You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે, કયા કર્મચારીઓને માત્ર એક વર્ષ પછી ગ્રેચ્યુઇટી મળે છે?
પહેલી એપ્રિલ, 2026થી દેશમાં કેટલાક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થયા છે જેમાં ગ્રેચ્યુઇટીના નિયમો પણ સામેલ છે.
આ ફેરફાર તમામ લોકોને નહીં, પરંતુ ફિક્સ્ડ ટર્મ માટે કામ કરતા કર્મચારીઓને લાગુ પડશે. તેમણે ગ્રેચ્યુઇટી ક્લેમ કરવા માટે સળંગ પાંચ વર્ષ સુધી નોકરી કરવી નહીં પડે. આ ઉપરાંત તેમના હાથમાં આવતી રકમ પણ વધી જશે.
અહીં ગ્રેચ્યુઇટી શું છે, નવા ફેરફાર કેવા છે અને તેનાથી કોને કેવી અસર પડશે તેની વાત કરી છે.
ગ્રેચ્યુઇટી શું છે?
ગ્રેચ્યુઇટી એ કર્મચારીને તેના રોજગારદાતા અથવા કંપની દ્વારા લાંબા ગાળાની સર્વિસ બદલ ચૂકવવામાં આવતી એક લમ્પસમ રકમ હોય છે.
સામાન્ય રીતે 5 વર્ષની સળંગ સર્વિસ પૂરી કર્યા પછી કર્મચારી ગ્રેચ્યુઇટી મેળવવાને પાત્ર બને છે. આ ગાળા પછી કર્મચારી રાજીનામું આપીને નોકરી છોડે, રિટાયર થાય, મૃત્યુ થાય અથવા વિકલાંગ થાય તો તેને ગ્રેચ્યુઇટી મળે છે. ગ્રેચ્યુઇટી એ રેગ્યુલર પગારનો હિસ્સો નથી, પરંતુ એક પ્રકારનો સોશિયલ સિક્યૉરિટીનો લાભ છે.
ગ્રેચ્યુઇટીના નિયમોમાં કેવો બદલાવ થયો
પહેલી એપ્રિલથી નવા લેબર કૉડ લાગુ થયા છે જેના કારણે પ્રોવિડન્ટ ફંડ, પગાર અને ગ્રેચ્યુઇટીના નિયમોમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે.
હવેથી રિટાયરમેન્ટના લાભોની ગણતરી માટે વેતન કોને કહેવાય તેના નિયમો પણ બદલાયા છે.
શ્રમ મંત્રાલયે એક દસ્તાવેજ બહાર પાડીને કેટલીક બાબતો વિશે સ્પષ્ટતા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં જણાવાયું છે કે નવા લેબર કોડ 21 નવેમ્બર, 2025ની અસરથી લાગુ કરવામાં આવ્યા છે અને ગ્રેચ્યુઇટીની ગણતરી પણ તેના હેઠળ કરવામાં આવશે. તેનો અર્થ એવો થયો કે જે કર્મચારીઓ 21 નવેમ્બર 2025ના રોજ અથવા ત્યાર પછી કંપનીમાં જોડાયા છે, તેઓ એક વર્ષની સળંગ સર્વિસ પછી ગ્રેચ્યુઇટી મેળવવાને પાત્ર ગણાશે.
ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીના નિયમમાં જે ફેરફાર થયો છે, તે પ્રમાણે એક વર્ષની સર્વિસ પૂર્ણ કર્યા પછી કર્મચારીનો કૉન્ટ્રાક્ટ ખતમ થાય, તો તેને ગ્રેચ્યુઇટી ચૂકવવી પડશે.
નૉન-ફિક્સ્ડ ટર્મ કર્મચારી પાંચ વર્ષની સળંગ સર્વિસ પૂરી કરે ત્યાર પછી તેને ગ્રેચ્યુઇટી ચૂકવવી જ પડશે.
તેમાં સર્વિસ સમાપ્ત થવાનું કારણ સેવાનિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ અથવા દુર્ઘટના કે બીમારીના કારણે વિકલાંગતા અથવા કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઇડ કોઈ ઘટના હોવી જોઈએ.
ગ્રેચ્યુઇટી ચૂકવવાને પાત્ર બને તેના 30 દિવસની અંદર કંપનીએ કર્મચારીને તેની ચૂકવણી કરવાની હોય છે.
નવો લેબર કોડ શું કહે છે?
ગ્રેચ્યુઇટીના નવા નિયમ મુજબ ફિક્સ્ડ ટર્મ કર્મચારીએ માત્ર એક વર્ષની સર્વિસ પૂરી કરી હોય અને તેનો કૉન્ટ્રાક્ટ ખતમ થાય તો કંપનીએ ગ્રેચ્યુઇટી ચૂકવવી પડશે. તેમાં ગ્રેચ્યુઇટીની ગણતરી પ્રો રેટા બેસિસ પર કરવામાં આવશે. એટલે કે જેટલા સમયગાળા માટે કામ કરવામાં આવ્યું હોય તેના સમપ્રમાણમાં ગ્રેચ્યુઇટી ચૂકવાશે.
ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને કંપનીઓ દ્વારા એક લેખિત કૉન્ટ્રાક્ટ હેઠળ નિશ્ચિત સમયગાળા માટે નોકરી પર લેવામાં આવતા હોય છે, જેને એક અથવા બે વર્ષ માટે લંબાવી શકાય છે.
ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે?
નવા લેબર કાયદા પ્રમાણે કર્મચારીના કુલ સીટીસી (કોસ્ટ ટુ કંપની)માં બેઝિક પગાર વત્તા ડીએ (મોંઘવારી ભથ્થું)નો હિસ્સો ઓછામાં ઓછો 50 ટકા હોવો જરૂરી છે. આના કારણે કર્મચારીઓના ગ્રેચ્યુઇટીની રકમમાં મોટો વધારો થવાની શક્યતા છે.
કર્મચારીના છેલ્લા વેતન (બેઝિક પે વત્તા DA) અને નોકરીમાં પૂર્ણ કરેલા વર્ષના આધારે ગ્રેચ્યુઇટીની ગણતરી થાય છે. માસિક પગાર મેળવતા કર્મચારી માટે સર્વિસમાં પૂરા કરેલા દરેક વર્ષ દીઠ 15 દિવસનું વેતન ગણતરીમાં લેવાય છે. ઉત્પાદકતાના આધારે વેતન મેળવતા કર્મચારી માટે છેલ્લા ત્રણ મહિનાના વેતનની સરેરાશને ધ્યાનમાં લેવાય છે. જ્યારે ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે પ્રો-રેટા ધોરણે ગ્રેચ્યુઇટીની ગણતરી થાય છે.
છેલ્લા માસિક પગારનો 15/26 સાથે ગુણાકાર કરીને તેને સર્વિસના પૂરા કરેલા વર્ષ સાથે ગુણવાથી ગ્રેચ્યુઇટીની રકમ મળે છે.
ઉદાહરણ તરીકે છેલ્લો પગાર 40 હજાર રૂપિયા હોય અને 10 વર્ષની સર્વિસ પૂરી કરી હોય તો 40,000 x 10 x 15 કરીને તેને 26 વડે ભાગવાથી રૂપિયા 2,30,769 ગ્રેચ્યુઇટી થશે.
ગ્રેચ્યુઇટી માટે વર્ષની ગણતરી
ગ્રેચ્યુઇટી માટે નોકરીના વર્ષની ગણતરી કેવી રીતે થાય છે તે પણ જાણી લો.
પાંચ વર્ષની નોકરી પૂરી થયા બાદ 6 મહિના કરતા એક દિવસ પણ વધારે હોય તો આગામી આખા વર્ષ માટે રાઉન્ડ અપ કરવામાં આવે છે, પરંતુ છ મહિનામાં એક દિવસ ઓછો હોય અથવા છ મહિના પૂરા થયા હોય તો રાઉન્ડ ડાઉન કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે 10 વર્ષ અને સાત મહિના પૂરા થયા હોય તો ગ્રેચ્યુઇટીની ગણતરી માટે 11 વર્ષ ગણવામાં આવે છે. પરંતુ 10 વર્ષ અને 5 મહિના થયા હોય તો તેને 10 વર્ષ જ ગણવામાં આવે છે.
નોકરી સમાપ્ત થયા પછી ગ્રેચ્યુઇટી તરીકે વધુમાં વધુ કેટલી ટૅક્સ ફ્રી રકમ મળશે તેની મર્યાદા પણ નક્કી થયેલી છે.
ભારતમાં સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુઇટી તરીકે મળતી સમગ્ર રકમ ટૅક્સ ફ્રી છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી પર ટૅક્સ ભરવો પડતો નથી, પરંતુ તેનાથી ઉપરની રકમ પર ટૅક્સ કપાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન