'ગૌરક્ષકો'ને દોષિત ઠેરવનારાં મુસ્લિમ ન્યાયાધીશને જાનથી મારી નાખવાની ધમકીઓ કેમ મળી રહી છે?

ઇમેજ સ્રોત, narmadapuram.dcourts.gov.in
- લેેખક, શેરલીન મોલાન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભારતનાં એક ન્યાયાધીશે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાના મૉબ લિન્ચિંગના કેસમાં 14 શખ્સોને આજીવન કેદની સજા સંભળાવ્યાના ગણતરીના દિવસોમાં જ તે ન્યાયાધીશ ઓનલાઇન દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરી રહ્યાં છે.
ગત 12મી જૂનના રોજ મધ્ય પ્રદેશ રાજ્યની અદાલતનાં ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તબસ્સુમ ખાને તે શખ્સોને હત્યા, હત્યાના પ્રયાસ, રમખાણો કરવાં અને ગેરકાયદે બંધક બનાવવા સહિતના અપરાધોના દોષિત ઠેરવ્યા હતા.
ગુનાની આ ઘટના 2022માં બની હતી, જ્યારે 50 વર્ષના નાઝિર અહમદ રાતના સમયે ઢોરોને લઈ જઈ રહ્યા હતા, તે સમયે પોતાને "ગૌરક્ષક" તરીકે ઓળખાવનારા, લાકડીઓ અને સળિયા સાથે લઈને આવેલા એક જૂથે તેમને આંતર્યા હતા. હિંદુઓ ગાયને પવિત્ર માને છે અને ઘણાં રાજ્યોમાં તેની હત્યા ગેરકાયદેસર છે.
તે પુરુષો ગાયની તસ્કરીની શંકાના આધારે અહમદ અને તેમના સાથીઓને વાહનમાંથી બહાર ઢસડી ગયા હતા અને તેમના પર હિંસક હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાથી અહમદનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમના સાથીઓ ઊગરી જતાં તેમણે અદાલતને સમગ્ર ઘટનાક્રમ કહી સંભળાવ્યો.
ખાને તેમના ચુકાદામાં નોંધ્યું હતું કે, આ ગુનો સ્પષ્ટપણે મૉબ લિન્ચિંગનો કેસ હતો.
પણ આ ચુકાદાએ ખાનને ધાર્મિક ઘૃણાનું નિશાન બનાવી દીધાં છે. ચુકાદા બાદ મુસ્લિમ જજ એવાં ખાનને અપશબ્દો કહેતા અને ધમકી આપતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. વીડિયોમાં એવા સંકેત આપવામાં આવ્યા કે, તબસ્સુમ ખાને તે પુરુષોને એટલા માટે આકરી સજા ફટકારી, કારણ કે, તેઓ હિંદુ છે.
આમ તો, અદાલતી ચુકાદાઓની ઘણી વખત ટીકા થતી જ હોય છે, પણ ખાન પર કરવામાં આવી રહેલા આક્ષેપો તેમના કાનૂની તર્ક પર નહીં, પણ તેમના ધર્મ પર કેન્દ્રિત છે. ખાન સામેનો દુર્વ્યવહાર એટલો વધી ગયો છે કે, અગ્રણી ન્યાયિક એકમો તેમના સમર્થનમાં આવ્યાં છે અને ખાનને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે.
ખાન સામેનો આ વિરોધ ચુકાદા પછી તરત જ શરૂ થયો હતો. તે સમયે દોષિત પુરુષોના પરિવારજનો કોર્ટરૂમની બહાર એકઠા થઈ ગયા હતા અને તેમણે ચુકાદા સામે વિરોધ નોંધાવ્યો હતો તથા દોષિત પુરુષોને જેલમાં લઈ જઈ રહેલા પોલીસના કાફલાને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, તે પુરુષોને "ગાયોને બચાવવા બદલ" સજા આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી દુર્વ્યવહારનું ઓનલાઇન કૅમ્પેન શરૂ થયું હતું અને હિંદુ જમણેરી વિચારધારા ધરાવનારા લોકોએ ન્યાયાધીશ તબસ્સુમ ખાનને કોમવાદી અપશબ્દો કહ્યા અને તેમને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીભર્યા વીડિયો પોસ્ટ કર્યા.
'જો દોષિતોને નહીં છોડ્યા તો...'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક વીડિયોમાં એક વ્યક્તિએ જો દોષિતોને 10 દિવસની અંદર છોડવામાં નહીં આવે, તો આખા દેશમાં "લોહીની નદીઓ વહેશે," એવી ચેતવણી આપી હતી. આ લખાય છે, ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો મોજૂદ હતા, જેમને હજ્જારો લાઇક અને શેર મળી રહ્યા છે. વીડિયો મૂકનાર વ્યક્તિ ધમકી આપે અને હિંસા ભડકાવતાં ઉશ્કેરણીજનક વિધાનો કરે, તે સમયે તેમના ચહેરા અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
જમણેરી વિચારધારા ધરાવતી હિંદી ન્યૂઝ ચેનલ સુદર્શન ન્યૂઝના એન્કરે દોષિત પુરુષોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું હતું, "કદાચ તેમણે કદીયે વિચાર્યું નહીં હોય કે, ગાયને બચાવવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દેનારા તેમના સ્વજનોને તે બદલ જેલમાં ધકેલી દેવાશે." સાથે જ તેમણે તેમના દર્શકોને "અવાજ ઊઠાવવાનો અનુરોધ" કર્યો હતો, કારણ કે, "હવે ગૌરક્ષકોના સમર્થનમાં લડવાનો સમય પાકી ગયો છે."
પોતાને ગૌરક્ષક સંગઠનો અને હિંદુત્વવાદી જૂથો તરીકે ઓળખાવનારી ઘણી સંસ્થાઓએ પણ આ ચુકાદા સામે વ્યાપક વિરોધ નોંધાવ્યો હતો.
22મી જૂનના રોજ ગૌરક્ષા પરિષદ દ્વારા પંજાબમાં વિરોધપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન દેખાવકારોએ ખાનના પૂતળા સાથે ગેરવર્તાવ કર્યા બાદ પૂતળું બાળ્યું હતું. ત્રણ દિવસ પછી રાષ્ટ્રીય બજરંગ દળે ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન યોજીને "ગૌરક્ષકો"ને મુક્ત કરવાની માગણી કરી હતી.
એક્સ પરની એક પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ નોંધ્યું હતું કે, આ વીડિયો અને વિરોધપ્રદર્શનોએ માત્ર ચુકાદાની ટીકા જ નહોતી કરી, બલ્કે "ન્યાયાધીશ ખાનની ઓળખ માત્ર તેમના ધર્મ પૂરતી સીમિત કરી નાખીને એક ન્યાયિક અધિકારી તરીકેની તેમની સત્તાને અમાન્ય કરવાનો પ્રયત્ન કર્યો હતો."
તેમણે લખ્યું હતું, "જસ્ટિસ ખાનની મુસ્લિમ ઓળખ જ મુખ્ય આધાર બની ગઈ, જેના આધારે ચુકાદાની માન્યતા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આ બાબત ન્યાયનો ખતરનાક ઊલટો પ્રવાહ દર્શાવે છે. ન્યાયિક નિર્ણયોનું મૂલ્યાંકન કાયદેસર તર્કસંગતતાના આધારે થવું જોઈએ, નહીં કે, તે નિર્ણય આપનાર વ્યક્તિની ધાર્મિક ઓળખના આધારે."
કાત્જુએ પછીથી કહ્યું હતું કે, ખાને તેમને એક સંદેશો મોકલીને તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ દુર્વ્યવહારથી તેમને માનસિક આઘાત લાગ્યો હતો અને તેમને એવું લાગતું હતું કે, જાણે ચુકાદો આપીને પોતે કોઈ અપરાધ કર્યો હોય.
ખાનને અગ્રણી ન્યાયિક સંગઠનોનું પણ સમર્થન સાંપડ્યું છે - સુપ્રીમ કોર્ટ ઍડવોકેટ્સ-ઓન-રેકોર્ડ ઍસોસિએશન (એસસીએઓઆરએ) અને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિએશન (એસસીબીએ)એ તેમની સામેની ધમકીઓને વખોડી નાખી છે અને ગુનેગારો સામે પગલાં ભરવાની માગણી કરી છે.
'જજને ધમકી અપાઈ એ ખૂબ ગંભીર બાબત'

ઇમેજ સ્રોત, Getty Images
એસસીબીએના પ્રેસિડેન્ટ વિકાસ સિંહે બીબીસીને જણાવ્યું હતું કે, જજને આપવામાં આવેલી ધમકીઓ એક ગંભીર બાબત છે, કારણ કે, ન્યાય વ્યવસ્થા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડાયેલી છે.
તેમણે કહ્યું હતું, "જો આપણે આ થવા દઈશું, તો કોઈપણ જજ ન્યાય આપી શકશે નહીં. લોકશાહીમાં એક ન્યાયાધીશ તેમનું કર્તવ્ય ભય કે તરફેણ વિના બજાવવા માટે સક્ષમ હોવા જોઈએ."
આ દરમિયાન, પોલીસ અધિકારી સુધાકર બારસ્કરે બીબીસીને જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સાઇબર સેલ ભડકાઉ વીડિયો શૅર કરનારા લોકોનો પતો લગાવી રહ્યું છે અને આ પ્રકારના વધુ કન્ટેન્ટ માટે સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યું છે.
પરંતુ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ સંજય હેગડેએ એવી દલીલ કરી હતી કે, રાજ્ય અને ન્યાયતંત્રએ ખાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હજુ વધુ પગલાં ભરવાં જોઈએ.
કાનૂની સમાચાર આપતી વેબસાઇટ લિવ લોના એક લેખમાં હેગડેએ એક ભૂતપૂર્વ જજને ધમકીઓ આપતા અન્ય એક કેસમાં તાજેતરમાં કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી હતી, તેનું ઉદાહરણ ટાંક્યું હતું.
બૉમ્બે હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ગૌતમ પટેલ અને તેમનો પરિવાર મુસ્લિમ સમુદાયની અંદર ઉત્તરાધિકારના વિવાદ અંગે 2024માં તેમણે આપેલા ચુકાદાને પગલે 10 મહિના કરતાં વધુ સમયથી ધમકીઓનો સામનો કરી રહ્યા હતા.
ત્રણ ન્યાયિક સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીને પગલે બૉમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પટેલને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે મુંબઈ પોલીસ કમિશનરને તપાસની દેખરેખ રાખવાની તાકીદ કરી હતી અને સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો.
હેગડેએ લખ્યું હતું, "જો હાઇકોર્ટના એક નિવૃત્ત જજ સરકારી સુરક્ષા અને તેમના કેસની ન્યાયિક દેખરેખના હકદાર હોય, તો જિલ્લા કોર્ટમાં સેવા આપતા સેશન્સ જજ પણ તે માટે હકદાર છે. આ સિદ્ધાંત હોદ્દાના આધારે બદલાઈ ન શકે. તે ધર્મના આધારે બદલાઈ ન શકે. તે એક ચોક્કસ ચુકાદા અંગેની રાજકીય પરિસ્થિતિ અનુસાર બદલાઈ ન શકે."
ગયા અઠવાડિયે, મધ્ય પ્રદેશ હાઇકોર્ટે વરિષ્ઠ અધિકારીઓ પાસે સ્પષ્ટતા માગી હતી કે, ખાનની સુરક્ષા માટે અને ધાક-ધમકીઓ આપનારા લોકોની ઓળખ મેળવવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં? સાથે જ હાઇકોર્ટે ખાનની પોલીસ સુરક્ષા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















