ઈરાન યુદ્ધ : ભારતમાં મોંઘવારી અને મુશ્કેલીઓ વધી પણ ચીનના અર્થતંત્રમાં કેમ ઉછાળો નોંધાયો?

    • લેેખક, ઓસમંડ ચિયા
    • પદ, બિઝનેસ રિપોર્ટર
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ચીનનું અર્થતંત્ર વર્ષ 2026ના શરૂઆતના ત્રણ મહિનામાં આશા કરતાં વધુ ગતિથી વૃદ્ધિ પામ્યું છે.

જોકે, આ દરમિયાન અમેરિકા-ઇઝરાયલે ઈરાન સાથે યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ અસરગ્રસ્ત થયું છે.

આધિકારિક ડેટા પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ સુધી ચીનના જીડીપીમાં ગત વર્ષની સરખામણીએ પાંચ ટકાનો વધારો થયો.

અર્થશાસ્ત્રીઓએ આ આંકડો લગભગ 4.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.

મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું મોટું યોગદાન

ગત ત્રિમાસિક ગાળામાં ચીનની જીડીપીમાં 4.5 ટકાનો વધારો થયો હતો. પરંતુ આ વખત મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરે ચીનની જીડીપીની વૃદ્ધિ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જોકે, આ દરમિયાન વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર પર પ્રૉપર્ટીમાં રોકાણમાં ઘટાડાનું દબાણ સતત જળવાયેલું રહ્યું છે.

બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના વિશ્લેષક કાઇલ ચેને કહ્યું કે કારો અને અન્ય નિકાસે જીડીપીના આ આંકડામાં એક મોટી ભૂમિકા ભજવી છે.

ચેને કહ્યું, "જોકે, હાલ ઈરાન યુદ્ધના પૂરા પ્રભાવો અંગે જાણવાનું બાકી છે. આગામી ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડામાં આ તણાવના કારણે ઘટાડો જોવા મળી શકે છે."

ચીનનો લેટેસ્ટ જીડીપી ટાર્ગેટ અને ઇકૉનૉમિક ઑબ્જેક્ટિવ માર્ચમાં જાહેર થયેલી પંચવર્ષીય યોજના અંતર્ગત બનાવાયા છે.

અર્થતંત્રને નવું રૂપ આપવાની કોશિશ

ચીને ઇનોવેશન, હાઇ-ટૅક ઇન્ડસ્ટ્રી અને ઘરેલુ ખર્ચને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં પણ ભારે રોકાણ કરવાનો વાયદો કર્યો છે.

સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટી દેશના અર્થતંત્રને નવું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહી છે. તે ઓછો વપરાશ, ઘટતી વસતી અને લાંબા સમયથી ચાલતા આવી રહેલા પ્રૉપર્ટી સંકટ સહિત ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે.

ચીને પોતાના મોટા ભાગના સામાનો પર દસ ટકા અમેરિકન ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, અમેરિકન નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે મંગળવારે કહ્યું કે જુલાઈની શરૂઆત સુધી ટેરિફને એ સ્તરો સુધી પાછી લઈ જઈ શકાય છે, જે સુપ્રીમ કોર્ટે ઘણા આયાત કરોને રદ કરાયા પહેલાં લાગુ હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચીનમાં મુલાકાત કરશે એવી આશા છે.

મંગળવારે ચીનમાં માર્ચ મહિનાના નિકાસના આંકડા જાહેર કરાયા, તેનાથી ખબર પડી કે વૃદ્ધિમાં ઝડપી ઘટાડો થયો છે. આનું કારણ એ છે કે મોંઘવારી વધી ગઈ અને લોકોએ ખર્ચ કરવાનું ઘટાડી દીધું.

માર્ચમાં ચીનની આયાત પણ વધી

જનરલ ઍડમિનિસ્ટ્રેશન ઑફ કસ્ટમ્સે મંગળવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ગત મહિને ચીની નિકાસ વૃદ્ધિ ઝડપથી ઘટીને 2.5 ટકા રહી ગઈ, જ્યારે ગત વર્ષે આ જ સમયે તે વધુ હતી.

આ ગત છ મહિનામાં નિકાસની વૃદ્ધિનું સૌથી નીચલું સ્તર છે. આ પહેલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કુલ નિકાસમાં ગત વર્ષની સરખામણીએ 20 ટકા કરતાં વધુનો વધારો થયો હતો.

ઇલેક્ટ્રૉનિક્સ અને મૅન્યુફૅક્ચરિગ સાથે સંકળાયેલા સામાનોની જબરદસ્ત માગને કારણે આ આંકડો વધી ગયો હતો.

ચીન દર વર્ષે પ્રથમ બે માસના વેપાર ડેટાને એક સાથે જોડે છે, જેથી લૂનર ન્યૂ યરની રજાઓ દરમિયાન થનારા ઉતારચઢાવનો હિસાબ રાખી શકાય. આ રજા દર વર્ષે અલગ અલગ તારીખએ થાય છે.

કસ્ટમ ડેટા અનુસાર, માર્ચમાં ચીનની આયાત પણ 28 ટકા વધી.

આના કારણે ચીનનું માસિક ટ્રેડ સરપ્લસ (એટલે કે તેની નિકાસ તેની આયાત કરતાં વધુ છે)50 અબજ ડૉલરથી વધુ રહી. પરંતુ ગત એક વર્ષમાં આ સૌથી ઓછા માસિક ટ્રેડ સરપ્લસનો આંકડો છે.

ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના લેક્ચરર યિક્સિયાઓ જો પ્રમાણે, ઇમ્પૉર્ટની કિંમતમાં વધારાનું કારણ ઈરાન યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં ખર્ચમાં થયેલી વૃદ્ધિ હોઈ શકે છે.

ઈરાન યુદ્ધની ચીનની નિકાસ પર કેવી અસર પડી શકે છે?

ઈરાનની શિપિંગ માટે મહત્ત્વપૂર્ણ એવી હોર્મુઝની સામુદ્રધુનીનો ઉપયોગ કરવાની કોશિશ કરનારાં જહાજો વિરુદ્ધ ધમકીઓને કારણે ક્રૂડ ઑઇલની કિંમતો વધી ગઈ છે. સાથે જ તેનાથી બનતો સામાન, જેમ કે, પ્લાસ્ટિકની કિંમત પણ વધી ગઈ છે.

જાપાન અને દક્ષિણ કોરિયા જેવી બીજી મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીએ, ચીન અખાતના દેશો પાસેથી મળતા ક્રૂડ ઑઇલ પર ઓછું નિર્ભર છે. જાપાન અને દક્ષિણ કોરિયા પર આ સંકટની ભારે અસર પડી રહી છે.

પરંતુ ચીનમાં પેટ્રોલ મોંઘું થતું જઈ રહ્યું છે, જેટ ફ્યૂઅલની કિંમતો વધવાના કારણે કેટલી ચાઇનીઝ ઍરલાઇન્સે પોતાની ઉડાણો ઘટાડી દીધી છે.

યિક્સિયાઓ જો કહે છે કે જો સંઘર્ણના કારણે વધેલી કિંમતોને કારણે સમગ્ર વિશ્વમાં ગ્રાહક ખર્ચ કરવામાં ઓછો રસ દાખવે તો આ યુદ્ધની અસર ચાઇનીઝ નિકાસ પર પડી શકે છે.

તેમણે કહ્યું, "નિકાસમાં વધારો આખરે તમારા વેપારી ભાગીદારોનાં અર્થતંત્રો પર આધારિત છે. આ વૃદ્ધિને સતત ખૂબ ઊંચા દરે જાળવી રાખવી મુશ્કેલ હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન