'કૉક્રોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દીપકે 6 જૂને ભારત પરત ફરશે - ન્યૂઝ અપડેટ

કૉક્રોચ જનતા પાર્ટી, અભિજીત દીપકે

ઇમેજ સ્રોત, instagram/cockroachjantaparty

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સોશિયલ મીડિયા ઝુંબેશ 'કૉક્રોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ 6 જૂને ભારત આવશે અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે.

તેઓ દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરશે.

અભિજિત દીપકે હાલમાં અમેરિકામાં છે અને તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ સૂર્યકાંતના યુવાનો અને કૉક્રોચ વિશેના નિવેદન પછી 'કૉક્રોચ જનતા પાર્ટી' નામનું સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશના સ્થાપક મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરના અભિજિત દીપકે છે. આ અગાઉ તેઓ આમ આદમી પાર્ટીની કૉમ્યુનિકેશન ટીમમાં પણ કામ કરી ચૂક્યા છે.

અભિજિત દીપકે જાહેરાત કરી હતી કે "હું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવા માટે ભારત પરત ફરી રહ્યો છું.

હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે 'યુદ્ધવિરામ'ને લઈને એક મહત્ત્વપૂર્ણ કરાર થયો

હિઝબુલ્લાહ, અમેરિકા, ઇઝરાયલ, બીબીસી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, હિઝબુલ્લાહે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારવાની પુષ્ટિ કરી છે, જેમાં બંને બાજુથી હુમલાઓ રોકવાની હાકલ કરવામાં આવી છે (ફાઇલ ફોટો)

લેબનોન દ્વારા અપાય રહેલી જાણકારી અનુસાર, હિઝબુલ્લાહે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે કે તે ઇઝરાયલ પર હુમલો નહીં કરે અને ઇઝરાયલ બૈરુત પર હુમલો નહીં કરે.

અમેરિકામાં લેબનોનના દૂતાવાસે જણાવ્યું કે હિઝબુલ્લાહે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારવાની પુષ્ટિ કરી છે, જેમાં બંને બાજુથી હુમલાઓ બંધ કરવાની હાકલ કરવામાં આવી છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કરારની પુષ્ટિ કરી પરંતુ ચેતવણી આપી, "જો હિઝબુલ્લાહ અમારાં શહેરો અને નાગરિકો પર હુમલો કરવાનું બંધ નહીં કરે, તો બૈરુત પર હુમલા ચાલુ રહેશે."

સોમવારે મોડી રાત્રે લેબનોનના દૂતાવાસે જણાવ્યું હતું કે, "આ પ્રસ્તાવ હેઠળ, ઇઝરાયલ બૈરુતના દક્ષિણ વિસ્તારો પર હુમલા બંધ કરશે અને બદલામાં, હિઝબુલ્લાહ ઇઝરાયલ પર હુમલો કરશે નહીં. આ યુદ્ધવિરામ સમગ્ર લેબનોન પર લાગુ થશે."

આ નિવેદનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નેતન્યાહૂ અને હિઝબુલ્લાહના પ્રતિનિધિઓ સાથે વાત કર્યા પછી આવ્યા છે, જેમણે ગોળીબાર બંધ થવા પર સંમતિ વ્યક્ત કરી હતી.

ગુજરાત : રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ

ગુજરાત, વરસાદ, હવામાન

ઇમેજ સ્રોત, daxesh shah

ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ નોંધાયો.

વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાના બનાવ પણ બન્યા છે.

ગઈ કાલે રાત્રે સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સહિત અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

અરવલ્લીના શામળાજીના ખેરાડી પાસે આવેલા મણિનગર કંપામાં કરા સાથે વરસાદ જોવા મળ્યો.

ખેડાના નડિયાદ સહિત કપડવંજ, કઠલાલ, ડાકોર, ઠાસરા, મહેમદાવાદ, મહુધા, માતરમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો.

વડોદરામાં ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી, શિનોર, પાદરામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોડી રાત્રે વીજળીના ગાજવીજ સાથે વરસાદ નોંધાયો.

દાહોદમાં વાવાઝોડાને કારણે સાઇનબોર્ડ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, બે ઘાયલ

દાહોદ, વરસાદ, મોત, વાવાઝોડું

ઇમેજ સ્રોત, daxesh shah

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દાહોદનાં અનેક ગામોમાં ભારે પવન ફૂંકાયો હોવાને કારણે કેટલાંય વૃક્ષો પડી ગયાં હતાં તે ઉપરાંત વીજ થાંભલા પડી જવાથી અનેક ગામોમાં વીજળી ગુલ થઈ હતી.

બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની સૌથી વધુ અસર દાહોદના સંજેલી તાલુકામાં થઈ હોવાનું જાણવા મળ્યું છે.

"ગઈ કાલે પડેલા ભારે વરસાદને કારણે દાહોદમાં અનેક વૃક્ષો સહિત એક મોટું સાઇનબોર્ડ પણ ધરાશાયી થયું હતું."

દાહોદની ગરબાડા ચોકડી પાસે વાવાઝોડાને કારણે એક મોટું સાઇનબોર્ડ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે લોકો ઘાયલ થયા છે.

ઘટના પછી દાહોદના ગરબાડા અલીરાજપુરમાં બંને બાજુ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો

બનાવ પછી ઘટનાસ્થળે પહોંચેલા દાહોદના ડીવાયએસપી જે પી ભંડારીના જણાવ્યા અનુસાર, દાહોદની ગરબાડા ચોકડી પાસે આવેલ એક સાઇન બોર્ડ વાવાઝોડાને કારણે પડી ગયું હતું. ત્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે ઇજા ગંભીર હોવાને કારણે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

જો કે ત્યારબાદ મળતી વિગતો અનુસાર અને બીબીસી સહયોગી દક્ષેશ શાહે તે વાતની પૃષ્ટી કરી હતી કે આ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન