'ડૉક્ટરોએ દીકરાના ગુપ્તાંગનો મોટો ભાગ કાઢી નાખ્યો' ખોટી સારવાર કરવાનો માતાપિતાનો આરોપ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વિચલીત કરી શકે છે

ગયા મહિને એક દસ વર્ષીય બાળકનાં માતાપિતએ તામિલનાડુના શિવગંગા જિલ્લામાં કરાઈકુડી ખાતે પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં આરોપ કરાયો હતો કે એક ખાનગી હૉસ્પિટલમાં ડૉક્ટરોની અયોગ્ય સારવારને કારણે તેમના પુત્રના ગુપ્તાંગનો ભાગ કાઢી નાખવાની સર્જરી કરાવવી પડી છે.

પરંતુ આ ઘટનાના એક માસ બાદ પણ બાળકનાં માબાપ, વેપારી સંગઠનો અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા દ્વારા કરાઈકુડી ખાતે 7 જુલાઈના રોજ આ મામલે પ્રદર્શન કરાયું હતું, તેમનો દાવો છે કે આ ઘટનામાં સામેલ ડૉક્ટરો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.

બીબીસીને પોલીસે જણાવ્યું કે આ મામલામાં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. આ મામલામાં 'મેડિકલ સર્વિસમાં બેદરકારી'ના આરોપના આધારે જૉઇન્ટ ડાયરેક્ટર ઑફ હેલ્થ દ્વારા તપાસ કરાઈ રહી છે. સંપૂર્ણ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ ડૉક્ટરો સામે પગલાં લેવાશે.

શું થયું હતું?

બાળક અને માતાપિતા સાથે કરાઈકુડી ખાતે જ રહેતું હતું.

બાળકનાં માતાએ કહ્યું, "અયોગ્ય સારવારના કારણે મારા દીકરાના ગુપ્તાંગનો મોટો ભાગ કાઢી લેવાતા તેના ભવિષ્ય સામે સવાલ પેદા થઈ ગયો છે."

તેમણે કહ્યું, "આ અમારો એકમાત્ર દીકરો છે. તેને ગુપ્તાંગ પર સતત ખંજવાળ થતી રહેતી. તેથી અમે તેને મે માસમાં કરાઈકુડી ખાતેની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા. આ જ હૉસ્પિટલમાં મારા દીકરાનો જન્મ પણ થયો હતો. ત્યાંના ડૉક્ટરોએ તેની તપાસ કરી અને શિશ્નના આગળના ભાગની ચામડી સર્જરી વડે કાઢવી પડશે તેવી સલાહ આપી."

તેમણે કહ્યું, "ડૉક્ટરોએ કહ્યું, 'ચિંતા ન કરો, આ એક નૉર્મલ સર્જરી છે, પરંતુ એ તાત્કાલિક કરવી પડશે.' અમે કહ્યું ઠીક છે. 21 મેના રોજ મારા દીકરાની સર્જરી કરાઈ, જોકે, હૉસ્પિટલે અમને જણાવ્યું કે સર્જરી કરનાર ડૉક્ટર કરાઈકુડી ખાતેની અન્ય એક ખાનગી હૉસ્પિટલમાંથી આવ્યા હતા."

તેમણે કહ્યું, "બીજા દીવસે ડૉક્ટરોએ મારા દીકરાને ઘરે લઈ જવા કહ્યું, તેમણે કહ્યું કે અઠવાડિયામાં બધું ઠીક થઈ જશે." પરંતુ ઘરે પહોંચ્યાના થોડા દિવસોમાં બાળકને ગુપ્તાંગના ભાગે ઘણો દુખાવો થવા લાગ્યો અને મૂત્રત્યાગમાં પણ ઘણી તકલીફ પડવા લાગેલી.

"ગુપ્તાંગ કાલું પડી ગયું. તેને મૂત્રત્યાગમાં પણ તકલીફ પડી રહી હતી. જ્યારે અમે તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા ત્યારે ખબર પડી કે તેના ગુપ્તાંગના ભાગે ચેપ લાગ્યો હતો, તેથી તેમણે જે ડૉક્ટરે સર્જરી કરી હતી તેની હૉસ્પિટલે લઈ જવા કહ્યું. આમ, તેમણે અમને બંને હૉસ્પિટલોમાં ફેરવ્યાં."

એ બાદ બનેલી ઘટના અંગે માતા જણાવે છે, "ત્યારે બીજી ખાનગી હૉસ્પિટલમાં, 27 મેના રોજ અમારા દીકરાની ફરી વાર સર્જરી કરાવાઈ. અમને કહેવાયું કે તે બે દિવસમાં ઠીક થઈ જશે, ચિંતા ન કરો. પરંતુ અચાનક 28મી તારીખે તેમણે અમને બાળકને તાત્કાલિક મદુરાઈ લઈ જવા કહ્યું, કારણ કે ચેપ વકર્યો હતો."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

માતાએ આગળ કહ્યું, "તેમણે અમને અમારા બાળકને મદુરાઈની એક ચોક્કસ હૉસ્પિટલમાં લઈ જવા આગ્રહ કર્યો, અમને તેમના પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો, તેથી અમે અમારા પુત્રને અન્ય ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા અને તેને ઇમર્જન્સી રૂમમાં દાખલ કર્યો."

બીબીસી સાથેની વાતચીતમાં માતાએ આગળ કહ્યું, "મારા દીકરાની તપાસ કરનારા ડૉક્ટરોએ કહ્યું, ગુપ્તાંગનો ભાગ કાળો પડી ગયો હતો અને તેના પર ચેપ લાગી ગયો હતો. તેના ગુપ્તાંગનો મોટો ભાગ સર્જરી કરીને કાઢવો પડે એમ છે. નહીંતર, તેના જીવને જોખમ હોઈ શકે છે."

તેમણે કહ્યું, "અમે તરત રાજી થઈ ગયા, કારણ કે અમારી પાસે પુત્રનો જીવ બચાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો."

એ બાદ બાળકનાં માતાપિતાએ પોલીસ અને શિવગંગા કલેક્ટર પાસે કરાઈકુડીની બે ખાનગી હૉસ્પિટલોનાં ડૉક્ટરો સામે 6 જૂનના રોજ ફરિયાદ કરી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના તામિલનાડુ રાજ્યના પ્રમુખ, ડૉ. શ્રીધરે કહ્યું, "જે કંઈ થયું એ એક મેડિકલ અકસ્માત હતો"

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના તામિલનાડુ રાજ્યના પ્રમુખ, ડૉ. શ્રીધરે ગત મહિને આ ફરિયાદ સંદર્ભે સારવાર આપનારા ડૉક્ટરો સાથે મળીને કરેલા ખુલાસામાં કહેલું, "બાળક પર કરાયેલી સર્જરી એક સરળ અને વ્યાપકપણે કરાતી સર્જરી હતી. પરંતુ તેને જે તકલીફ હતી એ દુર્લભ હતી, જે દસ લાખે એક દર્દીમાં હોય છે. જે થયું એ મેડિકલ અકસ્માત હતો. અસરગ્રસ્ત બાળકની સારવાર માટે આ કેસમાં સામેલ ડૉક્ટરો દરેક શક્ય મદદ કરવા તૈયાર છે."

તેમણે આગળ કહ્યું, "થોડા દિવસોમાં બાળકની તકલીફોનું સમાધાન થઈ જશે. બાળકનાં માતાપિતાને થયેલા માનસિક તણાવ પર મેડિકલ ઍસોસિયેશન દુખ વ્યક્ત કરે છે. ગુપ્તાંગ પૂરેપૂરું નહોતું દૂર કરી દેવાયું. માત્ર થોડો ભાગ દૂર કરાયો હતો અને પ્લાસ્ટિક સર્જરી વડે એક માઇનર ઑપરેશન કરાયું હતું."

આ ઘટનામાં સામેલ કરાઈકુડીના ખાનગી હૉસ્પિટલના મૅનેજમેન્ટનો આ મામલે સંપર્ક કરાયો ત્યારે ત્યાંથી કહેવાયું, "આ મામલે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન પહેલાંથી જ ખુલાસો આપ્યો છે."

'ગુપ્તાંગનો ઘણોખરો ભાગ કાઢી નખાયો'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય
ઇમેજ કૅપ્શન, 7 જુલાઈના રોજ પ્રદર્શન આયોજિત કરાયું હતું

પરંતુ બાળકનાં માતાએ કહ્યું, "અમે ફરિયાદ કર્યા બાદ ખાનગી હૉસ્પિટલો તરફથી અમને કોઈ મદદ ન મળી. મારા પુત્રનો મોટા ભાગનું ગુપ્તાંગ કાઢી નખાયું છે, માત્ર, વૃષણની થેલી રહી છે."

તેમણે કહ્યું, "એ આઘાતથી મારો દીકરો હજુ સુધી બહાર નથી આવી શક્યો. તે હવે બહાર નથી જતો. તેને ચિંતા રહે છે કે જો તે રમવા બહાર જશે તો અન્ય બાળકો તેની મજાક કરશે. તે એક જગ્યાએ બેઠો રહે છે, કોઈની સાથે વાતેય નથી કરતો."

બાળકનાં માતાએ ચિંતિત સ્વરમાં કહ્યું, "મને એ ખ્યાલ નથી કે તે આટલી નાની વયે આવા નુકસાનને કેવી રીતે વેઠશે. "

પોલીસ કાર્યવાહી અંગે માતાનો સવાલ

માતાએ કહ્યું કે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કર્યાના એક માસ બાદ પણ સામેલ ડૉક્ટરો સામે કોઈ પગલાં નથી લેવાયાં. તેમણે ઉમેર્યું, "આ જ કારણે અમે 7 જુલાઈના રોજ વેપારી સંગઠનો અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા સાથે મળીને પ્રદર્શન કર્યું હતું."

કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના શિવાજી ગાંધીએએ કહ્યું, "બાળકના ભવિષ્ય સામે પ્રશ્નચિહ્ન લાગી ગયું છે. ડૉક્ટર્સની હજુ સુધી ધરપકડ નથી થઈ, તેથી અમે પ્રદર્શન કર્યું હતું, પરંતુ પોલીસે અમારી ધરપકડ કરી અને સાંજ સુધી અમને બંધ રાખ્યા."

તેમણે ભારપૂર્વક કહ્યું, "આ મામલામાં ડૉક્ટરો સામે પહેલાંથી કેટલાક આરોપો છે. પોલીસે આ મામલાને શાંતિથી અને આરામથી હૅન્ડલ ન કરવો જોઈએ."

ઇન્ડિયન કૉમ્યુનિસ્ટ પાર્ટી સહિત ઘણા પક્ષો દ્વારા પ્રદર્શન યોજાવાની સ્થિતિને કારણે 10 જુલાઈના રોજ કરાઈકુડીની તમામ ખાનગી હૉસ્પિટલોએ જાહેર કર્યું હતું કે તેઓ સવારના છ વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી કોઈ મેડિકલ સેવા પૂરી નહીં પાડે અને પૂરતી સિક્યૉરિટી પૂરી પાડવાનો આગ્રહ કર્યો હતો.

પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સાથે આ મામલે વાત કરતાં પોલીસ અધિકારી વિજયેન્દ્ર બિધારીએ કહ્યું, "આ મામલામાં એક કેસ દાખલ કરાયો છે. તેમજ, આ કેસ તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલો હોઈ ખાતરી કરવી પડશે કે 'તબીબી સેવામાં બેદરકારી' જોવા મળી છે. પોલીસ આની તપાસ કરીને કોઈ નિર્ણય પર ન પહોંચી શકે. આના કારણે જ આ મામલામાં હેલ્થ ડિપાર્ટમેન્ટના જૉઇન્ટ ડાયરેક્ટર તપાસ કરી રહ્યા છે."

તેઓ કહે છે, "તપાસનો રિપોર્ટ બહાર આવ્યા બાદ, જો ડૉક્ટરોએ કંઈક ખોટું કર્યું હોવાનું સામે આવશે તો ઍક્શન જરૂર લેવાશે."

ગવર્ન્મેન્ટ સ્ટેનલી મેડિકલ કૉલેજના જનરલ મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા ડૉ. એસ. ચંદ્રશેખરે કહ્યું, "આ સર્જરીમાં શસ્ત્રક્રિયા વડે ગુપ્તાંગને દૂર કરાય છે. તેમાં, સર્જન ગુપ્તાના અમુક ભાગ કે આખા ગુપ્તાંગને કાઢી શકે, પરંતુ તેનો આધાર વ્યક્તિની સ્થિતિ પર છે. ગુપ્તાંગના ભાગે થયેલા રોગના ઇલાજ માટે આ સર્જરી કરાય છે."

તેમણે કહ્યું, "આ સર્જરી ગુપ્તાંગના કૅન્સર માટે કરાય છે. આ કિસ્સામાં ગુપ્તાંગ સુધી લોહી પહોંચવામાં અડચણ હોવાને કારણે અથવા ગંભીર બૅક્ટેરિયલ ચેપને કારણે ગુપ્તાંગની માંસપેશી નષ્ટ થઈ ગઈ હોય. આ કેસમાં, ગુપ્તાંગનો અમુક ચોક્કસ ભાગ શરીરના બીજા ભાગો સુધી ચેપને ફેલાતો રોકવા માટે કાઢી નખાયો હોય તેવું બની શકે."

જોકે, ડૉ. ચંદ્રશેખરે કહ્યું કે આ મામલામાં આરોગ્ય વિભાગનો રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ નિર્ણય પર પહોંચી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન