ભારતના બંધારણમાં અપાયેલો વિરોધ કરવાનો અધિકાર શું છે, નાગરિકો વિરોધ કરવા ઉપરાંત શું કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જાહ્નવી મૂળે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
કૉક્રોચ જનતા પાર્ટીના આંદોલનને કારણે વિરોધ કરવાનો અધિકાર અને તે સંબંધી નિયમો વિશે ફરીથી ચર્ચા થઈ રહી છે.
કોઈ મુદ્દાનો વિરોધ કે આંદોલન કરવાનો અધિકાર તમામ ભારતીય નાગરિકોને બંધારણીય અધિકાર છે, પરંતુ તેના પર કાયદા દ્વારા કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે.
આ અધિકાર ખરેખર શું છે? વિરોધ માટે કઈ પરવાનગીઓ જરૂરી હોય છે? નાગરિકો વિરોધ કરવા ઉપરાંત બીજું શું શું કરી શકે છે? આવો, જાણીએ.
'પ્રોટેસ્ટ ઇઝ એસેન્સ ઑફ ડેમૉક્રેસી' એટલે કે મતભેદ અથવા વિરોધ લોકશાહીનું હાર્દ છે, એવું કહેવાય છે અને આંદોલન એ વિરોધ દર્શાવવાની એક રીત છે. બીજી વાત, ભારતની આઝાદીનાં આંદોલનોનો ઇતિહાસ શાંતિપૂર્ણ વિરોધનો છે.
તેથી બંધારણની રચના કરતી વખતે વિરોધ કરવાના અધિકારને અભિવ્યક્તિની આઝાદીના અધિકાર હેઠળ મૌલિક અધિકારોમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ભારતીય બંધારણની કલમ ક્રમાંક 19 (1) એ અને બી અનુસાર, ભારતમાં દરેક વ્યક્તિને બોલવાની અને અભિવ્યક્તિની આઝાદીની સાથે-સાથે શાંતિ તથા હથિયાર વિના એકઠા થવાની આઝાદી છે.
નાગરિકોના શસ્ત્ર વિના એકઠા થવાના, વિચારોના આદાન-પ્રદાનના અને અહિંસક વિરોધ કરવાના અધિકારને સુપ્રીમ કોર્ટે પણ અનેક સુનાવણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે.
અલબત, આ કોઈ બિનશરતી કે નિરંકુશ અધિકાર નથી. દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા, જાહેર સુરક્ષાની જાળવણી તેમજ અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવા કે અદાલતનો તિરસ્કાર તથા માનહાનિ જેવાં કારણોસર સરકાર આ અધિકાર પર વાજબી પ્રતિબંધ લાદી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ એ છે કે નાગરિકોને વિરોધ તથા આંદોલન કરવાનો અધિકાર હોવા છતાં તેમણે ચોક્કસ પ્રતિબંધોનું પાલન કરવું પડે છે.
આ પ્રતિબંધો શું છે અને તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ તો સરકાર જમાવબંધી પર પ્રતિબંધ લાદી શકે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ક્રમાંક 163 મુજબ, જિલ્લા મૅજિસ્ટ્રેટ આવો પ્રતિબંધ લાદી શકે છે.
ભારતીય શહેરોમાં વિરોધપ્રદર્શન માટે સામાન્ય રીતે ચોક્કસ સ્થળો નિશ્ચિત કરવામાં આવે છે. સ્થળ સંબંધી પ્રતિબંધની સાથે પોલીસની પરવાનગી લેવી બંધનકારક છે.
પોલીસની પરવાનગી

ઇમેજ સ્રોત, ANI
કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારનો વિષય હોવાથી વિરોધપ્રદર્શન સંબંધે દરેક રાજ્યના પોતપોતાના નિયમો હોઈ શકે છે.
વિરોધપ્રદર્શન માટે સામાન્ય રીતે પહેલાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડે છે. એ માટે ત્યાંના સર્વોચ્ચ અધિકારીને અરજી કરવાની હોય છે. વિરોધપ્રદર્શન એકથી વધુ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં યોજવાનું હોય તો ડેપ્યુટી પોલીસ કમિશનર પાસેથી પરવાનગી લેવી પડે છે.
આવી પરવાનગી લેવા માટેની અરજીમાં આયોજકનું નામ, સરનામું, ફોન નંબર, વિરોધનું કારણ, વિરોધનું સ્થાન, વિરોધનો સમયગાળો અને તેમાં ભાગ લેનારા લોકોની અંદાજિત સંખ્યા જેવી માહિતી આપવી પડે છે.
મોરચો કાઢવાનો હોય તો તેનો રૂટ શું હશે તે જણાવવું પડે છે. એ ઉપરાંત લાઉડસ્પીકર કે તંબુ વગેરેનો ઉપયોગ કરવાનો હોય તો તેની માહિતી પણ પોલીસને આપવાની હોય છે.
તેની સાથે અરજદારનું ઓળખપત્ર અને ફોટો વગેરે પણ અરજી સાથે જોડવાનાં હોય છે.
કેટલીકવાર પોલીસ ભીડ વ્યવસ્થાપન, પાણી અને શૌચાલયની ઉપલબ્ધતા તેમજ અન્ય બાબતો સંબંધી માહિતી પણ માંગી શકે છે.
પોલીસ ક્યારે પરવાનગી નકારે છે?

ઇમેજ સ્રોત, ANI
દરેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર હોવા છતાં પોલીસ આંદોલન સ્થળની નજીક રહેતા લોકોના અધિકારો તથા કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને ધ્યાનમાં લઈને પરવાનગી નકારી શકે છે.
દેશના સાર્વભૌમત્વ, એકતા, અન્ય દેશો સાથેના સંબંધ, અદાલતની અવજ્ઞા, માનહાનિ જેવા કારણોસર પણ પરવાનગી નકારી શકાય છે.
ક્યારેક કોઈ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે જ વિરોધપ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવે છે.
શાંતિપૂર્ણ વિરોધ માટે પરવાનગી આપ્યા પછી પણ, સંબંધિત વિસ્તારમાં કર્ફ્યૂ લાદીને પરવાનગી પાછી ખેંચી શકાય છે.
જોકે, પરવાનગીનો ઇન્કાર કરતી વખતે અથવા પરવાનગી પાછી ખેંચતી વખતે પોલીસ તેમજ રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓએ તેની પાછળનું કારણ સ્પષ્ટ કરવું પડે છે. ક્યો ભય હોવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે, એ તેમણે જણાવવું પડે છે.
જંતર-મંતર અને આઝાદ મેદાનમાં જ આંદોલન શા માટે?
2018માં 'મજદૂર કિસાન શક્તિ સંગઠન' દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે વિરોધપ્રદર્શન બાબતે કેટલીક બાબતો સ્પષ્ટ કરી હતી.
દિલ્હીમાં વારંવાર જમાવબંધીના આદેશો બહાર પાડીને સંસદ ભવન તેમજ અન્ય મહત્ત્વપૂર્ણ ઇમારતોની આસપાસ લેખિત પરવાનગી સિવાય વિરોધપ્રદર્શનો પર પ્રતિબંધ લાદવામાં આવતો હોવાના વિરોધમાં ઉપરોક્ત અરજી કરવામાં આવી હતી.
તે અરજીના સંદર્ભે અદાલતે વિરોધ પ્રદર્શનમાં અપેક્ષિત જનસંખ્યા અને મહત્ત્વપૂર્ણ ઇમારતોથી આંદોલન સ્થળ વચ્ચેનું લઘુતમ અંતર વગેરે જેવી બાબતો વિશે નિયમાવલી બનાવી હતી.

ઇમેજ સ્રોત, ANI
તે નિયમાવલી અનુસાર, દિલ્હીમાં વિરોધપ્રદર્શન માટે જંતર-મંતર પરિસર એક સ્થળ તરીકે પ્રસ્થાપિત થયો છે.
મુંબઈમાં છેલ્લા ત્રણ દાયકામાં મોટાંભાગનાં વિરોધપ્રદર્શનો મુખ્યત્વે આઝાદ મેદાનમાં યોજાતાં હતાં. આવાં વિરોધપ્રદર્શન તથા મોરચાઓને કારણે દક્ષિણ મુંબઈમાં સામાન્ય જનજીવનમાં વિક્ષેપ ન સર્જાય એ હેતુસર 1997માં જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી.
એ અરજીની સુનાવણી 28 વર્ષ સુધી ચાલી હતી. અંતે 2025માં સરકારે આ સંદર્ભમાં નિયમો ઘડ્યા હતા અને અદાલતને જણાવ્યું હતું કે આઝાદ મેદાનમાં વિરોધપ્રદર્શન માટે જગ્યા અનામત રાખવામાં આવશે.
શહેરમાં અન્ય સ્થળોએ પણ વિરોધપ્રદર્શનો અથવા મોરચા યોજી શકાય છે, પરંતુ એ માટે પહેલાં પોલીસની પરવાનગી લેવી અનિવાર્ય છે.
મુંબઈ પોલીસે 20 જુલાઈએ જણાવ્યું હતું કે દાદરમાં ચૈત્યભૂમિ નજીક વિરોધપ્રદર્શન કરી રહેલા કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થકોએ પરવાનગી લીધી ન હોવાને કારણે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પરવાનગી ન મળી હોય અને આંદોલન બંધ થઈ જાય તો શું કરવું?

ઇમેજ સ્રોત, Gaurav Sarjerao
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂણેસ્થિત સામાજિક કાર્યકર્તા અને સંશોધક નેહા મહાજને કહ્યું હતું કે "આંદોલન લોકશાહીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, પરંતુ આંદોલન સમાપ્ત થયા પછી નાગરિકો લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે ત્યારે જ વાસ્તવિક પરિવર્તન થઈ શકે છે. સશક્ત લોકશાહીનો આધાર જાગૃત નાગરિકો, જવાબદાર સંસ્થાઓ અને લોકભાગીદારી પર હોય છે."
સરકારો બદલાય છે, પરંતુ સંસ્થાઓ શાશ્વત રહે છે. તેથી જ સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા, નિષ્પક્ષ ચૂંટણી પંચ, જાહેર આર્થિક વ્યવહારમાં પારદર્શકતા અને સ્થાનિક સરકાર તથા નાગરિકોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
નેહા મહાજનના જણાવ્યા મુજબ, "માત્ર મંતવ્યને બદલે સવાલ પૂછો. કોઈ ઘટના માટે ક્યો વિભાગ કે અધિકારી જવાબદાર છે તે ધ્યાનમાં લો. કામની ટાઇમલાઇન, બજેટ વગેરે વિશે સવાલો પૂછો. ધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરો. દાખલા તરીકે રસ્તા ખરાબ હોવાની ફરિયાદો કરવાને બદલે એ પૂછો કે એ ખરાબ રસ્તા માટે કોણ જવાબદાર છે, તેના માટે કેટલું ભંડોળ મળ્યું છે અને તેનું સમારકામ ક્યારે થશે?"
"સરકાર કેવી રીતે કામ કરે છે તે સમજો. સંસદ અને વિધાનસભા તેમજ મ્યુનિસિપલ કૉર્પોરેશન, પંચાયત, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ અને લોકાયુક્તની ભૂમિકા સમજો."
માહિતી મેળવવાના અધિકાર વિશે, ફરિયાદ નોંધાવવા માટેની વેબસાઇટ્સ વિશે જાણો. તેનો ઉપયોગ કરો.
બજેટ, CAG રિપોર્ટ્સ, કમિટી રિપોર્ટ્સ, સરકારી આદેશો, કોર્ટના ચુકાદાઓ કાળજીપૂર્વક વાંચો અને સમજો. ફક્ત ટીવી કે સોશિયલ મીડિયા પર આધાર નહીં રાખો.
સ્થાનિક ગ્રામસભા કે વૉર્ડ સમિતિની બેઠકોમાં હાજરી આપો. તમારા કૉર્પોરેટર, ધારાસભ્ય, સાંસદને મળો. વિસ્તારના લોકો દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓમાં ભાગ લો.
સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કે શૅર કરતાં પહેલાં વીડિયો-ફોટોનો સ્રોત, તે ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો અને તેની કોઈ પશ્ચાદભૂ છે કે કેમ તે તપાસો. ખોટી માહિતી ફેલાવવાથી લોકશાહી નબળી પડે છે.
જાહેર હિતમાં કામ કરતાં સ્વયંસેવી સંગઠનો, શાળાઓ, નાગરિક જૂથો, પર્યાવરણીય સંસ્થાઓને ટેકો આપો. આવા નાગરિક સમાજથી લોકશાહી મજબૂત બને છે.
ફક્ત વ્યક્તિઓનો નહીં, પરંતુ નીતિઓનો વિરોધ કરો. વિવિધ લોકોનાં મંતવ્યો સાંભળો. બંધારણનાં મૂલ્યોનું રક્ષણ કરો.
આંદોલન પૂર્ણ થયા પછી પણ ફૉલો-અપ મહત્ત્વનું હોય છે. લેખિત દસ્તાવેજોમાંથી સત્તાવાર પ્રતિભાવ માંગો. આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર નજર રાખો. પરિવર્તન ન આવે ત્યાં સુધી ફૉલો-અપ કરતા રહો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















