સૅમ પંથકી : ગુજરાતના એ ફોટોગ્રાફર જેમણે ગુજરાતની ઘટનાઓને વિશ્વના ફલક સુધી પહોંચાડી

અમદાવાદ પ્લેન ક્રૅશ દરમિયાન સેમ પંથકીએ ખેંચેલી આ તસવીર વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારોમાં પહેલા પાને છપાઈ હતી, અન્ય તસવીર તેમણે પોખરણમાં ખેંચેલી છે

ઇમેજ સ્રોત, Sam Panthky/Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ પ્લેન ક્રૅશ દરમિયાન સૅમ પંથકીએ ખેંચેલી આ તસવીર વોશિંગ્ટન પોસ્ટ જેવાં અખબારોમાં પહેલા પાને છપાઈ હતી, અન્ય તસવીર તેમણે પોખરણમાં ખેંચેલી છે

હાથમાં કૅમેરા, લાંબો લૅન્સ, વજનદાર કૅમેરાની બેગ, કાર્ગો પેન્ટ અને એટલી તૈયારી કે માત્ર બે જ મિનિટમાં ગમે તેવી ઇમરજન્સીની ફોટોગ્રાફી માટે નીકળી શકાય એવા તત્પર ફોટો જર્નાલિસ્ટ સૅમ નરીમન પંથકી.

66 વર્ષીય ફોટો જર્નાલિસ્ટ સૅમ પંથકીનું તાજેતરમાં ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે.

ભૂકંપ હોય કે કોમી તોફાનો, પૂર હોય કે બિપરજોય જેવું વાવાઝોડું, પ્લેન ક્રૅશની ઘટના હોય કે પછી મોરબી બ્રિજ જેવી દુર્ઘટના હોય- પ્રેસ ફોટોગ્રાફર સૅમ પંથકીનો કૅમેરો હંમેશાં આવી તમામ ઘટનાઓને વિશ્વના ફલક સુધી પહોંચાડવા માટે તત્પર રહેતો હતો. તેમના ફોટોગ્રાફર મિત્રો તેમની મજાક કરતા અને કહેતા કે 'શું તમે હંમેશાં મોર્ચા પર જ રહો છો', તો તેમનો જવાબ રહેતો કે 'કોઈ ઇમરજન્સી આવે તો આ બધી વસ્તુઓ ક્યાં શોધવા જવી.'

તેમના પરિવારમાં તેમનાં એક બહેન, એક ભાઈ હતાં, જેમનું થોડાં વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું. સૅમે લગ્ન નહોતાં કર્યાં અને અમદાવાદના ખાનપુર વિસ્તારમાં એકલા રહેતા હતા. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને એએફપી (AFP) સાથે તેઓ વર્ષો સુધી જોડાયેલા રહ્યા. તેઓ એક વર્ષ પહેલાં AFPથી નિવૃત્ત થયા હતા અને છેલ્લા શ્વાસ સુધી એએફપી અને પીટીઆઇ માટે ફ્રીલાન્સિંગ કરતા હતા.

તેમને જાણતા લોકો તેમના વિશે કહે છે કે, 'તેઓ ન્યૂઝ ફોટોગ્રાફી કરવા માટે જ જીવતા હતા અને ફોટોગ્રાફી થકી જ તેમણે પોતાના ફોટોગ્રાફર તેમજ ન્યૂઝ રિપોર્ટર મિત્રોનો એક પરિવાર બનાવી લીધો હતો.'

અમદાવાદમાં ભાજપની ઑફિસની બહાર હરેન પંડ્યાને શ્રદ્ધાંજલિ આપી રહેલા નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી અને વૈંકેયા નાયડુ, તસવીર: સેમ પંથકી

ઇમેજ સ્રોત, Sam Panthaky/Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં ભાજપની ઑફિસની બહાર હરેન પંડ્યાને શ્રદ્ધાંજલિ આપી રહેલા નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી અને વૈંકેયા નાયડુ, તસવીર: સૅમ પંથકી

જો એક પત્રકાર તરીકે હું મારી વાત કરું તો અનેક અસાઇન્મેન્ટમાં તેમની સાથે મુલાકાત થઈ જતી. હું માનું છું કે તેઓ હંમેશાં ખુશમિજાજ રહેતા અને રિપોર્ટિંગ અસાઇન્મેન્ટમાં પડતી દરેક તકલીફને એક પડકાર તરીકે લેતા. તેમની પર્સનાલિટીથી કોઈ સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવી જાય કે આ એક પ્રેસ ફોટોગ્રાફર છે.

એએફપીમાંથી નિવૃત્તિ બાદ જ્યારે એક વખત અમારી મુલાકાત થઈ તો તેમણે મને કહ્યું હતું, "હવે તો મેં સેલ્ફી સ્ટીક, લાઇટ વગેરે લઈ લીધાં છે. મારી ઇચ્છા છે કે હું પણ ઇન્સ્ટાગ્રામના વીડિયો બનાવું, કોઈ એક વિષય પર વાત કરું. શું તમે મને તેમાં મદદ કરશો." સ્વાભાવિક રીતે મેં તેમણે કહ્યું હતું કે ચોક્કસ આપણે ટૂંક સમયમાં મળીએ અને આ વિશે વધુ વાત કરીએ. મારા અનુભવ પ્રમાણે તેમણે ક્યારેય કોઈ નવી ટૅક્નૉલૉજીથી ભાગવાની કોશિશ નથી કરી, પરંતુ તેને સ્વીકારવાની કોશિશ કરી છે.

એક વાર ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડાના રિપોર્ટિંગ સમયે હું અને મારા શૂટઍડિટ પવન જયસ્વાલ પહેલેથી જ કચ્છના માંડવીમાં પહોંચી ચૂક્યા હતા અને અમે અગાઉથી હોટલ બુક કરી રાખી હતી. અચાનક તેમનો ફોન આવ્યો કે તમે લોકો જ્યાં રોકાયેલા છો તે હોટલનું મને સરનામું મોકલો. બિપરજોય લૅન્ડ થવાનું હતું તેના એક દિવસ અગાઉ તેઓ ખાસ ગાડી કરાવીને માંડવી પહોંચી ગયા હતા, અને સતત ખડેપગે તે વાવાઝોડાનું રિપોર્ટિંગ કર્યું હતું.

આ પછી ક્રિકેટ મૅચ હોય કે પ્લેન ક્રૅશની ઘટનાના એક વર્ષની પ્રાર્થનાસભા હોય, ફોટા માટે કલાકો સુધી સતત ઊભા રહેતા પંથકીના ચહેરા પર ક્યારેય થાક દેખાતો ન હતો.

'પંથકી હંમેશાં કોઈ પણ ઇમરજન્સી માટે તૈયાર રહેતા'

24 સપ્ટેમ્બર,2002ના રોજ અક્ષરધામ મંદિર પર થયેલા હુમલામાં 23 લોકોનાં મૃત્યુ પામ્યા હતા તથા 45 ઘાયલ થયા હતા. એ દરમિયાન સેમ પંથકીએ ખેંચેલી એક તસવીર...

ઇમેજ સ્રોત, Sam Panthaky/Getty Images

ઇમેજ કૅપ્શન, 24 સપ્ટેમ્બર,2002ના રોજ અક્ષરધામ મંદિર પર થયેલા હુમલામાં 23 લોકોનાં મૃત્યુ પામ્યા હતા તથા 45 ઘાયલ થયા હતા. એ દરમિયાન પંથકીએ ખેંચેલી એક તસવીર...
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમના ફોટો જર્નાલિસ્ટ મિત્રોએ તેમનાં અનેક સંસ્મરણો વાગોળ્યાં હતાં. સૅમ ગુજરાતના કદાચ પ્રથમ જ ફોટોગ્રાફર હતા, જે 2001ના ધરતીકંપ સમયે અમદાવાદથી ભુજ પહોંચ્યા હોય. તેમની સાથે વર્ષોથી કામ કરતા અજિત સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "તે સમયે તેઓ પોતાની મોટરસાઇકલ લઈને ભુજ પહોંચી ગયા હતા. અને જે સંસ્થા માટે તેઓ કામ કરતા હતા તે સંસ્થાએ ભૂકંપની તેમની અનેક તસવીરો સાથે એક આખું પાનું છાપ્યું હતું. ન્યૂઝની ઘટનાની તસવીરો માટે તેઓ બોટમાં, વિમાનમાં, બાઇક પર, કે ગમે તે સાધનનો ઉપયોગ કરીને તે ઘટનાસ્થળ સુધી પહોંચી જતા હતા."

તેમના પ્રેસ ફોટોગ્રાફર મિત્ર પંકજ શુક્લા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "અમે હંમેશાં તેમની મજાક કરતા કે તેઓ તો હંમેશાં યુદ્ધ પર જવા માટે તૈયાર હોય છે. તેમની પાસે ઍકસ્ટ્રા બૅટરી, ચાર્જર, લૅન્સ, અમુક નાસ્તો, ટોર્ચ કે પછી ઇમરજન્સીમાં જરૂર પડે તેવી તમામ વસ્તુઓ ચાલુ હાલતમાં હાજર રહેતી હતી."

એક પ્રસંગને યાદ કરતા શુક્લા કહે છે કે, "સુરેન્દ્રનગરના માલવણમાં તરફ ખૂબ વરસાદ હતો, અને અમે માલવણ પુલની વચ્ચે ફસાઈ ગયા હતા. અમે સવારથી રિપોર્ટિંગ કરતા હતા, એટલે અમારા બધાના ફોનની બૅટરી પૂરી થઈ ગઈ હતી. બ્રિજની વચ્ચે ફસાયા છે, તે મૅસેજ કરવા માટે પંથકીની ઍકસ્ટ્રા બેટરી અમને કામ લાગી હતી. તેનાથી અમે રૅસ્ક્યૂ ટીમને અમે અમારું લોકેશન આપી શક્યા હતા અને કલેક્ટરની ટીમે અમને હેમખેમ બચાવ્યા હતા. પંથકી હંમેશાં કોઈ પણ ઇમરજન્સી માટે તૈયાર રહેતા હતા, તેનો હું એક સાક્ષી છું."

એક સ્કૂલ ટીચરથી ન્યૂઝ ફોટોગ્રાફરની સફળ સફર

વર્ષ 2002ના કોમી તોફાનોની તેમણે લીધેલી એક તસવીર

ઇમેજ સ્રોત, Sam Panthaky/Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2002ના કોમી તોફાનોની તેમણે લીધેલી એક તસવીર

જોકે તેમણે પોતાના પ્રથમ નોકરી એક શિક્ષક તરીકે કરી હતી. કૅન્ટોન્મેન્ટની એક સ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા. શરૂઆતમાં, એટલે કે 90મા દાયકામાં તેમને ફોટોગ્રાફીનો શોખ હતો માટે તેઓ થોડીક તસવીરો પાડીને તેને પ્રોસેસ કરાવી તેની પ્રિન્ટ લઈને એક અંગ્રેજી અખબારની ઑફિસે પહોંચી જતા હતા.

તે સમયથી તેમના મિત્ર એવા કલ્પિત ભચેચ ત્યારે તેમને આ ઑફિસ પાસે મળતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, "તેમના ફોટાનું રીજેક્શન તેમનું સૌથી મોટું પૅશન હતું. જેટલી વખત ફોટા રીજેક્ટ થાય તેટલી વખત તેઓ હજી સારા અને વધુ ફોટા લઈને આવે. પોતાની જાતને એક પ્રેસ ફોટોગ્રાફર તરીકે સ્થાપિત કરવામાં તેમણે ક્યારેય હાર નહોતી માની."

"આખરે તેમની તસવીરો સ્વીકારાય અને પછી તો તેમણે ગુજરાતની મોટી મોટી ઘટનાઓને વિશ્વના ફલક સુધી પહોંચાડી હતી. તેમણે ક્યારેય શીખવાનું બંધ નહોતું કર્યું, તેઓ દરેક નવી ટૅક્નૉલૉજી, નવા કૅમેરા, નવા ઍન્ગલ વિશે વાત શીખતા રહેતા હતા."

તેમના વિશે વાત કરતા ભચેચ કહે છે કે, "તેઓ એકલા જ રહેતા હતા, માટે આ ફોટોગ્રાફરો જ તેમનો પરિવાર હતો. તેઓ ગુડી પડવા જેવા તહેવારો પર અમારા ઘરે આવતા, અમે સાથે મળીને વર્ષો સુધી આ પ્રકારે તહેવારો ઊજવ્યા છે. ગુજરાતની પ્રેસ ફોટોગ્રાફીમાં તેમણે એક ઉમદા સ્થાન કમાયું છે."

2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અમદાવાદમાં કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવેલા લાલુપ્રસાદ યાદવની સેમ પંથકીએ ખેંચેલી તસવીર

ઇમેજ સ્રોત, Sam Panthaky/Getty Images

ઇમેજ કૅપ્શન, 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અમદાવાદમાં કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવેલા લાલુપ્રસાદ યાદવની સૅમ પંથકીએ ખેંચેલી તસવીર

તેમની પ્રેસ ફોટોગ્રાફીના કારકિર્દી દરમિયાન બે વખત એવું બન્યું હતું કે તેમણે મોતને માત આપી હતી. જેમ કે 2006માં 31મી જુલાઈએ હાલમાં બીબીસીના શૂટ ઍડિટ પવન જયસ્વાલ (પવન તે સમયે એક બીજી સંસ્થા સાથે કામ કરતા હતા) અને તે સમયના સ્ટાર ન્યૂઝના બ્યૂરો ચીફ બ્રિજેશકુમાર સિંહ સાબરમતી નદીના પૂરના પાણીમાં એક બોટમાં બેસીને અમદાવાદના ગણોલ ગામમાં રિપોર્ટિંગ કરવા માટે ગયા હતા.

આ ઘટનાને યાદ કરતા પવન જયસ્વાલ કહે છે કે, "અમે બધા ફાયર બ્રિગેડની એક બોટમાં હતા અને નદીની વચોવચ આશરે 17 ફૂટ ઊંડા પાણીમાં અમારી બોટ ઊંધી થઈ ગઈ. મારો અને સૅમ પંથકીનો કૅમેરો પાણીમાં ડૂબી ગયો હતો. ફાયરના જવાનોની મદદથી અમે આશરે દોઢ કલાક સુધી તે નદીમાં જીવિત રહી શક્યા હતા."

ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નલિસ્ટ હોમાય વ્યારાવાલા, અમદાવાદમાં એક ઍક્ઝિબિશનમાં સપ્ટેમ્બર 23,2006ના રોજ સેમ પંથકીએ ખેંચેલી એક તસવીર

ઇમેજ સ્રોત, Sam Panthaky/Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનાં પ્રથમ મહિલા ફોટોજર્નલિસ્ટ હોમાય વ્યારાવાલા, અમદાવાદમાં એક ઍક્ઝિબિશનમાં સપ્ટેમ્બર 23,2006ના રોજ સૅમ પંથકીએ ખેંચેલી એક તસવીર

"બોટ ઊંધી થઈ તો તરત જ એક બીજા ફોટોગ્રાફર સૅમભાઈના ખભાને પકડી રહ્યા હતા, એ બન્ને ડૂબી જાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ એ બન્નેને એક દોરડાની મદદથી પકડી લીધા હતા."

આવી જ રીતે રાહુલ ગાંધીની ગુજરાતમાં દાંડીયાત્રા સમયેના રિપોર્ટિંગ દરમિયાન પણ તેમની બોટ ઊંધી પડી ગઈ હતી, જેમાં તેમનો કૅમેરો દરિયામાં પડી ગયો હતો.

સૅમ પંથકીનાં આવાં અનેક સંસ્મરણો છે જેમાં તેમના મિત્રો તેમની પ્રેસ ફોટોગ્રાફીના પૅશન વિશે વાત કરતા થાકતા નથી.

'છેલ્લા દિવસોમાં સાવ એકલા પડી ગયા હતા'

અમદાવાદ નજીક સેરથા ગામમાં મરચાં પાથરી રહેલાં મહિલઓની તેમણે ખેંચેલી એક તસવીર

ઇમેજ સ્રોત, Sam Panthaky/Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ નજીક સેરથા ગામમાં મરચાં પાથરી રહેલાં મહિલઓની સૅમે ખેંચેલી એક તસવીર

તેમના છેલ્લા દિવસોમાં તેઓ સાવ એકલા રહેતા હતા. તેમની સંભાળ લેવા માટે તેમની સાથે તેમનાં એક ભત્રીજી અને એક કૅર ટેકર હતાં. તેઓ આશરે એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં દાખલ રહ્યા હતા, અને પછી તેમને રજા આપી દેવાઈ હતી.

હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થતા તેમણે પહેલો ફોન તેમના મિત્ર અજિત સોલંકીને કર્યો હતો. બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "આશરે 22 સેકન્ડ ચાલેલી એ વાત દરમિયાન તેમણે મને કહ્યું હતું કે ડૉક્ટર કહે છે કે હવે તબિયત સારી છે અને હું ઘરે જઈ શકું છું. તેઓ ત્યાંથી નીકળ્યા, અને પોતાના ઘરની સોસાયટીના ઝાંપે પહોંચ્યાં ત્યાં જ તેઓ પડી ગયા. તેમના કૅર ટેકરે પછી બધાને જાણ કરી, ડૉક્ટરને બોલાવ્યા તો તેમણે પંથકીને મૃત જાહેર કર્યા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન