ઈરાનમાં 'ટ્રમ્પની હત્યા કરવાની માગ' કેમ ઊઠી રહી છે અને બદલો લેવો એ મુખ્ય મુદ્દો કેમ બની ગયો?

ઇમેજ સ્રોત, Wakil Kohsar / AFP via Getty Images
- લેેખક, સરબસ નઝારી
- પદ, બીબીસી મૉનિટરિંગ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામનેઈના અંતિમ સંસ્કાર અને શોક સાથે સંકળાયેલા કાર્યક્રમો એક અઠવાડિયા સુધી ચાલ્યા, પરંતુ તે માત્ર શ્રદ્ધાંજલિ સુધી જ સીમિત ન રહ્યા.
એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બદલાની માગણી સતત સંભળાતી રહી. સમયની સાથે આ માગણી વધારે સંગઠિત, મુખર અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ થતી જોવા મળી છે.
ઈરાનના રાજકીય નેતૃત્વ અને ધાર્મિક સંસ્થાએ ખામનેઈના મૃત્યુ માટે જવાબદાર મનાતા લોકો વિરુદ્ધ બદલાને 'રાષ્ટ્રીય કર્તવ્ય અને ધાર્મિક જવાબદારી' તરીકે રજૂ કર્યો છે.
આ જ સંદેશો આજકાલ દેશનાં મીડિયા, રાજકીય ભાષણો અને સાર્વજનિક સમીક્ષાઓમાં મુખ્ય રૂપે જોવા મળે છે.
આ ઘટનાક્રમ માત્ર શોક કે લાગણીની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ નથી; તેમાં સ્પષ્ટ રીતે ધાર્મિક પ્રતીકો, ઘરેલુ રાજકારણ અને વ્યૂહાત્મક સંદેશાનું મિશ્રણ જોવા મળે છે.
આ જ કારણે આ ધમકીઓ અને નિવેદનોની બાબતમાં ઘણા મહત્ત્વપૂર્ણ સવાલો ઊભા થયા છે.
શું ટ્રમ્પની વિરુદ્ધ અપાતી ચેતવણીઓ અને બદલાની માગણીઓ ખામનેઈ પછીના ઈરાનની રાજકીય દિશાનો સંકેત છે?
સાથે જ, આ સમગ્ર નિવેદનોમાં શિયા વિચારસરણીની શું ભૂમિકા છે? અને શું આવા વાતાવરણમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ભવિષ્યમાં રાજદ્વારી સંબંધો ફરીથી સારા થવાની શક્યતા છે? આ જ પ્રશ્ન હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બદલો લેવો એ મુખ્ય મુદ્દો કેમ બની ગયો?

ઇમેજ સ્રોત, Majid Saeedi/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર પછી પહેલી વાર સાર્વજનિક રીતે જવાબ આપ્યો. પરંતુ તેમના સંદેશાનું કેન્દ્ર યુદ્ધ પછી સંબંધો વધારવા, રાષ્ટ્રીય એકતા કે દેશના પુનર્નિર્માણની વાત નહોતું. તેના બદલે તેમણે સ્પષ્ટ રીતે બદલાના રાજકારણ પર ભાર મૂક્યો.
મોજતબા ખામનેઈએ 11 જુલાઈના એક નિવેદનમાં કહ્યું કે તેઓ પોતાના દિવંગત પિતાના માર્ગે આગળ વધશે.
આ નિવેદન એક અઠવાડિયું ચાલેલા શોક સમારંભોના સમાપનના આગળના દિવસે જાહેર થયું. ઉલ્લેખનીય છે કે મોજતબા પોતે આ સાર્વજનિક સમારંભોમાં સામેલ નહોતા થયા.
પોતાના સંદેશામાં તેમણે કહ્યું, "હું મારા પિતાની પવિત્ર હત્યા અને બે યુદ્ધના બધા શહીદોની હત્યાનો બદલો હત્યારાથી લઈશ."
તેમણે આ બદલાને 'રાષ્ટ્રની ઇચ્છા' ગણાવ્યો અને કહ્યું કે તેને કોઈ પણ સંજોગોમાં પૂરો કરવો જોઈએ. સાથે જ તેમણે ચેતવણી આપી કે તેના માટે જવાબદાર લોકો "ક્યારેય શાંતિથી મરી નહીં શકે".
વિશ્લેષકો અનુસાર, આ નિવેદન માત્ર એક પુત્રની પોતાના પિતાને અપાયેલી લાગણીશીલ શ્રદ્ધાંજલિ નહોતી, પરંતુ આ એ વ્યાપક રાજકીય સંદેશાનો ભાગ હતો, જે અંતિમ સંસ્કાર અને શોક સમારંભો દરમિયાન સતત ઊભરાતો જોવા મળ્યો.
ઉત્તર-પૂર્વી શહેર મશહદમાં ખામનેઈની દફનવિધિ સાથે અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલા કાર્યક્રમોનું સમાપન થયું.
આ કાર્યક્રમોમાં શોક અને રાજકીય સંદેશ વારંવાર એકબીજા સાથે સંકળાતા જોવા મળ્યા.
દુઃખ અને શ્રદ્ધાંજલિની અભિવ્યક્તિઓની સાથોસાથ બદલાની માગણી પણ અગ્રતાથી રજૂ કરવામાં આવી.
ઈરાનની સરકારી ટેલિવિઝન ચૅનલોએ વારંવાર એવાં સૂત્રોનું પ્રસારણ કર્યું, જેમાં બદલાની માગણી કરવામાં આવતી હતી.
બીજી તરફ, ઘણી શોકયાત્રાઓમાં લોકો એવાં બૅનર્સ અને પોસ્ટર્સ સાથે જોવા મળ્યાં, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ખામનેઈના મૃત્યુ માટે જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા.
કેટલાંક પોસ્ટર્સમાં અમેરિકાની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કે સમજૂતીનો સ્પષ્ટ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આ સંદેશાનો હેતુ એવો સંકેત આપવાનો હતો કે તહેરાનની પ્રતિક્રિયાનો આધાર હવે કૂટનીતિ નહીં, પરંતુ ન્યાય અને બદલો હોવા જોઈએ.
અંતિમ સંસ્કાર દરમિયાન અને ત્યાર પછીના દિવસોમાં ઘણા વરિષ્ઠ રાજનેતાઓ, સાંસદો, જુમ્માની નમાજના પ્રભાવશાળી ધર્મગુરુઓ અને રાઇટ વિંગ મીડિયા સંસ્થાઓએ પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો.
આનાથી, ખામનેઈ પછીના ઈરાનમાં બદલાના રાજકારણને એક કેન્દ્રીય રાષ્ટ્રીય નૅરેટિવ તરીકે સ્થાપવાનો સુનિયોજિત પ્રયાસ કરાતો હોવાની માન્યતા વધારે મજબૂત થઈ.
બદલાનો સંદેશો હવે માત્ર ભાવનાત્મક પ્રતિક્રિયા નહીં, પરંતુ નવા રાજકીય નેતૃત્વની ઓળખ અને રણનીતિનો મહત્ત્વપૂર્ણ ભાગ બનતો દેખાઈ રહ્યો છે.
બદલાના સંદેશને કેવી રીતે બળ આપવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Tasnim
ઈરાનની રાજકીય વ્યવસ્થા લાંબા સમયથી મોટા રાજકીય સંકટો પછી પ્રતીકો અને ભાવનાત્મક સૂત્રોનો ઉપયોગ કરતી રહી છે. પરંતુ ખામનેઈના મૃત્યુ પછી જે રીતે અલગ-અલગ રાજકીય, ધાર્મિક અને મીડિયા સમૂહોએ એકસાથે બદલાની માગને પ્રોત્સાહન આપ્યું તે ખાસ નોંધપાત્ર છે.
ઈરાનના પૂર્વ પરમાણુ મંત્રણાકાર અને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીએ કહ્યું કે 'શહીદ નેતા'નો બદલો લેવો એ માત્ર દેશનો અધિકાર જ નથી, પરંતુ અધિકારીઓનું કર્તવ્ય પણ છે. તેમના અનુસાર, દેશની સૌથી મોટી રાષ્ટ્રીય મૂડીનું રક્ષણ કરવા માટે બદલાના માર્ગ પર ચાલવું જરૂરી છે.
કટ્ટરપંથી સાંસદ અમીરહુસૈન સાબેતીએ સંસદ સભ્યોને એ પ્રસ્તાવિત કાયદાને પ્રાથમિકતા આપવાની અપીલ કરી, જે સંસદમાં પહેલાંથી જ પ્રસ્તાવિત કરાયો છે. એ કાયદાનો ઉદ્દેશ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય અમેરિકન અને ઇઝરાયલી નેતાઓને જવાબદાર ઠરાવવાનો છે.
સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિ સમિતિના સભ્ય અલી ખેઝરિયાને સંસદની સમાચાર એજન્સી આઇસીએએનએમાં પ્રકાશિત એક લેખમાં લખ્યું કે વરિષ્ઠ ધર્મગુરુઓ દ્વારા બહાર પડાયેલા ધાર્મિક આદેશ હવે 'બદલાના તોફાનની સામૂહિક ઇચ્છા'માં બદલાઈ ગયા છે. તેમણે દાવો કર્યો કે "કોઈ પણ આયરન ડોમ તેને રોકી નહીં શકે".
આ જ સંદેશો દેશનાં ઘણાં શહેરોમાં જુમ્માની નમાજ દરમિયાન પણ સાંભળવા મળ્યો.
મશહદમાં અતિ-રૂઢિવાદી ધર્મગુરુ અહમદ આલમોલહોદાએ નમાજીઓને કહ્યું કે 'શહીદ નેતા'નો બદલો લેવાનો મુદ્દો હંમેશાં જનતાના ધ્યાનમાં રહેવો જોઈએ.
જ્યારે બુશેહરમાં જુમ્માની નમાજના નેતા યુસુફ જમાલીએ કહ્યું કે જનતા બદલાની માગ કરી રહી છે.
તેમણે વચન આપ્યું કે આ માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ તેને સતત ઉઠાવતા રહેશે.
અર્દબીલમાં જુમ્માના અન્ય એક ઇમામ હસન આમેલીએ કહ્યું કે બદલો લેવાનું લગભગ નક્કી છે.
જોકે, તેમણે એમ પણ કહ્યું કે "હજારો ટ્રમ્પોનાં મૃત્યુ પણ દિવંગત નેતાની હત્યાની કિંમતની બરાબરી ન કરી શકે".
કટ્ટરપંથી અખબારો અને સરકાર સમર્થક મીડિયા સંસ્થાઓએ પણ આ સંદેશાને વધારે બળ આપ્યું છે.
ઘણા સંપાદકીય લેખોમાં બદલાને દેશની સૌથી મોટી લોકલાગણી અને મુખ્ય માગણી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો.
સરકારી અને સંલગ્ન બ્રૉડકાસ્ટર્સે વારંવાર એવા વીડિયા બતાવ્યા છે, જેમાં શોક મનાવતા લોકો લાલ ઝંડા સાથે બદલાનાં સૂત્રો પોકારી રહ્યા છે.
કેટલીક રાઇટ વિંગ મીડિયા સંસ્થાઓએ તો ટ્રમ્પની તસવીરવાળાં પ્રતીકાત્મક 'વૉન્ટેડ' પોસ્ટર્સને પણ પ્રકાશિત કર્યાં છે.
એકંદરે જોઈએ તો, ખામનેઈના મૃત્યુ પછી બદલાની માગણી માત્ર કેટલાક નેતાઓનાં નિવેદનો સુધી જ સીમિત નથી રહી; તેને રાજકીય નેતાઓ, ધર્મગુરુઓ, સાંસદો અને મીડિયાના એક મોટા વર્ગે સાથે મળીને આગળ વધારી છે; જેનાથી આ સંદેશો ઈરાનની સાર્વજનિક સમીક્ષા–ચર્ચાનો મુખ્ય ભાગ બની ગયો છે.
ટ્રમ્પ આ નૅરેટિવનું પ્રતીક કેમ બની ગયા છે?

ઇમેજ સ્રોત, Majid Saeedi/Getty Images
જોકે, ઈરાનના અધિકારી હજુ પણ અમેરિકા અને ઇઝરાયલ, બંનેની ખુલ્લેઆમ ટીકા કરે છે, પરંતુ ખામનેઈના મૃત્યુ પછી સાંભળવા મળેલાં મોટા ભાગનાં નિવેદનો અને સૂત્રોનું કેન્દ્ર ધીમે-ધીમે ડોનાલ્ડ ટ્રમ્પ બનતા ગયા છે. બદલા અને જવાબી કાર્યવાહીની માગણીને પણ હવે વધુ વ્યક્તિગત રીતે ટ્રમ્પ સાથે જોડીને રજૂ કરવામાં આવી રહી છે.
ઈરાનના સત્તાવાર નૅરેટિવમાં ટ્રમ્પને માત્ર એક પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે જોવામાં નથી આવતા.
તેમને એવી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવે છે, જેમણે તાજેતરના યુદ્ધના શરૂઆતના તબક્કામાં ખામનેઈની હત્યા કરનાર હુમલાને કથિત રીતે મંજૂરી આપી હતી.
ઈરાની કટ્ટરપંથીઓની દૃષ્ટિએ ટ્રમ્પની બાબતમાં એક બીજું કારણ પણ છે, જે આ ગુસ્સાને વધારે ઉગ્ર બનાવે છે.
તેઓ વર્ષોથી એવું માનતા રહ્યા છે કે જાન્યુઆરી 2020માં બગદાદમાં થયેલા અમેરિકન ડ્રોન હુમલામાં ઈરાનના સૌથી પ્રભાવશાળી સૈન્ય કમાન્ડર્સમાંના એક કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો હજુ સુધી લેવામાં નથી આવ્યો.
એ હુમલાનો આદેશ ટ્રમ્પના વહીવટ દરમિયાન આપવામાં આવ્યો હતો તેથી, કટ્ટરપંથી વર્ગ તેમને લાંબા સમયથી બદલાના મુખ્ય લક્ષ્ય તરીકે જોતા આવ્યા છે.
કોઈ એક વ્યક્તિ પર જવાબદારી કેન્દ્રિત કરવાથી એક જટિલ ભૂ-રાજકીય અથડામણને નૈતિક સંઘર્ષ તરીકે રજૂ કરવાનું સરળ થઈ જાય છે.
તેનાથી સરકારને એક એવો સ્પષ્ટ ચહેરો મળી જાય છે, જેના માધ્યમથી તે પોતાની વ્યાપક ફરિયાદો, નારાજગી અને રાજકીય સંદેશા જનતા સુધી પહોંચાડી શકે છે.
આ જ કારણે ટ્રમ્પને હવે માત્ર એક રાજકીય વ્યક્તિ નહીં, પરંતુ એ વ્યાપક અથડામણના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવે છે, જેને ઈરાનના અધિકારીઓ એક સરકાર કે એક દેશ સુધી સીમિત નથી માનતા.
તેમના અનુસાર, આ સંઘર્ષ ઘણો મોટો અને લાંબા સમયથી ચાલી રહેલો વૈચારિક તથા વ્યૂહાત્મક મુકાબલો છે, અને ટ્રમ્પ આ જ સંઘર્ષના સૌથી મુખ્ય ચહેરા તરીકે ઊભરીને સામે આવ્યા છે.
આ ધમકીઓ શું હકીકતમાં સરકારી નીતિઓનો સંકેત છે?

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images
ખામનેઈના અંતિમ સંસ્કાર અને શોકયાત્રાઓ દરમિયાન ઘણા લોકોના હાથમાં લાલ ઝંડા જોવા મળ્યા હતા. આ ઝંડા પર 'યા લા-થારાત અલ-હુસૈન' લખેલું હતું, જેનો અર્થ થાય છે – "હુસૈનનો બદલો લેનારા, ઊઠો."
આ શિયા પરંપરાનું સદીઓ જૂનું સૂત્ર છે, જે કરબલાની લડાઈમાં ઇમામ હુસૈનના બલિદાનનો બદલો લેવાના પોકારનું પ્રતીક મનાય છે.
આ જ ધાર્મિક પ્રતીકવાદને આગળ વધારતાં ઘણી જગ્યાએ 'ખામનેઈની હત્યાનો બદલો' જેવાં પોસ્ટર અને બૅનર પણ જોવા મળ્યાં.
તેના માધ્યમથી એ સંદેશો આપવાની કોશિશ કરવામાં આવી કે ઇમામ હુસૈનના બલિદાન અને ખામનેઈના મૃત્યુ વચ્ચે એક વૈચારિક અને ધાર્મિક સાતત્ય છે.
1979ની ઇસ્લામી ક્રાંતિ પછી ઈરાનની સત્તા વારંવાર આવાં ધાર્મિક પ્રતીકો અને ઐતિહાસિક સંદર્ભોનો ઉપયોગ કરતી રહી છે.
ખાસ કરીને સંકટના સમયમાં તેનો ઉપયોગ બલિદાન, પ્રતિકાર અને કથિત અન્યાયના વિરોધમાં સંઘર્ષને યોગ્ય ઠરાવવા માટે કરાતો રહ્યો છે.
જોકે, ઈરાનના નેતાઓનો ઇતિહાસ એ પણ દર્શાવે છે કે તેઓ સંઘર્ષના સમયે ઘણી વાર અત્યંત આકરાં અને આક્રમક નિવેદનો કરે છે, પરંતુ સાથે જ વ્યૂહાત્મક વ્યવહારુપણું પણ જાળવી રાખે છે. આમ છતાં, વર્તમાન અભિયાન પોતાની તીવ્રતા અને વ્યાપકતાના લીધે અલગ દેખાય છે.
આ માત્ર કેટલાક જુદા-જુદા નેતાઓ કે સમૂહનાં નિવેદનો નથી લાગતાં, પરંતુ એક આયોજનપૂર્વકનું અને સમન્વયવાળું નૅરેટિવ ઊભરતું લાગે છે. બદલાની માગણી માત્ર શોકયાત્રાઓમાં સામેલ લોકો, સાંસદો કે ધર્મગુરુઓ સુધી સીમિત નથી રહી. તેને દેશના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈએ પણ સાર્વજનિક રીતે સમર્થન આપ્યું છે.
આ તથ્ય મહત્ત્વપૂર્ણ છે, કેમ કે, ઈરાનના બંધારણ હેઠળ સર્વોચ્ચ નેતા પાસે વિદેશનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી મુખ્ય બાબતો પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેથી તેમનાં નિવેદનોને માત્ર ભાવનાત્મક પ્રતિક્રિયા તરીકે જોવામાં નથી આવતાં.
જોકે, ઈરાની અધિકારીઓએ એ સ્પષ્ટ નથી કર્યું કે કોઈ કાર્યવાહી ક્યારે, કઈ રીતે, કયા સ્વરૂપે કરવામાં આવી શકે છે.
આમ છતાં, મોજતબા ખામનેઈની ધાર્મિક સ્થિતિ આ ચર્ચાને વધુ ગંભીર બનાવી દે છે. જો તેઓ ભવિષ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કોઈ ફતવો બહાર પાડે, તો તેનાથી કોઈ પણ સંભવિત બદલાના અભિયાનને વધુ વૈચારિક અને ધાર્મિક માન્યતા મળી શકે છે.
આ જ કારણે વિશ્લેષકો આ ધમકીઓને માત્ર ભાવનાત્મક નિવેદનો તરીકે નહીં, પરંતુ ખામનેઈ પછીના ઈરાનની રાજકીય દિશા, ધાર્મિક વિચારધારા અને વિદેશનીતિના સંભવિત સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે.
આની કૂટનીતિ પર કેવી અસર થઈ શકે?

ઇમેજ સ્રોત, John Moore/Getty Images
હાલ પૂરતું તો એ કહેવું મુશ્કેલ છે કે આ આકરાં નિવેદનો સીધી રીતે ઈરાનની સત્તાવાર નીતિમાં બદલાશે કે નહીં, પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેણે ભવિષ્યમાં થનારી કોઈ પણ રાજદ્વારી પહેલ માટે રાજકીય વાતાવરણને અસર કરવાનું શરૂ કરી દીધું છે.
ખામનેઈના અંતિમ સંસ્કાર અને શોક સમારંભો દરમિયાન બદલાની માગણીવાળાં સૂત્રો ઘણી વાર અમેરિકા સાથેની વાતચીતના વિરોધ સાથે પણ સંકળાતાં જોવા મળ્યાં.
ઘણા પ્રસંગોએ બદલા અને કૂટનીતિવિરોધી સંદેશા એકસાથે સાંભળવા મળ્યા, જેનાથી એવો સંકેત મળે છે કે ઈરાનના કટ્ટરપંથી વર્ગનો એક ભાગ અમેરિકા સાથે કોઈ પણ નવી સમજૂતી કરવા નથી માગતો.
રૂઢિવાદી અખબાર કયહાનના સંપાદકે તો એટલે સુધી કહ્યું કે ઈરાની અધિકારીઓએ ટ્રમ્પને 'હત્યાને યોગ્ય' જાહેર કરી દેવા જોઈએ.
તેમણે એવી દલીલ પણ રજૂ કરી કે અમેરિકાની સાથે કોઈ પણ વાતચીતની શરત એ હોવી જોઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિને મુકદમા માટે ઈરાનના હવાલે કરી દેવામાં આવે.
આ માગણી વ્યવહારુ રાજકારણ કરતાં વધારે પ્રતીકાત્મક અને નિવેદનબાજીનો ભાગ ભલે લાગે, પરંતુ તે ઈરાનના રાજકીય સ્થાપનાના કેટલાક વર્ગોની વિચારધારાને દર્શાવે છે.
આ પ્રકારના સંદેશા અમેરિકા સાથે સંવાદ કે સમજૂતીના પ્રયાસોનું ઘરેલુ રાજકીય મૂલ્ય વધારી દે છે.
પરિણામે, ભવિષ્યમાં જો કોઈ ઈરાની નેતા અમેરિકા સાથે નવી વાતચીત કે સમજૂતીની કોશિશ કરે, તો તેને રૂઢિવાદી અને કટ્ટરપંથી જૂથોને સમજાવવા-મનાવવામાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આ દરમિયાન, અમેરિકન મીડિયા નેટવર્ક સીએનએનએ જાસૂસી સૂત્રોના ઉલ્લેખ સાથે રિપોર્ટ આપ્યો છે કે ઇઝરાયલે ટ્રમ્પને નિશાન બનાવવાના એક કથિત ઈરાની ષડ્યંત્ર વિશે અમેરિકાને ચેતવ્યું હતું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ બાબતમાં પ્રતિક્રિયા આપી છે. ન્યૂ યૉર્ક પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે જો તેમની વિરુદ્ધ કશી કાર્યવાહી થશે, તો તેમણે પહેલાંથી જ અમેરિકા તરફથી જવાબી કાર્યવાહીની સૂચના આપી રાખી છે. તેમના અનુસાર, તેનો જવાબ ખૂબ જ વ્યાપક સૈન્ય હુમલા રૂપે આપવામાં આવશે.
11 જુલાઈએ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે એક અલગ પોસ્ટમાં દાવો કર્યો કે આ ઉદ્દેશ માટે "1,000 મિસાઇલ્સ તૈયાર રાખવામાં આવી છે".
અત્યારે તો એ કહેવું મુશ્કેલ છે કે ઈરાનનું આ અભિયાન મુખ્યત્વે પ્રતીકાત્મક રહેશે કે ભવિષ્યમાં વાસ્તવિક નીતિગત નિર્ણયોને અસર કરશે.
પરંતુ એક વાત સ્પષ્ટ છે. નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનાં સ્પષ્ટ નિવેદનો, શિયા ધાર્મિક પ્રતીકોનો વ્યાપક ઉપયોગ અને વરિષ્ઠ અધિકારીઓ તથા સરકારી મીડિયાના સંકલિત સંદેશાએ બદલાને ખામેનેઈ પછીના ઈરાનના મુખ્ય રાજકીય નૅરેટિવનો ભાગ બનાવી દીધો છે.
આ કારણે જ ઘણા વિશ્લેષકો માને છે કે આ વાતાવરણ ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં સુધારા કે કોઈ નવી સમજૂતીની સંભાવનાને ઘટાડી શકે છે.
જ્યારે બંને દેશ વચ્ચેનો વિશ્વાસ પહેલાં કરતાં ખૂબ જ ઓછો છે, એવા સમયે, બદલાનું રાજકારણ અને આક્રમક નિવેદનબાજી રાજદ્વારી માર્ગોને વધારે સાંકડા બનાવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























