16 વર્ષીય કિશોરના પેટમાંથી 23 સિક્કા, 2 ચેઇન, નેલકટર સહિત 40 વસ્તુ મળી, એક ટેવથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો

- લેેખક, માયાકૃષ્ણન કન્નન
- પદ, બીબીસી તમિલ માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઘણી વાર બાળકોની નાની એવી હરકત માતાપિતાને મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે.
તામિલનાડુના તિરુવનમલાઈ જિલ્લાના અય્યમપલયમ ગામના એક 16 વર્ષીય કિશોરના પેટમાંથી ડૉક્ટરોએ ઓછામાં ઓછી 40 વસ્તુ બહાર કાઢી છે, જેમાં નખ કાપવાનું સાધન (નેલકટર), હેરપિન, ચેઇન અને 23 સિક્કાનો સમાવેશ થાય છે.
22 ઑગસ્ટે પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ બાદ કિશોરનાં માતા વનીતા તેને હૉસ્પિટલ લઈ ગયા હતા.
તપાસ દરમિયાન ડૉક્ટરોને તેના પેટમાં અનેક અજાણી વસ્તુ હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેની સારવાર કરાઈ અને તે જ રાત્રે આ તમામ વસ્તુઓને શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
પરંતુ આટલી બધી વસ્તુઓ તેના પેટમાં કેવી રીતે પહોંચી?
આ સમગ્ર મામલામાં ખરેખર શું બન્યું હતું?
'સિક્કા ગળી જવાની ટેવ'
16 વર્ષીય પૃથિક રોશનનાં માતા વનીતાએ બીબીસી તમિલને જણાવ્યું, "મારા પુત્રની મફત સારવાર કરીને તેનો જીવ બચાવનાર ડૉ. સુંદરપાંડિયનનો અમે ખૂબ આભાર માનીએ છીએ."
તેમણે જણાવ્યું કે તેઓ અને તેમના પતિ મહાલિંગમ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે, "અમારી ત્રણ દીકરી છે. અમે દરરોજ કામે જઈએ ત્યારે જ કમાણી થાય છે. એ રીતે જ અમારો ગુજારો ચાલે છે."
વનીતાના જણાવ્યા અનુસાર, ગયા 22 ઑગસ્ટે તેમના પુત્ર પૃથિક રોશનને પેટમાં દુખાવો શરૂ થયો અને ઊલટી થવા લાગી હતી.
તેઓ કહે છે, "તે સમયે મને કંઈ સમજાતું નહોતું. છેલ્લા કેટલાક દિવસોથી તે મારી પાસે પૈસા માગતો હતો. હું સમયાંતરે તેને પૈસા આપતી હતી. પરંતુ જ્યારે તે સતત પૈસા માગવા લાગ્યો, ત્યારે મને શંકા થવા લાગી. તે દિવસે પણ તેણે મારી પાસેથી પૈસા લીધા અને થોડી જ સેકન્ડોમાં મોંમાં મૂકીને ગળી ગયો. ત્યારે મને સમજાયું કે તે દરરોજ પૈસા ગળી રહ્યો હતો. થોડા સમય પછી તેણે પેટ પકડી રાખ્યું અને પછી ઊલટી કરી."
તેમણે વધુમાં કહ્યું, "મને સમજાતું નહોતું કે શું કરવું. હું તરત જ તેને લઈને અમારા ગામ અય્યમપલયમથી તિરુવનમલાઈની હૉસ્પિટલ પહોંચી. ત્યાં ડૉ. સુંદરપાંડિયને તરત જ મારા પુત્રના પેટની તપાસ કરી."
વનીતાએ જણાવ્યું, "આગળની તપાસમાં જાણવા મળ્યું કે તેના પેટમાં ધાતુની તીક્ષ્ણ વસ્તુઓ હતી."
તેમણે આગળ કહ્યું, "જ્યારે ડૉક્ટરે પૂછ્યું, ત્યારે મેં તેમને જણાવ્યું કે ઘરમાંથી નખ કાપવાનું સાધન, ચેઇન અને આવી બીજી વસ્તુઓ ઘણી વાર ગુમ થઈ જતી હતી. ઉપરાંત, છેલ્લા કેટલાક દિવસોથી તે દરરોજ મારી પાસેથી પૈસા લઈ રહ્યો હતો. જ્યારે ડૉક્ટરને ખબર પડી કે અમે ગરીબ પરિવારના છીએ, ત્યારે તેમણે બીજું કંઈ કહ્યું નહીં અને અમને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી."
'કબડ્ડી રમતી વખતે તે પડી ગયો હતો'

વનીતાએ જણાવ્યું કે તેમનો પુત્ર પૃથિક રોશન નવમા ધોરણ સુધી અભ્યાસમાં સારો હતો અને તેને ખાસ કરીને કબડ્ડી રમવાનો ખૂબ શોખ હતો.
તેમણે કહ્યું, "નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે કબડ્ડી રમતી વખતે પડી ગયો હતો. તેના કારણે તેના જડબાને ગંભીર ઈજા પહોંચી હતી."
વનીતાએ આગળ જણાવ્યું, "એ દિવસ પછી તે કોઈની સાથે બહુ વાત કરતો નહોતો. તે માત્ર બેસી રહેતો અને છત તરફ જોયા કરતો. શરૂઆતમાં મેં તેને ગંભીરતાથી લીધું નહોતું, પરંતુ એક દિવસ શાળાના શિક્ષકોએ મને ફોન કરીને કહ્યું કે, 'તે પહેલાંની જેમ અભ્યાસ કરતો નથી. તે પોતાની જાત સાથે જ વાતો કરતો રહે છે.'"
"મને કંઈ સમજાતું નહોતું. તેથી હું તેને કલ્લાકુરિચી, તિરુવનમલાઈ, વેલ્લોર અને અન્ય ઘણી જગ્યાએ ન્યૂરોલૉજિસ્ટ પાસે લઈ ગઈ, પરંતુ કોઈ સુધારો જોવા મળ્યો નહીં. આખરે હું તેને બૅંગલુરુ લઈ ગઈ. ત્યાં તેની તપાસ કરવામાં આવી અને દવાઓ આપવામાં આવી. જ્યાં સુધી તે દવાઓ લેતો હતો, ત્યાં સુધી તેની સ્થિતિ સારી હતી, જોકે તે ખૂબ ઊંઘતો હતો. તેમ છતાં મને પૂરો વિશ્વાસ હતો કે તે સાજો થઈ જશે. ડૉક્ટરે અમને 15 દિવસ પછી ફરી આવવા કહ્યું હતું."
જોકે, વનીતાએ જણાવ્યું કે પારિવારિક પરિસ્થિતિ અને આર્થિક તંગીને કારણે બૅંગલુરુમાં સારવાર ચાલુ રાખવી શક્ય બની નહોતી.
તેમણે વધુમાં કહ્યું, "આ દરમિયાન જ આ ઘટના બની ગઈ."
ડૉક્ટરે શું કહ્યું?

ડૉ. સુંદરપાંડિયને બીબીસી તમિલને જણાવ્યું, "જ્યારે વનીતા 16 વર્ષીય પૃથિક રોશનને લઈને આવી, ત્યારે અમે તરત જ તેનો ઍક્સ-રે કરાવ્યો. ઍક્સ-રેમાં જાણવા મળ્યું કે છોકરાના પેટમાં કેટલીક તીક્ષ્ણ વસ્તુઓ હતી. પૂછપરછ કરતાં તેની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર છેલ્લા કેટલાક દિવસોથી પૈસા ચોરતો હતો અને ઘરમાંથી નેલકટર સહિત કેટલીક વસ્તુઓ ગુમ થઈ ગઈ હતી. તેમણે એ પણ કહ્યું કે તે દિવસે (22 ઑગસ્ટે) તેણે તેમની સામે જ એક સિક્કો ગળી લીધો હતો."
ડૉ. સુંદરપાંડિયને જણાવ્યું કે મધ્યરાત્રિએ ઍનેસ્થેસિયોલૉજિસ્ટને બોલાવાયા હતા અને તાત્કાલિક સર્જરી કરાઈ હતી.
તેમણે કહ્યું, "આ સર્જરી દરમિયાન અમે તેના પેટમાંથી 23 સિક્કા, તાવીજ, નખ કાપવાનું સાધન (નેલકટર), હેરપિન, ચેઇન અને ખિલ્લી જેવી વસ્તુઓ સલામત રીતે બહાર કાઢી હતી."
તેમણે વધુમાં જણાવ્યું, "અમે તેને એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રાખીને સારવાર આપી હતી. હવે તે દર અઠવાડિયે ચેકઅપ માટે આવે છે."
ડૉક્ટરે જણાવ્યું, "પાચનતંત્રમાં રહેલી તીક્ષ્ણ વસ્તુઓના કારણે ઈજા થવાનું અથવા આંતરિક કાણાં પડી જવાનું જોખમ હતું. તેથી તાત્કાલિક સર્જરી કરવી જરૂરી હતી. સર્જરી બાદ બાળકને સઘન તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. હાલમાં તેની સ્થિતિ સ્થિર છે અને તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે."
ડૉ. સુંદરપાંડિયને વધુમાં કહ્યું, "માતાપિતાએ પોતાનાં બાળકો પ્રત્યે વધુ સતર્ક રહેવાની જરૂર છે, ખાસ કરીને એવાં બાળકો પ્રત્યે જેઓ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર લઈ રહ્યાં હોય. માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાતા લોકોની યોગ્ય સંભાળ રાખવી અને તેઓ નિયમિતપણે પોતાની દવાઓ લે છે તેની ખાતરી કરવી એ માતાપિતાની જવાબદારી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























