'ક્યારેક ગરમીમાં ચાલતાં-ચાલતાં ચક્કર આવવા લાગે છે', ભીષણ ગરમીમાં પણ ભરબપોરે કામ કરવા મજબૂર આશા વર્કરની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, મહિલા આશા વર્કરો ગરમી બપોર પરસેવો કામ સંઘર્ષ આંગણવાડી કાર્યકર્તા

ઇમેજ સ્રોત, Mayank Mongia/BBC

ઇમેજ કૅપ્શન, ભીષણ ગરમીમાં આશા વર્કરો કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે અમે આશા વર્કર પ્રિન્સ રોઝ સાથે એક દિવસ પસાર કર્યો.
    • લેેખક, નવજોતકોર
    • પદ, બીબીસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

બપોરે બે વાગ્યે, પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના મંડી ગોવિંદગઢના મુઘલ માજરા વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન સાથે ગરમી પડી રહી છે.

ઘરોની બહાર શેરીઓમાં ફક્ત થોડા જ લોકો દેખાઈ રહ્યા છે. પસાર થનારા લોકો પોતાનું માથું અને ચહેરો કપડાંથી ઢાંકીને રાખી રહ્યા છે.

આવા તડકામાં, હાથમાં રજિસ્ટર સાથે, ખભા પર કાળી બૅગ લટકાવીને, ગુલાબી સૂટ પહેરીને, 27 વર્ષનાં આશા વર્કર, ઘરે ઘરે જઈને, ગરમીથી પોતાની જાતને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ તેમના તમામ પ્રયાસો જાણે કે નિરર્થક સાબિત થઈ રહ્યા છે.

ઘણાં ઘરોનું સર્વેક્ષણ કર્યાં પછી અને લોકોને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યાં પછી, આ મહિલાને એક છાંયડો મળ્યો અને તેમણે પોતાની બૅગમાંથી પાણીની બૉટલ કાઢી. તેમણે પહેલાં પાણી પીધું, પછી પોતાના ચહેરા પર થોડાં ટીપાં છાંટી, અને દીવાલના ટેકે નમીને ઊભાં રહ્યાં.

આ વાત છે 27 વર્ષીય પ્રિન્સ રોઝની, જે પંજાબમાં આશા વર્કર તરીકે કામ કરે છે. પ્રિન્સ રોઝે લગભગ ત્રણ વર્ષ પહેલાં આ કામ કરવાનું શરૂ કર્યું હતું.

તેઓ પોતાનાં પતિ અને પુત્રી સાથે મંડી ગોવિંદગઢમાં રહે છે.

મે મહિનામાં પંજાબ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું હતું. હવામાન વિભાગે ઘણા દિવસો સુધી પંજાબમાં હીટવેવ ઍલર્ટ પણ જાહેર કર્યું હતું.

આ સમય દરમિયાન, ફતેહગઢ સાહિબ સહિત પંજાબના ઘણા જિલ્લામાં દિવસ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું.

ગરમીના આ દિવસોમાં, બીબીસીની ટીમે કાળઝાળ ગરમીમાં કામ કરી રહેલાં આશા વર્કરો પૈકી એક એવાં પ્રિન્સ રોઝ સાથે એક દિવસ વિતાવ્યો.

અમે એ સમજવાનો પ્રયાસ કર્યો કે ઍર કન્ડિશનિંગના યુગમાં શેરીઓમાં કામ કરતાં મહિલાઓ આટલી ગરમી કેવી રીતે સહન કરે છે?

ઍર કન્ડિશનિંગના યુગમાં શેરીઓમાં કામ કરતાં આશા વર્કરનો સંઘર્ષ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, મહિલા આશા વર્કર પ્રિન્સ રોઝ તેમનાં પતિ અને પુત્રી સાથે મંડી ગોવિંદગઢમાં રહે છે. ગરમી ઉનાળો પાણી તરસ આંગણવાડી કાર્યકર્તા

ઇમેજ સ્રોત, Mayank Mongia/BBC

ઇમેજ કૅપ્શન, આશા વર્કર પ્રિન્સ રોઝ તેમનાં પતિ અને પુત્રી સાથે મંડી ગોવિંદગઢમાં રહે છે.

દરરોજ સવારે, પ્રિન્સ ઘરકામ પૂરું કરે છે, પોતાની ચાર વર્ષની દીકરીને તૈયાર કરે છે અને તેને સ્કૂલે મૂકી આવે છે. ક્યારેક, તેમના પતિ પણ દીકરીને સ્કૂલે મૂકતા આવે છે.

બાળકને શાળાએ મૂક્યા પછી, તેઓ તેમના આંગણવાડી કેન્દ્ર તરફ જવા માટે રિક્ષા પકડે છે, અને ત્યાંથી, દિવસનું બધું કામ પૂર્ણ કર્યાં પછી, તેઓ તેમના સામાન સાથે તેમના બ્લૉકમાં પહોંચે છે.

અહીં, લગભગ એક હજાર ઘરોમાં, તેમણે સરકારી નીતિઓ અને યોજનાઓ હેઠળ બાળકો, સગર્ભા સ્ત્રીઓ, મહિલાઓ, નવદંપતીઓ અને વૃદ્ધોને લગતી સેવાઓ વિશે માહિતી એકત્રિત કરવાની હોય છે, અથવા તેમને સેવાઓ પૂરી પાડવાની હોય છે.

આશા કાર્યકરો ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (એનએચએમ) હેઠળ કામ કરે છે. પંજાબમાં લગભગ 22 હજાર આશા વર્કરો કામ કરે છે. તેઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સરકારી આરોગ્ય યોજનાઓ અને નીતિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.

આશા વર્કરને કઈ-કઈ સમસ્યા નડે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, મહિલા પ્રિન્સ રોઝનાં માતા પણ આશા કાર્યકર હતાં, તેમનાં માતાના મૃત્યુ પછી તેમને આ નોકરીની ઑફર કરવામાં આવી હતી. ગરમી ઉનાળો બપોર પાણી તરસ આંગણવાડી કાર્યકર્તા

ઇમેજ સ્રોત, Mayank Mongia/BBC

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ રોઝનાં માતા પણ આશા કાર્યકર હતાં, તેમનાં માતાના મૃત્યુ પછી તેમને આ નોકરીની ઑફર કરવામાં આવી હતી.

પ્રિન્સ રોઝ પાસે એએનએમમાં ડિપ્લોમા છે. તેઓ કહે છે કે તેમનાં માતા પણ આશા વર્કર હતાં, પરંતુ જ્યારે તેમનાં માતાનું અવસાન થયું, ત્યારે તેમને આશા વર્કર તરીકે કામ કરવાની ઑફર મળી, જેને તેમણે એ વિચારીને સ્વીકારી લીધી કે તેઓ પોતાનાં માતાનું કામ અપનાવશે.

પ્રિન્સ રોઝ કહે છે, "આશા વર્કર તરીકે, તેમને દર મહિને રૂ. 2,500નો મૂળ એટલે કે બેઝિક પગાર મળે છે અને તેની સાથે, તેમને દરેક કાર્ય અનુસાર ઇન્સેન્ટિવ પણ મળે છે. જે મળીને દર મહિને રૂ. ચાર-પાંચ હજાર મળી જાય છે."

અમે પ્રિન્સ રોઝ સાથે વાત કરી એ દિવસે તેમના ગર્ભપાત થયાના દસ દિવસ જ થયા હતા, પાંચ દિવસના વિરામ બાદ તેઓ ફરી પાછાં કામે વળગી ગયાં હતાં.

જ્યારે પ્રિન્સ રોઝને આટલી જલદી કામ પર પરત ફરવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "તે શરમજનક છે કે બાળક બચી શક્યું નહીં. તમારે ગુજરાન ચલાવવા માટે કામ કરવું પડશે. જ્યારે હું શારીરિક રીતે સારું અનુભવવા લાગી, ત્યારે હું કામ પર પાછી જવા લાગી. જો મેં વધુ સમય સુધી રજા લીધી હોત, તો મારો પગાર કાપી લેવામાં આવ્યો હોત."

ઓછા પગારે કામ કરવા મજબૂર છે આશા વર્કર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, મહિલા

ઇમેજ સ્રોત, Mayank Mongia/BBC

ઇમેજ કૅપ્શન, આશા વર્કર તરીકે પ્રિન્સ રોઝને દર મહિને રૂ. 2,500 મૂળ પગાર એટલે કે બેઝિક પગાર તરીકે મળે છે અને દરેક કાર્યના આધારે ઇન્સેન્ટિવ પણ મળે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રિન્સ રોઝ કહે છે, "ઉનાળો હોય કે શિયાળો, આશા વર્કરોએ દરેક પ્રકારના હવામાનમાં કામ કરવું પડે છે. જો કોઈ સગર્ભા સ્ત્રીને મોડી રાત્રે, વરસાદમાં પણ હૉસ્પિટલ લઈ જવી પડે, તો અમે જઈએ છીએ. પછી ઉનાળામાં કામ કરવું એ કોઈ મોટો પડકાર નથી."

તે કહે છે, "ક્યારેક ગરમીમાં ચાલતી વખતે મને ચક્કર આવવા લાગે છે, પણ ગામમાં ફરતી વખતે મને બેસવા માટે કોઈ સારી જગ્યા મળતી નથી. આવી સ્થિતિમાં, છાંયડો શોધ્યા પછી મારે એકલી ઊભા રહેવું પડે છે અથવા બેસવું પડે છે. કેટલાક ગામલોકો મને પીવા માટે પાણી આપે છે, તો ઘણા લોકો ઘરનો દરવાજો પણ ખોલતા નથી. મારે બહારથી દરવાજો ખખડાવીને પાછા ફરવું પડે છે."

તેઓ આ કામ કેમ કરે છે તેના જવાબમાં તેઓ કહે છે, "આ કામ કરવાનું સારું લાગે છે, ભલે પૈસા ઓછા હોય, પણ લોકોની સેવા કરવાનું સારું લાગે છે. જો આપણે તે નહીં કરીએ, તો કોણ કરશે? લોકોને આપણી મદદની જરૂર છે. સસ્તી દવાઓ, સસ્તી રસીઓ અમારા દ્વારા જ સામાન્ય લોકો સુધી પહોંચે છે. તો પછી તડકો જોઈને અમે કામ કરવાનું કેવી રીતે બંધ કરી શકીએ?"

"અમને મળતો પગાર પૂરતો નથી, તેથી અમે સારું ઇન્સેન્ટિવ મેળવવા માટે વધુ કામ કરીએ છીએ જેથી અમને દર મહિને સારી આવક મળી શકે."

તેઓ આગળ સમજાવે છે કે હવે વસ્તીગણતરીનું કામ પણ આશા વર્કરો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જોકે, તેમને વસ્તીગણતરી માટે અલગ પગાર મળશે, પરંતુ બંને કામોનો ભાર વધી ગયો છે. જો વસ્તીગણતરીનું કામ બપોરે ત્રણ-ચાર વાગ્યે કરવાનું હોય, તો સૂર્ય માથે હોય છે અને આટલી ગરમીમાં રસ્તા પર બે વાર ચાલવું ખૂબ મુશ્કેલ લાગે છે.

ગરમીથી પોતાને કેવી રીતે બચાવશો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, મહિલા પ્રિન્સ રોઝનું કહેવું છે કે તેમની પાસે ગરમીથી બચવા માટેનો માત્ર એક જ રસ્તો છે, એ છે પાણી

ઇમેજ સ્રોત, Mayank Mongia/BBC

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ રોઝનું કહેવું છે કે તેમની પાસે ગરમીથી બચવા માટેનો માત્ર એક જ રસ્તો છે, એ છે પાણી

પ્રિન્સ કહે છે, "ગરમીથી બચવાનો એકમાત્ર રસ્તો પાણી છે. અમે પાણી પીને ગરમીથી બચીએ છીએ. અમારી પાસે ઓઆરએસ પૅકેટ હોય છે, પણ અમે તેનો ઉપયોગ પોતાના માટે કરવાનું ભૂલી જઈએ છીએ."

શું તમે તમારી ત્વચાને ગરમીથી બચાવવા માટે કોઈ ક્રીમ કે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો?

તેઓ આ વાત સાંભળીને હસે છે અને કહે છે, "બૅગ બીજી વસ્તુઓથી ભરેલી છે, સનસ્ક્રીન મૂકવાની કોઈ જગ્યા નથી, અને તેનો ક્યારેય ઉપયોગ પણ થયો નથી. મેં ક્યારેય સનસ્ક્રીન વિશે વિચાર્યું પણ નથી."

મોંઘું પેટ્રોલ ખિસ્સા પર બોજ નાખી રહ્યું છે

પ્રિન્સ કહે છે કે ભારતમાં તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાથી તેમના જીવન પર ઊંડી અસર પડી છે.

તે કહે છે, "ઘરમાં ફક્ત એક જ ટુ-વ્હીલર છે, જેનો હું અને મારા પતિ બંને ઉપયોગ કરીએ છીએ. પરંતુ પેટ્રોલના ભાવમાં વધારાને કારણે તેનો ઉપયોગ પણ ઓછો થઈ ગયો છે. હવે અમે પગપાળા અથવા ઑટો દ્વારા મુસાફરી કરવાનો પ્રયાસ કરીએ છીએ."

આશા વર્કર્સ યુનિયન પંજાબનાં પ્રમુખ કિરણદીપકોર પંજોલા કહે છે કે પંજાબમાં આ કાળઝાળ ગરમીમાં હજારો આશા વર્કરો સતત કામ કરી રહ્યાં છે. ગરમીથી બચવા માટે વિભાગે કેટલીક સૂચનાઓ જાહેર કરી છે, જેમ કે, પાણીની બૉટલ, ઓઆરએસ અને છત્રી પાસે રાખવી.

તેમ છતાં, સ્ત્રીઓ માટે તડકામાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણી સ્ત્રીઓ આ બધું ભૂલી જાય છે.

શું તમારી જરૂરિયાતો અનુસાર કામના કલાકો બદલી શકાય છે?

આ વિશે વાત કરતાં કિરણદીપ કહે છે, "ભલે ગમે તેટલો તડકો હોય, આશા વર્કરનું કામ અટકી શકતું નથી. જો કોઈ સગર્ભા સ્ત્રીને તપાસની જરૂર હોય, અથવા માતા અને બાળકને રસી આપવાની જરૂર હોય, આ બધું ગમે તે સમયે થઈ શકે, આ કાર્યો સવારે કે સાંજે કરી શકાતાં નથી. એટલા માટે આશા વર્કરને ફક્ત તડકામાં જ કામ કરવું પડે છે."

કિરણદીપ પંજોલા કહે છે કે આશા વર્કરો માટે પરિવહનનાં કોઈ સાધનો ઉપલબ્ધ નથી. જો તેઓ પોતાનાં વાહનોનો ઉપયોગ કરે છે, તો તેમને પેટ્રોલ-ડીઝલ ભથ્થું પણ મળતું નથી. આ કારણે, આશા વર્કરો માટે તેમનું કામ કરવું મુશ્કેલ બને છે, પરંતુ તેમણે લોકોની સેવા કરવા માટે તેમનું કાર્ય ચાલુ રાખવું પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન