You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર કયા 'તર્કો'થી 95 ટકા મુસલમાન મતદારોનાં નામ હટાવાયાં– ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, નંદીગ્રામથી
- વાંચવાનો સમય: 7 મિનિટ
નંદીગ્રામમાં 23 એપ્રિલે મતદાન છે પરંતુ મામોની ખાતૂન આ વખતે મતદાન નહીં કરી શકે.
પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રના મોહમ્મદપુર ગામનાં મામોનીનું નામ વોટર લિસ્ટમાંથી એટલા માટે કાપી નાખવામાં આવ્યું, કેમ કે તેમની અને તેમનાં માતાપિતાની ઉંમરમાં 15 વર્ષ કરતાં ઓછો તફાવત છે.
મામોની સમજી નથી શકતાં કે નામ કાપવાનો આ કેવો આધાર છે! મોહમ્મદપુરમાં મામોની જેવાં ઘણાં મહિલાઓ અને પુરુષ હાથમાં ચૂંટણીપંચની નોટિસ લઈને બહાર આવી ગયાં.
30 વર્ષના જિયારુલખાં ચૂંટણીપંચની નોટિસ બતાવતાં કહે છે, "મારા પિતાએ બે શાદી કરી અને બંનેથી તેમને દસ બાળકો છે. હવે ચૂંટણીપંચ તેની નોટિસમાં કહી રહ્યું છે કે અમારા પિતાને છથી વધુ લોકોએ પિતા બતાવ્યા છે, તેથી હું તપાસ ઘેરામાં આવી ગયો. હવે મારા પિતાજી અઝીઝખાંનાં નવ બીજાં બાળકો છે, તો શું બાકીનાં બાળકો બીજાને પોતાના પિતા બતાવશે?"
જિયારુલની બાજુમાં ઊભેલા 60 વર્ષના મોતી ખાન કહે છે, "મારે તો પાંચ જ બાળકો છે અને નોટિસમાં જુઓ, ચૂંટણીપંચે લખ્યું છે કે છ બાળકો છે; અને ત્રણનાં નામ કાપી નાખ્યાં. અમે પુરાવા આપી-આપીને હવે થાકી ગયા છીએ. સરકારના વાયદાનું કશું મહત્ત્વ નથી."
પૂર્વી મેદિનીપુર જિલ્લા ચૂંટણી અધિકારી નિરંજનકુમારને પૂછ્યું કે ઘણા મતદારોનાં ભાઈ-બહેન છ કરતાં ઓછાં છે, છતાં પણ તેમનાં નામ કપાઈ ગયાં છે.
આ સિવાય, બીજા જે આધારોથી લોકોને નોટિસ મળી છે તેને લઈને ઘણી નિરાશા છે. તેના જવાબમાં નિરંજનકુમારે કહ્યું, "મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અમે આમાં અત્યારે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. તપાસ ચાલી રહી છે અને તપાસમાં દસ્તાવેજ સાચા નીકળ્યા તો નામ ક્લિયર થઈ જશે."
નંદીગ્રામ વિધાનસભા સીટ પરથી ભાજપના સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. ગઈ વખતની ચૂંટણીમાં સુવેન્દુને મમતા બેનરજી પડકાર આપતાં હતાં અને તેઓ 1956 મતથી હારી ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નંદીગ્રામમાં આ વખતે લૉજિકલ ડિસ્ક્રિપેન્સી હેઠળ કુલ 3,461 મતદારોનાં નામ હટાવવામાં આવ્યાં છે.
એસઆઇઆરના ડેટાનું વિશ્લેષણ કરી રહેલી કોલકાતાની સબર ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે તેમાંથી લગભગ 95 ટકા મતદાર મુસ્લિમ છે.
એટલે કે, નંદીગ્રામમાં જે 3,461 મતદારોનાં નામ કાપી નાખવામાં આવ્યાં, તેમાંથી 3,270 મુસ્લિમ મતદાર છે અને 191 બિન-મુસ્લિમ મતદાર. આવું ત્યારે છે, જ્યારે (2011ની વસ્તીગણતરી અનુસાર) નંદીગ્રામમાં 70 ટકાથી વધુ વસ્તી બિન-મુસ્લિમોની છે.
લૉજિકલ ડિસ્ક્રિપેન્સી એટલે કે તાર્કિક વિસંગતિ
નંદીગ્રામમાં કોઈ મતદારનું નામ કપાવાનું કારણ માતા-પિતા સાથેની ઉંમરનો તફાવત ઓછો હોવો છે, તો બીજી બાજુ કોઈ મતદારના પિતાને બીજાં છ કે તેનાથી વધારે લોકોએ પિતા દર્શાવ્યા છે, ત્યારે પણ મામલો શંકાસ્પદ બનાવી દેવાયો.
કોઈના નામની જોડણી બે દસ્તાવેજો પર મૅચ નથી થતી, તો કોઈની સરનેમમાં કોઈ અક્ષર રહી ગયો છે તોપણ નામ કાપવામાં આવ્યાં છે. જો કોઈ મતદારની ઉંમરનો ગૅપ માતા-પિતાની ઉંમરથી 50 વર્ષ કે તેથી વધુનો છે, તોપણ તેને તપાસના ઘેરામાં મૂકી દેવામાં આવ્યા છે.
હકીકતમાં, ચૂંટણીપંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઇઆરના બીજા તબક્કામાં લૉજિકલ ડિસ્ક્રિપેન્સી અંતર્ગત પશ્ચિમ બંગાળનાં જુદાં-જુદાં વિધાનસભા ક્ષેત્રોમાંથી હજારો લોકોનાં નામ મતદારયાદીમાંથી હટાવ્યાં છે.
લૉજિકલ ડિસ્ક્રિપેન્સીનો અર્થ તાર્કિક વિસંગતિ થાય છે. આ કથિત વિસંગતિઓમાં જોડણી, છ કે તેથી વધુ બાળકો અને ઉંમરનો તફાવત સામેલ છે.
હકીકતમાં, ચૂંટણીપંચે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં લૉજિકલ ડિસ્ક્રિપેન્સીના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું આપ્યું હતું. આ સોગંદનામામાં પંચે લૉજિકલ ડિસ્ક્રિપેન્સીની તરફેણમાં કેટલાંક ઉદાહરણ આપ્યાં હતાં.
ચૂંટણીપંચે કહ્યું હતું – બે મતદારોને 200 કરતાં વધારે લોકોએ પોતાના પિતા બતાવ્યા હતા. સાત મતદારોને 100થી વધુ લોકોએ પોતાના પિતા બતાવ્યા અને 10 મતદારોનાં નામે 50થી વધુ બાળકો નોંધાયેલાં હતાં.
પંચનું કહેવું છે કે કેટલાક મતદારોને અસામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકોએ પોતાના પિતા બતાવ્યા છે.
આવા મામલાને વૈજ્ઞાનિક રીતે વેલિડ મેપિંગ માનવું શક્ય નથી. એ સ્થિતિમાં ચૂંટણીપંચે એ મતદારોને તપાસના કાર્યક્ષેત્રમાં નાખી દીધા, જેમને છ કે તેનાથી વધુ લોકોએ પોતાના પિતા બતાવ્યા છે.
પરંતુ ચૂંટણીપંચે છ કે તેથી વધુ બાળકોને આધાર કેમ બનાવ્યો?
ચૂંટણીપંચ તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વકીલ રાકેશ દ્વિવેદી અને એકલવ્ય દ્વિવેદીએ તેના પક્ષમાં દલીલ કરતાં કહ્યું હતું, "2019-2021 દરમિયાન એનએફએચએસ-5 સર્વે અનુસાર, ભારતમાં સરેરાશ પરિવારનો આકાર 4.4 છે."
"તેનો અર્થ એ કે સરેરાશ દરેક પરિવારમાં બે-ત્રણ બાળકો હોય છે. પરંતુ, કેટલાક મામલામાં એક જ માતા-પિતા સાથે જોડાયેલા મતદારોની સંખ્યા 50થી વધુ જોવા મળી છે."
માતા-પિતા અને બાળકોની વચ્ચે 50 વર્ષના અંતરને પણ લૉજિકલ ડિસ્ક્રિપેન્સી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે. ચૂંટણીપંચે તર્ક રજૂ કર્યો કે 45 વર્ષની ઉંમર પછી મહિલાઓનો પ્રજનનદર નહીંવત્ થઈ જાય છે.
સબર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સબીર અહમદ ચૂંટણીપંચના આ તર્કો સાથે સંમત નથી.
તેમણે બીબીસીને કહ્યું, "ચૂંટણીપંચે જે જણાવ્યું કે એક જ વ્યક્તિને 200થી વધુ લોકોએ પોતાના પિતા બતાવ્યા છે. તેનાં બે-ત્રણ કારણ હોઈ શકે છે."
"જે અનાથાલય હોય છે, તેમાં બાળકોના કોઈ પિતા નથી હોતા. દાખલા તરીકે, રામકૃષ્ણ મિશનના અનાથાલયને જ લઈ લો."
"અનાથાલયમાં કોઈ એક ફાધર ફિગર હોય છે અને તેના જ નામ પર બધાં બાળકો હોય છે."
"અહીં કોઈ એક વ્યક્તિને પિતા માની લેવામાં આવે છે, જેથી તેને મત આપવાનો અધિકાર મળી જાય. ચૂંટણીપંચ પણ તેને માન્ય માને છે."
સબીર અહમદ કહે છે કે એક બીજું કારણ એઆઇ પણ છે.
તેઓ કહે છે, "જેમ કે મારું નામ સબીર અહમદ છે. બાકી સેંકડો લોકોનાં નામ પણ સબીર અહમદ છે."
"એ સ્થિતિમાં એઆઇ એક જ સબીર અહમદના નામ સાથે ઘણાં બાળકોને જોડી રહ્યું છે. મેં આને ચેક પણ કર્યું છે. આ મતદારની ભૂલ નથી."
"ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં બિલકુલ ખોટું ઉદાહરણ રજૂ કર્યું છે."
સબીર અહમદ કહે છે, "ચૂંટણીપંચ 2019-2021 દરમિયાન નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે-5નો આધાર ટાંકીને ફૅમિલીની સાઇઝ જણાવી રહ્યું છે, જે બિલકુલ અતાર્કિક છે."
"આ સર્વે તો કેટલાંક વર્ષ પહેલાંની વાત છે, પરંતુ મતદારો એ સમયના છે જ્યારે દલિતો અને મુસ્લિમોમાં છ કે તેનાથી વધુ બાળકો હોવાં ખૂબ જ સામાન્ય વાત હતી."
"રવીન્દ્રનાથ ટાગોરનાં 10 ભાઈ-બહેન હતાં. એ જોતાં તો તેમનું નામ પણ કપાઈ જતું. તમે મતદારની ઉંમર જુઓ."
"તેઓ 25થી 30 વર્ષના છે અને ત્યારે એક પિતાનાં પાંચથી વધુ બાળકો હોવાં કોઈ અસામાન્ય વાત નહોતી."
મતદાર અને માતા-પિતાની ઉંમરમાં 15 વર્ષથી ઓછા અંતરની બાબતમાં સબીર અહમદ કહે છે કે પશ્ચિમ બંગાળમાં બાળલગ્નનું સ્તર ખૂબ જ ખરાબ રહ્યું છે.
અહમદ કહે છે, "અમર્ત્ય સેનનું નામ પણ આ જ કૅટેગરીમાં મૂકવામાં આવ્યું છે, કેમ કે તેમની અને તેમનાં માતા-પિતાની ઉંમરમાં 15 વર્ષથી ઓછો ગૅપ હતો. પશ્ચિમ બંગાળમાં બાળલગ્ન આજે પણ બંધ થયાં નથી."
95 ટકા મુસલમાન કેમ?
લૉજિકલ ડિસ્ક્રિપેન્સીમાં નંદીગ્રામમાં મુસલમાનોનાં નામ વધારે કેમ કપાયાં?
ભાજપના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળમાં પાર્ટી યુનિટના અધ્યક્ષ રહેલા દિલીપ ઘોષ કહે છે કે બાંગ્લાદેશમાંથી મુસલમાનોની ઘૂસણખોરી છે, તેથી તેમનાં નામ વધારે કપાયાં છે.
દિલીપ ઘોષે બીબીસીને કહ્યું, "પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશમાંથી મુસલમાનોની જ ઘૂસણખોરી છે. એ સ્થિતિમાં તેઓ સાચા દસ્તાવેજ નથી આપી શક્યા અને એસઆઇઆરમાં પકડાઈ ગયા."
સબર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સબીર અહમદ તેનું બીજું કારણ જણાવે છે.
તેઓ કહે છે, "ચૂંટણીપંચે વોટર લિસ્ટની સ્ક્રૂટિની માટે એઆઇનો ઉપયોગ કર્યો છે. ચૂંટણીપંચે એ પણ નથી જણાવ્યું કે કોઈ એઆઇનો ઉપયોગ કરી રહ્યું છે. જેમ કે, મારું નામ લો. મારું નામ સબીર અહમદ છે."
"અહમદમાં એ એચ એ છે, જે મારા હેડમાસ્ટરે એચ પછી એ લગાડી દીધો હતો. પરંતુ એઆઇ અહમદનો સ્પેલિંગ એ એચ એમ ઈ ડી લઈ રહ્યું છે. એ સ્થિતિમાં મારું નામ પણ તપાસના ઘેરામાં આવી ગયું હતું."
"કોલકાતાને બાદ કરતાં પશ્ચિમ બંગાળનું આખું વોટર લિસ્ટ બાંગ્લામાં છે. તેનો એઆઇ દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરશો તો ઘણા પ્રકારની ગરબડો થશે."
સબીર અહમદ કહે છે, "એસડીડી એટલે કે એબ્સન્ટ, શિફ્ટેડ, ડેડ અને ડુપ્લિકેટના આધારે એસઆઇઆર થયું ત્યારે બધા ધર્મના મતદારોની વસ્તીના ગુણોત્તરમાં જ નામ કપાયાં હતાં."
"જેમ કે, નંદીગ્રામમાં મુસલમાનોની વસ્તી 25 ટકા છે, એટલે એસડીડીમાં જેટલા લોકોનાં નામ કપાયાં, તેમાં મુસ્લિમ 30 ટકા હતા; પરંતુ, લૉજિકલ ડિસ્ક્રિપેન્સીમાં તે 95 ટકા થઈ ગયાં."
લૉજિકલ ડિસ્ક્રિપેન્સીમાં મુસલમાનોનાં વધારે નામ કપાવાનું એક કારણ જણાવતાં સબીર અહમદ કહે છે, "ઇલેક્શન કમિશને પારદર્શી રીતે કામ નથી કર્યું. અમને કોઈ સર્ક્યુલરની ખબર જ નથી પડતી.
" તદ્ ઉપરાંત, મુસ્લિમોમાં હિંદુઓની તુલનાએ નિરક્ષરતા અને ગરીબી વધારે છે. એ સ્થિતિમાં મુસલમાનોમાં ડૉક્યુમેન્ટેશન ખૂબ સારું નથી."
ચૂંટણી પર અસર
પશ્ચિમ બંગાળમાં એસઆઇઆરમાં 90 લાખ કરતાં વધારે મતદારોમાં નામ કપાઈ ગયાં છે. મમતા બેનર્જીએ તેમની ઘણી ચૂંટણી રેલીઓમાં કહ્યું કે એસઆઇઆરમાં 60 લાખ હિંદુઓ અને 30 લાખ મુસલમાનોનાં નામ કપાયાં છે.
સુવેન્દુ અધિકારીને મેં પૂછ્યું કે લૉજિકલ ડિસ્ક્રિપેન્સીમાં નંદીગ્રામમાં મોટા ભાગે મુસલમાનોનાં નામ શા માટે કપાયાં? તેના જવાબમાં તેમણે કહ્યું કે જઈને તેમને પૂછો.
કોલકાતાના મેયર અને ટીએમસીના સીનિયર નેતા ફિરહાદ હાકિમ કહે છે કે એસએસડીડીમાં બધું બરાબર હતું પરંતુ લૉજિકલ ડિસ્ક્રિપેન્સીમાં મુસલમાન વધારે ટાર્ગેટ થયા છે.
કોલકાતા યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર હિમાદ્રી ચેટર્જીને લાગે છે કે એસઆઇઆર ભાજપના પક્ષમાં નહીં જાય.
તેઓ કહે છે, "મમતા બેનરજીના આ કાર્યકાળમાં ઘણા પ્રકારનાં વિરોધ-પ્રદર્શન થયાં હતાં. મમતાની નિષ્ફળતાઓ બાબતે ઘણા પ્રકારના પ્રશ્નો પણ ઊભા થતા હતા."
"ભાજપ આ મદ્દાને આક્રમક રીતે ઉઠાવી રહ્યો હતો પરંતુ જ્યારે એસઆઇઆર થયું ત્યારે સમગ્ર ચર્ચા તેના પર થવા લાગી અને બાકીના મુદ્દા બાજુ પર રહી ગયા."
નંદીગ્રામમાં લૉજિકલ ડિસ્ક્રિપેન્સીમાં જે મુસ્લિમ મતદારોનાં નામ ગયાં છે, તેઓ એ વાતથી પણ ડરેલા છે કે ભવિષ્યમાં ક્યાંક તેમની નાગરિકતા સામે સવાલ ઊભા કરવામાં ન આવે.
જિયારુલખાં કહે છે, "આજે વોટર લિસ્ટમાંથી નામ હટાવ્યું છે. આગામી સમયમાં તેઓ અમને બાંગ્લાદેશી પણ કહી શકે છે."
"એક તો અમે બાંગ્લા બોલીએ છીએ અને બીજું, અમે મુસલમાન છીએ. આ સ્થિતિમાં તેમના માટે અમને બાંગ્લાદેશી ગણાવવા વધારે આસાન બનશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન