ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી શુભેન્દુ અધિકારી, પોલીસને આપ્યો આદેશ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન હિંદુઓને શાકાહારી ભોજન કરવા અપીલ કરી હતી, જેના મોટા પાયે વિરોધ થયો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી શુભેન્દુ અધિકારીએ દુર્ગા પૂજા દરમિયાન શાકાહારી ભોજન કરવાની અપીલ કરનાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું સમર્થન કર્યું છે.
અધિકારીએ કહ્યું કે સંતે કોઈ પર કંઈ લાદ્યું નથી અને ભવાનીપુર પોલીસ સ્ટેશનની બહાર શાસ્ત્રીનો ફોટો સળગાવનારાઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાના સત્ર દરમિયાન કહ્યું, "મેં જોયું કે લોકોએ સાધુ-સંત સમાજનું અપમાન કર્યું છે. આ રાજ્યમાં આ પ્રકારની બાબતો સહન કરવામાં આવશે નહીં."
આ પહેલાં ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ (ધીરેન્દ્ર શાસ્ત્રી)એ રવિવારે હાવડા જિલ્લાના લિલુઆમાં દુર્ગા પૂજા દરમિયાન હિંદુઓને શાકાહારી ભોજન કરવાની અપીલ કરી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રીની આ અપીલને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો ઘણો વધી ગયો છે.
વિપક્ષી પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે રાજ્યની ભાજપ સરકાર બંગાળની સંસ્કૃતિનું અપમાન કરી રહી છે.
ચીનમાં કાર્ગો જહાજમાં આગ લાગતાં ઓછામાં ઓછા 25 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Xinhua
ચીનની સરકારી ચૅનલ સીસીટીવીએ જણાવ્યું છે કે પૂર્વ ચીનના એક બંદર પર ઊભેલા વિદેશ ધ્વાજવાળા માલવાહક જહાજમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 25 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીસીટીવી પ્રમાણે, જહાજ પર સવાર 42 લોકોમાંથી 17ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી પાંચ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે અને તેમની હાલત સ્થિર છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ અગાઉ મોટા પાયે શોધખોળ અને બચાવ અભિયાન ચલાવવાનું કહ્યું હતું.
જહાજ મેન્ટેનન્સ માટે પૂર્વ ચીનના કિંગદાઓ શહેરમાં એક શિપયાર્ડમાં ઊભું હતું, ત્યારે જ સ્થાનિક સમયાનુસાર લગભગ 11.15 વાગ્યે તેમાં આગ ફાટી નીકળી હતી.
સીસીટીવી અનુસાર, આ આગ પર કાબૂ મેળવવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો.
સમાચાર એજન્સી એએફપીને એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જહાજમાંથી ઘેરો ધુમાડો ઊઠી રહ્યો હતો.
સરકારી મીડિયા તરફથી જાહેર કરાયેલી તસવીરોમાં જહાજનું નામ ઓસીન મેલોડી હોવાનું દેખાયું.
આ લાઇબેરિયાના ધ્વજવાળું 190 મીટર લાંબું કાર્ગો જહાજ છે, જે ટ્રૅકિંગ સાઇટ મેરીન ટ્રાફિક અનુસાર 31 ઑગસ્ટના રોજ કિંગદાઓ પહોંચ્યું હતું.
અફઘાનિસ્તાન સિરીઝ અને એશિયન ગેમ્સમાંથી બહાર થયા હર્ષિત રાણા, આ બૉલરને મળી જગ્યા

ઇમેજ સ્રોત, Maynard Manyowa/News Images/NurPhoto via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અફઘાનિસ્તાન વિરુદ્ધ આવનારી ટી-20 સિરીઝ અને 2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઝડપી બૉલર હર્ષિત રાણાની જગ્યાએ યશ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
હકીકતમાં, હર્ષિત રાણા રિહેબિલિટેશન માટે બીસીસીઆઈ સેન્ટર ઑફ ઍક્સેલન્સમાં અભ્યાસ કરી રહ્યા હતા અને તેમની રિકવરી સારી રીતે આગળ વધી રહી હતી. જોકે, 7 સપ્ટેમ્બરે મૅચ સિમ્યુલેશન દરમિયાન બૉલિંગ કરતી વખતે તેમને માંસપેશીમાં ખેંચ આવી હતી. ત્યારબાદ તેમને બંને ટીમોમાંથી બહાર કરી દેવામાં આવ્યા.
જ્યારે, 27 વર્ષીય યશ ઠાકુરે જુલાઈમાં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન પોતાની પહેલી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. યશે ભારત માટે અત્યાર સુધી બે મૅચ રમી છે, જેમાં તેમના નામે ચાર વિકેટ છે.
અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી-20 સિરીઝ માટે ભારતની અપડેટેડ ટીમ
શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપ કપ્તાન), શિવમ દુબે, નીતિશકુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ અને યશ ઠાકુર.
2026 એશિયન ગેમ્સ માટે ભારતની ટીમ
શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (ઉપ કપ્તાન), નીતિશકુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ, વૈભવ સૂર્યવંશી અને યશ ઠાકુર.
જૉર્ડનમાં ઈરાની હુમલામાં અમેરિકાનાં આટલાં ફાઇટર જેટને નુકસાન

ઇમેજ સ્રોત, JACK GUEZ / AFP via Getty Images
જૉર્ડનના મુવાફ્ફક સલ્તિ ઍર બેઝ પર બુધવાર સવારે ઈરાને મિસાઇલ વડે હુમલો કર્યો.
બીબીસીના અમેરિકી ન્યૂઝ પાર્ટનર સીબીએસ ન્યૂઝે જણાવ્યું કે આ હુમલામાં અનેક અમેરિકી સૈન્ય વિમાનોને નુકસાન પહોંચ્યાની માહિતી છે.
અહેવાલ મુજબ, હુમલામાં અંદાજે આઠ એફ-15 લડાકુ વિમાનોને સામાન્ય સ્તરે નુકસાન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મરામત બાદ આ વિમાનોને ફરીથી અમેરિકી ઍરફૉર્સના બેડામાં સામેલ કરી દેવામાં આવ્યાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલામાં એક 'એ-10 થન્ડરબૉલ્ટ' વિમાન પણ મિસાઇલની ચપેટમાં આવ્યું હતું. આ વિમાનની એક પાંખ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. 'એ-10'ને સામાન્ય રીતે તેના 'વૉર્થોગ' નામથી પણ ઓળખવામાં આવે છે.
સીબીએસ ન્યૂઝ સાથે વાત કરનાર ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે આ હુમલામાં કોઈ અમેરિકી સૈનિકનું મૃત્યુ થયું નથી. જોકે, સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ સૂત્રોએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે માહિતી આપી હતી.
અહેવાલ મુજબ, ઈરાની હુમલાનો જવાબ આપવા માટે જૉર્ડનમાં તહેનાત અમેરિકી દળોએ 30થી વધુ પૅટ્રિયટ મિસાઇલો છોડી હતી.
નોંધનીય છે કે ઈરાની કાર્યવાહી પહેલાં અમેરિકાએ ઈરાનનાં પાંચ ઑઇલ ટૅન્કરોને નિશાન બનાવ્યાની માહિતી આપી હતી.
ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધની માંગ અંગે ફરી શું બોલ્યાં દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે ગરબા અને નવરાત્રીના આયોજનમાં ધર્મના આધારે પ્રવેશ અંગે ફરી વખત નિવેદન આપ્યું છે.
તેમણે બુધવારે કહ્યું કે ગરબા જેવાં આયોજનોમાં સુરક્ષાના હેતુથી આઈકાર્ડ તપાસવું યોગ્ય છે, પરંતુ ધર્મના આધારે લોકોને તપાસવા યોગ્ય નથી.
અમૃતા ફડણવીસે કહ્યું, "ગરબા હોય, નવરાત્રી હોય, આ આપણા ખૂબ જ સુંદર તહેવારો છે, જે વિશ્વપ્રસિદ્ધ છે, લોકો તેને પસંદ કરે છે. આસ્થા અને શ્રદ્ધા સાથે કોઈપણ આવવા ઇચ્છે, પોતાની પરિવાર સાથે આવવા ઇચ્છે, તો મને લાગે છે કે તેમાં જાતિ-ધર્મનો ભેદ ન રહેવો જોઈએ."
તેમણે કહ્યું, "ગરબા એટલો હાઈ-ઇન્ટેન્સિટી ઇવેન્ટ હોય છે, તેથી આઈકાર્ડ જોવું ખૂબ સારી બાબત છે, પરંતુ ધર્મના આધારે જોવું યોગ્ય નથી."
હકીકતમાં, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્રમાં યોજાતા ગરબા અને દાંડીયા કાર્યક્રમોને લઈને વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)એ મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
વીએચપીએ કાર્યક્રમોમાં પ્રવેશ પહેલાં ઓળખપત્રની તપાસ કરવાની અને મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
સંગઠને ગરબા અને ડાંડીયા કાર્યક્રમોમાં પ્રવેશ માટે તિલક લગાવવું ફરજિયાત કરવાની પણ માંગ કરી છે.
ગાંધીનગરમાં નિર્માણાધીન ઇમારતમાં લોખંડનો સ્લૅબ પડ્યો, 15 મજૂરોને બચાવી લેવામાં આવ્યા

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવાર રાત્રે નિર્માણાધીન ઇમારતમાં લોખંડનો મોટો સ્લૅબ પડતાં અનેક મજૂરો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
અકસ્માત પછી રાહત અને બચાવ અભિયાન ચલાવીને અત્યાર સુધી 15 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત-બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.
સંઘવીએ જણાવ્યું કે 15 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા 12 મજૂરોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણને, જેમને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી, હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અકસ્માત બુધવાર રાત્રે લગભગ 9 વાગ્યે થયો હતો. બે ઇમારતો વચ્ચે લોખંડનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અચાનક લોખંડનો સ્લૅબ તૂટી પડ્યો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો તેની ચપેટમાં આવી ગયા.
અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો સ્થળ પર પહોંચી ગઈ. ત્યારબાદ કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થઈ શકે છે

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે ચાલી રહ્યું યુદ્ધ નવેમ્બરમાં થનારી મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ સમાપ્ત થઈ શકે છે.
ટ્રમ્પે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઈરાન હવે વધુ સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની સ્થિતિમાં નથી. તેમણે એ પણ જણાવ્યું કે ત્યાં સુધી ઑઇલની કિંમતોમાં ઘટાડાની આશા નથી.
ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે ચૂંટણીઓ બાદ તરત યુદ્ધ સમાપ્ત થઈ જશે. કારણ કે, તેઓ (ઈરાન) હવે વધુ સમય સુધી ટકી શકશે નહીં."
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ટૅક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના પ્રથમ મિડ-ટર્મ કન્વેન્શનનાં પહેલાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ટ્રમ્પનો હેતુ નવેમ્બરમાં થનારી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં પાર્ટીના નેતાઓને એકજૂટ કરવો અને તેમનામાં ચૂંટણી માટે ઉત્સાહ ભરવાનો છે.
નોંધનીય છે કે ઈરાન વિરુદ્ધ યુદ્ધને લઈને ટ્રમ્પ પર તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીની અંદરથી પણ દબાણ વધી રહ્યું છે.
આ ઉપરાંત, યુદ્ધની વચ્ચે અલગ અલગ સર્વેક્ષણોમાં તેમની લોકપ્રિયતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























