ગુજરાત : છ અઠવાડિયાંમાં સિંહોના કથિત હુમલામાં છ લોકોનાં મોત, માણસો પર સિંહોના હુમલા કેમ વધી રહ્યા છે?

ગીર સોમનાથ, ગીરનાં જંગલો, બીબીસી ગુજરાતી, સિંહો

ઇમેજ સ્રોત, Getty Images

  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

ગીર જંગલની આજુબાજુ અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓના બૃહદ ગીર વિસ્તાર તરીકે ઓળખાતા પ્રદેશમાં છેલ્લાં છ અઠવાડિયાંમાં સિંહો દ્વારા માનવો પર કથિત હુમલાના આઠ બનાવ નોંધાયા છે અને તેમાં છ માણસોનાં મોત થયાં છે.

છઠ્ઠું મોત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળિયા ગામે બુધવારે, 8 જુલાઈ 2026ના રોજ નોંધાયું હતું.

આટલા ટૂંકા સમયમાં સિંહોના કથિત હુમલાઓમાં આટલી સંખ્યામાં માનવ મૃત્યુનો આ કદાચ પહેલો ઘટનાક્રમ છે.

નિષ્ણાતો જણાવે છે કે વસ્તી વધતા ખોરાક અને રહેઠાણની શોધમાં સિંહો જંગલ બહાર નીકળી માનવ વસ્તીવાળા વિસ્તારોમાં છેલ્લા પચીસેક વરસથી સ્થાયી થયા છે અને માણસો સાથે તેમનું સહજીવન મોટા ભાગે શક્ય રહ્યું છે.

પરંતુ અધિકારીઓ કહે છે કે જે રીતે બૃહદ ગીર વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા મોટા કદનાં શિકારી પ્રાણીઓ અને માનવો એક સાથે છે તેવું દુનિયામાં હાલ બીજે ક્યાંય ઉદાહરણ નથી.

તેઓ ઉમેરે છે કે આવી પરિસ્થિતિમાં માનવો અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણની શક્યતા વધારે રહે છે.

જોકે અધિકારીઓ દાવો કરે છે કે આ છ ઘટનાઓના સંજોગો, પ્રાણીઓ અને સ્થળ અલગ છે તેથી આ ઘટનાઓ સિંહોના વર્તનમાં કે બૃહદ ગીર વિસ્તારની પરિસ્થિતિઓમાં અચાનક કોઈ મોટા ફેરફારની સંકેત નથી.

ગીર વિસ્તારમાં સિંહોના હુમલાનો ઘટનાક્રમ શું છે?

ભાવનગરના ગરાજીયા ગામે કાળુભાઈ પરમારને સિંહે પકડી લીધા હતા.

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ભાવનગરના ગરાજીયા ગામે કાળુભાઈ પરમારને સિંહે પકડી લીધા હતા.

શરૂઆત અમરેલીના જાફરાબાદ તાલુકાના દરિયાકિનારે આવેલા વરાહ સ્વરૂપ ગામેથી 25 મેના દિવસે હતી.

બે દિવસ સુધી ગુમ રહ્યા બાદ 25 મેના રોજ વરાહ સ્વરૂપના ભરત બારૈયા નામના યુવકના મૃતદેહના અવશેષો વરાહ સ્વરૂપ અને તેની નજીકના ભાકોદર ગામ વચ્ચે આવેલી ગાંડા બાવળની એક ગીચ ઝાડીમાંથી મળી આવેલો.

વન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે સિંહોએ હુમલો કરતા ભારત બારૈયાનું મોત થયું હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.

વરાહ સ્વરૂપથી આશરે 127 કિલોમીટર દૂર અમરેલીના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે 12 જૂનની સાંજે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના એક ખેતમજૂર પરિવારનો સાત વરસનો દીકરો નાનુરામ દિનેશ માનકાર ખુલ્લામાં શૌચ માટે ગયો ત્યારે સિંહોએ કથિત રીતે હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું.

16 જૂને ભાકોદરથી ત્રણ કિલોમીટર પૂર્વમાં અમરેલીના રાજુલા તાલુકાના દરિયા કાંઠાના કોવાયા ગામમાં કથિત રીતે સિંહોએ હુમલો કરતા પ્રકાશચંદ્ર હરગોવિંદ નામના યુવકનું મૃત્યુ થયું હતું.

ગઢડામાં જ્યાં નાગજીભાઈ ગુજરિયા જયાં મૃત મળી આવ્યા હતા તે રોડ પરની ગાંડા બાવળની ઝાડી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ગઢડામાં જ્યાં નાગજીભાઈ ગુજરિયા જયાં મૃત મળી આવ્યા હતા તે રોડ પરની ગાંડા બાવળની ઝાડી

પોલીસ અનુસાર પ્રકાશચંદ્ર કોવાયા ખાતે ચાહત રેસ્ટોરાંમાં કામ કરતા હતા અને તેમના વતન ઉત્તરાખંડ જવા માટે કોઈ વાહન પકડવા મધરાત બાદ રસ્તા પર ચાલીને જતા હતા ત્યારે ગામના પાદરમાં સિંહોએ તેમના પર હુમલો કર્યો હતો.

તે જ દિવસે કોવાયાથી અંદાજે 80 કિલોમીટર ઉત્તરમાં અમરેલીના સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામે દિલીપ દેસાઈ નામના 61 વર્ષના ખેડૂતના શરીરના કેટલાક ભાગો તેમની વાડીમાં મળી આવ્યા હતા અને તેની નજીક સિંહનાં પગલાં, રુવાંટી વગેરે મળી હતી.

દિલીપ દેસાઈનું મૃત્યુ પણ સિંહોના હુમલામાં થયું હોય તેવી પોલીસ અને વન વિભાગને શંકા છે.

18 જૂનના રોજ કોવાયાથી આશરે 60 કિલોમીટર પૂર્વમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દરિયા કિનારાના ગઢડા ગામમાં નાગજીભાઈ ગુજરિયા નામના યુવાન બે દિવસ સુધી ઘરે ન આવ્યા બાદ તેમની વાડીના ઝૂંપડાની નજીક ગાંડા બાવળની ઝાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

એ વિસ્તારમાં તે સમયે સિંહોની હાજરી હતી અને પોલીસ કહે છે કે સિંહોના હુમલામાં નાગજીભાઈનું મોત થયું હતું.

સોહિલ મુંજાવરની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC

ઇમેજ કૅપ્શન, સોહિલ મુંજાવરની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

25 જૂને કોવાયાથી વાયવ્ય દિશાએ આશરે 50 કિલોમીટર દૂર અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે જિયાન સિંધા નામનો પાંચ વર્ષનો છોકરો તેના દાદા સાથે ડેરીમાં દૂધ આપવા જતો હતો ત્યારે સિંહોએ કથિત રીતે હુમલો કરતા તે બાળકનું મૃત્યુ થયું હતું.

એ ઘટનાના નવ દિવસ બાદ, વન વિભાગની એક અખબારી યાદી અનુસાર, 4 જુલાઈના રોજ જુના સાવરથી આશરે 26 કિલોમીટર નેઋત્યમાં સાવરકુંડલાના ઠવી ગામે બકરાં અને કૂતરાં સાથે ઝૂંપડીમાં સૂતાં રાજુભાઈ વાઘેલા નામના યુવકને સિંહોના હુમલામાં ઈજાઓ થઈ હતી.

તેના બે દિવસ બાદ ઠવીથી પૂર્વમાં આશરે 60 કિલોમીટર દૂર ભાવનગરના પાલીતાણા તાલુકામાં શેત્રુંજય પર્વતની તળેટીમાં આવેલા ગરાજીયા ગામે 6 જુલાઈના રોજ કાળુભાઈ પરમાર નામના પુરુષ સવારના સમયે ઘરના ફાળિયામાં બાંધેલી ગાયોને નીરણ નાખવા જતા હતા ત્યારે એક કિશોર સિંહે હુમલો કરતા કાળુભાઈ ઘાયલ થયા હતા.

8 જુલાઈની સાંજે જુના સાવરથી અંદાજે 18 કિલોમીટર દૂર અમરેલીના લીલીયા તાલુકાના અંટાળિયા ગામે લુવારીયા અનામત જંગલ નજીક એક સિંહે હુમલો કરતા અમરેલી શહેરમાં રહેતા સોહીલ મુંજાવર નામના યુવકનું મોત થયું હતું.

આ ઘટનાની માહિતી આપતા શેત્રુંજી વન્યજીવ વિભગના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને મીડિયાને જણાવ્યું હતું કે અંટાળિયામાં એક સિંહ અને સિંહણ મેટિંગ (સંવનન) કરતા હતા અને ઉમેર્યું કે મેટિંગ દરમિયાન તેની કોઈ ઉશ્કેરણી કે પજવણીથી સિંહે હુમલો કર્યો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગીર વિસ્તારમાં સિંહોના હુમલા વધી રહ્યા છે?

ચતુરી ગામે જીયાન સિંધાના દાદા વાઘાભાઈ સિંધા(ડાબેથી બીજા)ને 26 જૂન, 2026ના રોજ દિલાસો આપવા આવેલા વન અને પર્યાવારણ મંત્રી અર્જુન મોઢવાડિયા (ડાબેથી ત્રીજા)

ઇમેજ સ્રોત, Information Department, Gujarat

ઇમેજ કૅપ્શન, ચતુરી ગામે જીયાન સિંધાના દાદા વાઘાભાઈ સિંધા(ડાબેથી બીજા)ને 26 જૂન, 2026ના રોજ દિલાસો આપવા આવેલા વન અને પર્યાવારણ મંત્રી અર્જુન મોઢવાડિયા (ડાબેથી ત્રીજા)

અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વર્ષ 2020-21માં ગુજરાતમાં સિંહોના હુમલામાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં.

આ અહેવાલ મુજબ 2024-25માં તે આંકડો વધીને સાત થયો હતો પરંતુ 2025-26માં ઘટીને પાંચ થયો હતો.

હવે માર્ચ 2026થી શરૂ થયેલ 2026-27ના વરસના પહેલા ચાર મહિનામાં જ ઓછાંમાં ઓછાં છ માનવ મૃત્યુ નોંધાઈ ચૂક્યાં છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 2024-25માં સિંહોના હુમલામાં માનવ ઈજાના 42 બનાવો અને 2025-26માં 13 બનાવો નોંધાયા હતા.

માનવીઓની ખલેલ વગર વન્ચજીવો જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વનો, ઘાસનાં મેદાનો, જળપ્લાવિત વિસ્તારો, રણ પ્રદેશો, દરિયાકાંઠાના વિસ્તારો વગેરેને વન્યજીવો માટેનાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, રક્ષિત વનો, આરક્ષિત વનો વગેરે જાહેર કરી તેવા વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે. આવા વિસ્તારો વન વિભગના નિયંત્રણ હેઠળ હોય છે.

તેનાથી વિપરીત માલિકીની ખેતી સહિતની તમામ પ્રકારની જમીન તેમ જ ગૌચર, સરકારી પડતર કે સરકરી ખરાબા વગેરેની જમીન વ્યક્તિઓ, પેઠી, મંડળીઓ, કંપનીઓ, ગ્રામ પંચાયતો વગેરેના નિયંત્રણમાં હોય છે.

આવી જમીનો પર સરકાર રેવન્યુ એટલે કે મહેસૂલ વસૂલ કરતી હોય છે તેથી આવા વિસ્તાર મહેસૂલી વિસ્તાર કહેવાય છે.

અંટાળિયામાં સિંહના હુમલામાં એક યુવાનના મૃત્યુ બાદ મીડિયાને તે ઘટનાની માહિતી આપતા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC

ઇમેજ કૅપ્શન, અંટાળિયામાં સિંહના હુમલામાં એક યુવાનના મૃત્યુ બાદ મીડિયાને તે ઘટનાની માહિતી આપતા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન

પરંતુ મુક્ત રીતે વિચરણ કરતા વન્યજીવો રક્ષિત વનો છોડી રેવન્યુ વિસ્તારમાં આવી જાય તો પણ વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ તેમને મળેલું કાયદાકીય રક્ષણ અમલમાં રહે છે અને સરકારે તેનો અમલ કરવો પડે છે.

અમરેલી અને ભાવનગરના રેવન્યુ વિસ્તારોમાં વિચરણ કરતા અને સ્થાયી થઈ ગયેલા સિંહો અને અન્ય વન્યજીવોનું યોગ્ય રીતે સંરક્ષણ થઈ શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2019માં શેત્રુંજી વન્યજીવ વિભાગની રચના કરી હતી.

આ વર્ષે મેથી જુલાઈ વચ્ચે નોંધાયેલા આઠ બનાવોમાંથી છ—જાફરાબાદ, કોવાયા, ગઢડા, ઠવી, ગરાજીયા અને અંટાળિયા—બનાવો શેત્રુંજી વન વિભાગમાં નોંધાયા છે.

આ કથિત હુમલાઓ બાદ વન વિભાગે આછામાં આછો 19 સિંહોને પકડીને પાંજરે પૂર્યા છે.

તો સિંહો અને માણસો વચ્ચે ઘર્ષણના બનાવો કેમ વધી રહ્યા છે?

ચિરાગ અમીન કહે છે, "માનવો અને સિંહ-દીપડા જેવાં મોટાં શિકારી પ્રાણીઓ બૃહદ ગીર વિસ્તારમાં જે રીતે સાથે રહે છે તેવું ઉદાહરણ દુનિયામાં બીજે ક્યાંય નથી."

"બૃહદ ગીર વિસ્તારમાં સિંહો અને માનવો વચ્ચે જેટલું ઇન્ટરેક્શન થાય છે તેટલું દુનિયામાં ક્યાંય કોઈ વન્ય પ્રાણી અને માનવો વચ્ચે નથી થતું."

"વાઘો અને હાથીઓવાળા પ્રદેશોમાં પણ નહીં. સિંહોની વસ્તી વધતા તે રેવન્યુ એરિયામાં ફરતા થયા છે તે હકીકત છે."

"સાથે જ માનવ વસ્તી પણ વધી છે. તેથી, સિંહો અને માનવો વચ્ચેનું ઇન્ટરેક્શન વધ્યું છે. કમનસીબે, આવું ઇન્ટરેક્શન ક્યારેક ઘર્ષણમાં પરિણમે છે."

સિંહોના વધતા હુમલા વિશે નિષ્ણાતો શું કહે છે?

સિંહોના રક્ષણ બાબતે ચર્ચા કરવા જૂનાગઢમાં 5 જુલાઈ, 2026ના રોજ વન્‍યજીવ સમર્થકોની મીટિંગને સંબોધતા અશોક શર્મા

ઇમેજ સ્રોત, Nawanagar Nature Club

ઇમેજ કૅપ્શન, સિંહોના રક્ષણ બાબતે ચર્ચા કરવા જૂનાગઢમાં 5 જુલાઈ, 2026ના રોજ વન્‍યજીવ સમર્થકોની મીટિંગને સંબોધતા અશોક શર્મા

1980ના દાયકામાં ગીરમાં નાયબ વન સંરક્ષક રહેલા ગુજરાતના નિવૃત્ત અગ્ર મુખ્ય વન સંરક્ષક અશોકકુમાર શર્મા કહે છે કે આ હુમલા સિંહ-દીપડા જેવા મોટાં કદનાં શિકારી પ્રાણીઓ માનવવસ્તીવાળા રેવન્યુ વિસ્તારમાં રહેવા માંડે તો કેવી સમસ્યાઓ પેદા થઈ શકે તેના ઉદાહરણ છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "લગભગ વર્ષ 2000ની સાલથી સિંહો રેવન્યુ વિસ્તારોમાં રહેવા લાગ્યા છે અને તેમની વસ્તી વધી રહી છે."

"સિંહો અને માણસોનું રેવન્યુ વિસ્તારોમાં પણ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ શક્ય છે તે એક કલ્પનાકથા છે અને સિંહો માણસો પર હુમલો ન કરે તે પણ એક કલ્પનાકથા છે."

"તાજેતરના બનાવ તેના ઉદાહરણ છે. કોઈ પણ હલનચલન કરતો જીવ સિંહો માટે પ્રાકૃતિક રીતે શિકાર છે."

"તેમાં માણસોનો પણ સમાવેશ થઈ જાય છે."

"સિંહો ભૂખ્યા હોય અને તેમને તક મળે તો કોઈ માણસ પર હુમલો કરે તે સાહજિક વર્તન ગણાય. તેટલું હુમલો ન કરે તો સાહજિક ન ગણાય."

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, Gir, lions, ગીરનાં જંગલો, wildlife photographer, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા

પરંતુ છેલ્લા ચાર દાયકાથી સિંહોનું અવલોકન કરતા આવેલા જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા કહે છે કે ગેરકાયદેસર થતા લાયન શો એટલે કે સિંહ દર્શનના કાર્યક્રમો વધી રહેલા હુમલાનું સૌથી મોટું કારણ છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "25 વર્ષથી સિંહો માણસોની વચ્ચે રહેતા આવ્યા છે અને ઘર્ષણના બનાવો ખૂબ ઓછા બન્યા છે."

"સામાન્ય રીતે સિંહો માણસો પર હુમલા કરતા નથી. તાજેતરમાં જે બનાવ બન્યા છે તેના મૂળમાં ગેરકાયદેસર થતા લાયન શો છે."

"આવા શો દરમિયાન લોકો રાત્રે સિંહો પર લાઇટ કરે છે, તેની પાછળ વાહનો દોડાવે છે અને શિકારના સમયે શિકાર કરવા દેતા નથી."

"તો પછી સિંહો શું કરે? આ રીતે લાયન શોમાં છંછેડાયેલા સિંહો પછી ક્યારેક બીજા લોકો પર પણ હુમલા કરે છે."

રાજુલાના દરિયાકાંઠે ભ્રમણ કરી રહેલા એક સિંહની 2020 લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, Batuk Bhil via Gujarat Forest Department

ઇમેજ કૅપ્શન, રાજુલાના દરિયાકાંઠે ભ્રમણ કરી રહેલા એક સિંહની 2020 લેવાયેલી તસવીર

ચિરાગ અમીન કહે છે, "તાજેતરમાં જે ઘટનાઓ બની છે તે રાતોરાત નથી થતી. તે એક પ્રક્રિયાના ભાગ સ્વરૂપે થતી હોય છે અને તેની શરૂઆત વર્ષો પહેલાં થઈ હોઈ શકે છે."

અધિકારી ઉમેરે છે કે હુમલા વધવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે અને જમીનને વાપરવાની બદલાઈ રહેલી પેટર્ન તેમાનું એક કારણ છે.

"સૅટેલાઇટ દ્વારા 10 વર્ષ અગાઉ ગામડાના લેવાયેલા ફોટો અને અત્યારના ફોટોની જો તમે સરખામણી કરો તો તેમાં બહુ મોટા તફાવત દેખાશે."

"ગામો મોટાં થઈ ગયાં છે. ખેતી ન થવાને કારણે જ્યાં ગાંડા બાવળ ઊગી ગયા હતા અને સિંહો તેનો ઉપયોગ તેના રહેઠાણો તરીકે કરતા હતા."

"અમરેલીનો લીલીયા પંથક આનું એક ઉદાહરણ છે. પરંતુ લોકોની આર્થિક ક્ષમતા વધતા હવે તેમાંથી ગાંડા બાવળ કાઢી ખેતી કરવા લાગ્યા છે."

ચિરાગ અમીન કહે છે, "કાયદાકીય રીતે તેમાં કશું ખોટું નથી. પરંતુ સિંહો માટે તો તેટલી જગ્યા ઓછી થઈ તે પણ હકીકત છે."

અમરેલી-ભાવનગરમાં કેટલા સિંહો અને માણસો રહે છે?

ગીર , સિંહ, બીબીસી ગુજરાતી, રાજુલા

ઇમેજ સ્રોત, Batuk Bhil via Gujarat Forest Department

ઇમેજ કૅપ્શન, રાજુલાના દરિયાકાંઠે બેઠેલા સિંહની 2020માં લેવાયેલી તસવીર

સત્તાવાર આંકડા અનુસાર અમરેલી અને ભાવનગર જિલ્લાઓનો ભૌગોલિક વિસ્તાર અનુક્રમે 6760 ચોરસ કિલોમીટર અને 7034 ચો.કિમી. છે.

2011ની વસ્તી ગણતરી અનુસાર માનવ વસ્તી અનુક્રમે 15.14 લાખ અને 24.10 લાખ હતી. વસ્તી ગીચતા અનુક્રમે 270 અને 757 પ્રતિ ચો. કિમી હતી.

ગુજરાતનો વન વિભાગ દર પાંચ વર્ષે સિંહોની વસ્તીગણતરી હાથ ધરે છે. તે સત્તાવાર આંકડા અનુસાર 2001માં સિંહોની વસ્તી 327 હતી તે 2010માં 411 થઈ.

2015માં તે 523 થઈ. 2020માં તેમાં મોટો વધારો થતા 674 થઈ. ત્યાર પછીનાં પાંચ વર્ષમાં લગભગ 33 ટકાનો વધારો થતા 2025માં સિંહોની વસ્તી 891 થઈ ગઈ.

891 સિંહોમાંથી 339 સિંહો અમરેલીમાં અને 116 સિંહો ભાવનગરમાં નોંધાયા હતા.

આમ આ બંને જિલ્લામાં મળીને કુલ 455 સિંહો નોંધાયા હતા જે કુલ વસ્તીના 51 ટકા થાય.

2015માં અમરેલીમાં 174 સિંહ અને ભાવનગરમાં માત્ર 37 સિંહો નોંધાયા હતા જે તે સમયની કુલ વસ્તીના આશરે 40 ટકા થાય.

ગીર , સિંહ, બીબીસી ગુજરાતી, રાજુલા

ઇમેજ સ્રોત, Batuk Bhil via Gujarat Forest Department

ઇમેજ કૅપ્શન, રાજુલાના દરિયાકાંઠે કાંઠે ભ્રમણ કરી રહેલી એક સિંહણની 2024માં લેવાયેલી તસવીર

નોંધપાત્ર બાબત એ હતી કે 891 સિંહોમાંથી માત્ર 497 સિંહો જ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તેમ જ અન્ય રક્ષિત વિસ્તારમાં નોંધાયા હતા.

394 સિંહ રેવન્યુ વિસ્તારોમાં નોંધાયા હતા. આમ, સિંહોની કુલ વસ્તીના 44 ટકા સિંહ રેવન્યુ વિસ્તારોમાં રહે છે.

2015માં 356 સિંહો રક્ષિત વિસ્તારો કે તેની નજીક નોંધાયા હતા અને 167 એટલે કે લગભગ 32 ટકા સિંહો રક્ષિત વિસ્તારો બહાર નોંધાયા હતા.

આમ, દસ વર્ષમાં રેવન્યુ વિસ્તારમાં રહેતા સિંહોની વસ્તીમાં 227 સિંહો એટલે કે લગભગ 42 ટકાનો વધારો થયો છે.

અમરેલી જિલ્લામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યનો કેટલોક ભાગ, પાણીયા વન્યજીવ અભયારણ્ય તેમ જ મિતીયાળા વન્યજીવ અભયારણ્ય જેવા રક્ષિત વિસ્તારો તેમ જ વીડી સ્વરૂપે રક્ષિત અને આરક્ષિત વનો આવેલાં છે.

ભાવનગરમાં વેળાવદર નજીક આવેલા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એક જ રક્ષિત વિસ્તાર છે.

પરંતુ વેળાવદરમાં સિંહોની વસ્તી નથી. ભાવનગરમાં શેત્રુંજય ડુંગર સહિત કેટલાક રિઝર્વ્ડ ફૉરેસ્ટમાં સિંહો વસી ગયા છે.

વન વિભાગના અધિકારીઓ કહે છે કે કેટલાય સિંહો સરકારી ખરાબાની જમીનો, ગૌચર અને ખેતીની પડતર જમીનોમાં વસવાટ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન