You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગરની બૅન્કમાંથી કરોડો ઉપાડીને દેશની 135 બૅન્કનાં ખાતાંમાં જમા કરાવી દેવાયા, લૂંટ કઈ રીતે પકડાઈ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ બૅન્કમાં હોળી-ધુળેટીની રજા પછી બે દિવસ બૅન્ક ચાલુ હતી અને 6 માર્ચ શુક્રવારે સાંજે બૅન્કનું ક્લોઝિન્ગ થયું ત્યારે સિત્તેર લાખ રૂપિયાની લેવડદેવડ થયાના હિસાબ કરી કર્મચારીઓ ઘરે ગયા હતા.
જોકે 9 માર્ચે બૅન્ક ખૂલી અને ગ્રાહકો આવતાં બૅન્કના કર્મચારીઓએ જોયું તો બૅન્કના અંતિમ હિસાબમાં સિત્તેર લાખ નહીં પણ સાત કરોડ ઉપાડાઈ ગયા હતા. બૅન્કના કર્મચારીઓ આ રકમ જોઈને મુંઝાયા અને તાત્કાલિક તપાસ કરી તો ખબર પડી કે રજાના દિવસે મોબાઇલ બૅન્કિંગથી સાત કરોડથી વધુ રૂપિયાની ઉચાપત થઈ છે.
એ પછી બૅન્કની કોર બૅન્કિંગ સર્વિસ સિસ્ટમના તમામ સૉફ્ટવૅર બંધ કરી દેવાયાં અને કેટલાંક ખાતાં ફ્રીઝ કરી દેવાયાં, જેથી સાયબર ગૅંગ વધુ પૈસા ઉપાડી ન શકે. આ ઘટના બાદ બૅન્કમાંથી છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરી છે.
ભાવનગરની બૅન્કમાં થયેલી છેતરપિંડીનો મામલો શું છે?
ભાવનગર ડિસ્ટ્રિક્ટ બૅન્કના આઇટી હેડ હાર્દિક સવાણીએ ગાંધીનગર સાયબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં કહ્યું છે કે હોળી-ધુળેટીની રજા પછી બે દિવસ બૅન્કમાં ખાસ પૈસાની લેવડદેવડ થઈ નહોતી અને એ પછી બૅન્ક બંધ થઈ ત્યારે સિત્તેર લાખની લેવડદેવડ થઈ હોવાનો હિસાબ કમ્પ્યુટર સિસ્ટમ અને ચોપડામાં લખાયેલો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર, એ પછી આવેલી શનિ-રવિની રજા બાદ બૅન્ક ખૂલી ત્યારે સાત કરોડ રૂપિયા ઓછા થયા હોવાનું બૅન્કની સિસ્ટમમાં બતાવતું હતું.
સોમવારે બધી તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમની બૅન્કની કોર બૅન્કિંગ સર્વિસ સિસ્ટમને હૅક બૅન્કની ચાર શાખા, તળાજા, સિસદર, સુભાષનગર અને ભરતનગરમાંથી ત્રણ સેવિંગ અને એક કરન્ટ એકાઉન્ટમાંથી પૈસાની મોટી ઉચાપત થઈ છે, એટલે તેમણે તાત્કાલિક મંગળવારે 10 માર્ચે ગાંધીનગર સાયબર સિક્યૉરિટી સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર બૅન્કિંગ સિસ્ટમ હૅક કરીને કેવી રીતે પૈસા ઉપાડી લીધા?
પોલીસ અનુસાર, ગુજરાતમાં આ પહેલો કેસ હતો કે જેમાં બૅન્કની કોર બૅન્કિંગ સિસ્ટમને હૅક કરીને પૈસાની ઉચાપત થઈ હોય.
ગુજરાત સાયબર સેન્ટર ઑફ ઍક્સિલન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પહેલા બે કરોડ ને ચાર લાખ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર થયા હતા એને ફ્રીઝ કર્યા."
પોલીસે છેતરપિંડી અંગે કહ્યું કે કોર બૅન્કિંગ સિસ્ટમ એ ઑનલાઇન બૅન્કિંગ માટેનું એક સૉફ્ટવૅર છે. જેમ કમ્પ્યુટર માઇક્રોસોફ્ટ સિસ્ટમથી ચાલે એમ ઑનલાઇન બૅન્કિંગ માટે કોર બૅન્કિંગ સર્વિસ સિસ્ટમ નામનું સૉફ્ટવૅર હોય છે.
તપાસ દરમિયાન પોલીસને એક 'બગ' નજરમાં આવ્યો હતો, એટલે કે એક લૂપહોલ હતો.
એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા કહે છે, "સાયબર ગૅંગ પોર્ટ સ્કેન કરતા હોય છે અને એમાં એમની નજરમાં આ 'બગ ' આવ્યો હતો. આ બગની મદદથી આ સાયબર ગૅંગ બૅન્કની સિસ્ટમમાં ઘૂસી ગઈ. એ લોકોએ ચારથી પાંચ ખાતાં નક્કી કર્યાં, જે ખાતામાં 1200થી 1500 રૂપિયા હોય એ ખાતામાં એમણે પોતે રજાના દિવસે 1200 રૂપિયાના 120 કરોડ કરી દીધા, તો કેટલાક ખાતામાં 1500ના એક કરોડ 50 લાખ કરી દીધા."
"બૅન્કની એકાઉન્ટ સિસ્ટમમાં ઘૂસ્યા પછી આ રકમ વધારી અને પછી એ એકાઉન્ટ નંબર બદલી પોતે ખોલાવેલા મ્યુલ એકાઉન્ટના નંબર નાખી દીધા. મૂળ ખાતાધારકની જગ્યાએ પોતાના મોબાઇલ નંબર રજિસ્ટર કરી દીધા હતા. એમણે આ સૉફ્ટવૅર હૅક કર્યું હતું એટલે એમને ઍક્સેસ હતું અને ધારે એ મુજબ ફેરફાર કરી શકતા હતા. એ પૈસા એમણે અલગ-અલગ રાજ્યની 135 બૅન્કનાં ખાતાંમાં જમા કરાવી દીધા અને ત્યાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા."
પોલીસને આ મામલે જાણ થતા તેણે ગુજરાતની ચાર બીજી બૅન્કમાં (જ્યાં આ સૉફ્ટવૅર ચાલે છે) અને રિઝર્વ બૅન્કમાં પણ જાણ કરીને તાત્કાલિક આ સૉફ્ટવૅર બંધ કરાવ્યાં, એટલે બીજી બૅન્કમાંથી પૈસા ઉપાડતા બંધ થઈ જાય.
એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા કહે છે, "બધું વર્ચ્યુઅલ હૅકિંગ થયું હતું. ફિઝિકલ લૂંટ થઈ હોય તો લૂંટમાં ગૂમ થયેલી નોટોના સિરિયલ નંબરના આધારે પણ તપાસ કરી શકાય. અહીં તો 135 બૅન્ક ખાતાંમાં પૈસા જમા થયા હતા અને ડિસ્ટ્રિબ્યુટ થયા હતા, એટલે દરેક બૅન્કમાંથી ઉપડાયેલી નોટોના સિરિયલ નંબર એક ન હોય અને એને શોધવું પણ અઘરું હતું."
પોલીસ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી?
એસપી ઝાલા કહે છે કે, "ભાવનગર ડિસ્ટ્રિક્ટ બૅન્કનાં ચાર ખાતાંમાંથી જ સાત લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. એ પૈસા 135 ખાતાંમાં ટ્રાન્સફર થયા હતા અને 135 ખાતાંમાંથી બીજાં 500 ખાતાંમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. આરોપીને શોધવા અઘરું કામ હતું, કારણ કે પૈસા એક નહીં સાત લેયરમાં અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર થયા હતા. તપાસ કરી તો એક મીનાબહેન મેઘવાળના ખાતામાંથી 10 લાખ રૂપિયા ફિઝિકલી ઊપડ્યા હતા."
એસપી ઝાલા કહે છે, "અમે એના આધારે એ બૅન્કના સીસીટીવી ફંફોસ્યા તો એ મહિલા મીનાબહેન નહીં, પણ એક અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં રહેતી 31 વર્ષીય રૂબીના શેખ હતી. અમે એને પકડી તો ખબર પડી કે આર્થિક તંગીમાં રહેતી રૂબિનાના કૌટુંબિક સગા અદનાન શેખ એને બૅન્કમાંથી પૈસા ઉપાડી લાવવા માટે તગડું કમિશન આપતો હતો."
"રૂબીનાની ધરપકડ બાદ એના ઘરથી માત્ર પોણા પાંચ કિલોમીટર દૂર ફતેહવાડી સરખેજમાં રહેતા અદનાન શેખની ધરપકડ કરી તો એણે અમને કહ્યું કે એ સુશીલ મેઘવાળ માટે કામ કરે છે. સુશીલ એના ઘરેથી માત્ર 14 કિલોમીટર દૂર રહેતો હતો, કોઈ કૉમ્યુનિકેશન કરે એ પહેલાં એમના ફોન બંધ કર્યા અને અમે સુશીલની ધરપકડ કરી, ત્યારે અમને ખબર પડી કે એની પત્ની મીના મેઘવાળના નામે બૅન્કમાં ખાતું ખોલાવ્યું હતું, પણ મીનાને આ વાતની કોઈ જાણ નહોતી."
ત્રણ લોકોની ધરપકડ બાદ પોલીસને ખબર પડી કે આ લોકો બૅન્કમાંથી આ રીતે પૈસા ઉપાડી આંગડિયા અને ઘણી વખત પોતે રૂબરૂ મુંબઈ જઈને કિશોર પરદેશી નામના માણસને પૈસા આપે છે.
પોલીસ અનુસાર, કિશોર પરદેશી મૂળ મહારાષ્ટ્રમાં હોમગાર્ડમાં કામ કરે છે. કિશોર પરદેશી ટૅક્નૉલૉજીનો જાણકાર નથી, પણ એ મુંબઈમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી આપતો હતો. દિલ્હીમાં સાયબર ફ્રોડ કરનારાઓ સાથે પણ સંકળાયેલો હતો.
એસપી ઝાલા કહે છે, "એ સાયબર ગૅંગના લોકોને જ્યાં પોર્ટ સ્કેનમાં બગ મળે ત્યાં છેતરપિંડી કર્યા પછી પૈસા ભેગા કરવા માટે ગૅંગ બનાવવાનું કામ કરતો. એ ગુજરાતની જેમ આઠ રાજ્યોમાં પોતે હોમગાર્ડ હોવા છતાં પોલીસની ઓળખ આપી સાયબર ક્રાઇમના પૈસા પહોંચાડતો હતો. આ લોકોને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે એ પોલીસમાં છે એટલે કંઈ નહીં થાય. બૅન્કમાંથી પૈસા ઉપાડીને મોકલે એ બદલામાં આ ત્રણ લોકોને કમિશન આપતો હતો."
આ મામલે એક મહિનાની તપાસ કર્યા બાદ પોલીસને લાગ્યું છે કે "આ લોકો પરદેશની સાયબર ગૅંગ માટે કામ કરે છે અને દેશની 15 બૅન્ક એમના નિશાને હતી."
પોલીસે પકડ્યાં એ આરોપી કોણ છે?
24 વર્ષીય અદનાન અને 31 વર્ષીય રૂબીના કૌટુંબિક સગાં છે.
વાસણાના ગુપ્તાનગરની નાની ચાલીમાં રહેતાં રૂબીના શેખના કૌટુંબિક કાકા સાહિલ શેખે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "રૂબીના છેલ્લા કેટલાક સમયથી એકલી રહે છે. પહેલાં છૂટક કામ કરતી હતી, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી એ છૂટથી પૈસા વાપરતી હતી. પણ એ આવું કરશે એની કોઈને કલ્પના નહોતી. અદનાન પણ અમારા કુટુંબીનો છોકરો છે."
"અદનાન રૂબિનાને તકલીફમાં મદદ કરતો હતો. એ સરખેજ પાસે આવેલા તવા ફ્રાય સેન્ટર પર રાત્રે બેસતો હતો અને બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખેલાડી હતો. એ કામની શોધમાં હતો."
મૂળે રાજસ્થાનના અને અમદાવાદના રખિયાલમાં રહેતા સામાજિક કાર્યકર રાકેશ શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સુશીલ મેઘવાળ મૂળ રાજસ્થાનનો છે. અહીં એ થોડા સમય પહેલાં ભાડે મકાન રાખીને રહેતો હતો. 30થી 32 વર્ષની ઉંમરના લાગતાં સુશીલે એ વખતે કહ્યું હતું કે એ રાજસ્થાનનો છે, થોડો સમય ભાવનગર રહ્યા બાદ એ મુંબઈ કામ માટે ગયો હતો. પછી થોડા સમયથી અમદાવાદ આવ્યો હતો. આ વિસ્તારમાં કોઈની સાથે સંપર્ક નહોતો, પણ સુશીલને પોલીસ પકડી ગઈ પછી એની પત્ની રાજસ્થાન જતી રહી છે."
બીબીસીએ કિશોર પરદેશીના સહિતના આરોપીના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પણ કોઈનો સંપર્ક થઈ શક્યો નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન