'ધરતી પરનું નરક': ટ્રમ્પે ભારત વિશે 'વિવાદિત' પોસ્ટ શૅર કરી, ભારતે કેવી પ્રતિક્રિયા આપી?

વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રૂઢિવાદી લેખક અને રેડિયો હોસ્ટ માઇકલ સૈવેજના જન્મસિદ્ધ નાગરિકતા વિશેના એક 'વિવાદિત લખાણ' શૅર કર્યું છે.

તેમાં સૈવેજે દાવો કર્યો કે હાલનો કાયદો, માઇગ્રન્ટ્સને તેમની ગર્ભાવસ્થાના 'નવમા મહિના'માં અમેરિકા પહોંચીને સ્થાનિક કાયદાનો લાભ ઉઠાવવાની પરવાનગી આપે છે.

માઇકલ સૈવેજનું જે નિવેદન ટ્રમ્પે શૅર કર્યું છે, તેમાં લખ્યું છે, "અહીં એક બાળક તરત નાગરિક બની જાય છે અને પછી એ આખા પરિવારને ચીન કે ભારત કે વિશ્વના અન્ય કોઈ નરકમાંથી લઈ આવે છે. આ જોવા માટે તમારે વધારે દૂર જવાની જરૂર નથી, અહીં હવે ઇંગ્લિશ નથી બોલાતી."

એ બાદ ભારતમાં ટ્રમ્પના આ પગલાની ટીકા થઈ રહી છે. ગુરુવારે મોડી સાંજે ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

અમેરિકાએ બાદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદિત સોશિયલ મીડિયા રિપોસ્ટથી થયેલા નુકસાનને સંભાળવાની કોશિશ કરી.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, ભારતમાં અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું, "રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારત એક મહાન દેશ છે, જ્યાં ટોચના પદે મારા ખૂબ સારા મિત્ર છે."

પ્રવક્તાનું આ નિવેદન ભારતીય મીડિયાના સવાલોના જવાબમાં આવ્યું. પ્રવક્તાએ એ વાત સ્પષ્ટ ન કરી કે ટ્રમ્પે ભારતને 'મહાન દેશ ગણાવતી ટિપ્પણી ક્યારે અને ક્યાં કરી હતી.'

ગુરુવારે મોડી સાંજે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે એ નિવેદનો જોયાં અને બાદમાં તેના પર અમેરિકન દૂતાવાસની પ્રતિક્રિયા પણ જોઈ. આ ટિપ્પણી માહિતી વિનાની અને અનુચિત છે. એ નિશ્ચિતપણે ભારત-અમેરિકાના સંબંધોની હકીકતને નથી બતાવતી, જે લાંબા સમયથી એકમેક પ્રત્યેનાં સન્માન અને સામાન્ય હિતો પર આધારિત છે."

શૅર કરાયેલી પોસ્ટમાં શું છે?

અમેરિકામાં જન્મના આધારે મળતી નાગરકિતા આજકાલ ચર્ચાનો એક મુદ્દો છે.

ટ્રમ્પે જે પોસ્ટ શૅર કરી છે, તેમાં માઇકલ સૈવેજે લખ્યું છે, "આજની નાની-નાની ચર્ચા એ દલીલો વિશે હશે, જે હાલ સુપ્રીમ કોર્ટમાં બર્થરાઇટ સિટીઝનશિપ વિશે સાંભળી. દલીલો સાંભળીને મને થોડો ગુસ્સો આવ્યો, કારણ કે જે કંઈ પણ કહેવાયું એ કાયદાકીય વાતો હતી."

તેમનું કહેવું છે કે, "અમેરિકન બંધારણ હવાઈ યાત્રા શરૂ થતાં પહેલાં લખાયું હતું. કહેવાની જરૂર નથી, ટેલિવિઝનથી પહેલાં, ઇન્ટનેટથી પહેલાં અને રેડિયોથી પહેલાં."

પોસ્ટમાં શૅર કરાયેલા ટેક્સ્ટમાં લખાયું છે કે 'માઇગ્રન્ટ્સને કારણે અમેરિકાના લોકોને નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે. તેમનું માનવું છે કે માઇગ્રન્ટ્સ અમેરિકનોનો અધિકાર છીનવી રહ્યા છે.'

"આ જોવા માટે તમારે વધારે દૂર જવાની જરૂર નથી. અહીં હવે ઇંગ્લિશ નથી બોલાતી. આજે આવનારા ઇમિગ્રન્ટ ક્લાસમાં આ દેશ માટે લગભગ કોઈ વફાદારી નથી, જે પહેલાં પણ ક્યારેય નહોતી."

ટ્રમ્પે એસીએલયુ (અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન) પર અતિશય કઠોર ટિપ્પણી કરી છે.

તેમણે લખ્યું, "આ લોકોએ આ દેશને એ તમામ માફિયા પરિવારો કરતાં પણ વધુ નુકસાન પહોંચાડ્યું છે, તેમને એક સાથે ભેળવી દેવામાં આવે, તો પણ તે આમની સામે કંઈ નથી. આ લૅપટૉપવાળા ગુંડા છે. તેમણે આપણને ખરાબ રીતે લૂંટ્યા છે, આપણી સાથે સેકન્ડ ગ્રેડ સિટીઝન જેવું વર્તન કર્યું છે અને 'થર્ડ વર્લ્ડ'ને આપણી પર હાવી થવા દીધું છે, આપણા ધ્વજનું અપમાન કર્યું છે."

"અમેરિકન સિવિલ લિબર્ટિઝ યુનિયનનાં વકીલ વાંગ આપણી રાષ્ટ્રીય ઓળખને નષ્ટ કરવા માગે છે, આપણને ચીનની કૉલોની બનાવવા માગે છે, પરંતુ આ વાત માત્ર ભારત સુધી સીમિત નથી, એ ભારત પર પણ લાગુ થાય છે."

આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વને સીમિત કરનારા કારોબારી આદેશ અંગે શંકા વ્યક્ત કરી હતી.

કોર્ટના મોટા ભાગના જજ એ વાત અંગે આશ્વસ્ત નહોતા કે અમેરિકાએ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનાં બાળકો અને કેટલાક અસ્થાયીપણે અમેરિકા આવતા કેટલાક લોકોને નાગરિકતા આપવાનું બંધ કરી દેવું જોઈએ.

ટ્રમ્પ પ્રશાસનનો તર્ક છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર અંકુશ લાદવા માટે બર્થરાઇટ સિટીઝનશિપને સીમિત કરવું જરૂરી છે.

તેમના વિરોધીઓનું કહેવું છે કે આનાથી એક સદી કરતાં વધુ પુરાણી પરંપરા પલટાઈ જશે.

ભારતના વિપક્ષના નિશાન પર ટ્રમ્પ

ટ્રમ્પે આ પોસ્ટ બાદ ભારતમાં વિપક્ષની કઠોર પ્રતિક્રિયા જોવા મળી.

કૉંગ્રેસ પોતાના ઍક્સ હૅન્ડલ પર લખ્યું, "અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને 'નરક' ગણાવ્યું. આ નિવેદન અત્યંત અપમાનજનક અને ભારતવિરોધી છે. આનાથી દરેક ભારતીયને ઠેસ પહોંચી છે."

કૉંગ્રેસ પાર્ટીએ માગ કરી છે કે વડા પ્રધાન મોદીએ આ વિશે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે વાત કરવી જોઈએ અને પોતાનો કડક વિરોધ નોંધાવવો જોઈએ.

કૉંગ્રેસે કહ્યું, "જોકે, મોદીના અત્યાર સુધીના રેકૉર્ડને જોતાં આ વાતની આશા ન રાખી શકાય કે મોદી ટ્રમ્પ સામે કંઈ કહી શકશે. ટ્રમ્પ સતત ભારત વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા આવ્યા છે, અને મોદી ચૂપચાપ સાંભળે છે. નરેન્દ્ર મોદી એક નબળા વડા પ્રધાન છે, અને આખો દેશ તેનાં પરિણામ ભોગવી રહ્યો છે."

ટ્રમ્પની આ પોસ્ટ અંગે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર લખ્યું, "મોદીજીના પ્રેમાળ મિત્ર, 'નમસ્તે ટ્રમ્પે' એક નોટ શૅર કરી છે, જેમાં ભારતીયોને ગાળો અપાઈ છે અને એક અત્યંત અપમાનજનક શબ્દનો ઉપયોગ કરાયો છે. મોદીજી આ અતાર્કિક વાતો અંગે બિલકુલ મૌન છે."

તેમણે આગળ લખ્યું, "વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે 'હું માત્ર આટલું જ કહેવા માગીશ.' મોદીજી તમે કઈ વાતથી ગભરાઓ છો? અમેરિકાની સફળતામાં ભારતીયોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. અમેરિકન સરકારમાં ટોચના સ્તરે આ મુદ્દાને ઉઠાવવાથી તમને શું રોકી રહ્યું છે?"

તેમજ કૉંગ્રેસ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જવાબ અંગે કહ્યું, "માનવીય શરીરમાં એક ભાગ હોય છે, જે આ જવાબમાં ક્યાંક ગાયબ થઈ ગયો હોય એવું લાગે છે. ઓછામાં ઓછું એટલી હિંમત તો રાખો કે ઊભા થઈને કહી શકો કે આપણે પાંચ હજાર વર્ષ જૂની સભ્યતા છીએ, કોઈ નરક નથી."

કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને 'નરક' કહેવાની હિંમત કેવી રીતે થઈ? તેમની ભારતીયોને 'લૅપટૉપ ગૅંગસ્ટર' કહેવાની હિંમત કેવી રીતે થઈ? તેમણે આ વાતો અમેરિકન સુપ્રીમ કોર્ટમાં જન્મસિદ્ધ નાગરિકતા મુદ્દે કહી."

"આપણે આનો જોરદાર વિરોધ કરવો જોઈએ, ભલે મોદી સરકાર તરફથી અત્યાર સુધી પિન ડ્રૉપ સાઇલન્સ છે."

રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ ટ્રમ્પને સંબોધિત કરતાં ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "આજે અમે (ભારતના લોકો) સૂઈને ઊઠ્યા, તો જોયું કે તમે ભારતીયો માટે અપમાનજક ભાષાનો ઉપયોગ કર્યો છે, આ વાત ફરી વાર કહેવી જરૂરી છે, કારણ કે તમે આને એક ટેવ બનાવી લીધી છે."

"તમે સતત જાહેર સંવાદના સ્તરને નીચે લાવતા જઈ રહ્યા છો. જોકે, તમે જે કહ્યું છે, એ માત્ર ખેદજનક જ નહીં, બલકે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેને ન તો ભુલાવવામાં આવશે ન માફ કરાશે."

આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું, "ભારતનું અપમાન કરવાથી કદાચ તમને હેડલાઇન્સ મળી જાય, પરંતુ ભારતને આપની મંજૂરીની કોઈ જરૂર નથી. 140 કરોડ લોકોના આ દેશ પાસે ગરિમા, પ્રતિભા અને સભ્યતાનો વારસો છે. ભારત તમારી નિવેદનબાજીથી પરિભાષિત નથી થતું."

તેમણે લખ્યું, "ભારતને 'નરક' કહેવું એ ભારતનું અપમાન નથી, બલકે તમારા અજ્ઞાન અને પોકળ અહંકારને બેનકાબ કરતી વાત છે."

ઈરાને શું કહ્યું?

ટ્રમ્પની આ પોસ્ટ બાદ ઈરાનમાં મુંબઈ કૉન્સુલેટે પોતાના ઍક્સ હૅન્ડલ પર મુંબઈનો એક વીડિયો શૅર કર્યો, જેમાં શહેરના ખ્યાત ગણેશોત્સવ સાથોસાથ ત્યાંની વિભિન્ન ઝલકો દેખાડાઈ હતી.

વીડિયો સાથે પોસ્ટ કરાયેલા મૅસેજમાં લખાયું હતું, "કદાચ કોઈએ મિસ્ટર ટ્રમ્પ માટે એકતરફી કલ્ચરલ ડિટૉક્સ બુક કરી દેવું જોઈએ. બની શકે કે તેનાથી તેમની અકારણ બકવાસ થોડી ઘટી જાય."

તેમજ હૈદરાબાદમાં ઈરાની કૉન્સુલેટે મુંબઈ કૉન્સુલેટવાળા પોસ્ટને શૅર કરતા લખ્યું, "મુંબઈમાં અમને શું શું ગમ્યું? ચા સાથે બન-મસ્કા, વડાપાઉં, પાઉંભાજી - માત્ર ત્રણ બાઇટમાં જ એક ખરાબ દિવસને ઠીક કરી દે. અમે રોટી અને રિસ્પેક્ટમાં માનીએ છીએ, પરંતુ જ્યારે દક્ષિણ ભારતમાં કદમ મૂક્યું... ભાઈ, એ તો એક અલગ જ લીગ છે. જાણે, ભારતે પોતાનું 'હેવન મોડ' અનલૉક કરી લીધું હોય - અમારો વિશ્વાસ કરો, એ આનાથી ઝાઝું ખૂબસૂરત છે."

વધુ એક પોસ્ટમાં ઈરાની કૉન્સુલેટે લખ્યું, "ચીન અને ભારત સભ્યતાના પ્રમુખ ઉદ્ગમસ્થળ છે, ખરેખર નરક તો એ સ્થળ છે, જ્યાં તેનો યુદ્ધ-અપરાધી રાષ્ટ્રપતિ ઈરાનની સભ્યતાને મિટાવી દેવાની ધમકી આપે છે."

અમેરિકામાં પ્રતિક્રિયા

તેમજ અમેરિકાના કૅલિફોર્નિયાથી યુએસ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્ય, ડેમૉક્રૅટિક સાંસદ રો ખન્નાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને ટૅગ કરતાં લખ્યું, "શું રાષ્ટ્રપતિ ચીન કે ભારત કે વિશ્વના અન્ય કોઈ નરક જેવા દેશમાંથી આવનારા ઇમિગ્રન્ટ્સ અંગે તમારી કોઈ ટિપ્પણી છે? શું તમે પણ માનો છો કે ભારત એક નરક છે અને ચાઇનીઝ કે ભારતીય ઇમિગ્રન્ટ્સ અમેરિકાને નબળું પાડે છે?"

નોંધનીય છે કે જેડી વેન્સનાં પત્ની ઉષા વેન્સ ભારતીય મૂળનાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન