You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2026 : લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત બાદ રવીન્દ્ર જાડેજાએ પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ રીવાબાને કેમ સમર્પિત કર્યો?
બુધવારે આઇપીએલની 17મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સને 40 રનના મોટા સ્કોરથી હરાવી ન રાજસ્થાન રૉયલ્સની ટીમ ન માત્ર સતત ત્રીજી મૅચમાં હારનો સામનો કરવાથી બચી, પરંતુ સામાન્ય રીતે નાના મનાતા ટાર્ગેટ છતાં પોતાના કૌશલ્યના દમે પૉઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ.
લખનૌ ખાતે રમાયેલી આ મૅચમાં મેજબાન ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલી રાજસ્થાન રૉયલ્સની ટીમ છ વિકેટના નુકસાને 159 રન બનાવી શકી, પરંતુ લખનૌની ટીમ માટે તો આ ટાર્ગેટ પણ કપરો સાબિત થયો, લખનૌની ટીમ 18 ઓવરમાં 119 રનના સ્કોરે આઉટ થઈ ગઈ.
જીતના હીરો રહ્યા ગુજરાતી રવીન્દ્ર જાડેજા, જેમણે આ મૅચમાં બૅટ અને બૉલ બંનેથી કમાલ કરી બતાવી. તેમણે માત્ર 29 બૉલમાં 43 રનની લડાયક ઇનિંગ રમીને અંડરપ્રેશર સારું પ્રદર્શન કરવાની પોતાની કાબેલિયત સાબિત કરી બતાવી. આ સાથે તેમણે ચાર ઓવરમાં એક વિકેટ ઝડપીને માત્ર 29 રન જ આપ્યા. જાડેજાને તેમના પ્રદર્શનને બદલે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા.
પોસ્ટ મૅચ પ્રેઝેન્ટેશનમાં જાડેજાએ મુરલી કાર્તિક સાથેની વાતચીતમાં કંઈક એવું કહ્યું જે બાદ તેઓ અને તેમનાં પત્ની રીવાબા જાડેજા સમાચારોમાં છવાઈ ગયાં.
કાર્તિક સાથેની વાતચીતમાં તેમણે પોતાનો પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ 'ગુજરાતનાં શિક્ષણમંત્રી' એટલે કે તેમનાં પત્ની રીવાબા જાડેજાને સમર્પિત કર્યો.
રવીન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ સમર્પિત કરતાં શું કહ્યું?
પ્રેઝેન્ટેશન સૅરિમનીમાં પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર મુરલી કાર્તિક સાથે વાત કરતાં રવીન્દ્ર જાડેજાએ પોતાનો પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ સ્વીકારતાં કહ્યું કે, "હું આ ઍવૉર્ડ ગુજરાતનાં શિક્ષણમંત્રીને સમર્પિત કરવા માગું છું. કારણ કે એક દિવસ પહેલાં તેણે આગાહી કરી હતી કે હું આ મૅચમાં કમાલ કરીશ."
મુશ્કેલ ઘડીમાં જ્યારે પોતે બૅટિંગ કરવા ઊતરે છે ત્યારે તેઓ પોતાની જાતને શું કહે છે? કાર્તિકના આ સવાલના જવાબમાં જાડેજાએ કહ્યું, "મિડલ ઑર્ડરમાં જ્યારે હું બૅટિંગ માટે ઊતર્યો ત્યારે વિકેટ બૅટિંગ માટે એટલી સહેલી નહોતી, કારણ કે બૉલ સીમ અને સ્વિંગ થઈ રહ્યો હતો. તેથી હું મારી જાતને વિકેટની ડીપમાં જઈને બૅટિંગ કરવાનું કહી રહ્યો હતો, અને નવા આવનારા બૅટરોને પણ હું એ જ વાત કહી રહ્યો હતો, કારણ કે તમને આગળ શું થશે એની ખબર નથી હોતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, "ડીપમાં બૅટિંગ કરવાને કારણે જ અમે અંતિમ ઓવરમાં 20 રન બનાવી શક્યા, જેણે બાજી પલટી નાખી."
આ મૅચમાં ધીમી બૉલિંગ કરવા પાછળનું કારણ જણાવતાં જાડેજાએ આગળ કહ્યું, "બૉલમાં ગ્રિપ મળી રહી હતી. તેથી હું ફાસ્ટ બૉલિંગ કરવી કે ધીમી એ અંગે વિચારી રહ્યો હતો. પછી મેં પીચ પાસેથી થોડી મદદની અપેક્ષાએ થોડા ધીમી ગતિના બૉલ ફેંક્યા."
રાજસ્થાન રૉયલ્સનું પ્રદર્શન
રાજસ્થાન રૉયલ્સની ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની જોડી આ વખત ઝાઝી કમાલ નહોતી બતાવી શકી. એક તરફથી ફટકાબાજી કરી રહેલા ઓપનર યશસ્વી જયસ્વાલ મોહમ્મદ શમીની બીજી ઓવરમાં પાંચમા બૉલે રિષભ પંતને કૅચ દઈ બેઠા, એ બાદ બીજા જ બૉલે ધ્રુવ જુરેલ પણ મોહમ્મદ શમીની ધારદાર બૉલિંગના શિકાર બન્યા.
આમ, ત્રણ ઓવર પૂરી થતાં સુધીમાં રાજસ્થાન રૉયલ્સનો સ્કોર બે વિકેટના નુકસાન પર 32 રનનો હતો. પ્રારંભિક વિકેટો બાદ તોફાની બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી પણ ક્રીઝ પર વધુ સમય ન ટકી શક્યા અને મોહસિન ખાનની બૉલિંગ પર દિગ્વેશ રાઠીને કૅચ દઈ બેઠા અને માત્ર આઠ રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પાછા ફર્યા.
હવે ત્રણ વિકેટો ગુમાવીને રાજસ્થાન રૉયલ્સની ટીમ દબાણમાં જણાઈ રહી હતી.
બાદમાં ક્રીઝ પર આવેલા રિયાન પરાગ અને શિમરન હેટમાયરે ક્રીઝ પર ટકી રહીને પાર્ટનરશિપ બનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ એક છેડેથી સતત વિકેટો ગુમાવી રહેલી રાજસ્થાન રૉયલ્સની ટીમ માટે જાડેજા તારણહાર બન્યા. તેમણે પહેલાં ડોનોવન ફરેરા અને બાદમાં શુભમ દુબે સાથે અણનમ 49 રનની પાર્ટનરશિપ કરી અને ટીમના સ્કોરને 150 પાર લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
લખનૌની બૉલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસિન ખાનને બબ્બે વિકેટ મળી હતી. આ ત્રણેય બૉલરોએ પ્રમાણસર સારું બૉલિંગ પ્રદર્શન કરી બતાવ્યું હતું.
લખનૌ સુપર જાયન્ટ્સનો ધબડકો
રાજસ્થાન રૉયલ્સની આ જીત લખનૌ માટે ટુર્નામેન્ટમાં સતત ચોથી હારનું કારણ બની હતી.
લખનૌની શરૂઆત પણ કંઈક રાજસ્થાન રૉયલ્સની ટીમ જેવી જ રહી, લખનૌની ટીમે પણ પ્રથમ ત્રણ ઓવરમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી અને ટીમ શરૂઆતથી જ દબાણમાં દેખાઈ હતી. પહેલાં પ્રથમ ઓવરમાં ઓપનર આયુશ બદોની શૂન્ય પર રનઆઉટ થઈ ગયા, એ બાદ બીજી ઓવરમાં કૅપ્ટન ઋષભ પંત શૂન્ય પર નાંદ્રે બર્ગરના બૉલ પર ધ્રુવ જુરેલને કૅચ દઈ બેઠા અને પેવેલિયન પાછા ફર્યા.
ત્રીજી ઓવરમાં શૂન્ય પર મારક્રમ જૉફ્રા આર્ચરના બૉલ પર ધ્રુવ જુરેલને કૅચ દઈ બેઠા, જોકે, એક છેડે ઓપનર મિચેલ માર્શે પોતાની વિકેટ જાળવી રાખી હતી.
પરંતુ વિકેટો પડવાનો આ સિલસિલો ચાલુ રહ્યો અને અંતે 16મી ઓવરમાં ક્રીઝ પર જામી ગયેલા ઓપનર અને લખનૌની કદાચ અંતિમ આશા સમાન મિચેલ માર્શ પણ 41 બૉલ પર 55 રનના વ્યક્તિગત સ્કોરે નાંદ્રે બર્ગરના બૉલ પર રિયાન પરાગને કૅચ દઈ બેઠા અને પેવેલિયન પાછા ફર્યા. એ બાદ લખનૌની ટીમને સમેટાવામાં વધુ વાર ન લાગી, માત્ર 18 ઓવરમાં આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ અને 40 રનથી હારનો સામનો કરવો પડ્યો.
રાજસ્થાન રૉયલ્સ વતી જૉફ્રા આર્ચર સૌથી સફળ બૉલર સાબિત થયા. તેમણે ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને એક મેડન ઓવર ફેંકવાની સાથોસાથ ત્રણ વિકેટો પણ ઝડપી.
નાંદ્રે બર્ગર અને બ્રિજેશ શર્માને બબ્બે અને રવીન્દ્ર જાડેજા અને રવિ બિશ્નોઈને એકેક વિકેટ મળી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન