ગુજરાત: 'મારાં ભાઈ-ભાભીની કોઈ ભાળ નથી મળી', નેપાળ પૂરમાં ગુમ થયેલા ગુજરાતીઓના સ્વજનો ચિંતામાં

ઇમેજ સ્રોત, Apoorva Parekh/Nachiket Mehta/ASHUTOSH AYACHI
બુધવારે સવારે નેપાળ-તિબેટની બૉર્ડરે અચાનક આવેલા પૂર બાદ આ દુર્ઘટનામાં 350 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાની નેપાળ પોલીસે પુષ્ટિ કરી છે.
આ હોનારતમાં 900 કરતાં વધુ લોકો ગુમ જણાવાઈ રહ્યું છે, જેમાં સંખ્યાબંધ ભારતીયો પણ સામેલ છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે નેપાળમાં પૂર આવ્યા બાદ ત્યાં હાજર 288 ભારતીયો સાથે સંપર્ક નથી થઈ શક્યો.
હવે, બીજી તરફ, ગુમ થયેલા લોકોમાં 18 ગુજરાતીઓ પણ હોવાની વાતની પુષ્ટિ થઈ છે.
રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના ડિરેક્ટર સુભાષ સાવલિયાએ ગુમ થયેલા ગુજરાતીઓની આ યાદી જાહેર કરી હોવાની પુષ્ટિ કરી છે.
રણધીર જયસ્વાલે અગાઉ માહિતી આપતાં કહ્યું હતું કે જેમનો સંપર્ક નથી થઈ શકી રહ્યો એવા ભારતીયોમાંથી 73 'ત્રિશુલી-1' પાવર પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે પૂર બાદ ફસાયેલા 21 ભારતીયોને બચાવી લેવાયા હતા.
નેપાળમાં કોણ-કોણ ગુમ થયું? રાજ્ય સરકારે જાહેર કરી યાદી

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકારે ગુમ થયેલા ગુજરાતી લોકોની યાદી જાહેર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ યાદીમાં કિન્નરી પટેલ, મિહિર પટેલ, બિમલ પટેલ, જૈમિનાબહેન પટેલ, અશોકભાઈ ધીરજલાલ કાપડી, બિમલકુમાર પટેલ, જૈમિનાબહેન પટેલ, જય કોટેચા, રોમા દિલીપભાઈ ઈંટવાડા, પરેશભાઈ નટવરલાલ પટેલ, જ્યોતિબહેન પટેલ, મીનાક્ષીબહેન રામાણી, દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ, આકાંક્ષાબહેન પટેલ, ઈશાન પટેલ, અમિતા અમીન, તેજલ પટેલ, જિતેન્દ્ર પટેલ અને ભાવીનકુમાર રજનીકાંત રાવલનાં નામ સામેલ છે.
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના ડિરેક્ટર સુભાષ સાવલિયા સાથે બીબીસીએ વાત કરી છે. તેમણે કહ્યું કે, "જેઓ નેપાળ ગયા છે અને જેમનો સંપર્ક નથી થઈ રહ્યો તેની આ યાદી છે, અને અમને આ રાજ્યના વિવિધ જિલ્લા તરફથી પ્રાપ્ત થઈ છે. અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
આ 18 ગુમ ગુજરાતીની યાદીમાં આણંદના બે, રાજકોટના એક, વલસાડના એક, સુરતના ત્રણ, મુંબઈના એક, ખેડાના ત્રણ, અમરેલીના એક, ગાંધીનગરના ચાર અને વડોદરાના બે નાગરિકોનો સમાવેશ થાય છે. આ ગુમ ગુજરાતીઓ પૈકી કેટલાક એનઆરઆઈ પણ છે.
ગુમ થયેલા લોકો અંગે મળેલી પ્રાથમિક વિગતો અનુસાર મૂળ ગુજરાતી અને અમેરિકન નાગરિકો એવાં પતિ-પત્ની બિમલ અને જૈમિના પટેલ ગત 16 ઑગસ્ટના રોજ નેપાળ ફરવા ગયાં હતાં.
નેપાળ બાદ માનસરોવર યાત્રાએ જવાનું આયોજન ધરાવતાં આ દંપતીની આ ઘટના બાદથી કોઈ ભાળ મળી નથી. છેલ્લે દંપતી ચીનના વિઝા મેળવવા માટે દૂતાવાસ પહોંચ્યાં હતાં, જે બાદથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
બિમલકુમાર પટેલના મોટા ભાઈ ધર્મેન્દ્ર પટેલે કહ્યું કે, "મારો નાનો ભાઈ 20 વર્ષથી તેના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયો છે. તેઓ 28 જુલાઈએ અમને મળવા અહીં આવ્યાં હતાં. બંને પતિ-પત્ની 16 ઑગસ્ટ નેપાળ માટે નીકળ્યાં હતાં. 26 ઑગસ્ટે બંને માનસરોવર જવા માટે ઇમિગ્રેશન ઑફિસમાં ઊભાં હતાં, એ બાદથી અમારી કોઈ વાત થઈ નથી."
"અમને 26 ઑગસ્ટના રોજ બપોરે સ્થાનિક ટ્રાવેલ એજન્ટે મારા ભાઈનો સંપર્ક ન થઈ શકી રહ્યો હોવાની વાત જણાવી હતી. જે બાદ અમે અહીંથી પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો કોઈ સંપર્ક નહોતો થઈ શક્યો."

ઇમેજ સ્રોત, ASHUTOSH AYACHI
તો બીજી તરફ, વલસાડના હાલર વિસ્તારમાં રહેતો એક પરિવાર પણ આ દુર્ઘટના બાદ હવે ચિંતામાં છે, કારણ કે પરિવારની દીકરી, રોમા ઈંટવાલાનો 25 ઑગસ્ટ બાદથી સંપર્ક નથી થઈ શક્યો. તેઓ મુંબઈથી એક ગ્રૂપ સાથે હવાઈ માર્ગે કાઠમંડુ અને નેપાળના પ્રવાસે પહોંચ્યાં હતાં. તેમના ગ્રૂપમાં 62 લોકો સામેલ હતા.
તેમના પિતાનું કહેવું છે કે, "મારી પાસે વાયા-વાયા સમાચાર આવ્યા છે કે તેનું ગ્રૂપ સલામત છે, પરંતુ જ્યાં સુધી મારી તેની સાથે સીધી વાત નહીં થાય ત્યાં સુધી તો ટેન્શન રહેશે જ."
આ ઉપરાંત ભુજના ટૂર ઑપરેટર શૈલેશ માહેશ્વરી સાથે કચ્છમાંથી કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલા 43 કચ્છી યાત્રાળુ સલામત હોવાના સમાચારથી તેમના પરિવારજનોમાં રાહતની લાગણી પ્રસરી હતી.

ઇમેજ સ્રોત, HARDIK/BBC
વડોદરા ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિકના જણાવ્યા પ્રમાણે મૂળ ગુજરાતી પરંતુ ન્યૂઝીલૅન્ડના બે નાગરિકો પણ નેપાળમાં આવેલા પૂર બાદ લાપતા થયા છે.
હાર્દિક જણાવે છે કે "જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલનાં બહેન-બનેવી, કિન્નરી પટેલ અને મિહિર પટેલ લાપતા થયાં છે. બંને ન્યૂઝીલૅન્ડમાં હૅમિલ્ટનમાં રહે છે. તેઓ ત્યાંથી કાઠમંડુ ગયાં હતાં. તેમણે 24મી ઑગસ્ટથી કૈલાશ-માનસરોવરની યાત્રા શરૂ કરી હતી. નેપાળમાં ભયાવહ પૂર આવ્યું ત્યાર પછી તેમનો કોઈ સંપર્ક થયો નથી."
નેપાળમાં અચાનક પૂર કેવી રીતે ત્રાટક્યું?

ઇમેજ સ્રોત, Reuters
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે નેપાળ-તિબેટ સરહદ પર હિમખંડ એટલે કે ગ્લેશિયર તૂટી પડવાને કારણે અચાનક પૂર આવ્યું હતું. કારણ ગ્લેશિયરનું ધ્વસ્ત થવું હતું. વૈજ્ઞાનિકોએ બીબીસીને જણાવ્યું કે આ ઘટના હિમાલયના હિમનદો ઝડપથી પીગળી રહ્યાં હોવાના ગંભીર પ્રશ્નને ઉજાગર કરે છે.
ભૂકંપની શરૂઆતની જાણકારીઓને કારણે ઘણા લોકો માનતા હતા કે ભૂકંપના આંચકાથી ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આ પૂર આવ્યું અને જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 177 લોકોનાં મોત થયા છે.
જોકે, બાદમાં યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) એ સ્પષ્ટ કર્યું કે આ આપત્તિ "ગ્લેશિયલ કોલેપ્સ" એટલે કે ગ્લેશિયર અથવા તેના કોઈ ભાગના ધરાશાયી થવાને કારણે સર્જાઈ હતી.
USGSના આંકડા અને આ ઘટનાનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, તૂટી પડેલો ગ્લેશિયર ખીણના તળિયે અથડાતાં એટલો પ્રચંડ આઘાત સર્જાયો હતો કે તેની તીવ્રતા 5.2 મેગ્નિટ્યૂડ જેટલી નોંધાઈ હતી.
યુનિવર્સિટી ઑફ ડન્ડીના ગ્લેશિયર નિષ્ણાત ડૉ. સાયમન કુકે બીબીસીને જણાવ્યું કે તેમની ટીમે શોધી કાઢ્યું છે કે નેપાળમાં લાંગટાંગ લિરુંગ શિખર નજીક આવેલા ગ્લેશિયરના નીચલા ભાગનો ધરાશાયી થયો હતો. આ સ્થળ પૂરગ્રસ્ત વિસ્તારથી આશરે 15 કિલોમીટર (9 માઇલ) પશ્ચિમમાં આવેલું છે.
તેમણે અંદાજ વ્યક્ત કર્યો હતો કે ગ્લેશિયર ઉત્તર-પશ્ચિમ દિશામાં તૂટી પડ્યો અને ત્યારબાદ પશ્ચિમ તરફ વહેતા પ્રવાહ સાથે નીચાણવાળા વિસ્તારો તરફ આગળ વધ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















