ઇંદિરા ગાંધીએ જ્યારે ડૉલરની સામે રૂપિયાને જાણીજોઈને નબળો પાડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
જ્યારે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે, અર્થતંત્રનું આરોગ્ય સારું નથી.
પણ ભારતમાં કેટલીક વખત એવું પણ બન્યું છે કે, રૂપિયાને ઈરાદાપૂર્વક નબળો પાડવામાં આવ્યો હોય.
આશરે 60 વર્ષ પહેલાં છઠ્ઠી જૂન, 1966ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ રૂપિયાનું મૂલ્ય 36.5 ટકા જેટલું ઓછું કરી નાંખ્યું હતું.
તેનો અર્થ એ કે ડૉલરની સામે રૂપિયો 36.5 ટકા નબળો પડ્યો હતો. પરિણામ સ્વરૂપે, રૂપિયા સામે ડૉલરનું મૂલ્ય 57.4 ટકા વધી ગયું હતું. તે પછી એક ડૉલરનું મૂલ્ય 4.76 રૂપિયાથી વધીને 7.50 રૂપિયા થઈ ગયું હતું.
આ નિર્ણય સામે દેશભરમાં વ્યાપક સ્તરે વિરોધનો સૂર ઊઠ્યો હતો અને તે લાંબા સમય સુધી રાજકીય વિવાદનો વિષય રહ્યો હતો. 1966નું વર્ષ રાજકીય અને આર્થિક, બંને દૃષ્ટિએ ભારત માટે કટોકટીનું રહ્યું હતું.
તેના ચાર વર્ષ પહેલાં, 1962માં ભારતે ચીન સાથે યુદ્ધ લડ્યું હતું, જેના કારણે લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)ની સીમા બદલાઈ ગઈ હતી. ત્રણ વર્ષ પછી 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ બે યુદ્ધો લડ્યાં પછી ભારતની આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી ગઈ હતી.
આટલું ઓછું હોય, તેમ ભીષણ દુકાળને લીધે ખાદ્યાન્નના ઉત્પાદનને ભારે ફટકો પડ્યો હતો. પરિણામે, ભારતે પ્રથમ વખત ચોખા અને ઘઉંની મોટા પાયે આયાત કરવી પડી હતી.
દેશનું વિદેશી હૂંડિયામણ ઘણું જ સીમિત હતું. 1965માં ભારતની આયાતો 2,194 કરોડ રૂપિયા નોંધાઈ હતી, તેની સામે નિકાસો કેવળ 1,264 કરોડ રૂપિયા જ રહી હતી. તેના કારણે 930 કરોડ રૂપિયાની વેપાર ખાધ સર્જાઈ હતી, જે 1960ના દાયકામાં સૌથી ઊંચા સ્તરે રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્રના ભૂતપૂર્વ પ્રોફેસર અરૂણ કુમાર કહે છે કે, તે સમયે ભારત ખાદ્યાન્નની કટોકટીનો સામનો કરી રહ્યું હતું અને ભારત ઉપર રૂપિયાનું અવમૂલ્યન કરવા વિશ્વ બૅન્કનું દબાણ હતું.
પ્રોફેસર આગળ કહે છે, "ભારતને દબાણ હેઠળ આ નિર્ણય લેવાની ફરજ પડી હતી, પણ તેના પછી જ ખાદ્યાન્ન સુરક્ષાને લગતા ઘણા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. હરિયાળી ક્રાંતિ પણ તેના પછી જ થઈ હતી. પરંતુ, રૂપિયાના આ અવમૂલ્યનથી ભારત પર અમેરિકાનો પ્રભાવ વધી ગયો હતો.
વધુમાં તેઓ કહે છે, "સોવિયેટ સંઘ આ નિર્ણયથી ખાસ ખુશ નહોતું, પણ જ્યારે 1962માં ચીને આક્રમણ કર્યું, ત્યારે અમેરિકા ભારતને મદદ કરવા સંમત થયું, જ્યારે સોવિયેટ સંઘ તટસ્થ રહ્યું. તેના લીધે ભારતમાં સોવિયેટ સંઘ માટેની સહાનુભૂતિ સરકારમાં અને જનતામાં, બંનેમાં ઘટી ગઈ. ભારતે સોવિયેટની ચિંતાની બહુ દરકાર ન કરી. જોકે, 1971માં યુએસએસઆર ભારતની પડખે ઊભું રહ્યું, જ્યારે અમેરિકાએ પાકિસ્તાનનો પક્ષ લીધો. ત્યાર બાદ પરિસ્થિતિ ફરી બદલાઈ ગઈ."
છઠ્ઠી જૂન, 1966ના રોજ ભારતના અગ્રણી અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ રૂપિયો ગગડવાના સમાચારને તેના પહેલા પાનાની હેડલાઇન બનાવી હતી.
આ અહેવાલમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું હતું, "ખાદ્યાન્નની આયાત કરવા માટે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ ન હોવાથી ભારતે અમેરિકા પાસે મદદ માગી હતી. અમેરિકાના ફૂડ ફૉર પીસ પ્રોગ્રામ હેઠળ, ભારત જેવા વિકાસશીલ દેશો તેમના પોતાના જ ચલણમાં ચૂકવણી કરીને ખાદ્યાન્ન મેળવવાની સુવિધા ધરાવતા હતા."
ઇંદિરા ગાંધીએ આવો નિર્ણય કેમ લીધો?
અહેવાલ અનુસાર, "અમેરિકન પ્રમુખ લિન્ડન બી. જ્હોન્સને લગભગ એક કરોડ 60 લાખ ટન ઘઉં અને દસ લાખ ટન ચોખાનો પુરવઠો ભારત પહોંચાડ્યો હતો અને સાથે જ ભારતની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા માટે તેને અંદાજે એક અબજ ડૉલરની આર્થિક સહાય પણ પૂરી પાડી હતી."
"આ સહાય સ્વીકારવી ઈન્દિરા ગાંધી માટે રાજકીય દૃષ્ટિએ બિનલોકપ્રિય નીવડ્યું. તત્કાલીન નાણામંત્રી સચિન્દ્ર ચૌધુરીએ 28મી મે, 1966ના રોજ તેમની બજેટ સ્પીચમાં કહ્યું હતું, 'વિશ્વના શ્રેષ્ઠ હેતુ અને આપણી તમામ ક્ષમતાઓ છતાં આપણે નજીકના ભવિષ્યમાં વિદેશી સહાય વગર આગળ વધી શકીએ તેમ નથી."
"પણ જ્યારે સહાય પર કાપ મૂકવામાં આવ્યો અને ભારત ઉપર તેની અર્થવ્યવસ્થાનું ઉદારીકરણ કરવાનું દબાણ વધવા માંડ્યું, ત્યારે ઈન્દિરા ગાંધીએ એક અણધાર્યું પગલું ભર્યું," એમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું હતું.
"પાંચમી જૂનની રાતે લેવાયેલા નિર્ણયને અનુસરીને તેમણે છઠ્ઠી જૂન, 1966ના રોજ રૂપિયાનું અવમૂલ્યન કરી દીધું. પરિણામે, એક ડૉલરનું મૂલ્ય 4.76 રૂપિયાથી વધીને 7.50 રૂપિયાએ પહોંચી ગયું. રૂપિયો 36.5 ટકા જેટલો નબળો પડી ગયો હતો અને આથી રૂપિયા સામે ડૉલરનું મૂલ્ય 57.4 ટકા જેટલું મજબૂત થઈ ગયું હતું."
ઈન્દિરા ગાંધીના આ નિર્ણયની દેશભરમાં આકરી ટીકા થઈ, એટલું જ નહીં, કેટલાક આલોચકોએ આ નિર્ણયને અમેરિકા અને વિશ્વ બૅન્ક સામે સાવ શરણાગતિ સ્વીકારનારો ગણાવ્યો.
ખુદ કૉંગ્રેસ પક્ષની અંદર જ આ નિર્ણય સામે વિરોધ વધવા માંડ્યો અને તેમાં સૌથી કટ્ટર વિરોધી તત્કાલીન વાણિજ્ય મંત્રી મનુભાઈ શાહ રહ્યા.
કૅબિનેટની બેઠકમાં જ તેમણે કહ્યું હતું કે, રૂપિયાનું આટલા મોટાપાયે ધોવાણ પચાવવું મુશ્કેલ હતું.

ઇમેજ સ્રોત, Getty Images
મનુભાઈ શાહે એવી દલીલ કરી હતી કે, ભારતનાં મહત્ત્વનાં નિકાસ માટેનાં ઉત્પાદનો, ખાસ કરીને જ્યૂટ તથા કપાસ માટેની માગમાં કોઈ ફેરફાર થશે નહીં.
તેનો અર્થ એ કે, નીચા ભાવથી આંતરરાષ્ટ્રીય માગમાં એવો નોંધપાત્ર વધારો નહીં થાય. તેમના મતે, રૂપિયાનું અવમૂલ્યન કરી દેવાથી નિકાસમાં અપેક્ષિત ઉછાળો આવશે નહીં.
અવમૂલ્યનની જાહેરાત કર્યાના માત્ર બે જ મહિના પછી તેમણે એક મોટું પગલું ભર્યું: તેમણે અવમૂલ્યન પહેલાં અમલી નિકાસની સબસિડી એકતરફી રીતે પુનઃ સ્થાપિત કરી દીધી.
આટલેથી ન અટકતાં તેમણે જાહેર સ્તરે એમ પણ કહ્યું કે, રૂપિયાનું અવમૂલ્યન કરવું એ "આઝાદી પછીની સૌથી મોટી ભૂલ હતી."
આર્થિક ઈતિહાસકારોનું માનવું છે કે, આ પગલાંએ અવમૂલ્યનના મૂળ ઉદ્દેશ્યને પાંગળો કરી નાખ્યો.
હકીકતમાં, અવમૂલ્યન પાછળનો મુખ્ય આશય નિકાસને સ્પર્ધાત્મક બનાવવાનો અને નિકાસકારોને આપવામાં આવતી વિશેષ સબસિડી પરની નિર્ભરતા ઓછી કરવાનો હતો.
મુશ્કેલ નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
બિઝનેસ સ્ટાન્ડર્ડના ભૂતપૂર્વ તંત્રી ટીએન નિનને 16મી ઑગસ્ટ 2013ના રોજ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં ઈન્દિરા ગાંધીએ આ પગલું શા માટે ભરવું પડ્યું, તેની સમજૂતી આપી હતી.
નિનને લખ્યું હતું, "તે સમયે ભારત વિદેશી હૂંડિયામણની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું હતું. વિશ્વ બૅન્કે એ સ્પષ્ટ કરી દીધું હતું કે, રૂપિયાના નોંધપાત્ર અવમૂલ્યન વિના વધારાની વિદેશી સહાય મેળવવી મુશ્કેલ બની રહેશે."
"આ પ્રશ્નને લઈને 1965થી ચર્ચા થઈ રહી હતી. બી. કે. નેહરૂ તેમના પુસ્તક 'નાઇસ ગાય્ઝ ફિનિશ સેકન્ડ'માં લખે છે કે, વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જાન્યુઆરી, 1966માં તાશ્કંદ જતાં પહેલાં જ અવમૂલ્યન માટે સંમત થઈ ગયા હતા. એટલે સુધી કે, ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ)ને પણ જૂન, 1966માં તેની જાહેરાત અંગેની સંભવિત તારીખની જાણ કરી દેવાઈ હતી. એવું કહેવાય છે કે, ડિસેમ્બર, 1965માં શાસ્ત્રીએ તેમના નાણાં મંત્રી ટી. ટી. ક્રિષ્નમાચારીને પદ પરથી હટાવી દીધા, કારણ કે, તેઓ અવમૂલ્યનનો વિરોધ કરી રહ્યા હતા."
નિનન આગળ લખે છે, "ઈન્દિરા ગાંધીના નિર્ણયને સંસદ ગૃહમાં અને માધ્યમો દ્વારા વખોડવામાં આવ્યો. આલોચકોએ એવો આક્ષેપ કર્યો કે, અમેરિકાના દબાણને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. બીજી તરફ, વિશ્વ બૅન્ક વધારાની સહાય કરવાનું તેનું વચન પાળવામાં નિષ્ફળ જતાં પરિસ્થિતિ વધુ કથળી હતી. ધીમે-ધીમે પશ્ચિમી દેશો અને તેમની ખાતરીઓ પરથી ઈન્દિરા ગાંધીનો વિશ્વાસ ઊઠવા માંડ્યો અને આ જ કારણસર તેઓ પાછલાં વર્ષોમાં ડાબેરી આર્થિક નીતિઓ તરફ વળ્યાં હોવાનું માનવામાં આવે છે."
ઈન્દિરા ગાંધીના નિર્ણયનો બચાવ કરતાં નિનન લખે છે, "પ્રચલિત થઈ ગયેલો ઈતિહાસ ઘણી વખત એક મહત્ત્વની હકીકતને નજરઅંદાજ કરે છેઃ અવમૂલ્યનની મધ્યમ ગાળાની અસરો."
"1950-51 અને 1965-66ની વચ્ચેના ગાળામાં ભારતની નિકાસો માત્ર 20 ટકા જ વધી હતી, જ્યારે ચુસ્ત નિયંત્રણો લાગુ કરવા છતાં આયાતો 131.3 ટકા ઉછળી હતી. 1950-51માં વેપાર લગભગ સંતુલિત થઈ ગયો હતો, પણ 1965-66 સુધીમાં ભારત મોટી વેપારી ખાધની સ્થિતિએ પહોંચી ગયું હતું."
"અવમૂલ્યન થયા પછી આ પ્રવાહ ઊલટો થઈ ગયો. નિકાસો અગાઉ કરતાં વધુ ઝડપથી વધવા માંડી, જ્યારે આયાતો ઘટી ગઈ. 1970-71 સુધીમાં ભારતની વેપાર ખાધ સંકોચાઈને પાંચ વર્ષ પહેલાંના સ્તરના દસમા ભાગ જેટલી થઈ ગઈ. આ દૃષ્ટિકોણથી જોતાં અવમૂલ્યન માત્ર જરૂરી જ નહોતું, બલ્કે તેણે તેનો હેતુ પણ પૂરો કર્યો હતો."
માર્ચ, 1991માં એક ડૉલરનું મૂલ્ય 19.64 રૂપિયા હતું. માત્ર એક જ વર્ષ પછી તે વધીને 31.23 રૂપિયા થઈ ગયું. તેનો અર્થ એ કે, રૂપિયો લગભગ 59 ટકા જેટલો ગગડ્યો હતો.
નિનન કહે છે કે, પરિણામ સ્વરૂપે, 1993-94 સુધીમાં ભારતની વેપાર ખાધ સંકોચાઈને ત્રણ વર્ષ પહેલાંના સ્તરના છઠ્ઠા ભાગ જેટલી થઈ ગઈ હતી. આમ, નબળું ચલણ હંમેશાં નકારાત્મક અસરો નથી ઉપજાવતું.
સોવિયત યુનિયનની નારાજગી

ઇમેજ સ્રોત, Getty Images
તે વખતે ભારત અમેરિકાના રૅમ્પમાં નહોતું અને તે સોવિયેટ સંઘની વધુ નિકટ ગણાતું હતું. જ્યારે ઈન્દિરા ગાંધીએ રૂપિયાને નબળો કર્યો, ત્યારે તેના આંતરરાષ્ટ્રીય પડઘા પડ્યા હતા. સૌથી નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા સોવિયેટ સંઘમાંથી આવી હતી.
સોવિયેટ નેતા ઍલેક્સી કોસિગિને ભારતના વાણિજ્ય મંત્રી મનુભાઈ શાહને જુલાઈ, 1966ના પ્રારંભમાં કહ્યું હતું કે, અવમૂલ્યન બહુ મોટી ભૂલ હતી.
મૉસ્કો ખાતે ભારતના રાજદૂત અશોક મહેતાએ પછીથી લખ્યું હતું કે, જ્યારે તેમણે આ નિર્ણય સમજાવવાની કોશીશ કરી, ત્યારે સામી તરફથી તેમણે સંપૂર્ણ મૌનનો સામનો કરવો પડ્યો હતો.
આ અનુભવને તેઓ "બહેરાઓ વચ્ચેના સંવાદ" તરીકે વર્ણવે છે. સોવિયેટ નેતૃત્વએ આ પગલાંને એ સંકેતરૂપે જોયું હતું કે, ભારત પશ્ચિમી કૅમ્પ તરફ ઝુકી રહ્યું હતું.
જોકે, નારાજગી હોવા છતાં સોવિયેટ યુનિયને ભારત માટેની લશ્કરી અને આર્થિક સહાય ચૂપચાપ વધારી દીધી હતી.
ઘણા વિશ્લેષકોએ આ ગતિવિધિને દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ જાળવી રાખવાની સોવિયેટ સંઘની રણનીતિ તરીકે જોઈ હતી. પછીથી અમેરિકામાં પણ તેને લઈને નિરાશા વ્યક્ત કરવામાં આવી હતી.
જુલાઈ 1967માં - અવમૂલ્યનના લગભગ એક વર્ષ પછી અમેરિકન ઉદ્યોગપતિ જ્હોન ડી. રોકફેલરે વિશ્વ બૅન્કના પ્રમુખ જ્યોર્જ વૂડ્ઝને પાઠવેલા પત્રમાં લખ્યું હતું, "અવમૂલ્યન નિષ્ફળ ગયું છે. ભારતે આપણા ધાર્યા પ્રમાણે નીતિગત ફેરફારો કર્યા નથી."
આ ટિપ્પણી મહત્ત્વની ગણાય છે, કારણ કે, અવમૂલ્યનનું સમર્થન કરનારી પશ્ચિમી સંસ્થાઓએ પણ પછીથી પરિણામોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમનું માનવું હતું કે, ભારત થોડા જ મહિનાઓની અંદર આર્થિક ઉદારીકરણ તરફથી પીછેહઠ કરવાનું શરૂ કરી દીધું હતું.
ભારત ખાતે અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત ચેસ્ટર બાઉલ્સે પણ તેમની આત્મકથામાં લખ્યું હતું કે, ભારતીય સમાજમાં અવમૂલ્યનને લઈને વ્યાપક વિરોધ પ્રવર્તી રહ્યો હતો.
તેમણે નોંધ્યું હતું કે, આ વિરોધ કેવળ ડાબેરી કે રાષ્ટ્રવાદી જૂથો પૂરતો સીમિત નહોતો. અમેરિકામાં શિક્ષણ મેળવનારા જે ભારતીયો પશ્ચિમી આર્થિક નીતિઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતા હોઈ શકે એવી અપેક્ષા હતી, તેવા પણ ઘણા ભારતીયોએ આ નિર્ણયની આલોચના કરી હતી.
ભારતમાં પણ ઉગ્ર ચર્ચા
આમ, 1966નું અવમૂલ્યન કેવળ એક આર્થિક નિર્ણય ન બની રહેતાં શીત યુદ્ધની રાજનીતી, વિદેશી સહાય, આર્થિક સાર્વભૌમત્વ અને ભારતની વિકાસની રણનીતિ પરની રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું.
1966માં રૂપિયાના અવમૂલ્યન પરની ચર્ચા માત્ર રાજનૈતિક નહોતી, બલ્કે તેણે ભારતનાં બૌદ્ધિક અને આર્થિક વર્તુળોના પણ ભાગ પાડી દીધા હતા.
આ ચર્ચાની વચ્ચે,ઇકૉનોમિક ઍન્ડ પોલિટિકલ વીકલીએ 1966માં તેનો પ્રથમ મહત્ત્વપૂર્ણ અંક પ્રકાશિત કર્યો હતો, જેમાં અવમૂલ્યન અને તેને સંબંધિત આર્થિક પ્રશ્નોની સઘન ચર્ચા કરવામાં આવી હતી.
અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને ટી. એન. શ્રીનિવાસને પછીથી તેમના નેશનલ બ્યૂરો ઑફ ઇકૉનોમિક રિસર્ચ સ્ટડીમાં લખ્યું હતું કે, એવા ઘણા અર્થશાસ્ત્રીઓ હતા, જેઓ ખાનગી રીતે અવમૂલ્યનનું સમર્થન કરતા હતા.
પણ તેમનું માનવું હતું કે, અમેરિકા અને વિશ્વ બૅન્કના દબાણને કારણે આ નિર્ણયની રાજકીય સ્વીકાર્યતા ઘટી ગઈ હતી.
તેમના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે, જો કોઈ અર્થશાસ્ત્રી અવમૂલ્યનનું સમર્થન કરે, તો તેમને વિદેશી હિતોના સમર્થક કે એજન્ટ માની લેવામાં આવે, એવું જોખમ હતું.
આથી, ઘણા સમર્થકો તેનું ખુલ્લેઆમ સમર્થન કરવા માટે અસમર્થ હતા. વ્યાવસાયિક સમુદાયના પણ મિશ્ર પ્રતિભાવો રહ્યા હતા. ઉદ્યોગપતિ જે. આર. ડી. ટાટાની ગણના એવા અગ્રગણ્ય વ્યાવસાયિક આગેવાનોમાં થતી હતી, જેમણે તેને કડવી દવા ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય નિઃશંકપણે પીડાદાયક છે, પણ સંજોગોને ધ્યાનમાં રાખતાં, કદાચ તે જરૂરી પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















