ્રીમ કોર્ટે પાવરલાઇન્સે અંડરગ્રાઉન્ડ કે ડાઇવર્ટ કરવાનો મુદ્દો કાઢી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટની બાકીની સૂચનાઓનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે."
આ પહેલાં, ભૂપેન્દ્ર યાદવે તેમની પોસ્ટમાં કહ્યું કે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ટીમ તેમ જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન





















