ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'બિનહરીફ' જીત લોકશાહી માટે ઘાતક કેમ ગણાવાઈ રહી છે?

ઇમેજ સ્રોત, FB/ Nitin Patel
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાત ભાજપનો દાવો છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 કરતાં વધુ બેઠકો પર અન્ય ઉમેદવારોએ ઉમેદવારી ફૉર્મ પાછાં ખેંચતાં ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ પૈકી મોટા ભાગની બેઠકો પર કૉંગ્રેસ સહિત વિપક્ષ અને અપક્ષના ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચ્યાં હોવાના બનાવો સામે આવ્યા, જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.
આનો અર્થ છે કે રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની કુલ 9,992 બેઠકોમાંથી 733 બેઠકો બિનહરીફ જાહેર થતાં આ બેઠકોના મતદારો આ વખત મતદાન કરવાથી વંચિત રહેશે.
26મી એપ્રિલના રોજ મતદાન અને 28મી એપ્રિલે પરિણામો જાહેર થવાનાં છે.
ચૂંટણીમાં ફૉર્મ પાછાં ખેંચવાની છેલ્લી તારીખ, 15 એપ્રિલ પછી ઘણી નગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થયું હતું.
આ બાદ સ્થિતિ એવી બની કે ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઉના અને ગણદેવી ભાજપે ચૂંટણી પહેલાં પણ જીતી લીધી હતી.
જોકે, ભાજપના આ બિનહરીફ વિજય સામે વિપક્ષ સતત એવા આરોપો લગાવી રહ્યો છે કે, "ભાજપ લોભ લાલચ, ડર સત્તાનો દુરુપયોગ અને ખોટા પોલીસ કેસનો ડર બતાવીને ઉમેદવારોનાં ફૉર્મ પાછાં ખેંચાવી રહ્યો છે."
બીજી તરફ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે વિપક્ષના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું, "સત્ય એ છે કે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઉમેદવારો મળતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 700 જેટલા ઉમેદવાર બિનહરીફ થયા છે.
તો સામેની બાજુએ, રાજકીય વિશ્લેષકો, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ઉમેદવારો બિનહરીફ થઈ રહ્યા છે, એ બાબતને 'લોકશાહી માટે ઘાતક' અને 'ગુજરાતને સામંતશાહી તરફ લઈ જનારી પ્રક્રિયા' ગણાવી રહ્યા છે.
શું કહે છે રાજકીય વિશ્લેષક?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, "આ ચૂંટણીઓ આગામી વિધાનસભાની ચૂંટણીની સેમિફાઇનલ સમાન હોય છે."
તેમણે કહ્યું કે, "હવે વિધાનસભાની ચૂંટણીને ફક્ત સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો જાણવા માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ બની જાય છે."
ઘનશ્યામ શાહ કહે છે, આ સંજોગોમાં ચૂંટણીઓ 700 બેઠકો પર સત્તાધારી પક્ષ બિનહરીફ ચૂંટાઈ આવે એટલે ચૂંટણી સમયે મતદાતાનો મતદાનનો અધિકાર જતો રહે છે .
શાહ કહે છે કે આવા સંજોગોમાં જો 700 બેઠકો પર સત્તાધારી પક્ષના ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તો 'મતદારો મતદાનનો અધિકાર ગુમાવી દે છે. '
ઘનશ્યામ શાહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો બિનહરીફ થવાનું વલણ ઘણા લાંબા સમય બાદ વર્ષ 2015માં શરૂ થયું હોવાનું જણાવે છે.
પાછલી ત્રણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળેલા બિનહરીફના વલણને શાહ 'લોકશાહી માટે ઘાતક' ગણાવે છે.
"આવા ટ્રૅન્ડને કારણે લોકશાહીમાં દરેકને પોતાનો અભિપ્રાય નિર્ભીકપણે જાહેર કરવાનો અધિકારી છે, જે લોકો પાસેથી છીનવાઈ રહ્યો છે."
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી આ વલણને 'લોકશાહી માટે ઘાતક' માને છે.
વિદ્યુત જોશીનું કહેવું છે, "આ બાબત તંદુરસ્ત લોકશાહી માટે એક ખરાબ નિશાની છે. આ રીતે બિનહરીફ ઉમેદવારની સંખ્યા વધતી જાય, એ પાછલા બારણેથી રાજાશાહી જેવું એકચક્રી શાસન આવવાની નિશાની રજૂ કરે છે."
તેઓ કહે છે કે ઉમેદવારોએ કેવી રીતે ઉમેદવારી પત્ર પાછાં ખેંચ્યાં, તેઓ ચૂંટણી લડવા કેમ નથી માગતા? આ પશ્નોના જવાબ માટે પૂરતા પુરાવા ન હોઈ તેમણે આ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો, પરંતુ કહ્યું કે, "કૉંગ્રેસ જેવા જૂના પક્ષ પાસે ચૂંટણી લડવા માટે ઉમેદવાર ન હોય અથવા તેમના ઉમેદવાર ફૉર્મ અચાનક પાછું ખેંચે એ બાબત ઘણું બધું કહી જાય છે."
જ્યારે બાહુબલી સરમણ મુંજાના મિત્ર વિજયદાસ મહંત 1980માં બિનહરીફ ચૂંટાઈ આવ્યા
સરકારમાં સનદી અધિકારી તરીકે કામ કરી ચૂકેલા નિવૃત આઇએએસ અધિકારી વજુભાઈ પરસાણાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાતના બિનહરીફ ઉમેદવારના રાજકારણના ઇતિહાસનું એક પ્રકરણ ટાંકતાં કહે છે, "ગુજરાતની સ્થાપના પછી એક જમાનાના બાહુબલી રહેલા સરમણ મુંજાના અંગત મિત્ર વિજયદાસ મહંત વિધાનસભામાં બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા."
"તેમની સામે 1980માં કોઈ ઉમેદવાર ઊભો ન રહ્યો અને તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા."
વજુભાઈ પરસાણાએ જણાવ્યું કે એ સમયે મેં સનદી અધિકારી તરીકે આ અંગે ચૂંટણીપંચ અને સંબંધિત નેતાઓનું ધ્યાન દોર્યું હતું અને આ બાબતને 'લોકશાહી માટે ખતરારૂપ' ગણાવી હતી.
"તેની નોંધ પણ લેવાઈ હતી, પરંતુ બાદમાં 1985માં ફરીથી વિજયદાસ મહંત સરમણ મુંજાની મદદથી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા."
"બાદમાં સરમણ મુંજા સાથે એમના સંબંધો બગડ્યા અને થોડા સમયમાં સરમણ મુંજાની હત્યા થઈ અને સરમણ મુંજાનાં પત્ની સંતોકબા ચૂંટણીમાં ઊભા રહ્યાં અને તેઓ કૉંગ્રેસના લક્ષ્મણ આગઠને હરાવીને ધારાસભ્ય બન્યાં."
વજુભાઈ પરસાણાનું માનવું છે કે, આવી ઘટનાઓ બતાવે છે કે, "બિનહરીફ ચૂંટાવવાનો મામલો બાહુબલી અને આર્થિક સંપન્ન લોકો માટે રાજકારણમાં ઘૂસવાનો સરળ રસ્તો બનશે."
તેઓ આગળ કહે છે કે, "જ્યાં મતદારનો જોઈતો અવાજ ન હોય ત્યાં કોઈ રાજકીય પક્ષને નહીં ઇચ્છનાર લોકો નોટા પણ ન વાપરી શકે."
શું કહે છે રાજકીય પક્ષો ?

ઇમેજ સ્રોત, Getty Image/FB
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કૉંગ્રેસને પસંદ કરવાવાળો મતદારોનો એક વર્ગ છે, જે 2015માં સ્થાનિક સ્વરાજ્ય અને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું છે."
તેમણે આરોપ કરતાં કહ્યું કે, "આવી સ્થિતિમાં ભાજપ પોતાની ખુરશી બચાવવા અને સત્તા ટકાવવા માટે ઉમેદવારો પાસેથી લોભ, લાલચ, ડર સત્તાનો દુરુપયોગ કરી તેમનાં ફૉર્મ પાછાં ખેંચાવે છે."
"ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું હનન કરી રહી છે, જે ઉમેદવારો ફૉર્મ પાછાં ખેંચવા તૈયાર ન થાય તેમના સબંધીઓને ધમકીઓ આપે છે."
બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રવક્તા કૈલાશદાન ગઢવીએ કહ્યું કે, "સત્તાધારી પક્ષ પહેલાં પૈસાથી ઉમેદવાર ખરીદે છે, જો ના ખરીદાય તો ખોટા પોલીસ કેસ કરવાના અને આવકવેરા કે બીજા વિભાગ દ્વારા પરેશાન કરી ફૉર્મ પાછું ખેંચાવે છે."
"સામાન્ય નાગરિક પાસેથી તેમનો મતાધિકાર છીનવી રહ્યા છે. જે આવનારા દિવસો માટે ખૂબ ઘાતક સાબિત થશે."
ભાજપના પ્રવક્તા અશ્વિન બૅન્કર વિપક્ષના આરોપોનો જવાબ આપતાં કહે છે કે પોતાની હાર નજીક ભાળી ગયેલા વિપક્ષના લોકો અત્યાર સુધી ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (ઇવીએમ) ને દોષ દેતા હતા, હવે પોલીસ અને આવકવેરા વિભાગના દુરુપયોગની વાત કરી રહ્યા છે.
તેઓ કહે છે કે, "હકીકત તો એ છે કે ભાજપ સામે ઊભા રહેલા ઉમેદવારોને લાગે છે કે ભાજપ દ્વારા ગુજરાતમાં વિકાસનાં કામ થાય છે, તેથી તેઓ વિકાસના કામથી અંજાઈને ઉમેદવારી પાછી ખેંચે છે."
"કેટલાક લોકોને લાગે છે કે તેઓ ચૂંટણીમાં હારી જશે , એટલે ઉમેદવારીપત્ર પાછું ખેંચે છે , જેના કારણે ભાજપના 700 ઉમેદવારો બિનહરીફ થયા છે."
"આ બધું લોકશાહી ઢબે થાય છે, પણ ખરાબ હાર નજીકથી જોઈ ગયેલા વિપક્ષના નેતાઓ ભાજપ પર આક્ષેપ કરે છે. આ આરોપો પાયાવિહોણા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















