ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનો લાંબો કાર્યકાળ શા માટે ચર્ચામાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
જ્યારે પણ આનંદીબહેન પટેલ વિશે ચર્ચા છેડાય, ત્યારે લોકો ઘણી વખત 1987નો બનાવ યાદ કરે છે, જેના કારણે આનંદીબહેન એક સામાન્ય શિક્ષિકામાંથી અસાધારણ હિંમતનું ઉદાહરણ બની ગયાં.
સ્કૂલની એક પિકનિક દરમિયાન, બે વિદ્યાર્થિનીઓ અચાનક નર્મદા નદીના વહેણમાં તણાવા લાગી હતી. આજુબાજુના લોકો હજુ કંઈ સમજે-વિચારે, તે પહેલાં આનંદીબહેને નદીમાં ઝંપલાવી દીધું.
થોડી જ વાર પછી તેઓ બંને વિદ્યાર્થિનીઓને સલામત રીતે કાંઠે લઈ આવ્યાં. આ બહાદુરીએ તેમને આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ અપાવી.
આનંદીબહેન વિશે કહેવાય છે કે, તેમને જે સાચું લાગે છે, તે કરવામાં તેઓ ખચકાતાં નથી. તે સમયે તેમની હિંમતની સમગ્ર ગુજરાતમાં ચર્ચા થઈ હતી.
હવે તેઓ ફરી વખત સમાચારોમાં ચમક્યાં છે, પણ આ વખતે ઉત્તર પ્રદેશનો મામલો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં યુનિફૉર્મ પહેરવું ફરજિયાત કરી દીધું છે.
આ આદેશ પછી ઉત્તર પ્રદેશની સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓ માટે યુનિફૉર્મ પહેરવો ફરજિયાત થઈ ગયો છે.
અગાઉ, વિદ્યાર્થીઓ માટે ફક્ત 12મા ધોરણ સુધી જ યુનિફૉર્મ પહેરવો અનિવાર્ય હતો. સ્નાતક અને તેનાથી ઉપરનો અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓ માટે યુનિફૉર્મ આવશ્યક ગણાતો નહોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી, રાજ્યપાલના આદેશનો વિરોધ થઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ એસટી હસનનું માનવું છે કે, યુનિવર્સિટીઓમાં યુનિફૉર્મ ફરજિયાત કરવાનો નિર્ણય વ્યવહારુ રીતે સાચો નથી.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી દિનેશ શર્માએ રાજ્યપાલના આદેશનું સમર્થન કર્યું છે.
તેમણે કહ્યું હતું, "જો યુનિવર્સિટીનાં બાળકો એક સરખાં દેખાય તો તે સારી બાબત છે અને દૂરથી જોતાં પણ જાણી શકાય કે, આ બાળકો જે-તે યુનિવર્સિટીનાં છે."
આનંદીબહેન યુપીમાં લાંબા સમયથી રાજ્યપાલ છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આનંદીબહેન પટેલ 29મી જુલાઈ, 2019થી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ છે. આ પદ પર તેમને લગભગ સાત વર્ષ પૂરાં થવા આવ્યાં છે.
ઉત્તર પ્રદેશ પહેલાં 2018માં તેમને મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમનો કાર્યકાળ 28મી જુલાઈ, 2019 સુધી રહ્યો હતો. થોડા સમય માટે તેમણે છત્તીસગઢનાં કાર્યકારી રાજ્યપાલ તરીકેનું પદ પણ સંભાળ્યું હતું.
રાજ્યપાલની ટર્મ સામાન્યપણે પાંચ વર્ષની હોય છે, તેમ છતાં બંધારણીય નિષ્ણાતો કહે છે કે, નવા રાજ્યપાલની નિમણૂંક ન થાય, ત્યાં સુધી આ કાર્યકાળ ચાલુ રહે છે.
આનંદીબહેન પટેલ ઉત્તર પ્રદેશમાં 1950થી નિયુક્ત તમામ રાજ્યપાલોમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવે છે. તેમની પહેલાં માત્ર થોડા રાજ્યપાલોએ જ પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો હતો.
ઉદાહરણ તરીકે, વિશ્વનાથ દાસ (1962-67), બી ગોપાલા રેડ્ડી (1967-72), બીડી જત્તી (1980-1985) અને મહમ્મદ ઉસ્માન આરિફ (1985-1990) જેવા કેટલાક રાજ્યપાલોનો કાર્યકાળ આશરે પાંચ વર્ષનો હતો.
તેમના પછી ટીવી રાજેશ્વર, બીએલ જોશી અને 2014માં કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા પછી રામ નાઇકે લગભગ પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હતી.
આનંદીબહેન પટેલને શા માટે આટલી લાંબી ટર્મ આપવામાં આવી છે, તેને લઈને ચર્ચા જાગી છે. શું આ બાબત કોઈ રાજકીય સંબંધ ધરાવે છે?
આનંદીબહેન : શિક્ષકથી રાજ્યપાલ સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
રાજકારણમાં પ્રવેશ કર્યો, તે પહેલાં આનંદીબહેન પટેલ શિક્ષિકા હતાં. તેમનો જન્મ 1941માં ગુજરાતના મહેસાણામાં થયો હતો.
આનંદીબહેન પટેલ 1987માં રાજકારણમાં પ્રવેશ્યાં હતાં. આનંદીબહેનના વ્યક્તિત્વને બહેતર રીતે રેખાંકિત કરનારી ઘટનાઓ જ તેમના રાજકારણમાં પ્રવેશની પૃષ્ઠભૂમિ બની હતી.
આ ઘટના સ્કૂલની એક પિકિનિક દરમિયાન બની હતી, જ્યારે તેમણે જીવના જોખમે સરદાર સરોવરમાં ડૂબી રહેલી બે છોકરીઓનો જીવ બચાવ્યો હતો.
પોતાના જીવની પરવા કર્યા વિના પાણીમાં છલાંગ લગાવી દેવા બદલ તેમની ચારેકોર પ્રશંસા થઈ હતી. આ માટે આનંદીબહેન પટેલને રાજ્ય સરકાર દ્વારા બહાદુરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઘટના પછી તે સમયે ગુજરાતના શક્તિશાળી નેતા કેશુભાઈ પટેલે આનંદીબહેનને રાજકારણમાં લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
આનંદીબહેન પટેલ 1998માં ગુજરાતનાં ધારાસભ્ય બન્યાં હતાં. તે પહેલાં 1994માં તેઓ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. આ ઉપરાંત તેઓ ગુજરાત ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ પણ રહ્યાં હતાં.
ગુજરાત ભાજપના ભૂતપૂર્વ નેતા જયનારાયણ વ્યાસ કહે છે કે, આનંદીબહેન પટેલને રાજકારણમાં દિગ્ગજ નેતા તરીકે સ્થાપિત કરવાનું ખરું શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.
જયનારાયણ વ્યાસ હવે ગુજરાત કૉંગ્રેસના ઉપાધ્યક્ષ છે.

ઇમેજ સ્રોત, Getty Images
2014માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, તે પછી આનંદીબહેન પટેલને ગુજરાતનાં મુખ્ય મંત્રી નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમણે ઑગસ્ટ, 2016 સુધી તે પદ સંભાળ્યું, પણ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન લડી.
ગુજરાતનાં મુખ્ય મંત્રી બન્યાં પૂર્વે આનંદીબહેન પટેલે ઘણાં વર્ષો સુધી રાજ્યની કૅબિનેટનાં મહત્ત્વના પૉર્ટફોલિયો સંભાળ્યાં હતાં. નરેન્દ્ર મોદીની તત્કાલીન રાજ્ય સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યાં હતાં.
રાજકીય નિષ્ણાતો માને છે કે, નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, તે પછી આનંદીબહેન રાજકીય રીતે તેમની નિકટ આવ્યાં.
નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી, એટલે કે 2014 સુધી ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહ્યા. તેઓ વડા પ્રધાન બન્યા, ત્યાર બાદ આનંદીબહેને રાજ્યનો કારભાર સંભાળ્યો.
કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને હાલમાં રાજ્ય સરકારના કૅબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા કહે છે, "આનંદીબહેન પટેલ ઘણાં બુદ્ધિશાળી અને કુશળ વહીવટકર્તા છે. ગુજરાતમાં મંત્રી તરીકે કામગીરી કરવા દરમિયાન તેમણે શિક્ષણ અને મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફારો કર્યા હતા. ખાસ કરીને તેઓ પારદર્શક રીતે કામ થાય, તે સુનિશ્ચિત કરવા પર ખાસ ધ્યાન આપતાં."
તે સમયે અર્જુન મોઢવાડિયા વિપક્ષના નેતા હતા. આનંદીબહેનને યાદ કરતાં તેઓ કહે છે, "તેમને વિપક્ષનાં મહિલા ધારાસભ્યો સાથે ઘણા સારા સંબંધો હતા. તેઓ સીધી વાત કરવામાં માનતાં હતાં."
જોકે, તેમની સાથે કામ કરી ચૂકેલા લોકો દાવો કરે છે કે, રાજકારણમાં તેમનો ઉદય થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.
જયનારાયણ વ્યાસ અત્યારે કૉંગ્રેસના નેતા છે. અગાઉ તેઓ ભાજપ સાથે હતા અને રાજ્ય સરકારમાં મંત્રીપદે રહી ચૂક્યા હતા.
તેમણે બીબીસી હિંદીને જણાવ્યું હતું, "જેમ-જેમ નરેન્દ્ર મોદી રાજકારણમાં પ્રગતિ સાધતા ગયા, તેમ-તેમ આનંદીબહેન પટેલે પણ પ્રગતિ સાધી."
વ્યાસ કહે છે, "તે સમયે ભાજપમાં વાચાળ મહિલાઓનો અભાવ હતો અને તે પણ એક કારણ છે. પણ નરેન્દ્ર મોદી રાજકારણમાં આનંદીબહેનના ગૉડફાધર છે."
સાથે જ જયનારાયણ વ્યાસ એ કહેવાનું પણ ચૂકતા નથી, "ગુજરાતના રાજકારણમાં આનંદીબહેન અમિત શાહનાં વિરોધી ગણાય છે, પણ અમદાવાદમાં બંને એક જ વિસ્તારમાં રહે છે."
રાજ્યપાલના કાર્યકાળને લઈને ઊઠતા સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
2025ના વર્ષમાં ઉત્તર પ્રદેશ કૉંગ્રેસે રાજ્યપાલ આનંદીબહેન પટેલના કાર્યકાળને લઈને સવાલો ઊઠાવ્યા હતા.
આ મામલે રાજ્ય કૉંગ્રેસના મીડિયા સેલના ચૅરમૅન સીપી રાયે કહ્યું હતું, "રાજ્યપાલનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. જો રાજ્યપાલનો કાર્યકાળ તેનાથી લંબાય, તો તે અંગે ખુલાસો થવો જોઈએ."
રાજ્યપાલ તરીકેના આનંદીબહેનના લાંબા કાર્યકાળ પરના સવાલ અંગે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા મહમ્મદ આઝમે કહ્યું હતું, "રાજ્યપાલ સરકારને કોઈ સવાલ પૂછતાં નથી, ચાહે નિર્દોષ લોકોના ઘર પર બુલડોઝર ફરી વળતું હોય, નકલી ઍન્કાઉન્ટર થતું હોય કે પછી 69,000 શિક્ષકોની ભરતીમાં અનામતનો મુદ્દો હોય, તેઓ મૌન જ રહે છે."
દેશમાં રાજ્યપાલનો કાર્યકાળ પાંચ વર્ષનો છે.
વરિષ્ઠ પત્રકાર અને કાનૂન નિષ્ણાત પ્રભાકર મિશ્રાના જણાવ્યા અનુસાર, "બંધારણની કલમ 155 હેઠળ, રાજ્યોના રાજ્યપાલોની નિમણૂંક કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે."
તેમણે આગળ કહ્યું હતું, "કલમ 156ની જોગવાઈ અનુસાર, રાજ્યપાલનો સામાન્ય કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પણ રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય, ત્યાં સુધી પદ ધરાવે છે. તેનો અર્થ એ કે, રાષ્ટ્રપતિ કોઈપણ સમયે તેમને પદ પરથી દૂર કરી શકે છે. રાષ્ટ્રપતિ ઇચ્છે, ત્યાં સુધી રાજ્યપાલ પદ પર રહી શકે છે."
લખનઉના વરિષ્ઠ પત્રકાર સૈયદ કાસિમે જણાવ્યું હતું, "તેમને આટલો લાંબો કાર્યકાળ આપવાનો કોઈ અર્થ નથી. શું દેશમાં આ હોદ્દાને લાયક બીજું કોઈ નથી? તેનો અર્થ એ કે, તેમની ટર્મ તેમના ગુજરાત કનેક્શનને લીધે લંબાવાઈ રહી છે."
કેટલાક લોકો ઉલ્લેખ કરે છે કે, લાંબા કાર્યકાળ છતાં આનંદીબહેન પટેલ વિવાદોથી દૂર રહ્યાં છે.
લખનઉમાં વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ કલ્હંસ જણાવે છે, "તેમણે વડા પ્રધાનનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. આથી જ, પાંચ વર્ષ સુધી હોદ્દા પર રહ્યા પછી પણ તેમના સ્થાન પર બીજા કોઈને નિયુક્ત કરવામાં આવ્યા નથી."
તેમણે કહ્યું હતું, "અત્યાર સુધી રાજ્યમાં તેમને લઈને કોઈ રાજકીય વિવાદ થયો નથી. તમામ લોકો તેમને મળી શકે છે. રાજ્ય સરકાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, પણ કોઈ હસ્તક્ષેપ કરવામાં આવતો નથી."
વરિષ્ઠ પત્રકાર સૈયદ કાસિમે આ પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું, "કેન્દ્ર અને રાજ્ય, બંનેમાં ભાજપ સરકાર હોવાથી રાજ્યપાલની દરમિયાનગીરીનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી."
તેઓ આગળ કહે છે, "તેઓ સરકાર પાસે જવાબ નથી માગી રહ્યાં, તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે, ચાહે તે કાયદો અને વ્યવસ્થા વિશે હોય કે પછી ઍન્કાઉન્ટર વિશે."
આનંદીબહેન અને આચાર્ય દેવવ્રતનો લાંબો કાર્યકાળ

ઇમેજ સ્રોત, Getty Images
2014માં નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તા પર આવ્યા, તે પછી અગાઉની યુપીએ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલોને હઠાવીને તેમના સ્થાને નવા રાજ્યપાલો ગોઠવવામાં આવ્યા.
મોદી સરકારના શાસનકાળ દરમિયાન નિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલોમાં આચાર્ય દેવવ્રત 22મી જુલાઈ, 2019થી ગુજરાતના રાજ્યપાલ છે.
અગાઉ તેઓ ઘણાં રાજ્યોના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે. આચાર્ય દેવવ્રત અને આનંદીબહેન પટેલના કાર્યકાળને પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે.
બીજા પણ ઘણા રાજ્યપાલો છે, જેમની પાંચ વર્ષની ટર્મ પૂરી થવામાં છે, પણ આ ટર્મમાં નાયબ રાજ્યપાલની ટર્મ સમાવિષ્ટ નથી.
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીતસિંહ, મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની પાંચ વર્ષની ટર્મ પૂરી થવાના આરે છે. આ તમામ રાજ્યપાલોની નિમણૂંક જૂન-જુલાઈ, 2021માં થઈ હતી.
ભારતમાં રાજ્યપાલની ભૂમિકા શું છે?
રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા હોવા ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચેની મહત્ત્વની કડી તરીકે પણ કામ કરે છે.
પ્રભાકર મિશ્રાના જણાવ્યા પ્રમાણે, "રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અથવા તો કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન માટેની ભલામણ માટે રાજ્યપાલ સીધા ગૃહ મંત્રાલયને અહેવાલ મોકલે છે. "
લોકશાહી માળખામાં વિધાનસભા મહત્ત્વની ભૂમિકા ભજવતી હોવા છતાં અને રાજ્યપાલ માત્ર કેન્દ્રના પ્રતિનિધિ હોવા છતાં લઘુમતી કે બહુપક્ષીય ગઠબંધનની સરકાર ધરાવતાં રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા મહત્ત્વની બની જાય છે.
વિપક્ષ શાસિત રાજ્યોમાં ઘણી વખત રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે તણખા ઝરતા રહે છે.
તાજેતરની જ વાત કરીએ તો, પશ્ચિમ બંગાળમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજી અને તત્કાલીન રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચેના સંબંધો એટલા સુમેળભર્યા નહોતા.
ભૂતકાળના રાજ્યપાલોને લઈને થયેલા વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશ 2007થી પૂર્ણ બહુમતીની સરકાર ધરાવે છે. પરિણામે, રાજ્યપાલની ભૂમિકા મર્યાદિત થઈ ગઈ છે. જોકે, 1990 અને 2007ની વચ્ચે ઉત્તર પ્રદેશમાં ઘણી લઘુમતી સરકારો રચાઈ હતી. તે ગાળા દરમિયાન રાજ્યપાલો પણ સક્રિય રહ્યા હતા.
રાજ્યપાલ તરીકે રોમેશ ભંડારીના કાર્યકાળ દરમિયાન એવા ઘણા નિર્ણયો લેવાયા હતા, જે અદાલતની દરમિયાનગીરી પછી બદલવામાં આવ્યા હતા.
તેઓ પ્રથમ અમલદાર હતા, જેઓ જુલાઈ, 1996માં રાજ્યપાલ બન્યા હતા અને 1998 સુધી તે પદ પર રહ્યા હતા.
તેમણે ભાજપનું નેતૃત્વ ધરાવતી કલ્યાણસિંહ સરકારને બરખાસ્ત કરી દીધી હતી અને ડેમૉક્રેટિક કૉંગ્રેસના જગદમ્બિકા પાલને મુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.
જોકે, અદાલતે આ નિર્ણય ઉથલાવી દેતાં કહ્યું હતું કે, સરકારની બહુમતીનું વિધાનસભામાં પરીક્ષણ થવું જોઈએ. જગદમ્બિકા પાલ 2014થી ભાજપના લોકસભાનાં સાંસદ છે.
વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ કલ્હંસ કહે છે, "રાષ્ટ્રપતિ શાસન દરમિયાન, રાજ્યપાલ વહીવટકર્તા હોય છે, આથી જ્યારે મોતીલાલ વોરા રાજ્યપાલ હતા, ત્યારે તેઓ રાજભવનમાં નિયમિતપણે જાહેર જનતાને મળતા હતા. તેમણે સામાન્ય લોકો માટે રાજભવનનાં દ્વાર ખુલ્લાં કરી દીધાં હતાં."
મોતીલાલ વોરા 1993 અને 1996ની વચ્ચે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















