સુરત : યુવતીની કથિત 'છેડતી' અને બીજા દિવસે 'રિકન્સ્ટ્રક્શન'માં ટોળાં ઊમટ્યાં, શું છે સમગ્ર મામલો?

સુરત, અલથાણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત

ઇમેજ સ્રોત, UGC

વાંચવાનો સમય: 3 મિનિટ

સુરતના અલથાણ વિસ્તારમાં શુક્રવારે ટ્યુશનમાંથી પરત ફરી રહેલી યુવતીની કથિત છેડતી કરવાના આરોપમાં લોકોએ એક વ્યક્તિને પકડીને માર માર્યો હતો અને જ્યારે પોલીસ આરોપીને લઈ ગઈ, ત્યારે ટોળું પોલીસ સ્ટેશન પણ પહોંચ્યું હતું.

પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

શનિવારે ફરી સુરતમાં અલથાણમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને માહોલ ગરમ થઈ ગયો હતો.

જે સ્થળ પર યુવતીની છેડતી થઈ હતી, શનિવારે ત્યાં પોલીસે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવાનો દાવો કર્યો હતો. તે સમયે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઊમટી પડ્યા હતા. આ ટોળાંમાં લોકોએ નારેબાજી કરી હતી અને માહોલ ગરમ થઈ ગયો હતો.

આ કથિત રિકન્સ્ટ્રક્શનની ઘટના ત્યારે ઘટી છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માત્ર એક જ દિવસ બાકી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવી ઘટનાઓ ચૂંટણીના સમયે મતોનું ધ્રુવીકરણ સર્જી શકે છે.

સુરતના અલથાણમાં યુવતીની છેડતીનો સમગ્ર મામલો શું છે?

સુરત, અલથાણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત

ઇમેજ સ્રોત, UGC

બીબીસીના સહયોગી પત્રકાર રૂપેશ સોનવણ પોલીસને ટાંકીને જણાવે છે, શુક્રવારે સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવતી ટ્યુશન ક્લાસીસમાંથી પરત ફરી રહી હતી, ત્યારે તેની છેડતી કરવામાં આવતાં આસપાસના લોકોએ છેડતી કરનાર વ્યક્તિને પકડી પાડી પોલીસને જાણ કરી હતી.

આ મામલે કેટલાય વીડિયો વાઇરલ થયા છે.

શુક્રવારે રાત્રે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને પીસીઆર વાનમાં બેસાડ્યો હતો. જોકે, વાતાવરણ તંગ બનતાં ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને પીસીઆર વાનમાંથી બહાર ખેંચી કાઢી ઢોર માર માર્યો હતો.

પોલીસ આરોપીને બચાવીને અલથાણ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

લોકોએ "આરોપીને અમને સોંપી દો" તેવી માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. લોકો પોલીસ સ્ટેશનથી જવા તૈયાર ન હતા. અંતે વાતાવરણ વધુ તંગ બનતાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

સુરત પોલીસે શું કહ્યું?

સુરત, અલથાણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, પોલીસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ડીસીપી નિધિ ઠાકુર

આ ઘટના અંગે વાત કરતાં સુરતનાં ડીસીપી નિધિ ઠાકુરે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, અલથાણ પોલીસ સ્ટેશનમાં સાંજે આઠ વાગ્યાની આસપાસ એક યુવતી કોચિંગ ક્લાસ પૂરા કરીને પરત જઈ રહી હતી, ત્યારે તેની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આરોપીની અટકાયત બાદ કેટલાક લોકો પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા.

ડીસીપી નિધિ ઠાકુરે કહ્યું, "તેમને પહેલા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેઓ ન માન્યા ત્યારે હળવો બળપ્રયોગ કરીને તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા."

રાજકીય વિશ્લેષક શું કહે છે?

સુરત, અલથાણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત

ઇમેજ સ્રોત, ugc

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એક દિવસ પહેલાં બનેલા આ બનાવની ચર્ચા થઈ રહી છે. આ ઘટનાની વ્યાપક અસરો અંગે બીબીસીએ રાજકીય વિશ્લેષકના મંતવ્ય લીધા હતા.

રાજકીય વિશ્લેષક નરેશ વરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, આ ઘટના ચૂંટણી થવાના બરાબર આગળના દિવસે પ્રચાર પડઘમ શાંત થયા બાદ તરત બની છે.

તેમના મતે "આવી ઘટનાઓ ચૂંટણીના સમયે મતોના ધ્રુવીકરણ જેવી અસરો લાવી શકે છે. અલથાણમાં બનેલી ઘટનાને રાજકીય રીતે ધાર્મિક દૃષ્ટિએ જોવામાં આવે છે."

સુરત, અલથાણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત

ઇમેજ સ્રોત, ugc

"ભાજપ અને આમ આદમી પાર્ટીના લોકો પણ પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં બંને પક્ષોએ સામસામે નારાઓ પણ લગાવ્યા છે. જ્યાં ગૃહરાજ્યમંત્રીના વિરુદ્ધમાં નારા સહિત ભાજપના વિરુદ્ધમાં પણ નારા લાગ્યા છે."

નરેશ વરિયા એક અગત્યની ગંભીર બાબત પર ધ્યાન દોરતાં કહે છે "જોકે, મૉબ સાયકોલૉજી પણ આ ઘટનામાં અસર કરશે." તેઓ કહે છે, સાથે જ ઉલ્લેખનીય છે કે, સરઘસની અસર લઘુમતી સમુદાયના મતદાન પર પડી શકે છે.

પોલીસની ભૂમિકા અંગે નરેશ વરિયા જણાવે છે, "આ અગાઉ સરઘસ કાઢવા બાબતે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરેલી છે અને આ અગાઉ ખેડાના બનાવ અંગે પોલીસકર્મીઓને ફટકાર પડ્યો હતો. પણ અત્યારે ચૂંટણીના સમયે ઘટના વધુ આકાર લઈ રહી છે."

નરેશ વરિયા જણાવે છે, "અત્યાર સુધી સુરતમાં સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી જઈ રહી હતી. હવે આ મુદ્દો મતદારોને અસર કરે છે કે નહીં તે જોવું રહ્યું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન