એક જ મહિનામાં 2 પૂર્ણિમા : આજે જોવા મળશે 'બ્લૂ મૂન' જેવી દુર્લભ ઘટના, આવું કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. ટી. વી. વેંકટેશ્વરન
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
આજે આકાશમાં એક ખાસ ઘટના જોવા મળશે. આજે રાતે (31મી મેએ) આકાશ નિહાળો અને જુઓ કે તમને અંધકારમાં ચાંદીની થાળી જેવો પૂનમનો ચાંદો દેખાય છે? મે મહિનામાં જ આ બીજી વખત પૂનમ આવશે, પણ તેનું નામ અલગ છે. તે છે 'બ્લૂ મૂન'.
અલબત્ત, તેને 'બ્લૂ મૂન' જરૂર કહેવાય છે, પણ ચાંદો વાદળી રંગનો નહીં હોય.
યુરોપિયન સંસ્કૃતિમાં વાદળી રંગ દુર્લભ ચીજનું પ્રતીક ગણાય છે. આથી જ તેઓ ભાગ્યે જ થતી કે અસાધારણ ઘટનાઓના વર્ણન માટે 'બ્લૂ' રંગનો ઉપયોગ કરે છે.
જે રીતે આપણે ક્રોધ માટે લાલ રંગ અને શાંતિ માટે શ્વેત રંગનો ઉપયોગ કરીએ છીએ, આ પણ એવું જ છે.
એક જ મહિનામાં બે પૂનમ હોવી અત્યંત અલભ્ય ઘટના છે. આથી, તે મહિનાની બીજી પૂનમને 'બ્લૂ મૂન' કહેવામાં આવે છે.
એક જ મહિનામાં બે પૂર્ણિમાના ચંદ્ર કેમ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ પાછળનું કારણ ચંદ્રની ગતિમાં રહેલું છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા ફરે છે. જોકે, ભ્રમણ કરવા દરમિયાન તેની ગતિ હંમેશાં એકધારી નથી હોતી.
જ્યારે સૂર્ય એક તરફ હોય, પૃથ્વી વચ્ચોવચ હોય અને ચંદ્ર બીજી તરફ હોય - અર્થાત્, જ્યારે સૂર્ય-પૃથ્વી-ચંદ્રનું સ્થાન આ ક્રમમાં હોય, તે સમયે આપણને પૂનમ જોવા મળે છે.
તે ક્ષણે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનાં કેન્દ્રો સીધી રેખામાં આવે છે. તે સમયે પૂનમ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર્ણ ચંદ્ર આવવામાં કેટલા દિવસ લાગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચંદ્રને પૃથ્વીની ફરતે એક ભ્રમણ પૂરું કરતાં 27.3 દિવસ લાગે છે. જોકે, આપણને દર 27.3 દિવસે પૂનમ જોવા મળતી નથી.
ચંદ્ર 360 ડિગ્રીનું ભ્રમણ પૂરું કરે, ત્યાં સુધીમાં પૃથ્વી પણ તેની ભ્રમણકક્ષામાં આગળ ગતિ કરી ચૂકી હોય છે.
પૂનમનો ચંદ્ર જોઈ શકાય, તે માટે 'સૂર્ય-પૃથ્વી-ચંદ્ર'ના ક્રમની ચોક્કસ સ્થિતિ હોવી જરૂરી છે.
જોકે, ચંદ્ર પૃથ્વી ફરતેનું તેનું ચક્ર પૂરું કરે, ત્યાં સુધીમાં પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં આગળ વધી ચૂકી હોવાથી આ ચોક્કસ સ્થિતિ પણ આગળ ગતિ કરી ચૂકી હોય છે. આથી પૂનમનો ચંદ્ર દેખાતો નથી.
ચંદ્રએ સૂર્યની બરાબર સામેની સ્થિતિ સુધી પહોંચવા માટે થોડું વધુ અંતર કાપવું પડે છે.
આ વધી ગયેલા અંતરને લીધે પૂનમનું સરેરાશ ચક્ર વધીને 29.53 દિવસોનું થઈ જાય છે - એટલે કે, 29 દિવસ, 12 કલાક અને 44 મિનિટ. આટલા સમય પછી પૂનમ થાય છે.
વધુમાં, ચંદ્ર એકદમ ગોળાકાર ભ્રમણકક્ષામાં પૃથ્વીની ફરતે ચક્કર લગાવતો નથી.
તે લંબગોળ અથવા અંડાકાર કક્ષામાં ફરતો હોય છે. આથી, ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય, ત્યારે તે ઝડપથી ગતિ કરે છે.
આ બિંદુ 'પેરિજી' તરીકે ઓળખાય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી સૌથી દૂર હોય, ત્યારે તેની ગતિ ધીમી થઈ જાય છે અને આ બિંદુ 'એપોજી' કહેવાય છે.
જો પેરિજીની સ્થિતિમાં પૂનમ થાય, તો ચંદ્ર સૂર્ય-પૃથ્વીના સમતલ પર ઝડપથી પહોંચે છે. પણ જો એપોજીના બિંદુ પર પૂનમ થાય, તો ચંદ્રને તે સ્થાન પર પહોંચવામાં વધુ સમય લાગે છે.
આને કારણે બે સળંગ પૂનમ વચ્ચેનો ગાળો એકસમાન નથી હોતો. બે પૂનમ વચ્ચેનો સૌથી ટૂંકો ગાળો 29.18 દિવસોની આસપાસનો હોઈ શકે છે, જ્યારે સૌથી લાંબો ગાળો લગભગ 29.93 દિવસોનો હોઈ શકે છે.
તમે વિચારતા હશો કે, બે પૂનમ વચ્ચેના ગાળામાં રહેલા આ તફાવત વિશે આપણે શા માટે ચિંતા કરવી જોઈએ?
પરંતુ, આ નાનો અમથો તફાવત આપણે આપણા કૅલેન્ડર અને આપણી સંસ્કૃતિમાં ચંદ્રને કેવી રીતે જોઈએ અને સમજીએ છીએ, તે નક્કી કરે છે.
પૂનમ માટે 'બ્લૂ મૂન' નામ કેવી રીતે પડ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ખગોળીય દૃષ્ટિકોણથી જોતાં, ઋતુ એ વિષુવવૃત્ત (જ્યારે દિવસ અને રાત સરખા હોય છે) અને અયન (શિયાળા) વચ્ચેનો સમયગાળો છે.
આપણું સૌર વર્ષ અંદાજે 365.24 દિવસોનું હોય છે. આથી, દરેક ઋતુ લગભગ 91.3 દિવસ ચાલતી હોય છે.
બે પૂનમ વચ્ચેનો સરેરાશ અંતરાલ 29.53 દિવસોનો રહે છે. આમ, એક ઋતુમાં સાધારણ રીતે ત્રણ પૂનમ આવતી હોય છે.
પરંતુ, ચંદ્રની ગતિમાં થતા ફેરફારોના કારણે અમુક વખત એક જ ઋતુમાં ચાર પૂનમ પણ આવી શકે છે.
મધ્ય યુગ દરમિયાન યૂરોપમાં આ મોટી સમસ્યા હતી. તે સમયે ચર્ચના તહેવારોની તારીખો કે શિડ્યૂલ નક્કી કરવાની જવાબદારી ખ્રિસ્તી પાદરીઓની રહેતી હતી.
એક વર્ષમાં 13 પૂનમ આવવાનું તેમને અસાધારણ લાગતું હતું. ઘણા પાદરીઓ તેને અપશુકનિયાળ પણ માનતા હતા.
આવા વર્ષમાં જો એક જ ઋતુમાં ચાર પૂનમ આવે, તો તે ઋતુની ત્રીજી પૂનમ 'બ્લૂ મૂન' કહેવાય છે. 'બ્લૂ મૂન' શબ્દ પ્રયોગને ચંદ્રના રંગ સાથે કશી લેવાદેવા નથી.
અંગ્રેજી ભાષામાં ક્યારેક જ કે ભાગ્યે જ થતી કોઈ બાબત માટે 'વન્સ ઈન અ બ્લૂ મૂન' રૂઢિપ્રયોગ સૈકાઓથી પ્રચલિત છે.
વળી, એક જ વર્ષમાં 13 પૂનમ થવી, એ પણ ભાગ્યે જ બનતી ઘટના છે.
આથી, આવું વર્ષ ઘટનાઓના સામાન્ય ચક્ર કરતાં જુદું ગણાય છે. આ વિરલ ઘટનાની યાદમાં 'બ્લૂ મૂન' શબ્દ ચલણી બન્યો હતો.
પછીથી 14મી અને 15મી સદીમાં યૂરોપિયનો અમેરિકા પહોંચ્યા, જ્યાં આ કહાણીએ નવો વળાંક લીધો.
જ્યારે યૂરોપિયનો અમેરિકામાં સ્થાયી થયા, ત્યારે પોતાની સાથે યુરોપિયન સાંસ્કૃતિક પરંપરાઓ પણ લઈ ગયા.
તેઓ ત્યાંના 'ફર્સ્ટ પીપલ' કે 'રેડ ઇન્ડિયન્સ' તરીકે ઓળખાતા મૂળ વતનીઓની સમય માપવાની પદ્ધતિથી પણ ભારે પ્રભાવિત થયા હતા.
એક ખૂબ જ લોકપ્રિય ભૂલ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પ્રાચીન આદિવાસી સમુદાયો સમયનો અંદાજ આંકવા માટે ઋતુઓ અને ચંદ્રની કળાઓનું ધ્યાનપૂર્વક અવલોકન કરતા હતા.
ઉદાહરણ તરીકે, જ્યારે જાન્યુઆરીમાં પૂનમ આવે, ત્યારે તેમનાં ગામડાંઓની બહાર ભૂખ્યાં વરુ રડતાં કે લાળી કરતાં. આથી, કેટલાક સમુદાયો તેને 'વૂલ્ફ મૂન' કહેતા, અર્થાત્, 'વરુઓની પૂનમ'.
એ જ રીતે, જ્યારે મે મહિનાની પૂનમે ફૂલો ખીલતાં, ત્યારે તેઓ તેને 'ફ્લાવર મૂન' કહેતા, જેનો અર્થ છે, 'ફૂલોની પૂનમ'.
તે સમયના પંચાંગમાં મૂળ અમેરિકન આદિવાસી સમુદાયો અને યુરોપિયન પરંપરાઓના જ્ઞાનનો સમન્વય કરવામાં આવ્યો હતો અને દરેક પૂનમને ઋતુનું પ્રતિનિધિત્વ કરતું નામ આપવામાં આવ્યું હતું.
જાન્યુઆરી - વૂલ્ફ મૂન (વરુઓની પૂનમ)
ફેબ્રુઆરી - સ્નો મૂન (બરફની પૂનમ)
માર્ચ - વૉર્મ મૂન (હૂંફાળી પૂનમ)
એપ્રિલ - પિંક મૂન (ગુલાબી પૂનમ)
મે - ફ્લાવર મૂન (ફૂલોની પૂનમ)
જૂન - સ્ટૉબેરી મૂન (સ્ટ્રોબેરી પૂનમ)
જુલાઈ - બક મૂન (નર હરણની પૂનમ)
ઓગસ્ટ - સ્ટર્જન મૂન (સ્ટર્જનની પૂનમ) (સ્ટર્જન એ પ્રાચીન, મોટી માછલી છે)
સપ્ટેમ્બર - હાર્વેસ્ટ મૂન (લણણીની મોસમની પૂનમ)
ઓક્ટોબર - હન્ટર્ઝ મૂન (શિકારીઓની પૂનમ)
નવેમ્બર - બીવર મૂન (જળબિલાડી જેવા પ્રાણી બીવરની પૂનમ)
ડિસેમ્બર - કોલ્ડ મૂન (ઠંડી પૂનમ)
સમય વીતવા સાથે આ નામ અમેરિકન સંસ્કૃતિનો હિસ્સો બની ગયાં, આથી દરેક પૂનમનું ચોક્કસ નામ હોવું આવશ્યક બની ગયું.
જો એક જ ઋતુમાં ચાર પૂનમ આવે, તો ત્રીજી પૂનમ 'બ્લૂ મૂન' કહેવાતી હતી. આમ, બ્લૂ મૂનની સંકલ્પના જન્મી.
પણ તે પછી શબ્દનો અર્થ ફરી પાછો બદલાઈ ગયો. 1937માં 'મેઇન ફાર્મર્સ આલ્મનેક' પુસ્તક પ્રકાશિત થયું.
આ પુસ્તક જણાવે છે કે, જો એક જ ઋતુમાં ચાર પૂનમ આવે, તો ત્રીજી પૂનમ 'બ્લૂ મૂન' કહેવાય.
જોકે, ખગોળશાસ્ત્રના એક પ્રસિદ્ધ લેખકે પછીથી આ સમજૂતીનું ખોટું અર્થઘટન કર્યું. તેમણે કહ્યું કે, એક જ મહિનામાં આવતી બીજી પૂનમ 'બ્લૂ મૂન' કહેવાય.
આ અવળું અર્થઘટન પ્રચલિત થઈ ગયું. અને આથી જ, આજે જ્યારે લોકો 'બ્લૂ મૂન' કહે છે, ત્યારે સામાન્યપણે તેમનો કહેવાનો અર્થ હોય છે - ગ્રેગોરિયન કૅલેન્ડરના એક જ મહિનામાં આવતી બીજી પૂનમ.
એક જ મહિનામાં 2 પૂર્ણિમાઓ

ઇમેજ સ્રોત, Getty Images
એક જ મહિનામાં બે પૂનમની આવી અનોખી ઘટના શા માટે બને છે?
ગ્રેગોરિયન કૅલેન્ડરમાં તમામ મહિનાઓના દિવસોની સંખ્યા એક સરખી હોતી નથી.
અમુક મહિનાના 28 દિવસ હોય છે, અમુકના 30 દિવસ અને કેટલાક મહિનાના 31 દિવસ હોય છે.
જોકે, બે સળંગ પૂનમ વચ્ચેનો અંતરાલ 28.18 દિવસથી લઈને 29.93 દિવસો સુધીનો હોય છે.
તેથી, જો એક મહિનામાં 31 દિવસ આવતા હોય અને પહેલી પૂનમ મહિનાના પ્રથમ કે બીજા દિવસે આવતી હોય, તો તે જ મહિનાના અંતે બીજી પૂનમ આવવાની શક્યતા રહે છે.
આમ, આધુનિક સમયગાળામાં એક જ મહિનામાં આવતી બીજી પૂનમ 'બ્લૂ મૂન' કહેવાય છે.
તે જ રીતે, બીજી પૂનમ 31મી મેના રોજ આવે છે. ચાલુ મહિનામાં પહેલી પૂનમ પહેલી મેના રોજ આવી હતી.
આથી, આ જ મહિનામાં બીજી પૂનમ 31મી મેએ આવે છે. આજના સંદર્ભમાં તે 'બ્લૂ મૂન' કહેવાય છે.
આ પૂનમ 'માઇક્રોમૂન' પણ હશે, જેનો અર્થ થાય છે - 'પૂનમનો નાનો ચંદ્ર'. આ પૂનમ દરમિયાન ચંદ્ર પૃથ્વીથી સૌથી દૂરના અંતરે - અર્થાત્ એપોજી બિંદુ પર હશે.
પરિણામે, તે તેના સાધારણ કદ કરતાં થોડો નાનો દેખાશે. જોકે, કદમાં રહેલો આ તફાવત નરી આંખે પારખવો મુશ્કેલ છે.
આ પરથી એક વાત સ્પષ્ટ છે કે, આધુનિક સંદર્ભમાં 'બ્લૂ મૂન' એ વાસ્તવિક ખગોળીય ઘટના નથી.
એટલે કે, તે અવકાશમાં બનતી કોઈ વિશિષ્ટ ઘટના નથી. બલ્કે, તે સાંસ્કૃતિક વિભાવના છે.
આ વિભાવના માનવી દ્વારા બનાવવામાં આવેલી ચોક્કસ કૅલેન્ડર સિસ્ટમમાં ચંદ્રની ગતિવિધિઓની તુલના કરીને તૈયાર કરવામાં આવી છે.
આમ, આ કોઈ અવકાશી ઘટના નહીં, બલ્કે માનવીએ બનાવેલી વિભાવના છે.
ભારતીય પંચાંગનો અભ્યાસ કરતાં આ સત્ય આપણને વધુ સ્પષ્ટતાથી સમજાય છે.
ગ્રેગોરિયન કૅલેન્ડરના મહિનાઓ ઐતિહાસિક કારણો માટે બનાવાયેલા કૃત્રિમ સમયગાળા છે.
જોકે, ભારતીય ચંદ્ર-સૂર્ય કૅલેન્ડરમાં મહિનાઓ ચંદ્રની ગતિ અને સ્થાન સાથે સીધા જોડાયેલા છે.
ભારતની અમુક પરંપરાઓમાં એક પૂનમથી બીજી પૂનમ સુધીનો ગાળો એક મહિનો ગણવામાં આવે છે.
તેને 'પૂર્ણિમાંત' કહેવામાં આવે છે. અન્ય પરંપરાઓમાં એક અમાસથી બીજી અમાસ સુધીનો ગાળો એક મહિનો ગણાય છે, જે 'અમાંત' કહેવાય છે.
શું ભારતીય પરંપરામાં 'બ્લૂ મૂન'નો ખ્યાલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં પૂનમ એ કેવળ ખગોળીય ઘટના નથી, બલ્કે તે ધર્મ, સામાજિક જીવન, કૃષિ, તહેવારો અને સંસ્કૃતિ સાથે ગાઢ અને નિકટનો સંબંધ ધરાવે છે.
તમિલ તહેવાર 'થાઇપુસમ'નું જ ઉદાહરણ લઈએ તો, આ તહેવાર તમિલ સૌર માસ થાઇ (મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી)ની પૂનમે આવે છે. આ તહેવાર સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારે ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે.
'શરદ પૂર્ણિમા' ઉત્તર ભારતનો એક મહત્વનો તહેવાર છે. આ તહેવાર અશ્વિન માસ (સપ્ટેમ્બર કે ઓક્ટોબર)ની પૂનમે આવે છે. શરદ પૂનમની રાતે દૂધ અને ચોખામાંથી ખીર બનાવીને તેને ચંદ્રના પ્રકાશમાં રાખવાની પ્રથા છે.
પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે, તે રાત્રે પડતા ચંદ્રનાં કિરણો અમૃત જેવા વિશિષ્ટ ગુણો ધરાવે છે. વળી, આ પૂનમ વર્ષની તમામ પૂનમો કરતાં સૌથી તેજસ્વી ગણવામાં આવે છે.
પ્રસિદ્ધ જગન્નાથ પુરી મંદિરની મૂર્તિઓ કાષ્ઠમાંથી બનાવવામાં આવી છે. આ કાષ્ઠ મૂર્તિઓ જ મંદિરનાં મુખ્ય દેવી-દેવતા છે.
અષાઢ મહિનામાં જ્યારે અધિક માસ આવે છે અને બે પૂનમ થાય છે, ત્યારે આ મૂર્તિ બદલીને નવી બનાવવામાં આવે છે. તેને 'નવકલેવર' તહેવાર કહેવામાં આવે છે.
વૈશાખમાં આવતી પૂનમ 'બુદ્ધ પૂર્ણિમા' તરીકે ઉજવાય છે. બૌદ્ધ પરંપરાનો તે સૌથી પવિત્ર દિવસ ગણાય છે. એ જ રીતે, જૈન પરંપરામાં પણ પૂનમના દિવસો ઘણું મહત્ત્વ ધરાવે છે.
એ જ રીતે તમિલ અને તેલુગુ પરંપરામાં પણ પૂનમને અનોખું સ્થાન મળ્યું છે. 'સંગમ સાહિત્ય'માં એવું કહેવામાં આવ્યું છે કે, કારતક મહિનાની પૂનમની રાતે મહિલાઓ તેમનાં ઘરોનાં આંગણાંઓમાં માટીના દીવા પ્રગટાવતી હતી.
સાહિત્યિક પુરાવા દર્શાવે છે કે, ઇન્દ્રનો તહેવાર ઈન્દ્ર વિલા ચૈત્ર મહિનાની પૂનમે શરૂ થતો હતો. આ તહેવાર પ્રાચીન ચોલા વંશના સામ્રાજ્ય દરમિયાન વરસાદ લાવવા માટે ઉજવવામાં આવતો હતો.
આ તહેવાર એક મહિના સુધી ચાલતો હતો. આ ગાળા દરમિયાન વરસાદના દેવ ઇન્દ્રને રિઝવવા માટે ગીત, સંગીત, નૃત્ય તથા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવતું હતું.
ભારતનાં સૌથી વિશાળ આદિવાસી જૂથોમાં સ્થાન ધરાવતો સંથાલ સમુદાય સોરાઈ (અર્થાત ચંદ્ર-સૌર્ય કેલેન્ડર અનુસાર કાર્તિક મહિના)ની પૂનમના દિવસે ભવ્ય, પવિત્ર યાત્રાનું આયોજન કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
હજ્જારો શ્રદ્ધાળુઓ તેમના પૂર્વજોના દેવતાઓની પૂજા કરવા માટે ઝારખંડના બોકારોમાં આવેલા 'લુગુબુર'ના પવિત્ર પર્વતોની યાત્રા કરે છે. આ પૂજા ત્યાં આવેલી ગુફામાં કરવામાં આવે છે.
મધ્ય ભારતમાં 'ઓરાન' અને 'મુંડા' નામની આદિવાસી જાતિઓ વસે છે. તેમના પ્રાચીન ધર્મમાં ભાદ્રપદ (ભાદરવો - મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર)ના મહિનાની પૂનમે તેમના 3 મહત્વના તહેવારો પૈકીનો એક તહેવાર ઉજવાય છે.
જ્યારે 31મી મેના રોજ આકાશમાં 'ફ્લાવર મૂન' અથવા તો બીજી પૂનમ દેખાશે, ત્યારે અમેરિકામાં ઘણા લોકો તેને 'બ્લૂ મૂન' કહેશે. તે અમેરિકનો જે કૅલેન્ડરને અનુસરે છે, તે પ્રમાણે આ જ સાચું નામ છે.
બીજી તરફ, ભારત અને દક્ષિણપૂર્વ એશિયા જેવા પ્રદેશોમાં આ બીજી પૂનમનું કોઈ ચોક્કસ નામ નથી.
તે દિવસે પણ ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં જ ફરતો હશે. તે નથી જાણતો કે, આ 'વૂલ્ફ મૂન' છે કે 'બ્લૂ મૂન' કે પછી 'ફુલ મૂન'. આ તમામ નામો માણસે જ તેને આપ્યાં છે.
અવકાશ કે ખગોળીય ગતિવિધિ પ્રકૃતિનો નિયમ છે. જોકે, તે ગતિવિધિને કે ઘટનાઓને ચોક્કસ નામ આપવાનું કાર્ય માનવ સંસ્કૃતિ દ્વારા કરવામાં આવે છે.
(લેખકઃ પ્રોફેસર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (આઇઆઇએસઇઆર), મોહાલી).
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















