ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો, રાજીનામાં રોકવા માટે સરકારે કયો નિર્ણય લીધો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સની વધતી અસર હવે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરો સુધી પહોંચી ગઈ છે.
સ્ટાર્ટઅપ સેક્ટરે દેશમાં અનેક ક્ષેત્રોમાં નવા માનકો સ્થાપિત કર્યા છે, પરંતુ જેણે હવે પ્રતિષ્ઠિત ભારતીય અંતરીક્ષ અનુસંદાન સંગઠન ઇસરોને હચમચાવી નાખ્યું છે.
હવે અંતરીક્ષ વિભાગે પોતાના વૈજ્ઞાનિકોનાં રાજીનામાંના સ્વીકાર કરવા અંગેના નિયમો બદલ્યા છે. તેનું કારણ એ જણાવાઈ રહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં અંદાજે 100-200 વૈજ્ઞાનિકો ઇસરો છોડીને સ્પેસ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાઈ ગયા છે.
કેન્દ્ર સરકારના આ વિભાગે એક ઑફિસ મૅમોરેન્ડમમાં જણાવ્યું હતું કે તેણે 'ગગનયાન અને અન્ય મહત્ત્વનાં મિશન' અથવા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા ગ્રૂપ 'એ' વૈજ્ઞાનિકો સિવાયના ટેકનિકલ કર્મચારીઓ પાસેથી સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) અને રાજીનામાની વિનંતીઓ હવે સામાન્ય પ્રક્રિયા હેઠળ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
એટલે કે ઇસરોનાં વિવિધ કેન્દ્રોના ડાયરેક્ટરો અથવા વડાઓ પાસે હવે રાજીનામાં સ્વીકારવાનો અધિકાર નહીં રહે.
વિભાગે જણાવ્યું હતું કે "વૈજ્ઞાનિક/એન્જિનિયર-એસજીના રૅન્કથી નીચેના અધિકારીઓના કિસ્સામાં પણ સંબંધિત કેન્દ્રોના ડાયરેક્ટરો અથવા યુનિટ હેડ તેમની સ્પષ્ટ ભલામણો સાથે દરખાસ્તો વિભાગને મોકલશે, જ્યાં અંતિમ નિર્ણય લેવાશે."
સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારાઓમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતે લૉન્ચ વ્હીકલ માર્ક-3 (LVM-3)ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિક્ટર જૉસેફનો પણ સામેલ છે.
જણાવાઈ રહ્યું છે કે ઇસરોનાં બધાં કેન્દ્રોમાંથી યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરે પોતાના 14,600 વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ગુમાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય અગ્રણી અવકાશ ટૅક્નૉલૉજી સંગઠનના આ નિર્ણયથી અંતરીક્ષ વૈજ્ઞાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે કે સ્ટાર્ટઅપ્સ અંતરીક્ષ ક્ષેત્રને કેવી રીતે મજબૂત થશે અને શું આ રીતે અન્ય સંસ્થાઓના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આકર્ષવા યોગ્ય છે.
શું સરકારની નીતિ બદલાઈ ગઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇસરોના પૂર્વ અધ્યક્ષ જી. માધવન નાયર કહે છે કે આ સ્થિતિ આઇટી ક્રાંતિ દરમિયાન ઊભી થઈ હતી અને આ તેનું પુનરાવર્તન છે.
તેમણે બીબીસી ન્યૂઝ હિંદીને કહ્યું, "આવી પ્રક્રિયા ઇસરોની ગતિવિધિઓ પર ગંભીર અસર કરી શકે છે."
તેમણે કહ્યું, "મારું માનવું છે કે પ્રતિભાને આ રીતે અન્ય સંસ્થાઓમાં જવું જોઈએ નહીં. આ ઉદ્યોગને વિકસવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ તેણે પોતાના લોકોની ભરતી અને તાલીમ ખુદ આપવી જોઈએ, ઇસરો જેવી સ્થાપિત સંસ્થાઓમાંથી અનુભવી વ્યાવસાયિકોને ન લેવા જોઈએ."
જોકે ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક સચિવ પી.જી. દિવાકર ઇસરો છોડનારા વૈજ્ઞાનિકોની સંખ્યાથી પરેશાન નથી. તેમનું માનવું છે કે પહેલાં ઇસરો મોટી સંખ્યામાં અર્થ ઑબ્ઝર્વેશન અને કૉમ્યુનિકેશન સેટેલાઇટ લૉન્ચ કરતું હતું, પરંતુ "આજે અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઇટની ઊણપ છે."
દિવાકર કહે છે, "સરકારી આખી નીતિ બદલાઈ ગઈ છે. પહેલાં સરકાર ઇસરોને રિસોર્સમેન્ટ, કાર્ટોસૅન્ટ અને ઑશનસૅન્ટ જેવી પરિયોજનાઓ માટે પૈસા આપતી હતી. ઇસરો સામાજિક હિતમાં સેટેલાઇટ બનાવતું હતું. પરંતુ હવે સરકારે અલગ-અલગ મંત્રાલયોને કહ્યું કે તે પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના સેટેલાઇટ ખુદ લૉન્ચ કરે."
તેમનું માનવું છે કે મંત્રાલયોને સામાજિક હિત માટે ઉપગ્રહોમાં રોકાણની જરૂરિયાત સમજવા માટે હજુ સમય લાગશે. જોકે તેમને આશા છે કે ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સ ઝડપથી આગળ વધી રહ્યું છે.
તેમણે કહ્યું, "હાલમાં વૈજ્ઞાનિકોને આ એક આકર્ષક વિકલ્પ લાગી રહ્યો છે."
ખાનગી સેક્ટરમાં વૈજ્ઞાનિકો ઇસરો જેવું કામ કરી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ એ છે કે શું સ્ટાર્ટઅપ્સમાં વૈજ્ઞાનિકોને ઇસરો જેવી સંસ્થામાં મળે છે એવો વૈજ્ઞાનિક વિકાસ મળશે?
દિવાકર કહે છે કે શરૂઆતમાં કદાચ એવી તકો મળે, પરંતુ "જો સ્ટાર્ટઅપ્સ આગળ વધે તો વૈજ્ઞાનિકોને પણ ફાયદો થશે અને તે ફક્ત પૈસા કમાવવા પૂરતું મર્યાદિત નહીં રહે."
તો માધવન નાયર તેનાથી અસંમત છે. તેઓ કહે છે, "ખાનગી ક્ષેત્ર ઊંચા પગારો આપી શકે છે, પરંતુ ત્યાં એવાં પડકારજનક વૈજ્ઞાનિક કામ નહીં થાય."
ઇસરોમાં કોઈ વ્યવસ્થાગત સમસ્યાઓને કારણે વૈજ્ઞાનિકો ખાનગી ક્ષેત્ર જઈ રહ્યા કે કેમ તે અંગે તેમણે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, તેમણે ખાનગી ક્ષેત્ર અને સરકારી પગાર વચ્ચેના નોંધપાત્ર તફાવતને સ્વીકાર્યો હતો.
તેમણે કહ્યું, "આ એક ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્ર છે, જ્યાં અસાધારણ પ્રતિભા ધરાવતા લોકોની જરૂર હોય છે. સરકારે આવી પ્રતિભાને જાળવી રાખવા ખાસ પ્રયાસો કરવા પડશે. ઇસરોના વૈજ્ઞાનિકો માટે ખાસ પ્રોત્સાહન યોજનાઓ સમાપ્ત થઈ ગઈ છે."
માધવન નાયરે જણાવ્યું કે વડા પ્રધાન મનમોહનસિંહના કાર્યકાળમાં "અમે સરકારને એ સમજાવવામાં સફળ રહ્યા હતા કે સ્પેસ અને ન્યુક્લિયર ઍનર્જી સેક્ટરોને અન્ય સરકારી નોકરીથી અલગ માનવી જોઈએ."
બાદમાં પર્ફૉર્મન્સ આધારિત પ્રોત્સાહન યોજના, રોકડ ઇનામ યોજના અને સ્પેશિયલ સેલરી વૃદ્ધિ જેવી અનેક યોજના શરૂ કરાઈ હતી.
તેમણે કહ્યું, "સમય જતા તેમાંથી અનેક યોજના ધીરે-ધીરે પાછી લેવાઈ ગઈ."
નાયરે કહ્યું કે "આ નિર્ણય લેનારા કેટલાક લોકો કદાચ અતંરીક્ષની જટિલતાઓ અને તેની માગને સારી રીતે સમજતા નહોતા."
સ્પેસ સ્ટાર્સઅપ્સનો વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે ઇસરો કૉમ્યુનિકેશન સેટેલાઇટ, અર્થ ઑબ્ઝર્વેશ સેટેલાઇટ બનાવાવાની સાથે ચંદ્રયાન અને મંગલયાન જેવાં મિશન પણ ચલાવી રહ્યું હતું.
દિવાકર કહે છે, "આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે તમારી પાસે પિક્સેલ, સ્કાયરૂટ, અગ્નિકુલ, ગેલેક્સી-આઇ જેવી કંપનીઓ છે. હું 10-15 ઉત્તમ સ્પેસ સ્ટાર્ટઅપ્સનાં નામ આપી શકું છું જે વિદેશી રોકાણને પણ આકર્ષિત કરી રહ્યાં છે."
જાન્યુઆરીમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી અને અંતરીક્ષમંત્રી જિતેન્દ્રસિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતનું અંતરીક્ષ અર્થતંત્ર વધીને આશરે 8.4 અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે અને દેશમાં 399 સ્પેસ સ્ટાર્ટઅપ્સ કાર્યરત્ છે. આ સ્ટાર્ટઅપ્સ લૉન્ચ વ્હીકલ, સેટેલાઇટ, પ્રોપલ્શન સિસ્ટમ્સ અને સ્પેસ-ગ્રેડ ઇલેક્ટ્રોનિક્સ જેવાં ક્ષેત્રોમાં સક્રિય છે.
જિતેન્દ્રસિંહે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે "આ મેમો વહીવટી કારણસર તૈયાર કરાયો છે જેથી વધુ પરિપક્વ સ્તરે નિર્ણય લઈ શકાય. આનાથી એ પણ સુનિશ્ચિત થશે કે વૈજ્ઞાનિકોની અવરજવરની પરિયોજનાઓ પર પ્રતિકૂળ અસર ન પડે."
સરકારે 2019માં ઇન્ડિયન નૅશનલ સ્પેસ ઍન્ડ ઑથૉરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)ની સ્થાપના સાથે સ્પેસ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલી દીધું હતું. આ સંસ્થા ખાનગી ક્ષેત્ર અને ઇસરો જેવી સરકારી એજન્સીઓ વચ્ચે એક સિંગલ-વિન્ડો ઇન્ટરફેસ તરીકે કામ કરે છે.
ઇસરો અધિકારીઓ તરફથી પ્રતિભાવ મળ્યા પછી આ અહેવાલ અપડેટ કરવામાં આવશે. ઇસરોના એક અધિકારી (જેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નથી)એ બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે ચૅરમૅન વી. નારાયણન દિલ્હીમાં છે અને મીડિયા સાથે વાત કરવા માટે તેમને અધિકૃત કરાયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























