જાપાને ભારતની કેરીઓ ખરીદવાની કેમ ના પાડી દીધી, શું તેનાથી ખેતીને નુકસાન થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મૃદુલિકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભારત દુનિયાનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ છે. દેશમાં કેરીની અનેક જાત છે, જેનો સ્વાદ દુનિયાના અનેક દેશોને લોકોને દાઢે વળગેલો છે. આ દેશમાં જાપાન પણ સામેલ છે.
જોકે આ વર્ષે જાપાનમાં રહેતા લોકો કેરીનો સ્વાદ નહીં ચાખી શકે છે.
જાપાને આ વર્ષે ભારતીય કેરીઓની આયાત પર રોક લગાવી દીધી છે.
જાપાની અધિકારીઓનું કહેવું છે કે પેસ્ટ કંટ્રોલની પ્રક્રિયામાં ઊણપ દેખાતા આ પગલું લેવાયું છે.
અગાઉ 1980ના દાયકામાં પણ જાપાને ભારતથી કેરી ખરીદવાનું બંધ કરી દીધું હતું.
આ પ્રતિબંધ સાવચેતીના ભાગરૂપે હતો. ખરેખર તો જાપાનને ભય હતો કે ભારતમાં ફળમાં થતા કીડાની સાથે ઈંડાં કે લાર્વા તેમના ત્યાં પહોંચી જશે, જેનાથી જાપાનમાં ખેતીને નુકસાન થઈ શકે છે.
જાપાનની ટીમ દિલ્હી આવી ને કેરી ખરીદવાની ના પાડી દીધી

ઇમેજ સ્રોત, Dhiraj Singh/Bloomberg via Getty Images
લગભગ બે દાયકા બાદ ભારતીય કેરી માટે જાપાનના દરવાજા ખૂલ્યા, પરંતુ ઇતિહાસ ફરી પુનરાવર્તિત થતો દેખાઈ રહ્યો છે.
બે દાયકા બાદ જાપાને ભારતમાંથી કેરી આયાત રોકી દીધી છે. જાપાને ભારતની ટ્રીટમેન્ટ સુવિધાઓમાં ગરબડ મળ્યા બાદ આ નિર્ણય લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હકીકતમાં દર વર્ષે કેરીની સિઝનમાં જાપાન પોતાના કેટલાક નિરીક્ષકોને દિલ્હી મોકલે છે. આ અધિકારીઓ એક પ્રક્રિયા થકી તેની તપાસ કરે છે. તેને વેપર હીટ ટ્રીટમેન્ટ કહેવાય છે.
આ પ્રક્રિયા કેરીઓમાંનાં કીડાં અને તેનાં ઈંડાંથી સુરક્ષિત બનાવવાની છે. તેમાં ફળોને કેટલાક સમય સુધી ગરમ હવાવાળી ચૅમ્બરમાં રાખવામાં આવે છે. તેનાથી ફળમાં રહેલાં કીડાં અને લાર્વા ખતમ થઈ જાય છે.
આ વર્ષે નિરીક્ષણ દરમિયાન કેરીઓની ટ્રીટમેન્ટની પ્રક્રિયામાં ઊણપ જોવા મળી છે.
ત્યાર બાદ જાપાનના યોકોહામા પ્લાન્ટ ઍસોસિયેશને એક નોટિફિકેશન જારી કરીને ભારતીય કેરીઓને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.
ઍસોસિયેશનનું એ પણ કહેવું છે કે ભારતથી થતી કેરીની આયાત ત્યાં સુધી બંધ રહેશે, જ્યાં સુધી જાપાની અધિકારીઓ સંપૂર્ણ સંતુષ્ટ ન થઈ જાય.
હાલમાં કેરીની સિઝન પૂરજોશમાં છે, એવા સમયે આ નિર્ણય લેવાયો છે.
આયાતકારો પહેલેથી જ અનેક દેશોમાં ચાલતા તણાવથી પ્રભાવિત પણ છે.
દરિયાઈ માર્ગોમાં આવેલા અવરોધોને કારણે શિપિંગ ઇન્સ્યૉરન્સ વધી ગયું છે. તેના લીધે જહાજ કંપનીઓની ખર્ચ પણ વધી ગયો છે.
તેની અસર કેરી સહિત અન્ય ચીજોની નિકાસ પર પણ પડ્યો છે.
જાપાને ભારતની કેરીની આયાત બંધ કરતા શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Image
બીબીસી સાથે વાતચીત કરતાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સબટ્રૉપિકલ હૉર્ટિકલ્ચરના પૂર્વ રિસર્ચ ડાયરેક્ટર શૈલેન્દ્ર રાજન કહે છે, "જો કોઈ જથ્થામાં નક્કી કરેલી માત્રાથી વધુ રેજિડ્યૂ કે અન્ય ગરબડ મળે તો તેને રોકી દેવાય છે. દરેક દેશના પોતાના નિયમો છે, પરંતુ જાપાનની ગણતરી સૌથી ચુસ્ત બજારોમાં થાય છે. ત્યાંના અધિકારીઓ નાની નાની બાબતોને પણ નજરઅંદાજ નથી કરતા. તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વેપર હીટ ટ્રીટમેન્ટ શરૂ કરી છે, કેમ કે તેઓ ફ્રૂટ ફ્લાઇથી બચવા માગે છે."
જાપાનમાં ભારતીય કેરીઓ પર રોક લાગવાથી શું અન્ય દેશોમાં આપણી કેરીની ખપત ઘટી શકે છે?
આના જવાબમાં શૈલેન્દ્ર રાજન કહે છે કે ભારત સૌથી વધુ કેરી ખાડી દેશોને મોકલે છે, જ્યાં નિયમો જાપાન જેટલા ચુસ્ત નથી મનાતા.
તેમના કહેવાનુસાર, આ પ્રતિબંધની બહુ અસર પડવાની આશંકા નથી.
તેઓ કહે છે કે દરેક દેશના પોતાના નિયમો અને ક્વૉલિટી સ્ટાન્ડર્ડ હોય છે. નિકાસકાર દેશોએ એ પ્રમાણે પોતાને તૈયાર કરવા પડે છે.
ભારત પણ એ પ્રમાણે પોતાની વ્યવસ્થામાં સુધારો લાવી રહ્યું છે.
જાપાન અગાઉ પણ સમસ્યા વેઠી ચૂક્યું છે

અનેક દેશો પોતાને ત્યાં ફળો-શાકભાજી મંગાવતાં પહેલાં વેપર હીટ ટ્રીટમેન્ટની માગ કરે છે, જેથી તેમને ત્યાં કોઈ બીમારી ન પહોંચી જાય. જાપાન આ મામલે ઘણું કડક મનાય છે.
આ સખત વલણ પાછળ જાપાનનો જૂનો અનુભવ છે. 1970ના દાયકામાં દેશના દક્ષિણ ભાગમાં ફ્રૂટ ફ્લાઇ ફેલાવા લાગી. એ સમયે કેરી, પપૈયાં અને અનેક અન્ય ફળોની ખેતી પર તેની અસર જોવા મળી હતી.
આ સમસ્યાને ખતમ કરવા જાપાને મોટા પાયે અભિયાન ચલાવ્યું. આ એક મોંઘી અને લાંબી પ્રક્રિયા હતી, જેમાં અનેક વર્ષો લાગી ગયાં.
આ અનુભવ બાદ ત્યાં ખેતી અને આયાતના નિયમો બહુ કડક થઈ ગયા. આજે ત્યાં ઝીરો પેસ્ટ ટૉલરન્સ છે.
બે દાયકા જૂના પ્રતિબંધ ખસેડવા માટે ભારતમાં અનેક વેપર ટ્રીટમેન્ટ (વીએચટી) પ્લાન્ટ ખૂલ્યા હતા અને નિકાસ શરૂ થઈ હતી.
ભારતમાં કેરીનું ઉત્પાદન સૌથી વધુ

ઇમેજ સ્રોત, Bhaskar Paul/The The India Today Group via Getty Images
ભારત કેરીના ઉત્પાદનમાં સૌથી મોખરે છે. ઍગ્રીકલ્ચર ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઍક્સપૉર્ટ ડેવલપમેન્ટ ઑથૉરિટી (એપીઇડીએ)ના આંકડા અનુસાર, ભારત દુનિયાનું લગભગ 40થી 45 ટકા કેરીનું ઉત્પાદન કરે છે.
અહીં અંદાજે 1,000 પ્રકારની કેરીઓ મળે છે. મોટા ભાગની કેરીઓ દેશમાં ખપી જાય છે.
ગુજરાતમાં પણ કેસર, હાફુસ, લંગડો, બદામ સહિતની કેરીઓ પાકે છે.
ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી કેરીની અલગ-અલગ જાત પાકે છે અને તેના અલગ સ્વાદ હોય છે. તેને અનેક રીતે અનામત પણ રાખવામાં આવે છે. તેના કારણે મોટો ઉત્પાદક દેશ હોવા છતાં કેરીની નિકાસ વધુ રહી નથી.
એપીઇડીએ અનુસાર, દેશે વર્ષ 2024-25માં અંદાજે 30 હજાર ટન તાજી કેરીની નિકાસ કરી હતી. તેમાં સૌથી વધુ ફળ યુએઇ, અમેરિકા, બ્રિટન, કુવૈત અને કતાર મોકલાયાં હતાં.
જાપાન અને ભારત વચ્ચે થયેલા કરાર હેઠળ કેટલીક ખાસ પ્રકારની કેરીઓ બહાર મોકલાય છે, જેમાં અલફાન્ઝો, કેસર, બંગનાપલ્લી, લંગડો, ચૌસા અને મલિકા સામેલ છે.
અલફાન્ઝો આમ પણ ઘણી પસંદ કરાય છે. મહારાષ્ટ્રના રત્નાગિરિ અને દેવગઢમાં થનારી આ કેરી પોતાના સ્વાદ, ખુશબો અને ગર્ભને કારણે અલગ પડે છે.
જાપાની બજારમાં આ જાત વૈભવી મનાતી હતી, જેના પર હવે નિશ્ચિત સમયે માટે વિરામ મુકાઈ ગયો છે.
અલગ-અલગ ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ભારતથી જાપાનમાં સામાન્ય રીતે અંદાજે સો ટનથી માંડીને બે હજાર મેટ્રિક ટન કેરી દર વર્ષે મોકલાતી રહી છે.
આ કુલ નિકાસનો એક ટકાથી પણ ઓછો ભાગ માનવામાં આવે છે.
અન્ય દેશો પણ જાપાનની જેવું કરશે?
નિષ્ણાતો અનુસાર, આ મામલો ક્વૉન્ટેટી નહીં, પણ ક્વૉલિટીનો છે. એક એવા દેશે ભારતમાંથી આવનાર કેરીને બંધ કરી દીધી છે, જે પોતાની ગુણવત્તા પર નિયંત્રણ માટે જાણીતો છે.
જાપાન જેવા દેશ માટે આ સામાન્ય વાત નથી, પણ આખી નિકાસ સિસ્ટમ સાથે જોડાયેલી વિશ્વસનીયતા સંબંધિત સવાલ છે
તેમના અનુસાર, આ નિર્ણયની એક સાંકેતિક અસર પણ હોઈ શકે છે, એટલે કે કોઈ નિર્ણયની અસરથી અન્ય લોકો કે દેશ પણ એ રીતે વિચારવા લાગે.
એટલે કે જરૂરી નથી કે અસર માત્ર જાપાન સુધી સીમિત રહે, તે અન્ય વિદેશી બજારો માટે પણ એક સંકેત બની શકે છે.
ભારત માટે આ મુસીબત એવા સમયે આવી છે, જ્યારે કેરીનો પાક, ખાસ કરીને અનેક પ્રીમિયમ જાતોના પાક પહેલેથી ખરાબ થઈ ગયા છે.
બીબીસી સાથે વાત કરતા મૅંગો ગ્રોવર ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (લખનઉ)ના અધ્યક્ષ એસ ઇન્સરામ અલી કહે છે, "જાપાનથી ટીમ આવી હતી, જેણે કેરીને રિજેક્ટ કરી દીધી. અમને નિકાસકારોના માધ્યમથી ખબર પડી છે. હાલમાં બંને દેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે."
કેરીના ઉત્પાદન અંગે ઇન્સરામ અલી કહે છે, "શિયાળામાં ખૂબ ઠંડી અને બાદમાં અચાનક વધેલા તાપમાને કેરીના ઉત્પાદનમાં અસર કરી છે. ઉત્તર પ્રદેશમાં કેરીનું ઉત્પાદન ગત સમયની તુલનામાં ઘણું ઓછું થયું છે અને જે થયું એ આંધી-તોફાનમાં ખરાબ થઈ ગયું."
ચિંતાતુર સ્વરે તેઓ કહે છે, "આ વર્ષે કેરીની સિઝન કદાચ જૂનમાં જ પૂરી થઈ જશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















